અમિત, ઈસ્લામાબાદમાં પોસ્ટિંગના છેલ્લા દિવસે ઓફિસ જવા નીકળ્યો..
- વિદેશોમાં જાસૂસી માટેની ભારતીય ગુપ્તચર સંસ્થાનો બાહોશ જાસૂસ
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-3
- બંગલાના ચોકીપહેરાની સાથોસાથ જાસૂસી કરતા ચોકિયાતોને અમિત ''ગીફ્ટ'' આપતો રહેતો'તો
- ત્રણ ચોકિયાતો 24 કલાક અમિતના બંગલા બહાર ચોકી પહેરો કરતા રહેતા હતા..
અમિત ચૂપ રહ્યો. મૂળે ઉસ્માનને ફાતિમા લગીરેય ગમતી નહોતી. ફાતિમા ઘરમાં તો સારીરીતે સાફસફાઇ કરતી હતી પણ તે કદી સમયસર આવતી નહોતી કે રસોયા ઉસ્માનને શાકભાજી સમારી આપવામાં કે બીજી કોઇરીતે તે રસોઇમાં તેને મદદરૂપ બની નહોતી.
''જનાબ, છેલ્લા થોડા મહિનાથી હું જોતો હતો કે આપણા બંગલા પર ચોકી પહેરા માટે મુકાયેલા પોલીસો સાથે ફાતિમા કશીક વાતો કરતી રહેતી હતી. હું જ્યારે તેને આ વિશે પૂછું ત્યારે તેનો હંમેશનો જવાબ હતો કે પોલીસો મારી પાસે પાણી માંગતા 'તા કે ગાર્ડનમાંથી ફૂલો ચૂંટવા મારી મંજૂરી માંગતા હતા. હું રસોઇ બનાવીને જઉં, પછી અલ્લા જાને, વો યહાં ક્યાં કરતી હોગી. મને તેના પર જરાય ભરોસો નહોતો.''
અમિત માટેની ચિંતાની લાગણીથી ઉસ્માન આ બધું કહેતો હતો, પણ અમિતને કોઇની જરાય ફિકર ચિંતા નહોતી. ફાતિમાએ આઇ.એસ.આઇ.ના માણસોને કદાચ ગમે તે કહ્યું હોય તો પણ અમિતને તેનાથી ઝાઝો ફરક પડતો નહોતો. ફાતિમા સાથે અમિત ભાગ્યે જ કશી વાતચીત કરતો હતો, વળી પોતે અહીં જાસૂસી માટે આવ્યો છે તે વિશે કે પછી બહાર દેખાડા માટેની તેની સાંસ્કૃતિક ફરજ વિશે ફાતિમાને કશી પણ જાણકારી હોવાની કોઇ શક્યતા ન હતી.
આવા વિચારો કરતો કરતો અમિત બંગલાનાં પરસાળમાંથી બહાર ગાર્ડનમાં આવ્યો અને રોજની આદત મુજબ ગાર્ડનમાં આંટા મારવા માંડયો. તેને કિશોરાવસ્થાથી જ બાગાયતનો બહુ શોખ હતો. અમિત આ બંગલામાં રહેવા આવ્યો ત્યારથી એટલે કે છેલ્લા લગભગ સાડા ત્રણ વર્ષથી તેણે બંગલાના કમ્પાઉન્ડના આ બગીચાની ઘણી સારસંભાળ રાખી હતી. બગીચામાં છોડવાઓને પાણી પાવાનું અને મહિને એકાદ વાર ખાતર નાંખવાના કામમાં પણ અમિત માળીને મદદ કરતો હતો.
પણ છેલ્લા નવ અઠવાડિયાથી અમિતને ઓફિસનું એટલું બધુ કામ રહેતું હતું કે તે બાગાયત કામમાં જરા પણ સમય ફાળવી શક્યો ન હતો. તેમાં વળી છેલ્લા વીસેક દિવસથી માળી કરીમે પણ એકાએક અહીં આવવાનું બંધ કરી દીધું હતું. અમિતે બે-ત્રણ વાર ફોન પર તેનો સંપર્ક સાધવાની કોશિશ કરી હતી, પણ તેનો ફોન લાગતો જ નહોતો. કરીમ માંદો તો નથી પડી ગયોને..એમ વિચારી અમિતે બે વાર રસોઇયા ઉસ્માનને તેના ઘેર ખબર પૂછવા મોકલ્યો હતો. પણ કરીમના ઘેર તાળુ લટકતું હતું. ઉસ્માને પડોશીઓને પૂછતા તેમને કરીમ ક્યાં ગયો છે તેની કશી જ જાણકારી નહોતી.
અમિતને હવે બે-ત્રણ દિવસમાં તો અહીંથી વિદાય લેવાની હતી તેથી નવો માળી રાખવાનો કોઇ અર્થ નહોતો. વળી તેની જગ્યાએ નવા આવનાર અફસરને ફૂલો અને અને છોડવાઓનો તેના જેટલો શોખ કદાચ ન પણ હોય, બધાને બાગકામમાં દિલચસ્પી કે રસરૂચિ હોય એ જરૂરી નથી.
સવારના આઠ વાગ્યા હતા. અમિતના બંગલેથી ઇન્ડિયન એમ્બેસી જતા અંદાજે ત્રીસથી ચાલીસ મિનિટનો સમય લાગતો હતો. ટ્રાફિક વધારે હોય તો થોડો વધારે વખત થતો હતો.
ધીમી ગતિએ કાર ડ્રાઇવ કરતો અમિત બંગલાના ગેટ પાસે પહોંચ્યો... થોડો સમય ગાડી ઊભી રાખી રોજની ટેવ પ્રમાણે તેણે આસપાસ નજર દોડાવી. પોતે જાસૂસ હોવાથી કોઇ પોતાની જાસૂસી કરતું હોય તો તેનો અંદાજો મેળવી લેવા તેણે ચોકસાઇથી આસપાસના રસ્તાનું, વિસ્તારનું નિરીક્ષણ કરી લીધું. દશેક મીટર દૂર તેણે એક કાળા રંગની કાર જોઇ. આ કાર અગાઉ પણ તેણે વારંવાર જોઇ હતી. તેને ખ્યાલ આવી જ ગયો હતો કે કાળા કલરની આ કાર તેની પાછળ જાસૂસી માટે મુકાઇ છે. મળસ્કે ચારના સુમારે તેણે બંગલાની બારીમાંથી જોઇ હતી તે જીપ અત્યારે ત્યાં નહોતી.
મોડીરાતે કવેળાના સમયે પણ કોઇ તેને મળવા બંગલે આવે તો એ શખ્સ પાક. જાસૂસોના કેમેરામાં ક્લિક થઇ જાય એ ઇરાદાથી રાત્રે પણ અમિતના બંગલા ફરતે આખી રાત પેટ્રોલિંગ ચાલુ રહેતું હતું.
અમિતે જોયું તો અકમલ, જહાંગીર અને અલ્તાફ તેમના ટેન્ટ નજીક આમતેમ આંટા મારતા હતા. અલ્તાફ કાળા રંગની કારના ડ્રાઇવર સાથે વાતો કરતો હતો. અમિતે ગુડ મોર્નિંગની ચેષ્ટારૂપે એ ચોકિયાતો તરફ જોઇ હાથ ઊંચો કર્યો. પેલા લોકોએ પણ તુરત હાથ ઊંચા કરી પ્રતિભાવ આપ્યો. અલ્તાફ અને જહાંગીર પોતે સાવચેત રહેતા હતા, છતાં અમિત સાથે તેઓ મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખતા હતા. અને મહિનામાં એકાદ વાર અમિત તરફથી મળતી બ્લેક લેબલ વ્હિસ્કી અને કિંશફિશર બિયરની બોટલ સ્વીકારી લેવામાં તેમને લગીરેય વાંધો નહોતો. અકમલ થોડો ઓછો મિલનસાર હતો અને હંમેશા એ કોઇને કોઇ ટેન્શનમાં હોય એવું ચોખ્ખુ કળી શકાતું'તું.
સવારે ચોકી પહેરા માટે ડયૂટિ પર આવ્યા બાદ થોડીવારમાં જ અકમલ જતો રહેતો હતો. આવું વારંવાર બનતું, કારણ એ હતું કે તેનો છોકરો અપંગ હતો અને ફિઝિયોથેરાપી માટે દર એકાંતરે તેને હોસ્પિટલમાં લઇ જવો પડતો હતો.
અકમલ જ્યારે આ રીતે જતો રહ્યો હોય, ત્યારે એની ગેરહાજરીનો લાભ લઇ જહાંગીર ગાર્ડનના ફૂલછોડના જે કુંડામાં અમિત દારૂની બોટલ મુકી ગયો હોય, તે લઇ આવતો હતો.
ત્રણ-ચાર વખત અમિતના બંગલાના પોઇન્ટ પરથી જહાંગીરની ડયૂટિ બદલી તેને બીજી જગ્યાએ મુકાયો, ત્યારે દર વખતે ગમે તેમ કરી તે પાછો અમિતના બંગલા બહારના પોઇન્ટ પર પાછો આવી જતો હતો, અમિત પાસેથી મળતી દારૂ-બિયરની બોટલોની લાલચ જહાંગીરને પાછી અહીં ખેંચી લાવતી હતી.
સમય જતા સ્થિતિ એવી સર્જાઇ કે જહાંગીર અમિત પાસેની માહિતીનો સ્ત્રોત (સોર્સ) બની ગયો. ભારતીય દૂતાવાસની અંદરની માહિતી મેળવવા માટે અમિત પર જાસૂસી કરતા પાક.ના જાસૂસો જહાંગીરને જ પકડતા હતા. અમિતને આનો બરાબરનો ખ્યાલ આવી જતાં હોંશિયારીપૂર્વક એ જહાંગીરને ગેરમાર્ગે દોરવા માટે આડી-અવળી માહિતી આપતો અને પાક. જાસૂસો જ્યારે જહાંગીરને માહિતી પૂછતા ત્યારે અમિતે કહેલી બધી વાતો એ પાક. જાસૂસોને કરતો, વાસ્તવમાં અમિતે જાણી જોઇને કહેલી એ વાતો ખોટી જ હતી.
એક વખત તેણે આવી જ ચાલાકીથી આઇ.એસ.આઇ.ના લિસ્ટમાંથી ભારતીય એરમેન શ્રીકુમારનું નામ રદ કરાવી નાંખ્યું હતું. થયું એવું કે અમિતે જહાંગીરને એવી ખોટી બાતમી આપી કે તમારા દેશની જાસૂસી સંસ્થા અમારા હવાઇ દળનો એરમેન શ્રીકુમાર જાસૂસ હોવાની ખોટી શંકા રાખે છે, વાસ્તવમાં શ્રીકુમાર સામાન્ય કલાર્ક જ છે.
(ક્રમશઃ)