એલિસિઆને સારવાર માટે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાઈ

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
એલિસિઆને સારવાર માટે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાઈ 1 - image


- કોર્ટમાં ટ્રાયલ દરમિયાન તે એકેય વખત રડી નથી, કે એક પણ શબ્દ બોલી નથી..

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-3

- પતિ ગ્રેબિઅલની હત્યા પછી એલિસિઆ ભયંકર તાણ,વ્યથા અને વેદનામાં સરી પડી..

- મારૂં નામ ડો.થીઓ ફેબર, સાઈકોથેરાપિસ્ટ, મને એલિસિઆના કેસમાં ઊંડો રસ છે

કોર્ટ ટ્રાયલ દરમિયાન તે એકેય વાર રડી પણ નથી. અખબારોએ આ વાત પણ ન્યૂઝમાં ખાસ ઉલ્લેખી હતી. સુનાવણી દરમિયાન તેનો  ચહેરો કોઇપણ પ્રકારની લાગણી વિહીન, સાવ જ ઠંડો, થીજી ગયેલો  અને ભાવશૂન્ય દેખાતો હતો.

બચાવ પક્ષ માટે એલિસિઆના માનસિક આરોગ્યના પ્રશ્ન સિવાયનો બીજો કોઇ બચાવનો મુદ્દો જ નહોતો. છેક બચપણથી લઇને છેલ્લા ઘણાં વર્ષોથી એલિસિઆની માનસિક હાલત બરાબર નહોતી રહેતી, એ પ્રકારની બચાવ પક્ષના વકીલે દલીલો કરી હતી.

જજે મોટાભાગની દલીલોને અફવા કે લોકોમાં ચર્ચાતી વાત ગણીને ઝાઝું મહત્વ ન આપ્યું, પરંતુ ઇમ્પિરિઅલ  કોલેજના ફોરેન્સિક સાઇકિએટ્રિ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને ''ધ ગ્રોવ'' નામની ઉત્તરીય લંડનની ફોરેન્સિક અને સાઇકિએટ્રિ હોસ્પિટલના ક્લિનિકલ ડાયરેકટર ડો. લાઝારસ ડિઓમિડિસની જુબાની/દલીલોની જસ્ટિસ પર અસર થઇ.

ડો. ડિઓમિડિસે બચાવ પક્ષ તરફથી દલીલ કરતાં કહ્યું કે એલિસિઆ કશું જ બોલવા નથી માંગતી, એ હકીકત જ દર્શાવે છે કે એલિસિઆ ભયંકર માનસિક વ્યથા, પીડા, ને વેદનામાંથી પસાર થઇ રહી છે. એથી આ મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખીને જ એલિસિઆને જે કોઇ સજા કરવી હોય તે કરવી જોઇએ. 

સાઇકિએટ્રિસ્ટો (મનોચિકિત્સકો) જે વાત સ્પષ્ટ રીતે, સીધી ને સટ કહેવાનું પસંદ નથી કરતા અને તેના બદલે ગોળગોળ રીતે વાત કરે છે, એ રીતે જોઇએ તો  ડો. ડિઓમિડિસનો કહેવાનો ચોખ્ખો મતલબ એ હતો કે એલિસિઆ 'મેડ' છે.

અને છેલ્લે આ જ એક એવી દલીલ છે કે જે કોઇને જરા વ્યાજબી જેવી લાગે ઃ નહીં તો જે પતિને એ પ્રેમ કરતી હતી તેને ખુરશી સાથે બાંધીને સાવ જ નજીકથી શૂટ શા માટે કરી દે...? અને આવું ગંભીર કૃત્ય કર્યા પછી, પાછો કોઇ પસ્તાવો તો કરતી નથી કે પતિના મર્ડર પાછળનું કોઇ ઠોસ કારણ નથી આપતી, અરે એકાદ શબ્દ પણ બોલતી નથી. ચોક્કસ એ સ્ત્રી ગાંડી જ હશે.

છેવટે જસ્ટિસ એવરસ્ટોને બચાવ પક્ષના વકીલે એલિસિઆની ડિમિનિશ્ડ રિસ્પોન્સિબિલિટિની (Diminished Responsibility)  કરેલી દલીલ સ્વીકારી જ્યુરિને કેસ આગળ ચલાવવા સલાહ આપી.

કેસ આગળ ચાલે તે દરમિયાન એલિસિઆને ડો. ડિઓમિડિસની ''ધ ગ્રોવ'' સાઇકિએટ્રિ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવાની સૂચના આપી દેવાઇ. 

ધ ગ્રોવ હોસ્પિટલમાં એલિસિઆના મનોરોગની સારવાર શરૂ કરાઇ. બધાને એમ હતું કે થોડા સપ્તાહોમાં, કે થોડા મહિનામાં કે એકાદ-બે વર્ષમાં તે પહેલાંની જેમ ફરી બોલતી થઇ જશે.

પણ એલિસિઆ હજી 'સાઇલન્ટ' જ રહી, એટલે અખબારો અને ટીવીવાળાનો ગેબ્રિઅલ મર્ડર કેસમાંથી રસ ઊડી ગયો. છાપાઓમાં એલિસિઆના ન્યૂઝ ધીમે ધીમે આવતા બંધ થઇ ગયા...લોકોમાં ગેબ્રિઅલ મર્ડર કેસ ભુલાતો ગયો, સ્વાભાવિક વાત છે.

પણ બધા જ લોકો આ કેસ નહોતા ભૂલ્યા. મારા સહિત કેટલાક લોકોને હજી એલિસિઆના 'સાઇલન્સ' પાછળનું રહસ્ય ઉકેલવામાં અને જાણવામાં રસ યથાવત રહ્યો હતો.

મારા જેવા સાઇકોથેરાપિસ્ટને તો ખ્યાલ આવી જ ગયો હતો કે પતિ ગેબ્રિઅલની હત્યા પછી એલિસિઆ ભયંકર તાણમાં, વ્યથા ને વેદનામાં સરી પડી હશે; અને તેના દેખીતા લક્ષણરૂપે આ મૌન હતું. પોતે આ શું કરી બેઠી? એ વિચાર વંટોળમાં તે બોલતી જ બંધ થઇ ગઇ.

હું તેને ફરી બોલતી કરવા ઇચ્છતો હતો, કે જેથી એલિસિઆ તેની સ્ટોરી કહે અને જલ્દીથી સારી થઇ જાય. હું તેના પતિની હત્યા કરવા પાછળનું કારણ તેના મોઢે સાંભળવા માંગતો હતો.

હું ફોરેન્સિક સાઇકોથેરાપિસ્ટ  છું, અને અત્યાર સુધીમાં કેટલાય મનોરોગીઓની મેં સારવાર કરી છે. પણ કમનશીબે અત્યારે હું બીજી હોસ્પિટલમાં ફરજ બજાવું છું એટલે હાલના તબક્કે એલિસિઆની સારવાર કરવાની મારી ઇચ્છા કેવળ ઇચ્છા જ બની રહી. 

એલિસિઆને ધ ગ્રોવ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ તેના લગભગ છ વર્ષ પછી ત્યાં ફોરેન્સિક સાઇકોથેરાપિસ્ટની જગ્યા ખાલી પડી.  મેં ત્યાં જોબ માટે અરજી કરી અને હું સિલેકટ પણ થઇ ગયો. મારૂં નામ ડો. થીઓ ફેબર. મારી ઉંમર ૪૨ વર્ષની  છે.

મને એલિસિઆ પ્રત્યે એક જાતની સહાનુભૂતિ છે. હું વ્યક્તિગત રીતે ગેબ્રિઅલના કેસ સાથે અપરોક્ષરીતે સંકળાયેલો હોવાથી મને એલિસિઆ કેસમાં રસ છે.

મારૂં બાળપણ ખૂબ તકલીફમાં વીત્યું છે. ખાસ તો મારા પિતાનો સ્વભાવ ખૂબ ગુસ્સાવાળો હતો. ગમે ત્યારે ગમે તે વાતમાં તેઓ એકાએક ગુસ્સે થઇ જતા હતા. નાની વાતમાં હું કાંઇ નિર્દોષ કોમેન્ટ કરૂં તો પણ તેમનો ગુસ્સો સાતમા આસમાને ચઢી જતો.

એક વખત તો તેઓ મને મારવા દોડતા, હું ઉતાવળે દાદર ચઢી પહેલા માળે જતો રહ્યો, તો  તેઓ મારી પાછળ દોડતા આવ્યા અને મને પટ્ટાથી ફટકાર્યો હતો.

ક્યારેક તો મને ખબર જ નહોતી પડતી કે મારા ડેડ મારી કઇ વાતે રોષે ભરાયા છે. ક્યારેક હું મારી મમ્મીને પૂછતો કે મારા પર ડેડ આટલા બધા ગુસ્સે કેમ થાય છે? મમ્મી ખભા ઉલાળતા મને જવાબ આપતી, મને શું ખબર? તારા ડેડ તો તદ્દન ગાંડા છે..

મારી મમ્મી, ડેડ  માટે આવું વાક્ય કાંઇ જોકમાં, રમૂજમાં  નહોતી કહેતી. સાયકિએટ્રિસ્ટ દ્વારા આજે જો કદાચ  મારા ડેડની તપાસ કરાય તો ડોકટર નિદાન કરે કે મારા ડેડને ''પર્સનાલિટિ ડિસઓર્ડર'' નામની મગજની બીમારી છે...

હું બીજા શહેરની કોલેજમાં ભણવા ગયો ત્યારે મને હાશકારાની લાગણી થઇ. હાશ, હું જેલમાંથી છૂટયો હોય એવી મોકળાશ મેં અનુભવી.

ત્યારે મને ખ્યાલ નહીં કે મારા મનમાં ઊંડે સુધી, મારા અચેતન મનમાં મારા ડેડનો ગુસ્સો, અને ગુસ્સામાં તેઓ જે શબ્દો મારા માટે બોલ્યા હતા, એ શબ્દો ધરબાઇને પડેલા છે. મને વારંવાર તેમના શબ્દોના ભણકારા વાગતા રહેતા - તું નકામો છે, તું નિષ્ફળ છે, તું બેશરમ છે...વિગેરે વિગેરે.

ડેડના ગુસ્સાભર્યા વર્તાવે મારા મનનો કબજો લઇ લીધો હતો. હું જાણે મનથી પાંગળો થઇ ગયો હતો. ડેડના એ ગભરાટના કારણે હું કોલેજમાં મિત્રો સાથે બહુ હળતો-ભળતો પણ નહોતો.

યુનિવર્સિટીએ મને રૂથ નામની એક મહિલા સાઇકોથેરાપિસ્ટ પાસે સારવાર માટે મોકલ્યો. રૂથે ખૂબ શાંતિથી મારી સમસ્યા સાંભળી. અત્યંત સહાનૂભુતિથી મારૂં કાઉન્સેલિંગ કર્યૂં.

(ક્રમશઃ)

Saransh

Google NewsGoogle News