અમિતે, માર્ગમાં આગળ જોતા જ તેના હોશકોશ ઊડી ગયા..
- ઈસ્લામાબાદમાં ભારતીય રાજદૂતના બંગલેથી ઘરે જતી વેળા
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-8
- ત્રણ કાર તેનો રસ્તો રોકીને માર્ગની બરોબર વચ્ચેના ભાગમાં પાર્ક કરાયેલી હતી...
- હુમલાખોરોએ નિર્દયતાથી અમિતને એટલો ફટકાર્યો કે તે લોહીલુહાણ થઈને રસ્તા પર ઢળી પડયો..
લાગણીમાં અમિત ગળગળો થઈ ગયો....
ભામાએ કહ્યું, બાળકો એરપોર્ટ પર તમને લેવા આવવા માટે થનગની રહ્યા છે, પણ તમે ફલાઈટની ડિટેલ તો મોકલી નથી. કમ સ ેકમ તમે ફલાઈટ નંબર તો મોકલી આપો...
આટલી વાતચીત દરમિયાન ફોનમાં થોડી થોડી વારે ડિસ્ટર્બન્સ આવતું રહ્યું, અને સામેથી ભામાનો અવાજ પણ બરાબર સ્પષ્ટ સંભળાતો નહોતો. પરંતુ જેવો ભામાએ ફલાઈટ નંબર પૂછયો કે અવાજ સ્પષ્ટ સંભળાવા માંડયો અને ફોનમાં ડિસ્ટર્બન્સ ગાયબ થઈ ગયો.
અમિતને ખ્યાલ આવી ગયો કે ISI ના ગુપ્તચરો તેનો ફોન સાંભળી રહ્યા છે. એટલે અમિતે, ટૂંકમાં વાત પતાવતા ભામાને કહ્યું, તું નાયરનો સંપર્ક કરજે.
અચાનક ફોન કટ થઈ ગયો. અમિતે ફરી ફોન લગાડવા ઘણી કોશિશ કરી, પણ ફરી ફોન ના લાગ્યો તે ના જ લાગ્યો.
સાંજે ૭-૧૫ વાગે અમિત ઓફિસમાંથી નીકળ્યો, ત્યાં સુધીમાં બહાર અંધારૂ છવાઈ ગયુું 'તું. અમિત કાર લઈ મેઈન ગેટ પર પહોંચ્યો, ત્યાં ગાર્ડનો કમાન્ડર દોડતો આવ્યો અને કહ્યું, એમ્બેસેડર સર, તમને યાદ કરતા 'તા, તમે એમને અહીં ગાર્ડ રૂમમાંથી જ ફોન કરો.
અમિત મેઈન ગેટની સાઈડ પર કાર પાર્ક કરી ગાર્ડ રૂમમાં ગયો અને એમ્બેસેડર સુરિને ફોન કર્યો.
એમ્બેસેડરે કહ્યું, ઘેર જતા જતા રસ્તામાં તમે મારા ઘેર થોડી વાર માટે આવશો ? કેટલાક મુલાકાતીઓ તમને મળવા માંગે છે.''
અમિતે ૯ વાગે ડિનર માટે આકાશને ત્યાં પહોંચવાનું હતું, પણ તે સરને ના ન પાડી શકયો. એમ્બેસિમાંથી તે સીધો એમ્બેસેડરના બંગલે ગયો. ત્યાં બેઠેલા મુલાકાતીઓને જન્માક્ષર બતાવી બે-ત્રણ પ્રશ્નો પૂછવા હતા.
તેમની સાથે વાત પતાવી એમ્બેસેડરની રજા લઈ અમિત કારમાં પોતાના ઘેર જવા નીકળ્યો. ચોકીદાર ''ઈન્ડિયા હાઉસ'' (એમ્બેસેડરનું સત્તાવાર નિવાસસ્થાન) નો ગેટ ખોલતો હતો એટલામાં ગાર્ડનો કમાન્ડર દોડતો અમિતની કાર નજીક આવ્યો.
''સર, કાલે તમારા આશીર્વાદ લેવા હું બંગલે આવીશ''
''સવારે ૯ વાગે આવજે''
અમિત હવે ઘેર જવાની ઉતાવળમાં હતો, પણ કમાન્ડરે આગળ ચલાવ્યું,'' સાહેબ, આટલા મોડા તમારે બહાર ન નીકળવું જોઈએ. અગાઉ પણ મેં તમને ઘણી વખત કહ્યું છે, પણ તમે મારૃં નથી સાંભળતા. તમારા ઘર સુધીનો ૧૦૦ મિટરનો રસ્તો 'ખરાબ' છે. એ રોડ પર લાઈટ ઘણી ઓછી છે અને એ વિસ્તારમાં ગુંડા,મવાલીઓ બહુ ફરતા રહેતા હોય છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી તો સ્ટ્રીટલાઈટો પણ બંધ છે. મને ચોક્કસપણે આ ISIનું કાવતરૂ હોય તેમ લાગે છે.
કમાન્ડરના અવાજમાં અમિત પ્રતિની સાચી ચિંતા અભિવ્યક્ત થતી લાગતી હતી. અમિતે ગાર્ડ કમાન્ડરને કહ્યું'તું ચિંતા ન કરીશ. આ કાંઈ પહેલી વખત હું આટલો મોડો નથી જતા'ે. અને આટલું કહી કમાન્ડર જવાબમાં શું કહે છે તે સાંભળવાની રાહ જોયા વગર અમિતે ગાડી મારી મુકી.
પોતાના બંગલાની દિશામાં જવા સ્ટ્રીટ નંબર-૩૨ ઉપર જમણી બાજુ અમિતે વળાંક લીધો કે તુરંત તેણે જોયું તો અચાનક એક કારે તેનાથી કેવળ ત્રણેક મિટર જેટલી દૂરી પર રહીને પીછો શરૂ કર્યો. ડિનર પર જવામાં વિલંબ થતો હોવાથી અમિતે તેનો પીછો કરતી કારની ઉપેક્ષા કરી પોતાની કાર આગળ હંકાર્યે રાખી. રાજદૂતના નિવાસે તે ન ગયો હોત તો મોડું ના થાત, પણ રાજદૂતે. બોલાવ્યો હોવાથી તે ના પણ ન પાડી શક્યો.
માર્ગમાં અંધારપટવાળા ૧૦૦ મિટરના વિસ્તારમાં તે આવ્યો, એ વખતે તેનો પીછો કરતી કાર ડાબી બાજુથી તેની કારને ઓવરટેક કરી અંધારામાં અદ્રશ્ય થઈ ગઈ. એ કારને આગળની ''હેડલાઈટ'' કે પાછળની ''ટેલ લાઈટ'' નહોતી.
એ કાર અંધારપટવાળા રસ્તા પર આગળ નીકળી ગઈ કે તુરત પાછળ બીજી એક કારે તેનો પીછો શરૂ કર્યો. હવે અમિતને ચોક્કસપણે લાગ્યું કે કોઈક મુસીબત તેના માથે ઝળુંબી રહી છે. તેણે શક્ય તેટલી વહેલી તકે પોતાના બંગલે પહોંચી જવા માટે કારની ઝડપ વધારી. એક વખત પોતે બંગલાના કમ્પાઉન્ડમાં પ્રવેશી જાય પછી એકંદરે પોતે સલામત થઈ જશે એવી અમિતની ગણત્રી હતી, પણ એલચી કચેરીના અફસર માટે લાગુ પડતા સંરક્ષણના કેટલાક આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણોનું ઉલ્લંઘન કરી એ લોકો બંગલાના કમ્પાઉન્ડમાં ધસી પોતાના પર હુમલો કરે તો શું ? અમિતના મનમાં વિચારોના વમળ ઘુમી રહ્યા' તા. પાક ગુપ્તચરો ''વિએના કન્વેન્શન'' ના ધારાધોરણોનું પાલન કરશે કે કેમ ? તે વિશે અમિતને મનમાં ઊંડે ઊંડે દહેશત હતી. તેને ચિંતા એટલા માટે હતી કે આજ સુધી ક્યારેય પાક. ગુપ્તચરોની કારે તેનો આ રીતે પીછો નહોતો કર્યો.
એ દરમિયાન અમિતે ખુદની કારની હેડલાઈટના પ્રકાશમાં આગળ જોયું તો એના હોશકોશ ઉડી ગયા. રસ્તાની બરાબર વચ્ચે જ ત્રણ કાર આડી અવળી એવી રીતે પાર્ક કરાયેલી હતી કે અમિતની કાર આગળ વધી જ ન શકે. આ રસ્તાથી અમિત પરિચિત હતો એટલે તેણે ગાડી ધીમી કરી ઉતાવળે યુ-ટર્ન લેવાની કોશિશ કરી. પણ તે પહેલા તો પાછળ પાછળ તેનો પીછો કરતી કાર સ્પીડમાં આગળના જમણી બાજુના ડોર પાસે નજીકમાં આવીને એવી રીતે ઊભી રહી કે તેની કારનો સાઈડ મિરર તૂટી ગયો. આથી એકદમ બ્રેક મારીને પોતાની ગાડી ઊભી રાખવાની અમિતને ફરજ પડી.
એટલામાં તો આગળના માર્ગ પર પાર્ક કરેલી ત્રણ કાર પણ તેની કારની સાવ લગોલગ આવીને ખડી થઈ ગઈ. અને તેમાંથી ઝડપભેર ૭-૮ શખ્સો ઊતરીને તેની તરફ ધસી આવ્યા.
કારનો દરવાજો ખોલી અમિત કારમાંથી નીચે ઊતર્યો અને ભાગવા ગયો તેવામાં પાછળથી કોઈકે તેના માથામાં જોરથી ફટકો માર્યો. માથામાં વાગવાથી એક સેકન્ડ તો એ ધુ્રજી ગયો અને માથામાં જોરદાર પ્રહારના ઝટકાથી રસ્તા પર પડયો, પણ બીજી જ સેકન્ડે ઊભા થઈને અમિતે ફરી ભાગવાની કોશિશ કરી પણ બાજુમાં ઊભેલા શખ્સે તેને એટલા જોરથી ધક્કો માર્યો કે એ રોડની સાઈડ પરના ઈલેક્ટ્રિકના થાંભલા સાથે ભટકાયો.
મદદ માટે અમિત બૂમાબૂમ કરે તે પહેલાં તો અડધું મોઢું ઢંકાય તેવા કાળા રંગના બુરખા પહેરેલા સાતેક શખ્સો તેને ઘેરી વળ્યા અને એ દરેક જણે નિર્દયતાપૂર્વક અમિતને ફટકારવા માંડયો. બે મિનિટમાં તો અમિતને એટલા બધા ફટકા પડી ગયા કે તે લોહીલુહાણ થઈ ગયો. તેના હૃદયના ધબકારા અને શ્વાસોચ્છવાસની ગતિ એકદમ વધી ગઈ. રોડ પર ઢળી પડેલા અમિતમાં હવે નામનીય પ્રતિકાર રહી નહોતી. એક હુમલાખોરે બે હાથરૂમાલના ડૂચા તેના મોઢામાં જોરથી ઘુસાડી દીધા, જેથી અમિતના મોઢામાંથી ઊંહકારો સુધ્ધા ન નીકળી શકે. બીજાએ તેની આંખે કાળા પટ્ટા બાંધી દીધા.
(ક્રમશઃ)