યહૂદી યુવાનોને ઠાંસીઠાંસીને 'કેટલ ટ્રેન'માં ધકેલ્યા..

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
યહૂદી યુવાનોને ઠાંસીઠાંસીને 'કેટલ ટ્રેન'માં ધકેલ્યા.. 1 - image


- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપના દેશોમાંથી હિટલરના નાઝી સૈનિકોએ

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-1

- બે દિવસની મુસાફરીમાં યહૂદીઓને નાઝી સૈનિકોએ કશું જ ખાવાનું નહોતું આપ્યું

- ઢોરની હેરાફેરી માટેની માલગાડીના વેગનોમાં ભારે દુર્ગંધથી યહૂદીઓ ત્રાસી ગયા..

ઢોરની હેરાફેરી માટેની માલગાડીના વેગનોમાં યુવાનોને ઠાંસી ઠાંસીને ભરાયા હતા - ખીચોખીચ, ભરચક. આમથી તેમ જરીકેય હલનચલન માટેની મોકળાશ નહોતી. કેટલ્સના વહન માટેની આ ગુડસ ટ્રેન હતી, એટલે તેમાં વોશરૂમની સવલતનો તો કોઇ પ્રશ્ન જ નહોતો... વેગનમાં બધા જ યહૂદી યુવાનો હતા.

વેગનના બે ખૂણે બે બાલદી મુકાયેલી હતી. ભીંસાભીંસ ભરાયેલા વેગનમાંના યુવાનો માટે તે વોશરૂમ હતા..! સ્વાભાવિકરીતે જ વેગનમાં સતત ભયંકર દૂર્ગંધ ફેલાયેલી રહેતી હતી.

વેગનમાંના સેંકડો યુવાનો પૈકીના એકનું નામ લાલ હતું. ૨૪ વર્ષનો આ યહૂદી યુવાન સ્લોવેકિઆનો હતો.

નાના કસ્બા અને નગરોમાં રહેતા યહૂદી યુવાનોને પકડી પકડીને જર્મનીમાં મજૂરી માટે લઇ જવામાં આવે છે, તેવી વાતો વહેતી થતા જ લાલ તેના વતનના ગામ ક્રોમ્પાચી (સ્લોવાકિઆ) રહેવા જતો રહ્યો હતો. સમય એવો હતો કે યહૂદીને સ્લોવાકિઆમાં કામ કરવા દેવાતા નહોતા. ધંધો કરતા યહૂદી યુવાનોના ધંધા બંધ કરી દેવાયા હતા.

લાલના ઘરમાં એકમાત્ર તેની બહેન જ કામ પર જતી હતી. તેની આવક પર ઘર ચાલતું હતું. તે વહેલી સવારના અંધારામાં ઘેરથી કામ પર જવા માટે નીકળી જતી હતી અને રાત ઢળે ત્યારે અંધારામાં પાછી ઘેર આવતી હતી. છોકરીઓ અને સ્ત્રીઓના ડ્રેસ સીવવાનું તે કામ કરતી હતી.

એક દિવસ તેના બોસે તેને એક પોસ્ટર આપીને કહ્યું, આ પોસ્ટર તારા ગામમાં લગાડવાનું છે. તેમાં એવી માંગણી કરાઇ હતી કે, દરેક યહૂદી પરિવારે તેમના ૧૮ કે તેનાથી મોટી ઉંમરના એક યુવાનને આપી દેવાનો છે. - જર્મન સરકાર માટે કામ કરવા.

મોટા શહેરો અને નગરોમાં જે વાત વહેતી થઇ હતી તે ફરતી - ફરતી હવે અમારા નાના ગામ ક્રોમ્પાચીમાં પણ આવી પહોંચી હતી. હિટલરનું કહ્યું બધું જ કરવા માટે સ્લોવાકિઅન સરકાર સંમત થઇ ગઇ હોય તેમ લાગતું હતું. 

મારી બહેન જે પોસ્ટર લઇને ઘેર આવી તેમાં  મોટા, બોલ્ડ અક્ષરે ચેતવણી અપાઇ હતી કે, જો કોઇ કુટુંબ તેના પરિવારના યુવાનની સોંપણી નહીં કરે, તો આખાને આખા પરિવારને કોન્સન્ટ્રેશન કેમ્પમાં લઇ જવાશે.

આ ચેતવણી વાંચીને લાલના મોટાભાઇ મેકસે કહ્યું, મને હિટલરના સૈનિકોને સોંપી દેજો. પણ લાલ જવા માટે મક્કમ હતો. તેણે મોટાભાઇને તુરત કહ્યું, ના, તમારે નથી જવાનું, હું જ જઇશ.

મોટાભાઇ મેક્સ પરિણીત હતા - ઘેર પત્ની અને બે બાળકો હતા, તેથી ઘરમાં તેમની વધારે જરૂર હતી.

બીજે દિવસે લાલ પોતે સ્થાનિક સરકારી ખાતામાં ગયો અને કોન્સન્ટ્રેશન કેમ્પમાં જવા માટે હું તૈયાર છું, તેમ કહી પોતાનું નામ લખાવી આવ્યો.

લાલને ત્યાંથી જવાબ મળ્યો કે, તું ઝેક રિપબ્લિકના પાટનગર પ્રાગ પહોંચી જા. અને ત્યાંના સરકારી વિભાગમાંથી તને આગળની સૂચના મળશે.

પોતાના નાનકડા ગામ ક્રોમ્પાચીથી લાલ ઝેક રિપબ્લિકના પાટનગર પ્રાગ પહોંચ્યો.

બધાને બીજે દિવસે સવારે પ્રાગ રેલ્વે સ્ટેશને હાજર થવાની સૂચના અપાઇ. ગામે-ગામ અને નગર-નગરથી સેંકડો યુવાનો પ્લેટફોર્મ પર આવી ગયા હતા.

લાલને ખબર નહોતી કે ત્યાંથી બધાને ક્યાં લઇ જવાના છે એટલે એ તો ઇસ્ત્રીટાઇટ સૂટ, સફેદ શર્ટ અને ટાઇ પહેરીને પ્લેટફોર્મ પર પહોંચ્યો હતો.

પ્લેટફોર્મ પર ઊમટી આવેલા યહૂદી યુવાનોને પેસેન્જર ટ્રેનમાં નહીં, પણ 'કેટલ ટ્રેન'માં ઠાંસી ઠાંસીને ધકેલી દેવાયા. 

છેલ્લા બે દિવસથી સેંકડો યહૂદી યુવાનો કેટલ ટ્રેનમાં હતા. કોઇએ બે દિવસથી દાઢી નહોતી કરી કે સ્નાન સુધ્ધા કર્યૂં નહોતું. વોશરૂમ તરીકે મુકાયેલી બાલદીઓ ભરાઇ ગઇ હતી. બે જણે બાલદીઓ ઊંચકીને વેગન બહાર ઢોળી દેતા, દુર્ગંધમાં થોડો ઘટાડો થયો..

કેટલ ટ્રેનમાં મુસાફરી દરમિયાન વચ્ચે વચ્ચે ઘણાં સ્ટોપ્સ આવ્યા. કોઇ જગ્યાએ થોડી મિનિટો તો કોઇ સ્થળે કલાકો સુધી ગુડસ ટ્રેન થોભતી હતી. દરેક સ્ટોપેજ વખતે માલગાડી સ્ટેશનના પ્લેટફોર્મ પર નહીં, પણ તેનાથી થોડે દૂર ઊભી રખાતી હતી. 

બીજા યુવાનોથી લાલ ઘણો જુદો તરી આવતો હતો - તેના સૂટ અને ટાઇના કારણે.

એક જણે તેને પૂછ્યું, આ લોકો આપણને ક્યાં લઇ જાય છે?

લાલે જવાબમાં કહ્યું, આપણને ક્યાં લઇ જઇ રહ્યા છે, એ પ્રશ્ન મહત્વનો નથી. અગત્યની વાત યાદ રાખ કે આપણે ઘેર આપણો પરિવાર સલામત રહે એટલે આપણે બધા અહીં છીએ.

બીજાએ બીજો સવાલ કર્યો, હવે કેટલ ટ્રેન ઊભી રહે ત્યારે આપણે બધાએ શું ભાગી જવાનો પ્રયાસ ના કરવો જોઇએ? એ લોકો કરતા આપણી સંખ્યા વધારે છે.

લાલે શાંત ચિત્તે હળવાશથી જવાબ આપતા કહ્યું, આપણે બધા નિઃશસ્ત્ર છીએ, એ બધા પાસે રાઇફલો છે. આવા સંજોગોમાં કોની જીત થશે, એ તારે પહેલાં વિચારી લેવું જોઇએ.

સવાલ પૂછનાર યુવાન લાલનો જવાબ સાંભળી ઠંડો પડી ગયો. વેગનમાંના બધા જ યુવાનોના ચહેરા પર ભય છવાયેલો હતો.

આગળ પર હવે શું થશે? એ વિચારને મનમાંથી હડસેલી દેવાની લાલ કોશિશ કર્યા કરતો હતો. તેને પ્રાગમાં એવું કહેવામાં આવ્યું હતું કે તમને બધાને જર્મનો માટે કામ કરવાના હેતુથી લઇ જવાના છે. લાલ મનોમન માત્ર તેના પરિવારની સલામતીનો વિચાર જ કરતો હતો. તેણે પરિવાર માટે બલિદાન આપ્યું હતું, તેથી તેને કોઇ દુઃખ, દિલગીરી કે પસ્તાવો નહોતો થતો.

થોડી થોડી વારે કોઇને કોઇ યુવાન લાલને આવા એક જ પ્રકારના સવાલ પૂછ્યા કરતા હતા. આપણને ક્યાં લઇ જવાય છે ? ત્યાં આપણું શું થશે? આપણી પાસે એ લોકો કેવા કામ કરાવશે?

લાલ બધાને શાંત ચિત્તે કહેતો, શાંત રહોને રાહ જુઓ. તેને એક વાતનું આશ્ચર્ય થતું કે બધા તેને જ કેમ સવાલો પૂછ્યા કરે છે? કારણ એની પાસે એવી કોઇ ખાસ માહિતી નહોતી કે તે બધાના જવાબ આપે. બીજાને જેમ કશી ખબર નહોતી તેમ એને પણ કશી જ જાણકારી નહોતી.

બધા તેને સવાલ પૂછવાનું કારણ તેનો ડ્રેસ હતો - તેણે સૂટ-ટાઇ પહેર્યા હતા.

કેટલ ટ્રેનના વેગનો એટલા ભરચક હતા કે કોઇથી બેસી શકાય તેટલી જગ્યાય નહોતી; માંડ ઊભા રહેવાય એટલા ઠાંસી ઠાંસીને નાઝી સૈનિકોએ બધાને વેગનમાં ધકેલ્યા હતા.

વેગનના સામા ખૂણે  અચાનક બે જણ વચ્ચે ભારે ચકમક ઝરી. બન્ને યુવાનો જોરશોરથી એકબીજાને ગમે તેમ બોલતા હતા. એ તરફ ભારે ધક્કામુક્કી શરૂ થઇ. પછી અચાનક જ પરમ શાંતિ છવાઇ ગઇ. તેવામાં કોઇક બોલ્યું, પેલાએ ઝઘડો કરનારને મારી નાંખ્યો..

Saransh

Google NewsGoogle News