સાચી સર્જનશીલતા યાદોમાં નથી, પણ સભાનતામાં છે
- ઓશો કહે છે: નવ્વાણુ ટકા 'મોડર્ન આર્ટ' મનોરૂગ્ણતા, પેથોલોજિકલ છે
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-4
- ઓશોના મતે સર્જનાત્મકતા એટલે એવી પરિસ્થિતિ જેમાં મગજ હાજર નથી
- એક વાત ખાસ યાદ રાખો: એક સાચી કલા સાચી ધાર્મિકતામાંથી જન્મ લે છે
તેઓ સર્જનાત્મક છે. હું તેમને એક કલાકાર કહીશ. બુધ્ધ, કૃષ્ણ કે લાઓ-ત્સે, આ બધા પણ ખરા સર્જક, ખરા કલાકાર હતા. તેમણે અસંભવ કરી બતાવ્યું. અજ્ઞાતની જ્ઞાત સાથેની મુલાકાત અશક્ય છે. મનની અ-મન સાથેની મુલાકાત અશક્ય છે. પણ તેઓ બધા આ કરી શક્યા છે.
તમે કહો છો, ''પણ યાદોને છોડી દઉં તો મારે સર્જનાત્મક કલ્પના શક્તિ પણ આપી દેવી પડે. મારો જવાબ છે - ના. તેને સર્જનાત્મક કલ્પનાશક્તિ સાથે કંઇ લેવા દેવા નથી. સાચું તો એ છે કે જો તમે તમારી યાદને બાજુ પર મુકો, તો તમારી પાસે સર્જનાત્મક કલ્પનાશક્તિ આવશે. પણ જો તમારા પર યાદોનો અતિશય બોજ હશે તો સર્જનાત્મક કલ્પનાશક્તિ તમારી પાસે નહીં આવે. સાચી સર્જનશીલતા યાદોમાં નથી - પણ સભાનતામાં છે. તમારે વધુ સભાન થવાનું છે.
બાળકને જન્મ આપવો એક વાત છે અને ઊલટી કરવી બીજી જ વાત છે. આજે જેને ''મોડર્ન આર્ટ'' કહે છે, તે આ જ છે, બીજું કાંઇ નહીં. પિકાસોના ચિત્ર કોઇની ઊલટી જેવા છે. તેનાથી એને ફાયદો થયો, એ તેને માટે સારૃં હશે, પણ એ બીજા માટે સારૃં નથી.
જ્યારે માઇકલ એન્જેલોના ચિત્રોનું જેટલું વધારે ધ્યાન કરશો, એટલા વધારે શાંત, શાંતિમય બનશો. પિકાસો ઊલટી કરે છે, માઇકલ એન્જેલો જન્મ આપે છે, નિત્સે ઊલટી કરે છે, બુધ્ધ જન્મ આપે છે. આ બન્ને વચ્ચે બહુ મોટો તફાવત છે. બાળકને જન્મ આપવો એક વાત છે અને ઊલટી કરવી બીજી જ વાત છે.
બિથોવન જન્મ આપે છે, કંઇક અતિશય મૂલ્યવાન ચીજ તેમનામાંથી ઉતરી આવે છે. તેનું સંગીત સાંભળતા તમે બદલાઇ જાવ, એ તમને બીજી જ દુનિયામાં લઇ જશે. એ તમને બીજા કિનારાની ઝલક દેખાડશે.
નવ્વાણુ ટકા ''મોડર્ન આર્ટ'' મનોરૂગ્ણતા છે. એ જો દુનિયામાંથી દૂર થાય તો ખૂબ તંદુરસ્ત સમાજ બને. એ ઉપયોગી નીવડે, એનાથી કોઇ નુકસાન નહીં થાય. અત્યારનું આધુનિક મગજ એ ગુસ્સાવાળું મગજ છે જ કારણ કે તમે, તમારો ખુદનો સંપર્ક નથી કરતા, તમે બધાથી અર્થ ગુમાવી દીધો છે, કારણ તમને ભાવાર્થ જ ખબર નથી.
જ્યાં પોલ સાત્રેના ઘણાં જાણીતા પુસ્તકોમાનું એક છે : નોસિયા (Nausea) એટલે ''ઉબકો.'' અત્યારના મગજની આ સ્થિતિ છે; અત્યારના મગજને 'ઉબકા' આવે છે, કારણ કે તે તીવ્ર વેદના અનુભવે છે. અને આ પીડા તેણે જાતે ઊભી કરેલી છે.
ફ્રેડરિક નિત્સેએ જાહેર કર્યૂં 'તું, કે પ્રભુ મૃત્યુ પામ્યા છે. (GoD is dead) જે દિવસે તેણે આ જાહેર કર્યું એ દિવસથી એ પાગલ થવા લાગ્યો. પ્રભુને તમારી આવી જાહેરાતથી કોઇ ફેર નથી પડતો. પ્રભુ, તમારી જાહેરાતથી મૃત્યુ નથી પામતો. પણ જ્યારથી નિત્સે માનવા લાગ્યો કે પ્રભુ મૃત્યુ પામ્યા છે ત્યારથી તે પોતે મરવા લાગ્યો. તેણે સભાનતા ગુમાવવા માંડી. પ્રભુ વગરની દુનિયા પાગલ દુનિયા જ હોઇ શકે, તેમના વિનાની દુનિયા અર્થસભર હોય તેવો કોઇ સંદર્ભ જ રહેતો નથી. પ્રભુ સિવાય માનવની કોઇ મહત્તા નથી. નિત્સે માનતો કે માનવ હવે મુક્ત બની ગયો છે - પણ એ મુક્ત નહીં પરંતુ ગાંડો બની ગયો. અને આ સદી એક હજારને એક રીતે નિત્સેની પાછળ ચાલે છે, અને આખી સદીને ગાંડપણ વળગ્યું છે. ભવિષ્યના ઇતિહાસકારો તેને ગાંડપણની સદી તરીકે ઓળખશે.
યાદ રાખો : એક સાચી કલા - સાચી ધાર્મિકતામાંથી જન્મ લે છે, કારણ કે ધાર્મિકતા એટલે વાસ્તવિકતા સાથેનું ઐક્ય પ્રાપ્ત કરવું, અને જ્યારે તમે આવું ઐક્ય સાધો છો, ત્યારે જ સાચી કલા જન્મે છે.
સાચી કલા એ છે જે તમને ધ્યાનસ્થ થવામાં મદદરૂપ થાય.ગુર્જિફ સાચી કલાને વસ્તુનિષ્ઠ (objective art) કલા તરીકે ઓળખાવતા - જે તમને ધ્યાનની ક્રિયામાં મદદરૂપ થાય. તાજમહાલ ખરી કલા છે. પૂર્ણિમાની રાત્રે ત્યાં બેસો અને સુંદર કલાત્મકતાને નિહાળો, તો તમે અજ્ઞાતથી ભરાઇ જશો. તમે પેલે પારની કોઇ લાગણી અનુભવશો.
યાદ રાખો : મારા મતે સર્જનાત્મકતા એટલે સમાધિ અવસ્થા. સર્જનાત્મકતા એટલે એવી પરિસ્થિતિ, જેમાં મગજ હાજર નથી. પછી પ્રભુત્વ તમારામાં ઉતરે છે. પછી તમારામાં કંઇક સંભવે છે. આ આશીર્વાદ છે. અન્યથા એ ઊલટી છે. મને પ્રભુમાંથી જે કંઇ ઉતરી આવે, તે ગમે છે, તમે માત્ર વાહક છો.
યાદ રાખો, જ્યારે કોઇ પુસ્તક પુરૃં લખાઇ જાય એટલે એ બાળકના જન્મ જેવું હોય છે. - તમે આનંદ અનુભવશો, જેટલી તમારા સર્જનની ઊંડાઇ, તેટલો પાછળથી ખાલીપો વધુ.
માણસ જાત હવે એક ત્રિભેટે આવી ઊભી છે. આપણે મનુષ્યનું એક જ પરિમાણ જોયુ છે. તે હવે ઘસાઇ ગયું છે. આપણને એક ત્રિપરિમાણ્વિક (Three - Dimensional), વધુ શક્તિશાળી માણસની જરૂર છે. હું એને ત્રણ ''C'' કહું છું.
પહેલો C-Consciousness, ચેતના, બીજો C - Compassion, કરૂણા, ત્રીજો C-Creativity - સર્જનાત્મકતા.
ચેતના, એ અસ્તિત્વ છે. માણસનું હોવાપણું એટલે એની ચેતના. કરૂણા, માણસમાં રહેલી દયાની લાગણી, સામા માણસ માટે અને એકંદરે સમગ્ર જીવસૃષ્ટિ માટે કરૂણાની લાગણી અને સર્જનાત્મકતા એ ક્રિયા છે.
ઓશો કહે છે, મારી દ્રષ્ટિએ, નવા મનુષ્ય પાસે આ ત્રણ 'C' એક સાથે હોવા જોઇએ. હું તમારી સામે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર ફેકું છું, જે અઘરામાં અઘરો પડકાર છે, તમારા માટે સૌથી અઘરૃં કાર્ય છે - તમારે બુધ્ધની જેમ સાધના કરવી પડશે, કૃષ્ણની જેમ પ્રેમ કરવો પડશે અને માઇકલ એન્જેલો અને લિયોનાર્દો-દ-વિન્ચિની જેમ સર્જન કરવું પડશે.
તમારે બધુંય એકસાથે બનવાનું છે, ત્યારે જ તમે સમગ્ર બનશો. નહીં તો તમારામાં કંઇક ખૂટયા કરશે. એને કારણે તમે અધૂરા રહેશો.
જો તમે એક પરિમાણવાળા છો, તો તમે ખૂબ ઊંચું શિખર સર કરી શકશો, પણ તમે માત્ર એક શિખર જ હશો, મારે તો તમને સમગ્ર હિમાલયની હારમાળા જેવા જોવા છે, ફક્ત એક શિખર જ નહીં - પણ અગણિત શિખરોની હારમાળા જેવા જોવા છે. એક પરિમાણવાળો મનુષ્ય હારેલો છે, તે એક સુંદર પૃથ્વી સર્જી નથી શક્યો. એ પૃથ્વી પર સ્વર્ગ નથી સર્જી શક્યો. એ ખરેખર હારી ગયો છે. તે થોડા સુંદર મનુષ્યો બનાવી શક્યો છે, પણ આખી માણસ જાતને બદલી શક્યો નથી. તે સમગ્ર માણસ જાતની ચેતનાને ઉક્રાંત કરી શક્યો નથી. આપણને હવે વધુ જ્ઞાન આપી શકે તેવા માણસોની જરૂર છે, અને તે પણ ત્રણેય પરિમાણમાં અજવાળા પાથરી શકે તેવા.
(સંપૂર્ણ)