Get The App

લાલ અને ગીતાનો કોન્સનટ્રેશન કેમ્પમાંથી આબાદ બચાવ..

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
લાલ અને ગીતાનો કોન્સનટ્રેશન કેમ્પમાંથી આબાદ બચાવ.. 1 - image


- કોન્સનટ્રેશન કેમ્પની ગેસ ચેમ્બરોમાં લાખ્ખો યહૂદીઓના કાળજુ કંપાવતા મોત વચ્ચે..

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-10

- બીજા વિશ્વયુદ્ધના અંત પછી ઓક્ટોબર 1945માં લાલ અને ગીતા લગ્ન ગ્રંથિથી જોડાયા

- કોન્સનટ્રેશન કેમ્પમાં ચોતરફ વ્યાપી ગયેલા મોતના માહોલ વચ્ચે પ્રેમ પાંગર્યો..

બ્લોકમાંથી બહાર આવેલા કેદીઓની પાછળ નાદયા ઊભી હતી. લાલે તેની સામે જોયું. બધા સ્ત્રી, પુરૂષ અને બાળ કેદીઓના ગુ્રપને વળોટી લાલ નાદયા નજીક જઇને ઊભો રહ્યો. તેણે નાદયાના ગાલ પરથી આંસુ લુછી કહ્યું, તને જોઇ મને ખુશી થઇ છે.

ગળગળા અવાજે નાદયા બોલી અમને બધાને તારી ખોટ સાલતી હતી, મનેય ખાસ તારી ખોટ સાલી છે.

લાલે કશુંય બોલ્યા વગર ચુપચાપ માથું હલાવ્યું. બધાની સામે તેની આંખોમાંથી અશ્રુ સરી પડે તે પહેલા લાલે અહીંથી ઝડપથી બીજે જતું રહેવું 'તું. એ સત્વરે તેની રૂમમાં જતો રહ્યો, બારણું બંધ કરી તેના જૂના ખાટલા પર પડી આંખો બંધ કરી દીધી. તે અડધો-પડધો ઊંઘમાં સરી પડયો તેવામાં કોઈનો વિચિત્ર સવાલ સાંભળ્યો, તને શું ચોક્કસ ખાતરી છે કે તું બિલાડી નથી.?

આવો વિચિત્ર પ્રશ્ન સાંભળી લાલે હળવેથી આંખો ખોલી અને પોતે ક્યાં છે, તે વિચારવા લાગ્યો. પુરેપુરી આંખો ખુલતા જ તેણે બરેસ્કીને સામે ઊભેલો જોયો.

લાલે સવાલ કર્યો, શું? બરેસ્કીએ હસતા હસતા ફરી કહ્યું, તું નક્કી બિલાડી છે, કારણ બીજા બધા કરતા તારે વધારે જિન્દગી હોય એવું લાગે છે.

(એવુ કહેવાય છે કે બિલાડીને નવ જિન્દગી હોય છે, કોન્સનટ્રેશન કેમ્પમાં લાલ વારંવાર મોતના મુખમાંથી બચી જતો હોવાના સંદર્ભમાં બરેસ્કીએ તેને આવો સવાલ પૂછ્યો હતો.)

લાલે ખાટલામાંથી ઊભા થવાની કોશિશ કરી.

''તું અહીં પાછો કઇ રીતે આવી ગયો?''

''ખબર નહીં''

પણ એ પછી બન્નેને ખ્યાલ આવી ગયો કે સિલ્કાએ જ રોજ તેનો 'દુરૂપયોગ' કરતા પેલા લંપટ નાઝી અફસર દ્વારા લાલને છોડાવ્યો છે.

''કોન્સનટ્રેશન કેમ્પમાં મોતના મુખમાંથી આ રીતે કોઇ ક્યારેય પાછું ફર્યૂં હોય તેવો એકપણ દાખલો મેં જોયો-સાંભળ્યો નથી, તારૃં તો બહું જ સારૃં થઇ ગયું, બરેસ્કીએ લાલને શાબાશી આપતા કહ્યું.

''મને  થોડી ચોકલેટ મળી જાય તો સારૃં, મારે સિલ્કાને આપવી છે.''

'''ટેટુઈસ્ટ તું આમ ન કરીશ. તારી પર હવે ચોકિયાતો ખાસ નજર નાંખતા રહેશે. ચાલ, હવે તું મારી સાથે. હું તને તારા કામ પર લઈ જવા માટે આવ્યો છું.''

બેરેસ્કી રૂમમાંથી લાલની સાથે કમ્પાઉન્ડમાં બહાર આવ્યો જ્યાં ટ્રક ભરીને પુરૂષો આવ્યા હતા, અને તેમના હાથ પર ટેટુ ચીતરાવવા બધાને લાઈનમાં ઊભા રખાતા હતા.

લાલે જોયું તો લિઓન ટેટુ પાડવા બેઠો હતો, પણ તેના હાથ માંથી ટેટુ સ્ટીક પડી જતી હતી અને શાહી બહાર ઢોળાતી હતી. આથી લાલને મનોમન હસવું આવી ગયું. પાછળથી લાલ તેની નજીક ગયો અને પૂછ્યું, તને મદદ કરૃં ?

લાલનો અવાજ સાંભળી ઉતાવળે લિઓને તેના તરફ જોઈ હાથ મિલાવવા ગયો એવામાં તેના હાથની અડફટે શાહીની બોટલ ટેબલ પરથી નીચે પડીને, બધી જ શાહી ઢોળાઈ ગઈ. પણ લિઓને આનંદના અતિરેકમાં જોરથી લાલનો હાથ પકડી રાખ્યો.

''તને જોઈ મને બહુ જ આનંદ થયો છે. સાચુ કહું છું, તને પાછો આવેલો જોઈ મને ખૂબ સારૃં લાગે છે. તું કેમ છે ?''

''સારૃં છે. તને અહી જોઈ મને ઓર સારૃં લાગે છે.''

''ચાલ તો હવે આપણે બન્ને ટેટુ ચીતરવાના કામે લાગી જઈએ.એ લોકો ટેટુ ચીતરાવવા માટે બીજા ઘણા સ્ત્રી-પુરૂષોને આપણી પાસે મોકલી રહ્યા હોવાનું લાગે છે.''

''તું પાછો આવ્યો તેની ગીતાને ખબર છે ખરી ?'' લિઓને લાલને સવાલ કર્યો.

''મને લાગે છે કે તેને ખબર છે. કારણ કે મને તેની ફ્રેન્ડ સિલ્કાએ જ છોડાવ્યો છે. ''

''સિલ્કા એટલે એ જ છોકરી જેને નાઝી....

''હા, હું ગીતા અને સિલ્કાને કાલે મળવાનો છું.''

''ચાલ, હવે મને ટેટુ ચીતરવાની પેલી એક સ્ટીક આપ, હું જ્યાં હતો ત્યાં ફરી મને ધકેલી દેવા માટેનું એકેય બહાનું હું, હવે તેમને આપવા નથી માગતો.''

લાલ અને લિઓને ભેગા મળી નવા આવેલા પુરૂષ કેદીઓના હાથે ટેટુ ચીતરવાનું કામ શરૂ કરી દીધું.

બીજે દિવસે બપોરે લાલ એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગની બહાર ગીતાની રાહ જોતો ઊભો રહ્યો. દાના અને  ગીતા બિલ્ડિંગની બહાર નકળ્યા, પણ બન્નેએ લાલને જોયો નહીં એટલે લાલ સીધો એ બન્નેની સામે  રસ્તો રોકતો આવીને ઊભો થઈ ગયો. 

એક ક્ષણ તો બન્ને છોકરીઓ સ્તબ્ધ થઈને ઊભી જ રહી ગઈ પણ બીજી જ ક્ષણે બન્ને હાથ લંબાવીને દાના-ગીતા લાલને વળગી પડી. દાના તો રીતસર રડી જ પડી, પણ ગીતાની આંખમાંથી આંસુ ના સર્યા.

''તમે બન્ને હજી રૂપાળા જ લાગો છો'' લાલે સસ્મિત ટકોર કરી.

ગીતાએ ડાબા હાથથી તેને એક ચૂંટલો ભરી લીધો. 

''મને લાગ્યું કે તમે મરી ગયા હશો અને ફરી હું તમને જોઈ જ નહીં શકું'' ગીતાએ કહ્યું.

દાનાએ પણ કહ્યું, હું પણ એવું જ વિચારતી હતી. 

પણ હું મર્યો નથી. આભાર તારો અને સિલ્કાનો. કે હું નથી મર્યો. આજે હું તમારી બે સામે જીવંત ઊભો છું.

દાનાએ લાલના ગાલે ચુંબન કરતા કહ્યું, હું તમને બન્નેને એકલા છોડીને જઉં છું. તને જોઈ બહું સારૃં લાગે છે, લાલ. જો તું વેળાસર અહીં પાછો ન આવ્યો હોત તો ભગ્ન હૃદયે ગીતા મરી જ ગઈ હોત.

''આભાર દાના. તું અમારા બન્નેની ખાસ મિત્ર છે.''

દાના બન્નેને એકલા મુકી ચાલતી થઈ. 

લાલે ગ્રીષ્મના ગરમ લાંબા દિવસો ગીતા સાથે કે ગીતાના વિચારોમાં વીતાવ્યા. ટેટું ચીતરવાનો તેનો કાર્યભાર ઓછો જ નહોતો થતો. હંગેરીના હજારો યહૂદીઓ અહીંના કોન્સનટ્રેશન કેમ્પમાં ઠલવાઈ રહ્યા હતા. 

એક રાતે અચાનક શોરબકોર થતાં લાલ ઊંઘમાંથી જાગી ગયો, તેણે જોયું તો તેના બ્લોકના બધા જ સ્ત્રી-પુરૂષોને નાઝી સૈનિકો ઊંઘમાંથી ઊઠાડીને બ્લોક બહાર ધકેલતા હતા. લાલે બહાર આવીને જોતા જ એ ચમક્યો. બહાર ટ્રકો ઊભી હતી અને બધાને ટ્રકમાં ધકેલાતા હતા. ત્યાં નાદયાને જોતા જ લાલ ગભરાઈ ગયો. તેને પણ ટ્રકમાં બેસાડી દેવાઈ હતી..

લાલ સમજી ગયો. આ બધાને ગેસ ચેમ્બરમાં લઈ જવાય છે. 

રોજ સેંકડોની સંખ્યામાં કેદી યહૂદીઓને કોન્સનટ્રેશન કેમ્પના ગેસ ચેમ્બરોમાં લઈ જઈ સામૂહિક રીતે તેમને યમ દ્વારે મોકલી દેવાતા હતા..

પણ લાલ અને ગીતા પ્રારબ્ધના બળિયા હતા... બંને યમદૂત જેવા કોન્સનટ્રેશન કેમ્પમાંથી હેમખેમ બચીને બહાર આવી ગયા તેની વાત હજી લાંબી છે... પણ ટૂંકમાં એ બંને બહાર આવી ગયા પછી વિશ્વયુદ્ધ પર વર્ષ ૧૯૪૫માં પૂર્ણવિરામ મૂકાયું અને એ વર્ષના ઓક્ટોબરમાં લાલ-ગીતા લગ્નગ્રંથિથી જોડાઈ ગયા. લાલે યુરોપ અને એશિયાના દેશોમાંથી સુતરાઉ અને રેશમના સુંદર કાપડ અને વસ્ત્રોની આયાત શરૂ કરી. તે ખૂબ કમાયો...

(સંપૂર્ણ)

Saransh

Google NewsGoogle News