For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈલોન મસ્ક અને એબરહાર્ડ વચ્ચે તીવ્ર મતભેદો

Updated: Jan 24th, 2024

ઈલોન મસ્ક અને એબરહાર્ડ વચ્ચે તીવ્ર મતભેદો

- વિશ્વ વિખ્યાત ઈલેક્ટ્રિક કાર ટેસ્લાના પ્રણેતા અને સ્પેસ-એક્સના સ્થાપક

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-1

- ટેસ્લા કંપનીના શરૂઆતના તબક્કે કારના સહ-સ્થાપકો વચ્ચે વિવાદ વંટોળ

- બાળપણના કેટલાક પ્રસંગોએ મસ્કના મગજ પર ચોટદાર અસર કરી છે

ઈલોન મસ્ક... કોઇપણ મુશ્કેલી કે ગમે તેટલા મોટા સંકટનો સ્હેજ પણ થડકાટ વગર સાહસભેર સામનો કરનાર, કુશાગ્ર બુધ્ધિમત્તા, તેજસ્વીતા અને નવું નવું કરવાની અદમ્ય ધગશના સ્વામી, મંગળ પર માનવ વસાહત સ્થાપવાની અનોખી કલ્પના અને અત્યારથી આયોજન શરૂ કરનાર સ્માર્ટ ઇનોવેટર..એટલે ઇલોન મસ્ક.

જીનિઅસ પ્રતિભાના સ્વભાવમાં ક્યારેક સામાન્ય લોકોને નાપસંદ એવી લાક્ષણિકતા હોય છે, જે આવી પ્રતિભાના નિકટના વર્તુળમાં તેને ટીકાપાત્ર બનાવે છે, પણ સરવાળે તેમની તેજસ્વીતા આવા જીનિઅસને સફળતાની ટોચે પહોંચાડ્યા વગર  નથી રહેતી. ઇલોન મસ્ક આવી પ્રતિભાના જવલંત ઉદાહરણરૂપ છે. 

મસ્કનું બાળપણ પીડાદાયક હતું. સ્કૂલમાં તેને તોફાની છોકરા મારતા હતા. પિતા તરફથી પણ મસ્ક ''મેન્ટલ ટોર્ચર''નો ભોગ બનતા હતા. હવે પછી ''સારાંશ''માં મસ્કના જીવનના એ પ્રસંગો પણ જોઈશું

વિશ્વભરમાં ખ્યાતિ પામેલી ઇલેક્ટ્રિક કાર ટેસ્લાના પ્રણેતા ઇલોન મસ્ક છે કે માર્ટિન એબરહાર્ડ ?

જે સ્ટાર્ટઅપ કંપનીના એક કરતા વધારે ફાઉન્ડર (સ્થાપક) અને ફન્ડર્સ (અર્થાત ફંડ આપનાર) હોય એ સ્ટાર્ટઅપ કંપનીના પ્રણેતા કોણ? એ સવાલ ઘણી વખત મોટા મતભેદ અને મોટા વિવાદનું કેન્દ્ર બની જાય છે. કેટલાક કિસ્સામાં આવા તીવ્ર વિવાદના અંતે આલ્ફા મેલ (Alpha Male) જીતી જતા હોય છે.

આલ્ફા મેલ એટલે એવો પુરૂષ, જે તેના ગ્રુપમાં અત્યંત પ્રભાવશાળી હોય, જે પુરૂષને પોતાના ગુ્રપમાં આધિપત્ય કે પ્રભાવ અથવા આખા ગુ્રપ પર પોતાનો અંકુશ જમાવી દેવાનું પસંદ હોય અને તે માટે એ સક્ષમ પણ હોય. ગુ્રપનો એવો માણસ કે જેને સમગ્ર ગુ્રપ પર પોતાનો કન્ટ્રોલ રાખવાની અદમ્ય ઈચ્છા રહેતી હોય અને ગુ્રપ પર યેનકેન પ્રકારે આલ્ફા મેલ કન્ટ્રોલ જમાવી દે છે.

જેમ કે સ્ટીવ જોબ્સે સ્ટીવ વોઝનિઆકને તેમજ બિલ ગેટસે, પોલ એલનને બાજુએ હડસેલી પોતે બધી ''ક્રેડિટ'' પોતાના એકલાના નામે કરી દીધી.

પણ જ્યારે બે-ચાર સાહસિકો પોતાને જ કંપનીના સ્થાપક (ફાઉન્ડર) માનવા લાગે ત્યારે કંપનીના અસલી કે એકમાત્ર સ્થાપક કોણ? એ સવાલનો જવાબ આપવો મુશ્કેલી બની જાય છે અને આવા સંજોગોમાં કંપનીમાં સત્તાના સૂત્રો સંભાળવાની આંતરિક ચડસાચડસી કે હોંશાતોંશી શરૂ થઇ જાય છે.

ટેસ્લા કંપનીમાં ડિટ્ટો આવું જ થયું....

માર્ટિન એબરહાર્ડ અને ઇલોન મસ્ક, એ બન્ને સાહસવીરો શરૂઆતના તબક્કે પોત-પોતાને ટેસ્લાના મુખ્ય સ્થાપક હોવાનું  માનતા હતા.

એબરહાર્ડ પોતે એમ માનતા હતા કે, ટેસ્લાનો આઇડિયા મારો છે. એ પછી તેમણે તેમના મિત્ર ટારપેનિંગને સાથે લઇ કંપનીનું નામ નક્કી કરી કંપની રજિસ્ટર કરાવી, અને પછી કંપનીને ભંડોળ આપનાર ઇન્વેસ્ટરો શોધ્યા. 

એબરહાર્ડ કહે છે, બીજી તરફ ઇલોન મસ્ક પોતાને ટેસ્લાના સ્થાપક અને ટેસ્લાના સર્વેસર્વા માનતા હતા, પણ તેઓ સ્થાપક કે સર્વેસર્વા નથી. તેઓ ટેસ્લાના કેવળ બોર્ડ મેમ્બર અને ઇન્વેસ્ટર જ છે.

સામી બાજુ ઈલોન મસ્ક એવું વિચારતા કે ''એબરહાર્ડ અને સ્ટ્રોબેલને ટેલ્સા કંપનીમાં મેં સામેલ કર્યા છે, અને કંપની શરૂ કરવા માટેનું ભંડોળ મેં જ પુરૃં પાડયું છે.ં હું જ્યારે એબરહાર્ડ, રાઇટ અને ટારપેનિંગને મળ્યો ત્યારે ઇલેક્ટ્રિક કાર ટેસ્લા વિશેની કોઇ જાણકારી તેમને નહોતી, કંપનીમાં એક કર્મચારી સુદ્ધા નહોતો...!''

પ્રારંભિક તબક્કામાં તો આ બન્ને જણની વિચારસરણીમાં જે તફાવત હતો તેનાથી કોઇ મોટી સમસ્યા સર્જાઇ નહોતી.

મસ્કનું કહેવું છે કે શરૂઆતના આ સમયગાળામાં હું મારી બીજી કંપની સ્પેસએક્સ (SpaceX) ચલાવતો હતો અને તેની સાથે વધારામાં ટેસ્લા કંપનીનું મેનેજમેન્ટ કરવામાં મારી કોઇ ઇચ્છા નહોતી. શરૂઆતમાં ટેસ્લાના ડિરેકટર બોર્ડમાં હું હતો તે મારા માટે પુરતું હતું અને એબરહાર્ડ કંપનીના CEO તરીકે કંપની ચલાવતા હતા તેમાં મને કોઇ વાંધો પણ નહોતો.

ટેસ્લાની મોટાભાગની ઇક્વિટી મસ્ક પાસે હતી, એટલે છેવટની સત્તા તો મસ્કના હસ્તક જ હતી અને આ સત્તા જતી કરવાનું મસ્કના સ્વભાવમાં નહોતું; ખાસ કરીને ઇલેક્ટ્રિક કાર ટેસ્લાના એન્જિનિયરિંગને લગતા જે કોઇ નિર્ણય હોય તેમાં મસ્ક વધુ પ્રમાણમાં સક્રિય રહી દરમિયાનગીરી કરતા હતા.

પહેલા વર્ષે તો મસ્ક અને એબરહાર્ડ વચ્ચેનો મનમેળ લગભગ સારો ચાલ્યો. સિલિકોન વેલિ ખાતે ટેસ્લાના હેડક્વારર્ટરમાં ટેસ્લાના રોજિન્દા મેનેજમેન્ટમાં બધું એબરહાર્ડ જ સંભાળતા હતા. જ્યારે મસ્ક તો મોટાભાગનો સમય લોસ એન્જેલસમાં SpaceX નું મેનેજમેન્ટ સંભાળતા હતા. મહિને એકાદ વાર ટેસ્લાની બોર્ડ મિટિંગમાં હાજરી આપવા આવતા હતા તો ક્યારેક ટેસ્લાની  ડિઝાઇન સમીક્ષા માટેની બેઠક માટે આવતા-જતા રહેતા હતા.

એબરહાર્ડ કહે છે કે અમે કોઇ દિવસ સાથે ડ્રિન્ક લેવા બેઠા નથી પણ એકબીજાના ઘેર ઘણી વખત જતા-આવવાનું રહેતું હતું. ક્યારેક અમે સાથે બહાર જમવા પણ જતા હતા. 

પરંતુ આ બન્નેના સ્વભાવ એવા હતા કે બહુ લાંબુ સાથે ચાલી શકે તેમ જ નહોતું. બન્ને એન્જિનિયરો નાની-નાની બાબતોમાં બહું ઝીણું કાંતતા હતા અને બન્ને પોત-પોતાના વિચારોમાં ભારે  મક્કમ હતા.

બન્ને હોંશિયાર  હતા, પણ એ બન્નેના સ્વભાવની લાક્ષણિકતાઓ  તદ્દન વિભિન્ન હોવાથી મસ્ક અને એબરહાર્ડ વચ્ચે લાંબો સમય મનમેળ રહે એ સ્થિતિ શક્ય જ નહોતી.

બન્ને વચ્ચે સમસ્યાઓ ત્યારે શરૂ થઇ જ્યારે કંપનીની સ્થાપક ટીમના આઇઆન રાઇટ સાથે એબરહાર્ડને વાંકુ પડયું. આ બન્ને વચ્ચે મતભેદો એટલી હદે વધી ગયા કે  એબરહાર્ડ મસ્કને એવું ઠસાવવાનો પ્રયાસ કરતા કે તમે આઇઆન રાઇટને કાઢી મુકો. બીજી બાજુ  આઇઆન રાઇટ મસ્કને મસ્કા મારતા હતા કે તમે એબરહાર્ડને કંપનીમાંથી રૂખસદ આપી દો.

આઇઆન રાઇટને કંપનીમાંથી કઢાવી મુકવા માટે એબરહાર્ડને મસ્ક પાસે જવું પડે, તેનો મર્મ  એ છે કે એબરહાર્ડ પોતે ભલે જાહેરમાં નથી કબૂલતા પણ મનમાં સમજી ચૂક્યા છે કે કંપનીમાં આખરી શબ્દ તો મસ્કનો જ ચાલશે.

મસ્કે આ મામલે તે વખતે કહ્યું 'તું કે માર્ટિન એબરહાર્ડ અને આઇઆન રાઇટ મને વારાફરતી આવીને કહી જતા હતા કે પેલો નકામો છે અને તેને કાઢી મુકવાની જરૂર છે. તેઓ બન્ને અલગ અલગ મળીને કહેતા કે ઇલોન તમારે આ પ્રશ્ને નિર્ણય લઇ લેવો જોઇએ.

(ક્રમશઃ)

Gujarat