સિલ્કાએ, નાઝી અફસરની મદદથી લાલને છોડાવ્યો
- સિલ્કાનો 'રમકડા' તરીકે દુરૂપયોગ કરતા લંપટ નાઝી અફસર પાસેથી સિલ્કાએ કામ કઢાવી લીધું
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-9
- સિલ્કાને મેસેજ મોકલવા પાછળનો ટેટુઈસ્ટ લાલનો આશય છેવટે ફળ્યો ખરો
- મોતના મુખમાંથી લાલ પાછો આવી જતા ગીતા અને દાના ખુશખુશાલ
એક રવિવારે લાલે ગીતાને સિલ્કા કેમ માંદી રહે છે? કેમ તે હંમેશા ખોવાયેલી ખોવાયેલી અને હતાશામાં રહે છે? એમ ફરીવાર પૂછતાં છેવટે ગીતાએ લાલને કહ્યું, સિલ્કા અહીંના સિનિયર કમાન્ડન્ટ માટેનું રમકડું છે...?
'ઓહ ગોડ, આવું કેટલા વખતથી ચાલી રહ્યું છે?'
'મને ચોક્કસ ખબર નથી, પણ કદાચ છેલ્લા એકાદ વર્ષથી આ રમકડાનો ખેલ ચાલતો હોય એવું લાગે છે.'
''એ દારૂડિયો બદમાશ છે. એ હવસખોર સિલ્કાની કેવી હાલત કરતો હશે, તે હું કલ્પી શકું છું''
''હું એ વિશે કશું કહેવા કે આગળ વિચારવા નથી ઇચ્છતી''
આમ લાલ અને ગીતાની મુલાકાતો વધતી ગઇ તે દરમિયાન એક દિવસ લાલને નાઝી અફસરે કેટલીક ચીજવસ્તુઓ સાથે પકડી પાડી બ્લોક નંબર ૧૧માં લઇ ગયા. કોન્સન્ટ્રેશન કેમ્પમાં બ્લોક ૧૦ અને ૧૧ 'પનિશમેન્ટ કેમ્પ' તરીકે ઓળખાતા હતા, જ્યાં કેદીઓ પર નાઝી સૈનિકો બેસુમાર અત્યાચાર ગુજારતા હતા. કેટલાક કેદીઓને પછી ગેસ ચેમ્બરમાં ધકેલી દઇ તેમના જીવન પર પૂર્ણ વિરામ મુકી દેવાતું હતું.
લાલને બ્લોક નં-૧૧માંથી બિરકેનાઉના કોન્સન્ટ્રેશન કેમ્પમાં લઇ જવાયો. ત્યાં એક દિવસ અચાનક બરેસ્કી આવી ચઢ્યો. લાલે તેને કહ્યું, મને એક મદદની જરૂર છે, તું કરીશ..?
કઇ મદદ?
ગીતાને મારો સંદેશો પહોંચાડવાનો છે.
તું હાલમાં ક્યાં છે, તેનો સંદેશો ગીતાને આપવો છે?
હા, ગીતાને કહેજે હું બ્લોક નં-૩૧માં છું અને ગીતાને ખાસ કહેજે, આ માહિતી તે સિલ્કાને પણ આપે...
''ગીતાની બહેનપણી સિલ્કાને પણ તું ક્યાં છે, તેની જાણ કરવાની છે?'' 'હા, આ બહું જ જરૂરી છે, સિલ્કા બધું સમજી જશે.'
'સારૂં,
મને યોગ્ય લાગશે તો હું મેસેજ પહોંચાડીશ. પણ એ ખરી વાત છે કે તારા ગોદડા નીચેથી હીરા મળ્યા'તા?'
''શું એ લોકોએ રૂબી, એમેરાલ્ડ, ડોલર, બ્રિટિશ અને સાઉથ આફ્રિકના પાઉન્ડસનો પણ ઉલ્લેખ કરેલો છે?'
બરેસ્કીએ માત્ર તેનું માથું હલાવ્યું, પછી હસતો હસતો લાલના બરડે જોરથી એક ધબ્બો મારીને ચાલતી પકડી. પાછળથી લાલે બુમ પાડી તેને ફરીથી યાદ કરાવતા કહ્યું, 'ગીતાને ખાસ કહેજે સિલ્કાને મેસેજ પહોંચાડે...'
બરેસ્કી, રાત્રે જ્યારે ડિનર માટે બધા લાઇન લગાવીને ઊભા હતા ત્યારે મહિલાઓની છાવણીમાં ગયો. સિલ્કા અને દાના તેમજ ગીતા નજીક નજીક ઊભા હતા. બરેસ્કીને જોતા જ ગીતા તેની નજીક સરકી. બરેસ્કીએ તેની સાથે થોડી ગુસપુસ કરી અને તુરત ગીતા હળવેથી પાછી તેની સહેલીઓ સાથે જતી રહી.
તેણે જઇને તુરત સિલ્કાને કહ્યું, એ જીવતો છે, લાલ જીવતો છે. તેણે એવું કહેવડાવ્યું છે કે લાલ બ્લોક નં-૩૧માં છે, એવો મારે તને મેસેજ આપવાનો છે.
'મને શા માટે આવો સંદેશો આપવાનું તેણે કહ્યું?'
મને ખબર નથી, પણ બરેસ્કીએ મને કહ્યું કે લાલે એને ભારપૂર્વક આ મેસેજ તને પહોંચાડવાનું કહ્યું છે. વચ્ચે દાનાએ સવાલ કર્યો, પણ આમાં સિલ્કા શું કરી શકશે?
સિલ્કાએ નજર ફેરવી લીધી, તેનું મગજ ઝડપથી વિચારે ચઢી ગયું..
સિલ્કાને બદલે ગીતાએ જવાબ આપતા કહ્યું, મનેય કાંઇ ખબર નથી કે લાલે સિલ્કાને શા માટે આવો મેસેજ આપવા ખાસ ભારપૂર્વક બરેસ્કીને કહ્યું હશે. મારે આની પળોજણમાં પડવું પણ નથી. મને તો એટલી વાતમાં જ રસ છે, કે એ જીવતો છે. છતાં દાનાએ વાત આગળ વધારી કે, સિલ્કા આમાં તું શું કરી શકે? લાલને તું કઇ રીતે મદદરૂપ થઇ શકે? જવાબમાં સિલ્કાએ કહ્યું, હું એ વિશે વિચારીશ.
ગીતાએ ફરી તેનું રટણ શરૂ કર્યું, એ જીવે છે. મારો પ્રેમી જીવતો છે..
એ રાતે સિલ્કા પેલા લંપટ નાઝી અફસરની બાહોમાં સમાઇને સુતી હતી.. પણ હવસખોર અફસર હજી જાગતો હતો. ગીતાએ કાંઇક કહેવાની શરૂઆત કરતા જ અફસરે સિલ્કાની નીચેના ભાગમાંથી હાથ હટાવી તેના હોઠ પર મુકી દઇ સિલ્કાને બોલતી અટકાવી દીધી.
સિલ્કાએ છતાં સવાલ કર્યો, તમે ખુશમાં તો છોને?
પેલાએ ટૂંકો જવાબ આપ્યો, હા...
પેલાના અવાજમાં સિલ્કાએ અગાઉ ક્યારેય ન અનુભવી હોય એટલી મૃદુતા હતી, આથી હિંમત કરીને સિલ્કાએ આગળ ચલાવ્યું, મેં આ જ સુધી કશાય માટે તમને ના નથી પાડી, ક્યારેય મેં ના પાડી છે ખરી? અને આજ અગાઉ મેં તમારી પાસે કશુંય માગ્યું નથી, સાચું કે નહીં?
પ્રત્યુત્તરમાં પેલાએ કહ્યું, હા, વાત તો સાચી છે.
તો તમે મારૂં એક કામ કરશો ?
****
'બીજા દિવસે સવારે લાલ કેમ્પમાં દાખલ થયો ત્યારે તેની નજર ફેન્સની પેલી સાઇડ પર ઊભેલા બે જણ પર પડી. કેદીઓને સ્ટાફ ક્વાર્ટરથી અલગ પાડતી ક્વાર્ટર તરફની ફેન્સ પાસે. સિલ્કા અને પેલો નાઝી અફસર ઊભો હતો.
લાલે સિલ્કા તરફ દ્રષ્ટિ નાંખી સિલ્કાએ ક્ષણભર તેની સામે જોયા પછી તુરત જ સાથે ઊભેલા નાઝી અફસરને ધીમેથી કાંઇક કહ્યું. તેણે ડોકું હલાવ્યું, પછી તુરત નજીક ઊભેલા ગાર્ડને કશીક સૂચના આપ્યા બાદ સિલ્કા અને નાઝી અફસર, બન્ને ત્યાંથી ચાલી નીકળ્યા.
એ બન્ને ગયા પછી ગાર્ડ લાલ તરફ આગળ વધ્યો. લાલ પાસે જઇ તેણે કહ્યું, મારી સાથે ચાલ. તને જીપ્સી કેમ્પના તારા જૂના રૂમમાં લઇ જવાની મને સૂચના અપાઇ છે.
લાલ તેની પાછળ પાછળ ચાલ્યો. બ્લોક નંબર-૩૧ના બધા કેદીઓ તેને જોતા ઊભા રહી ગયા.
આગળ વધતા લાલે પેલા ગાર્ડને કહ્યું, જીપ્સી કેમ્પનો રસ્તો મને ખબર છે.
'જો તું એકલો જઇ શકતો હોય તો બહું સારૂં' એમ કહી ગાર્ડ ત્યાંથી જતો રહ્યો.
લાલ જીપ્સી કેમ્પ પાસે આવીને બહાર રમતા છોકરાઓને જોતો ઊભો રહ્યો. કેટલાક છોકરાઓ આ કેવી રીતે પાછો આવ્યો એ વિચારતા ઊભા રહી ગયા, કારણ કે તેમને તો એવું કહેવામાં આવ્યું હતું કે ટેટુઇસ્ટ લાલ તો મરી ગયો છે.
તેમાંનો એક છોકરો દોડીને લાલ પાસે જઇ તેની કમરે હાથ વીંટાળી વળગી પડયો. બીજા છોકરાઓ પણ પછી દોડતા લાલ નજીક આવી ગયા અને આ બધો કોલાહાલ સાંભળી બ્લોકમાંથી બીજા કેદીઓ પણ બહાર આવી લાલને આવકારી વધામણા આપવા માંડયા.
તું અત્યાર સુધી ક્યાં હતો? તું જખ્મી થયો 'તો? લાલે તેમના એકેય પ્રશ્નનો જવાબ ન આપ્યો.
(ક્રમશઃ)