Get The App

ભૂતકાળની યાદો, સર્જનશકિતમાં અવરોધક

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
ભૂતકાળની યાદો, સર્જનશકિતમાં અવરોધક 1 - image


- જૂની બિનજરૂરી યાદોનો ત્યાગ કરી દો, નવાને તમારામાં પ્રવેશવા દો..

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-3

- ઓશો કહે છેઃ સાચો સર્જક, અજ્ઞાતમાંથી કંઇક જ્ઞાન દુનિયામાં લાવે છે

- વિદ્યા વિશારદમાં આંતર દ્રષ્ટિ નથી, સર્જક તેને કહેવાય જેનામાં આંતર દ્રષ્ટિ હોય

ઓશો લખે છે, જ્યારે હું કહું છું કે તમારી સ્મૃતિને છોડી દો, ત્યારે હું મનોવૈજ્ઞાનિક યાદો એવો અર્થ કરૃં છું. હું સત્ય / હકીકતલક્ષી વાતો  વિશેની યાદોની વાત નથી કરતો. બુધ્ધને બરાબર યાદ છે કે આ માણસ ગઇકાલે મારા પર થૂંક્યો હતો પરંતુ તેમને એ પણ યાદ છે કે આ માણસ તે જ નથી અને હું પણ ગઇકાલે જે હતો તે આજે નથી. એક પ્રકરણ પુરૃં થઇ ગયું છે. તમારી આખી જિન્દગી આ પ્રકારની યાદને સાથે લઇને ચાલવું યોગ્ય નથી; પણ તમે આ બધો ભાર ઊંચકીને ચાલવા ટેવાયેલા છો. કોઇકે તમને ૧૦ વર્ષ પહેલાં કંઇક કહ્યું 'તું અને આજે પણ તમે  એ વાત સાથે લઇને ચાલો છો. તમે નાના બાળક હતા ત્યારે તમારા પિતાજીએ તમને કોઇક કારણે એક તમાચો મારેલો એ હજી પણ તમારી સાથે છે, અને આજે તમે કદાચ સિત્તેરના થયા છો.

આવી માનસિક યાદો બોજારૂપ બની રહે છે. તે તમારી સ્વતંત્રતાનો ધ્વંષ કરે છે, તમારી જીવંતતનો નાશ કરે છે.

બીજી એક વધારાની વાત સમજી લેવા જેવી છે જ્યાં માનસિક યાદો નથી, ત્યાં સત્ય વાતો ખૂબ ચોક્કસ હોય - કારણ કે માનસિક યાદો તમને ખલેલ પહોંચાડયા કરે છે. જ્યારે તમે માનસિકરીતે ડહોળાયેલા હો ત્યારે તમને ચોકસાઇથી યાદ કઇ રીતે રહે? એ અશક્ય છે.

જે માણસ પાસે માનસિક યાદો નથી તેના પર તમે આધાર રાખી શકો, તેથી કોમ્પ્યુટર માણસ કરતા વધારે ભરોસાપાત્ર છે, કારણ કે તેની પાસે માનસિક યાદો નથી ફક્ત સત્ય વાતો, ખુલ્લા સત્ય, નગ્ન સત્યો જ છે. 

અત્યારની પળમાં આખો ભૂતકાળ સમાયેલો છે અને આ પળમાં ભાવિ પણ છૂપાયેલું છે. પણ માનસિકરીતે ચિંતા કરવાની જરૂર નથી, એ ત્યાં જ છે. તમારે માનસિકરીતે તેનો બોજ વેંઢારવાની કોઇ આવશ્યકતા નથી.

અત્યારની આ પળમાં બધું જ છે. આ પળ જ અનંતકાળ છે.

હવે તમે કહો છો પણ યાદો છોડી દેતા મારે સર્જનાત્મક કલ્પનાશક્તિ પણ છોડી દેવી પડશે..યાદ અને સર્જનાત્મક કલ્પનાશક્તિને શો સંબંધ છે? સાચું તો એ છે કે, જેટલી યાદો વધારે તેટલા તમે ઓછા સર્જક બનશો - કારણ કે તમે યાદોને  જ દોહરાવશો પણ સર્જનાત્મકતા એટલે કંઇક નવું સંભવવા દેવું. કંઇક નવું સંભવવા દેવા માટે તમારે તમારી યાદોને બાજુ પર મુકવી પડશે, કારણ નહીં તો એ યાદો તમારી સર્જનશક્તિમાં અવરોધક બની રહેશે. નવાને તમારામાં પ્રવેશવા દો, જૂનાનો ત્યાગ કરો.

જ્યારે તમે વહેલી સવારના સૂરજનાં કિરણોમાં ગુલાબ ખીલતું જુઓ છો, ત્યારે તેને જોયા જ કરો. તમારા સમગ્ર અસ્તિતવ પર એની અસર થવા દો. તમારામાં તેને ઊંડે ઉતરવા દો. તમે તમારાપણાને કચડી નાંખો. ગુલાબને તમારા ઊંડાણ સુધી પહોંચવા દો અને તમે ગુલાબ સુધી પહોંચો બન્નેનો મેળાપ થવા દો.

ગુલાબ જેટલું તમારામાં ઊંડુ ઉતરશે, તેટલા જ ઊંડા તમે પણ ગુલાબમાં પ્રવેશી શકશો.

એક પળ એવી આવશે જ્યારે તમને ખબર નથી પડતી કે ગુલાબ કોણ છે? અને તેને જોનાર કોણ છે? પછી એક ક્ષણ આવે છે જ્યારે તમે ગુલાબ બની જાવ છો અને ગુલાબ, તમે જે છો તે, બની જાય છે. જ્યારે જોનાર સ્વયં જેને જોઇ રહ્યો છે તે બની જાય છે, ત્યારે વ્દૈત અદ્રશ્ય બની જાય છે, તે ક્ષણે તમને સત્ય લાધે છે - ગુલાબપણું. ત્યારે તમે તમારી ભાષાને પકડો, તમારી કલાને પકડો. તમે જો ચિત્રકાર હો તો તમારૃં કેન્વાસ, પીંછી અને રંગ હાથમાં લો - ચિત્ર તૈયાર કરો. તમે કવિ હોય તો સ્વયંભૂ તમારામાં ઉત્કૃષ્ટ કવિતા રચવાની પ્રેરણા  ઉદભવશે.

ઉદાહરણ તરીકે અત્યારે તમે મને સાંભળો છો - તમારી સ્મૃતિને તમે બાજુ પર મુકો. જ્યારે તમે મને ધ્યાનથી સાંભળી રહ્યા છો, ત્યારે તમને આવડતું બધું જ - ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સંગીત વિગેરે બધું જ બાજુ પર મુકો. તમારી બધી યાદો વિચારે પાડી દો. એની જરૂર પડશે - પણ જ્યારે જરૂર પડે, ત્યારે જ એનો ઉપયોગ કરો. અત્યારે તો તમારા આખાય મગજને બાજુ પર મુકી દો..!

આમ કરીને તમે તમારા મગજનો નાશ નથી કરતા, તમે ફક્ત એને આરામ આપો છો. તેની અત્યારે, હાલમાં, આ મિનિટે જરૂર નથી. તમે તેને રજા આપી શકો છો. તમે મગજને કહી શકો - એક કલાક હમણાં આરામ કર, મને ઓશોનું લેકચર એકચિત્તે સાંભળવા દે. હું સાંભળી લઉં, હું બધો સાર ગ્રહણ કરી લઉં પછી હું તને બોલાવીશ. પછી તારી જરૂર પડશે. - તારી ભાષાની, તારા જ્ઞાનની, તારી અત્યાર સુધી સંગ્રહિત કરેલી માહિતીની પછી જરૂર પડશે. પછી હું કવિતા લખીશ, ચિત્ર દોરીશ કે પુસ્તક લખીશ, પણ અત્યારે તો તું આરામ કરી શકે છે.

મગજ આવા આરામ પછી વધુ તાજગીસભર હશે. તમે મગજને આરામ નથી આપતા, તેથી જ તમારૃં મગજ સાધારણ રહી જાય છે.

સર્જક વ્યક્તિ એ છે, જે અજ્ઞાતમાંથી કંઇક જ્ઞાન દુનિયામાં લાવે છે. એ પ્રભુ પાસેથી કંઇક પૃથ્વી પર લાવે છે. સર્જનાત્મકતા તમારી પાસે નથી કે તમારામાંથી નથી આવતી. તમે અદ્રશ્ય થઇ જાવ છો, ત્યારે સર્જનાત્મકતા જન્મે છે, જ્યારે સર્જક તમારો કબજો લે છે. 

સાચા સર્જકો આ વાત સારી પેઠે જાણે છે કે તેઓ પોતે સર્જક નથી. તેઓ તો માત્ર સાધન છે, તેઓ વાહક છે. તેમના થકી જે કંઇ થયું - તે સાચું, પણ એ તેમણે નથી કર્યું.

વિદ્યાના વિશારદ અને સર્જક વચ્ચેના આ તફાવતને યાદ રાખો. વિદ્યા વિશારદમાં આંતર દ્રષ્ટિ નથી. સર્જક તેને કહેવાય, જેનામાં આંતર દ્રષ્ટિ હોય. જે જોઇ શકે, અગાઉ કોઇએ જોયું ન હોય, જેને કોઇ આંખ કદી જોઇ શકી ન હોય, જે સાંભળી શકે અગાઉ જેને કોઇએ સાંભળ્યુ ન હોય અને તો જ તેનામાં સર્જનાત્મકતા છે. 

તમે જુઓ...જિસસના વિધાનો, સુવાક્યો સર્જનાત્મક છે. - અગાઉ કોઇએ આવું કહ્યું નહોતું. તેઓ શિક્ષિત વ્યક્તિ નહોતા. તેઓ વકૃત્વ વિશે કાંઇ વિશેષ જાણતા નહોતા પણ અતિ જૂજ વ્યક્તિઓમાં ભાગ્યે જ જોવા મળે એવું  એમનું વકૃત્વ હતું. તેનું રહસ્ય શું? તેમનામાં આંતરદ્રષ્ટિ હતી, તેમણે પ્રભુમાં દીઠું;  તેમણે  અજ્ઞાતમાં ડોકિયું કર્યું. તેઓ અજ્ઞાત સામે જઇને ઊભા. તેઓ એવા અંતરિક્ષમાં ગયા અને એ અંતરિક્ષના થોડા ટૂકડાઓ લઇને પાછા આવ્યા. થોડા ટૂકડા જ લાવી શકાય, પણ જેને જાણી જ ન શકાય તેના થોડા ટૂકડા પણ પૃથ્વી પર લાવીને તેમણે સમગ્ર માનવજાતની ચેતનામાં ગુણાત્મક પરિવર્તન આણ્યું.

(ક્રમશઃ)

Saransh

Google NewsGoogle News