યુરોપના 'બ્રેડ બાસ્કેટ' ગણાતા યુક્રેનમાં ભયંકર દુષ્કાળ
- બીજા વિશ્વયુદ્ધ અગાઉ ૧૯૩૦ના દાયકામાં
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-4
- છપ્પનિયા દુકાળની યાદ અપાવતો એ દુકાળ કુદરત સર્જીત નહીં માનવ સર્જીત હતો..!
- સ્ટાલિને મોટા જમીનદારોના પરિવારોને અતિશય ઠંડા સાઈબિરિયા ધકેલી દીધા..
ગ્રોસમેન ત્રિપુટીને જાણ હતી કે, તેમની થોડેક જ પાછળ જર્મન કમાન્ડર જનરલ ગુડેરિઅનની ખતરનાક ટેન્કો આવી રહી છે. તેઓ ઝડપભેર ગોમેલથી ગ્લુખોલ પહોંચ્યા અને ત્યાંથી મુખ્ય રસ્તા પર ઉત્તરથી પૂર્વીય દિશામાં ઓરેલ નામના ટાઉન તરફ આગળ વધ્યા.
ત્રણ દિવસે તેઓ ત્રણ જણ બેલોરશિયા અને યુક્રેન પસાર કરીને ઓરેલ પહોંચ્યા હતા. ઓરેલમાં અંધારપટ છવાયેલો હતો. ગ્રોસમેનના વાહનની બ્રેક બરાબર કામ નહોતી કરતી. શરણાર્થીઓના એક ગુ્રપ સામે માંડ માંડ તેમનું વાહન ઊભું કર્યૂ. એક મહિલા રડતી હતી. એ બધા યહૂદી શરણાર્થીઓ હતા.
ગોેમેલ મોરચે જર્મનોના આક્રમણથી બચીને ઓરેલ આવી પહોંચેલા ગ્રોસમેન અને તેના સાથી પત્રકારોને દુર્ભાગ્યે અહીં પણ શાંતિ ન મળી. રશિયન આર્મીના અખબાર રેડ સ્ટારના મુખ્ય તંત્રી ડેવિડ ઓર્ટનબર્ગે એ ત્રણેયને તાકીદે બ્રિઆન્સ્ક મોરચે જઈ ન્યૂઝ મેળવવાનો આદેશ આપ્યો.
ગ્રોસમેન લખે છે, અમે તુરત ત્યાંથી આગળનો પ્રવાસ શરૂ કર્યો. માર્ગમાં સફરજનની એક વાડી આવી. ત્યાં રેડ આર્મીના બે સૈનિકો હતા.અમને જોઈ બંનેએ સેલ્યૂટ કરી પછી તેઓ અમારા માટે થોડા સફરજન તોડી લાવ્યા. વાડીમાં તેના માલિકનો બંગલો ખાલીખમ્મ હતો.
જર્મનો આવી રહ્યા હોવાની વાતો સાંભળીને વાડીનો માલિક પરિવાર સાથે કોઈક દૂરના પ્રદેશમાં જતો રહ્યો હોવાનું સૈનિકોએ અમને કહ્યું. વાડીના ખૂણામાં એક ઝૂંપડામાં રહેતી વૃધ્ધાએ અમારી વાતોમાં વચ્ચે પડી ઉમેર્યૂ, ઈશ્વરનું અસ્તિત્વ છે કે નહીં તેની મને ખબર નથી, પણ હું રોજ ઈશ્વરની પ્રાર્થના કરૃં છું. ઈશ્વર કદાચ મારી પ્રાર્થના સ્વીકારી પણ લે.
ઘણાં દીર્ઘદ્રષ્ટા ખેડૂતો ડુક્કરો કાપીને મીઠું-મસાલા ભરેલું માંસ સંતાડીને રાખતા હતા. જેથી અચાનક જર્મન સૈનિકો આવી ચઢે અને તેમના ડુક્કરો ખાવા માટે લઈ જાય તો, પાછળથી સંતાડી રાખેલું માંંસ તેમના પોતાના માટે બાકી રહે.
બીજે દિવસે સવારે અમે આગળ વધ્યા તો રસ્તામાં રેડ આર્મીની છાવણીમાં એક દેશદ્રોહી રશિયન સૈનિકની ઊલટ તપાસ ચાલી રહી હતી. વધી ગયેલી દાઢી અને માથે વધી ગયેલા વાળવાળા એ યુવાન સૈનિકે માથે ખેડૂત પહેરે તેવી મોટી હેટ પહેરી હતી. ભૂરી-માંજરી આંખવાળા એ જુવાનના પગ ઘણા ગંદા હતા. રેડ આર્મીમાંથી તે ઘણાં દિવસો અગાઉ ભાગી ગયો હતો પણ ગઈકાલે રાતે ખેડૂત જેવો પોશાક પહેરીને એ સરહદ ઓળંગતો હતો તે વેળા રેડ આર્મીના સૈનિકોના હાથે પકડાઈ ગયો હતો અને આજે તેની લેફ્ટ-રાઈટ લેવાતી હતી.
જર્મન સૈનિકોએ તેને કેટલાક ધારદાર, આડા-અવળા સવાલો પૂછયા, તેમાં એ ગૂંચવાઈ ગયો અને બોલી પડયો કે જર્મન સૈનિકોએ તેને ચલણી નોટોના બંડલ આપ્યા તેનાથી એ લલચાઈ ગયો હતો.
કર્નલે તેના ગાલ પર જોરથી બે થપ્પડ મારી દીધી, તને ભાન છે તેં કેવું અપકૃત્ય કર્યું છે ? તેં દેશ સાથે ગદ્ધારી કરી છે. કર્નલે બોલવાનું પુરૃં કરતા જ રેડ આર્મીના એક સૈનિકે ઘાંટો પાડયો કે તને ખબર છે, તેં તારા પુત્રના માથે કલંક લગાડયું છે. તારા આ શરમજનક હલકા કૃત્યથી હવે તે સુખેથી જીવી પણ નહીં શકે.
એ પછી રશિયન સૈનિકોની હાજરીમાં જ તેને જાહેરમાં ગોળીએ ઠાર મારી દેવાયો હતો.
બીજા વિશ્વયુધ્ધ દરમિયાન વર્ષ ૧૯૪૧-૪૨માં પણ યુક્રેનમાં ભારે ખુવારી થઈ હતી. આ સમયગાળામાં યુક્રેનવાસીઓ પર બીજી પણ મોટી આફત આવી પડી હતી. એનું નામ છે-દુષ્કાળ. આ દુષ્કાળ કુદરત સર્જીત નહીં પણ માનવ સર્જીત હતો-સરમુખત્યાર સ્ટાલિન સર્જીત આ દુષ્કાળ તેની માનવતા વિહોણી નીતિના કારણે સર્જાયો હતો.
૧૯૩૦ ના દાયકામાં યુક્રેનને યુરોપનું ''બ્રેડ બાસ્કેટ'' કહેવાતું હતું. પણ સરમુખત્યાર શાસન દ્વારા મોટા જમીનદારોના ૫૦,૦૦૦ જેટલા પરિવારોને સાઈબિરિયા ધકેલી દેવાયા હતા અને સામૂહિક ખેતીના નામે યુક્રેનનું આખુ કૃષિ ક્ષેત્ર ખુવાર થઈ જતાં ત્યાં ભયંકર દુષ્કાળ પડતા પાંચેક વર્ષના સમયગાળામાં લગભગ ૨૦ થી ૩૦ લાખ લોકો ભૂખમરાના ખપ્પરમાં હોમાઈ ગયા હતા.
અમેરિકન હિસ્ટોરિઅન, લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના પૂર્વ પ્રોફેસર અને વોશિંગ્ટન પોસ્ટ અખબારના કટાર લેખક એને એપલબમ લિખિત "Red Famine: stalin's Ukraine" પુસ્તકમાં યુક્રેનના દુષ્કાળની સચોટ અને તલસ્પર્શી વિગતો આલેખાઈ છે.
૨૦મી સપ્ટેમ્બરે ગ્રોસમેન અને ટ્રોયાનોવસ્કી યુક્રેનના ઉત્તર-પૂર્વીય છેડા પરના ગ્લુખોવ ટાઉન તરફ આગળ વધ્યા. બીજીબાજુ જર્મન સૈન્યનું ટેન્ક દળે જનરલ ગુડેરિઅનના નેતૃત્વમાં લોખવિટસા ટાઉનને ઘેરો ઘાલ્યો હતો. આ ઘેરામાંથી ૧૫,૦૦૦ જેટલા રશિયન સૈનિકો ગમે તે રીતે છટકી શકયા.
પરંતુ બાકીના લગભગ પાંચેક લાખ જેટલા રેડ આર્મીના સૈનિકોને જર્મનીના સંયુક્ત લશ્કરી દળોએ યુધ્ધકેદી છાવણીઓમાં કેદ કરી લીધા હતા. જેમાંથી હજારો સૈનિકો ભૂખમરાથી, રોગથી કે પછી ભયંકર ઠંડીમાં ઠુંઠવાઈને મોતને ભેટયા હતા.
સમૃધ્ધ ખેડૂતો કે મોટા જમીનદારો રશિયન ભાષામાં 'કુલાકસ' તરીકે ઓળખાય છે. સામ્યવાદના નામે આ મોટા ખેડૂતોની જમીનદારી નેસ્તનાબૂદ કરી ''સામૂહિક ખેતી'' પ્રચલિત કરવા માટે સ્ટાલિને સેંકડો કુલાકસ પાસેથી તેમના વિશાળ ખેતરો છીનવી લીધા. પણ સામૂહિક ખેતીનો કહેવાતો પ્રયોગ સફળ નહીં થતા યુક્રેનમાં સ્ટાલિન સર્જીત દુષ્કાળ પડયો, જેમાં લાખ્ખો ખેડૂતોના ભૂખમરાથી મોત નિપજ્યા હોવાથી ઘણાં યુક્રેનવાસીઓ તો પોતાના ''મુક્તિદાતા'' તરીકે જર્મનોને આવકારવા તૈયારી કરીને બેઠા હતા.
એક આશ્ચર્યજનક હકીકત એ હતી કે, જર્મન લશ્કરની ગુપ્તચર શાખાએ તે સમયગાળામાં પોતાને મળેલી નક્કર બાતમીના આધારે એવી ભલામણ કરી હતી કે, ૧૦ લાખ યુક્રેનવાસીઓનું એક લશ્કરી દળ ઊભું કરવાનું કે જે રેડ આર્મી સામે લડવા માટે સજ્જ હોય. (કહેવાનો મતલબ કે યુક્રેનમાં સ્ટાલિન સામેનો છૂપો અસંતોષ અને વિરોધ એટલો પ્રબળ છે કે જો આવા અસંતુષ્ઠ યુક્રેનવાસીઓનું દળ ઊભું કરાય તો તેઓ ખુદ તેમના જ દેશના ''Red Army'' સામે જંગે ચડવા તૈયાર થઈ જશે) પણ હિટલર આ સૂચનથી ચોંકી ઊઠયો. યુક્રેનના રહીશો જર્મન સંયુક્ત દળોના સૈનિકોનો ગણવેશ પહેરીને ''Red Army'' સામે લડવા નીકળે, એ વિચારમાત્ર હિટલરને ઠીક ન લાગ્યો, જેથી તેણે ગુપ્તચર એજન્સીની આ ભલામણ ભારપૂર્વક નકારી કાઢી હતી.
(સંપૂર્ણ)