કેમ્પમાં મૃતદેહોનો ઢગલો જોઈ લાલ બેભાન થઈ ગયો..

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
કેમ્પમાં મૃતદેહોનો ઢગલો જોઈ લાલ બેભાન થઈ ગયો.. 1 - image


- કોન્સન્ટ્રેશન કેમ્પમાં કડકડતી ઠંડીમાં કેદીઓ પાસે મજૂરી કામ કરાવાતું હતું

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-5

- બેભાન પડેલા લાલને મરેલો માની નાઝી સૈનિકો તેને મડદાના ગાડામાં નાંખી લઈ ગયા

- લાલનો જોડીદાર એરોન હિંમત કરી મડદાના ગાડામાંથી લાલને પાછો લઈ આવ્યો

કોન્સન્ટ્રેશન કેમ્પમાં સવારે અપાતા પાણી જેવા સૂપમાં બટાકાનો એકાદ કટકો કે મકાઈના એકાદ-બે દાણા આવે તો કેદી પોતાને ભાગ્યશાળી માનતો હતો, કારણ કે કેમ્પમાં સૂપ માત્ર પાણી જેવો જ અપાતો હતો.

લાલે વાડકાનું પ્રવાહી પી લીધા બાદ ખાલી વાડકો સાઇડના ટેબલ પર મુકી દીધો.

એટલામાં હેડ કેદીની બૂમ સંભળાઇ ઃ તમે આળસુની ઓલાદો, ક્યારે આ પીવાનું પતાવશો...? ચાલો, ઝડપ કરો, પછી પાછા લાઇનમાં ઊભા રહો, તમારે કામ પર જવાનું છે. 

લાલે જર્મની ભાષામાં અપાયેલી સૂચનાનો અર્થ બાકીના કેદીઓને સમજાવ્યો.

પેલો વડો કેદી બધાને બ્લોક નં-૭ જેવા; પણ હજી અડધી-પડધી બંધાયેલી ઇમારત પાસે લઇ ગયો. બીજા ઘણાં કેદીઓ ત્યાં વહેલા આવી ચૂક્યા હતા. કેટલાક ત્યાં પ્લાસ્ટરિંગનું તો બીજા ઘણાં ચણતરનું કામ કરતા હતા. થોડા કેદીઓ  મિસ્ત્રીકામમાં જોતરાયેલા હતા.

પહેલા માળે કેટલાક કેદીઓ ટાઇલ્સ લગાવવાનું કામ કરતા હતા અને થોડા કેદીઓ નીચેથી ઉપર સુધી ટાઇલ્સ લાવીને મુકતા હતા.

લાલ અને તેની સાથેના કેદીઓ કામમાં લાગી ગયા. આ બિલ્ડિંગમાં જર્મનોએ યુધ્ધભૂમિ પરથી પકડેલા રશિયન સૈનિકોને પણ મજૂરી કામે લવાયા હતા.

લાલ એક વાત બરાબર સમજી ચૂક્યો હતો કે અહીં બહુ સાચવીને રહેવું પડે તેમ છે. હેડ કેદી જે કહે, તે સૂચનાનું નીચા મોઢે ચુપચાપ પાલન કરતા રહેવાનું. હેડ કેદી અને નાઝી સૈનિકો આગળ શિર ઝુકાવી તેમને આદર આપવાનો. આટલું કરીએ એટલે આપણે સલામત..

એક દિવસ લાલ બિલ્ડિંગ બહાર ઊભો હતો, તેવામાં જેલની એક વાન (Prison Van) ત્યાં આવીને ઊભી રહી. થોડીવારમાં  આ વાન નજીક મોટી ટ્રક આવીને ખડી ગઇ. એક સૈનિકે પ્રિઝન વાનનો પાછળનો દરવાજો ખોલ્યો કે તેમાંથી ધડાધડ મૃતદેહો બહાર ગબડી પડયા.  લાલ તો જોતો જ રહી ગયો. તે ચોંકી ગયો. હેબતાઇ ગયો...ખૂબ ગભરાઇ ગયો.

પ્રિઝન વાનની અંદર મૃતદેહોનો ખડકલો હતો એ બધા મૃતદેહોનો વાનમાંથી બહાર રસ્તા પર ઢગલો થઇ ગયો. થોડીવારમાં બિલ્ડિંગના બીજા છેડેથી કેદીઓનું એક જૂથ ત્યાં આવ્યું. કેદીઓએ મૃતદેહો ઊંચકી ઊંચકીને જાણે ભંગારનો સામાન ફેંકતા હોય તેમ ટ્રકમાં નાંખવા માંડયા.

લાલે તો આ દ્રશ્ય જોઇ સાનભાન ગુમાવી દીધું. જાણે નરકનો કોઇ સીન જોયો હોય તેમ એના આખા શરીરમાં ધુ્રજારી આવી ગઇ. બીજે દિવસે સવારે તો એ ઊઠી જ ના શક્યો.

લગભગ એકાદ અઠવાડિયું સૂધબૂધ ગુમાવેલી અવસ્થામાં પડયા રહ્યા બાદ ધીમે ધીમે લાલ ભાનમાં આવ્યો. તેણે જોયું તો તેની બાજુમાં બેઠેલો એક માણસ ચમચીથી તેને પાણી પીવડાવી રહ્યો હતો.

લાલે આંખો ઊંચી કરી જોયું તો તેનાથી મોટી ઉંમરનો એ માણસ તેની સામે જોતો બેઠો હતો.

લાલ હળવેથી બેઠો થયો. પેલો માણસ તેને ઊભો કરી ધીમે ધીમે બિલ્ડિંગ બહાર  ખુલ્લામાં લઇ આવ્યો. બિલ્ડિંગ નજીકના લાકડાના એક ઢગલા પર તે બેસી ગયો.

લાલે તેને પૂછ્યું, મને અહીં શું થઇ ગયું 'તું..? તમે મારી સાથે અહીં કઇરીતે આવી ગયા...? તમે કોણ છો ?

પેપને કહ્યું, હું તારા આ બ્લોક પાસેથી પસાર થઇ રહ્યો હતો તે વખતે તું ખૂબ માંદો પડયો હોવાથી તને મરેલા અને માંદગીથી મરવા પડેલા માણસોને લઇ જતા ગાડામાં ફંગોળી દેવાયો. પણ તે જ વખતે એક યુવાન દોડતો આવ્યો, અને ''SS'' અફસરને વિનંતી કરી કે, હું મારા આ દોસ્તારની સેવા કરી સાજો કરી દઇશ. મહેરબાની કરી તેને લઇ ના જશો. ગાડું બીજા બ્લોક પાસે ઊભું રખાયું એટલે એ યુવાને તને ગાડામાંથી બહાર ખેંચી કાઢી, પાછો તારા બ્લોકના બિલ્ડિંગમાં લઇ જવા માંડયો. તે વખતે હું ત્યાં જ ઊભો હતો. ગાડામાંથી તને ખેંચી કાઢવામાં મેં તેને મદદ કરી હતી.

'આ બનાવ કેટલા દિવસ પહેલા બન્યો હતો?'

'લગભગ ૭ થી ૮ દિવસ પહેલા.'

'આ બનાવ બન્યા પછી એ યુવાન રોજ રાતે તારી સાર-સંભાળ રાખતો હતો અને દિવસ દરમિયાન હું તારી કાળજી રાખતો હતો, હવે તને કેવું છે?

'મને હવે ખૂબ સારૃં છે. તમારો ખૂબ ખૂબ આભાર.'

મારો આભાર પછી, પહેલા તો તને મડદાના ગાડામાંથી બહાર ખેંચી લાવનાર પેલા યુવાનનો તારે આભાર માનવો જોઇએ. એ માણસની હિંમતના કારણે તું મોતના મુખમાંથી પાછો આવ્યો છે.'

ચોક્કસ હું એનો આભાર માનીશ. એ કોણ હતો? તેનું નામ તમને ખબર છે?

ના, સોરી, મેં તેનું નામ નહોતું પૂછ્યું. મને ખબર નથી એ કોણ હતું.

(પાછળથી લાલને માહિતી મળી કે તેને બચાવનાર, તેનો જોડીદાર એરોન હતો.)

લાલના શર્ટની બાંય ઊંચી કરી તેના હાથ પર ચીતરેલું ટેટુ બતાવી એ માણસ બોલ્યો, મારૃં નામ પેપન. મેં તારા હાથ પર આ ટેટું ચીતર્યૂં છે. હું ટેટુઈસ્ટ (અર્થાત ટેટુ ચીતરનાર) છું. મારૃં આ ટેટુ તને કેવું લાગ્યું..?

તમે ટેટુઈસ્ટ છો? મારા હાથે તમે ટેટુ પાડયું છે?

''મારે આ કામ કરવું પડે છે. આ કામ કર્યા સિવાય મારો છૂટકો નથી.''

બન્ને જણ એવી જગ્યાએ બેઠા હતા જ્યાં રોજ, દર કલાકે ને દર મિનિટે માણસો (કેદીઓ) મરાતા હતા.

ઘણી વાતોના અંતે પેપને, લાલને પૂછ્યું, તારે ટેટુ પાડવાનું કામ કરવું છે...?

પેપનનો સવાલ સાંભળી લાલ આશ્ચર્યથી ચમક્યો. જવાબમાં તેણે હા પાડતા, પેપને કહ્યું કાલે સવારે હું આવીશ. તું તૈયાર રહેજે..

બીજે દિવસે સવારે લાલ નાસ્તા માટેની લાઇનમાં ઊભો હતો. તે વખતે પેપન તેની પાસે આવી પહોંચ્યો, અને તેનો હાથ ખેંચી મેઇન કમ્પાઉન્ડમાં લઇ ગયો, જ્યાં સંખ્યાબંધ સૈનિકોના એસ્કોર્ટ વચ્ચે '''SS'' અફસર ઊભો હતો.

પેપને ત્યાં નજીક જઇ અફસર સમક્ષ શિશ ઝુકાવી નમન કર્યૂં.

બાદમાં વિનમ્રતાથી સર, કહીને સંબોધન કર્યા પછી પેપને અફસર સમક્ષ પ્રસ્તાવ મુક્યો કે, આ કેદીને હું મારા મદદનીશ તરીકે રાખવા માંગું છું.

આટલુ કહીને પછી તુરત પેપને મારા તરફ આંગળીનો ઈશારો કર્યો. પેલા અફસરે લાલ તરફ જોયું. પેપને મારા વખાણ કરતા કહ્યું, મને લાગે છે કે આ કેદી જલ્દીથી કામ શીખી જશે. અફસરે આંગળીનો ઈશારો કરી લાલને પોતાની નજીક બોલાવ્યો 'તને કઈ કઈ ભાષાઓ આવડે છે..?'

(ક્રમશઃ)

Saransh

Google NewsGoogle News