Get The App

પત્ની કેથીનો વિશ્વાસઘાત પતિએ નજરોનજર નિહાળ્યો..

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
પત્ની કેથીનો વિશ્વાસઘાત પતિએ નજરોનજર નિહાળ્યો.. 1 - image


- સાઈકોથેરાપિસ્ટની પત્ની કેથી સાથે એલિસિઆના પતિ ગ્રેબિઅલના અનૈતિક સંબંધ..

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-7

- કેથીએ તેના પ્રેમીને લખેલા બીભત્સ ઈ-મેલ વાંચી પતિને ઊબકા આવીને ઊલટી થઈ..

- પાર્કમાં પત્ની કેથીનો પરપુરૂષ સાથેનો રોમાન્સ જોઈ પતિનું માથું ફરી ગયું..

છેવટે શાંતિ, ચુપકીદી છવાઇ ગઇ.

એલિસિઆએ મારા ગળે ને ગાલ પર નખોરિયા માર્યા હતા ત્યાં યુરીએ એન્ટિસેપ્ટિક લગાડી, પાટાપિંડી કરી. તેણે કહ્યું કાલ સુધીમાં તમારા માથે ઢીમચું થઇ જશે, માટે ચાલો ડોકટરને બતાવી દઇએ.

વાત છેક ક્લિનિકલ ડાયરેકટર ડો. લાઝારસ ડિઓમિડિસ સુધી પહોંચી. હોસ્પિટલની મેનેજર સ્ટેફેનિ કલાર્ક પણ ત્યાં આવી પહોંચી.

આ ઘટના પછી હવે એલિસિઆની સારવાર આગળ વધારવા માટે મને ડો. ડિઓમિડિસે કેવળ છ અઠવાડિયાનો સમય આપ્યો. કહેવાનો મતલબ મને એલિસિઆને સાજીસમી કરવા માટે છ સપ્તાહ સુધી જ તેની સારવાર કરવાની મંજૂરી અપાઈ, એ પછી હું તેની સારવાર નહીં કરી શકું.

ડો. ક્રિશ્ચિયન જતો જતો કહેતો ગયો,  એલિસિઆ છ અઠવાડિયામાં તો શું ૬૦ વર્ષેય બોલતી નહીં થાય.

પણ હું એલિસિઆની સારવારમાં મક્કમ હતો.

એ સાંજે હું ઘેર પહોંચ્યો ત્યારે પત્ની કેથરીન ઘરે નહોતી. હું એને વ્હાલથી કેથી કહીને સંબોધતો હતો. એલિસિઆના હુમલાથી હું ખૂબ નાસીપાસ અને હતાશ હતો. કેથી રિહર્સલમાં ગઇ હશે..(તે નાટકમાં કામ કરતી હતી.) આવા માહોલ વચ્ચે મને કોલેજમાં પીતો હતો એ મેરિઝુઆના સિગરેટ પીવાનું મન થયું. મેં સિગરેટ કાઢીને ફૂંકવા માંડી. ઝાઝા કશ ખેંચવાથી, ચાલવામાં લથડિયા ખાવા લાગ્યો. હું બાથરૂમમાં ગયો. પહેલા તો બ્રશ કર્યૂં, અને પછી શોવર નીચે ઊભા રહી ખાસ્સીવાર નાહ્યો.

પછી ધીમા ડગલે ડ્રોઇંગ રૂમમાં આવી સોફા પર બેઠો. અચાનક મારી નજર સોફા પર ખુલ્લા પડેલા કેથીના લેપટોપ તરફ ગઇ..

તેનું E-Mail  ખુલ્લું હતું. ઉતાવળમાં તે લોગઆઉટ કરવાનું ભૂલી ગઇ હશે. કેથીનું લેપટોપ ખોળામાં લઇ હું તેના ઇ-મેલ વાંચવા લાગ્યો... કોઇ BADBOY22 તરફથી કેથીને ઇ-મેલ લખાયેલા હતા, તેમાં વારંવાર Sexy અને Fuck શબ્દો વાંચીને હું ચમક્યો. આ BADBOY22  કોણ હશે, તેણે તેના આઇ-ફોનમાંથી કેથીને ઇ-મેલ મોકલ્યા હતા.

ડિયર, ક્યારે મળીશું ?

રિહર્સલ પછી ?

કેથીએ ઇ-મેલના જવાબમાં લખ્યું હતું કે રિહર્સલ પતે પછી જોઇશું. હું તને ટેકસ્ટ મેસેજ કરીશ.

મેં ક્યાં સુધી ઇ-મેલ વાંચ્યા કર્યા તેનો મને ખ્યાલ જ ના રહ્યો...૨૦ મિનિટ...અડધો કલાક...એકાદ કલાક...કેથી અને BADBOY22 ના બધા જ ઇ-મેલ હું વાંચી ગયો. કેટલાક તો તદ્દન બીભત્સ લખાણવાળા હતા. કદાચ મોડીરાતે દારૂના નશામાં કેથીએ આ ઇ-મેલ લખ્યા હશે.

મને ભયંકર માનસિક સંતાપ ઉપડયો. પેટમાં ઉબકા આવવા માંડયા. દોડીને હું વોશ-બેસિન પાસે ગયો. મને ઊલટી થઇ ગઇ...

પ્રેમીને લખેલા કેથીના બીભત્સ ઇ-મેલ વાંચીને મારૃં મન ચકરાવે ચઢી ગયું...પણ આ વિશે કેથીને કાંઇ જ નહીં કહેવાનું મેં મનોમન વિચારી લીધું...કેથીના લગ્ન બાહ્ય રોમાન્સથી તદ્દન અજાણ હોવાનું  નાટક  હું કરતો રહ્યો.

આનું પરિણામ એ આવ્યું કે કેથી બિન્દાસ બની ગઇ. તેને એમ કે તેના બહારના લફરાની કોઇને જાણ નથી, જેના લીધે તે વધુને વધુ કેરલેસ બનતી ગઇ.

એક દિવસ ઢળતી સાંજના સુમારે હું ઘેર આવ્યો તે વેળા કેથી બહાર જવાની તૈયારી કરતી હતી.

''હું વોક માટે જાઉં છું. થોડા સમયમાં જ પાછી આવું છું.''

મેં કહ્યું, 'ચાલ, હું પણ તારી સાથે આવું છું, પાર્કમાં હુંય થોડી કસરત કરી લઇશ.'

કેથી કહે, ના, હું એકલી જ જવા  માંગુ છું. પાર્કમાં મારા નાટકના સંવાદોની પ્રેક્ટિસ કરવાનો મારો પ્લાન છે.

''હું બાજુમાં, જોડે હોઇશ તો તું સંવાદ બરાબર બોલે છે કે નહીં, તેનો ટેસ્ટ થઇ જશે.''

ના, હું એકલી જ નાટકના સંવાદોનું રિહર્સલ કરવા માંગું છું.

કેથી સતત મારી સાથે 'Eye Contact' રાખીને ખૂબ નિખાલસતાથી વાત કરતી હતી, જેથી મને સ્હેજેય કોઈ વાતે શંકા ન જાય. જો કે આમ તો કેથીને'ડ્રામા' કરતા સારૃં આવડતું હતું.

મેં પણ તેની સામે ડ્રામા ચાલુ રાખતા કહ્યું, 'Have a nice walk.'

પરંતુ જેવી કેથી ફલેટમાંથી બહાર નીકળીને રોડ પર ગઇ કે તુરત મેં ચૂપકીદીથી એનો પીછો કરવા માંડયો, તેનાથી થોડે છેટે  અંતરે કોઇની પાછળ પાછળ ચાલતો, જેથી ભૂલેચૂકેય તેની નજરે હું ન ચઢી જાઉં.

પણ અગાઉ મેં કહ્યું તેમ કેથી હવે 'કેરલેસ' બિન્દાસ બની ગઇ હતી. તેણે એકેય વખત પાછા વળીને જોવાની દરકાર જ ના કરી. 

પાંચ-સાત મિનિટમાં તે પાર્કના દરવાજા પાસે જઇને ઊભી રહી, એટલામાં જ અંધારી સાઇડ  તરફથી એક માણસ બહાર આવ્યો. મારી તરફ તેની પીઠ હોવાથી તેનો ચહેરો મને દેખાતો નહોતો. 

સપ્રમાણ બાંધાના એ માણસની ઊંચાઇ - હાઇટ મારા કરતા થોડી વધારે હતી. તેના વાળ કાળા હતા. કેથી તેની તરફ સરકી એટલે પેલા માણસે તેને પોતાની વધારે નજીક ખેંચી, કેથીને તેણે ભીંસીને આલિંગનમાં લઇ લીધી. કેથીએ પેલાને કિસ કરી અને સામે પેલાએ પણ કેથીને તસતસતું ચુંબન ચોડી દીધું. 

કેથી જાણે પ્રેમની અતિ ભૂખી હોય તેમ એને વળગી પડી. ઘરમાં પ્રેમાળ બનીને રહેતી પત્ની કેથીને આ રીતે પરપુરૂષના ગાઢ આલિંગનમાં જોઇ મને ઉબકા આવી ગયા. હું અંધારામાં છુપાઇને ઊભો હતો.

પછી બન્ને જણ હાથમાં હાથ મિલાવી પાર્કમાં ગયા... ધીમા ડગલે હું પાછળ ગયો. જાણે મારા હાથમાં હાથ મિલાવીને ચાલતી હોય એટલા ઉત્કટ પ્રેમથી પેલા અજાણ્યાનો હાથ પકડી કેથી ચાલતી હતી.

કેથી પેલા માણસને પાર્કના બહુ અંધારિયા ખૂણા તરફ, જ્યાં ગીચ ઝાડી હતી, એ બાજુ લઇ ગઇ. બન્ને જણ લીલીછમ્મ ઝાડીની અંદર જાણે અદ્રશ્ય થઇ ગયા.

હું ઝડપ વધારી ઝાડીની સાઇડમાં મને કોઇ જોઇ ન શકે તે રીતે એક મોટા વૃક્ષની ઓથે ઊભો રહી ગયો, જ્યાંથી મને ઝાડીનું થોડું ઘણું દેખાતું હતું. 

ઝાડીમાં છેક અંદરના ખૂણે બન્ને જણ બેઠા હોવાથી ઝાઝુ નહોતું દેખાતું, પરંતુ અંદરથી જે રીતના સિસકારાના અવાજ આવતા હતા તેનાથી મને નિશ્ચિતપણે ખ્યાલ આવી ગયો કે બન્ને જણ ખુલ્લેઆમ વ્યભિચાર પર ઊતરી આવ્યા હશે. સહશયનની પળોમાં કેથીના ચોક્કસ પ્રકારના સિસકારા-ઊંહકારાથી હું પરિચિત હતો.

મારૃં માથું ફરી ગયું. ઊબકા આવી ગયા. મારૃં મન અહીંથી ભાગી જવા માટે તત્પર થઇ ગયું, પણ કોઇક અકળ કારણસર હું ત્યાં જ ખોડાઇ રહ્યો. આ માણસે મારા સુખી સંસારમાં આગ ચાંપી હતી. (કેથી સાથે વ્યભિચાર કરનાર બીજો કોઈ નહીં, પણ એલિસિઆનો પતિ ગ્રેબિઅલ હતો. પુસ્તકમાં આગળ હજી વધુ સનસનાટીભરી ઘટનાઓ આકાર લે છે...)

(સંપૂર્ણ)

Saransh

Google NewsGoogle News