Get The App

પ્રારબ્ધનો પવન કેટલાક શહેરોની ફેવરમાં હોવાનું લાગે છે..

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
પ્રારબ્ધનો પવન કેટલાક શહેરોની ફેવરમાં હોવાનું લાગે છે.. 1 - image


- સારાંશ - વિનોદ ડી. ભટ્ટ - ભાગ-૪

- 'New York Times'  ના પત્રકાર વિલિયમ્સ લોરેન્સ બોલીઊઠયા..

- કોકુરાના ગાઢ ધુમ્મસિયા વાતાવરણના કારણે પાયલોટને શસ્ત્ર ભંડાર નજરે પડતો નહોતો

- બોમ્બાર્ડિઅર કેપ્ટન બેહાન પણ બોલી ઊઠયાઃ મને કોકુરાનો શસ્ત્ર ભંડાર નથી દેખાતો

ટિનિઅન ટાપુ પર મેજર જનરલ ગ્રોવ્સના સેકન્ડ-ઇન-કમાન્ડ બ્રિગેડિયર જનરલ ફેરેલે, Has sweeney aborted? પ્રશ્નાર્થના બદલે એવો અર્થ કર્યો કે Sweeney Aborted,, અને આવા અર્થઘટનથી ટિનિઅન ટાપુના મથકમાં ગભરાટ ફેલાઇ ગયો.

રેડિઓ મેસેજ તો બરાબર જ મોકલાયો હતો. આ મેસેજમાં ઓબ્ઝર્વેશન પ્લેનના મેજર જેમ્સ હોપકિન્સે,  ટિનિઅન ટાપુ પરના અમેરિકી એરફોર્સના મથકને એવો સવાલ પૂછ્યો હતો કે બોમ્બર પ્લેન અહીં અમને દેખાતું નથી, કે તેની સાથે સંપર્ક પણ થઇ શકતો નથી, તો શું બોમ્બર પ્લેનના પાયલોટ સ્વીનીએ એટમબોમ્બ ફેંકવાનો પ્લાન પડતો મુક્યો કે શું..?

જેમ્સ હોપકિન્સે એરફોર્સના ટાપુ પરના મથકે આવો સવાલ પૂછતો મેસેજ કર્યો હતો પરંતુ ટાપુ પરના અફસરે મેસેજનો પ્રશ્નાર્થ જોયા વગર કે પછી  મેસેજ મુકવામાં ભૂલ થઇ હોય, એ ગમે તે હોય, પણ ત્યાં એવું અર્થઘટન થયું કે બોમ્બર પ્લેનના પાયલોટ સ્વીનીએ અણુબોમ્બ ફેંકવાનો પ્લાન પડતો મુકી દીધો છે... આવા અર્થઘટનથી ટાપુ પરના મથકમાં ગભરાટ ફેલાઇ ગયો કે બોમ્બર પ્લેનમાં એક વખત એટમબોમ્બ મુકાઇ ગયા પછી એને પાછો કઇ રીતે લાવી શકાય? કાંતો એને કોકુરા શહેર પર ફેંકવાનો હોય કે પછી દરિયામાં પધરાવી દેવો પડે...

ઓબ્ઝર્વેશન પ્લેનમાંથી મળેલા રેડિઓ મેસેજના ખોટા અર્થઘટનથી ટિનિઅન ટાપુ પર એરફોર્સના મથકમાં અડધો કલાક સુધી ખળભળાટ મચેલો રહ્યો. અડધો એક કલાકમાં ઓબ્ઝર્વેશન પ્લેન અને બોમ્બર પ્લેન વચ્ચે પુનઃ સંદેશાવ્યવહાર સ્થપાઇ જતા સાચી વાસ્તવિક સ્થિતિનો તાગ મળતાં એરફોર્સ મથકે અને બન્ને પ્લેનમાં ફેલાયેલો ગભરાટ શમી ગયો હતો.

નિષ્ફળતાનો આખરી મોટો સંકેત

સવારના લગભગ પોણા દશના સુમારે બોમ્બર પ્લેન બોકસ્કાર તેના પ્રાઇમરિ ટાર્ગેટ કોકુરા શહેર નજીક પહોંચ્યું...પ્લેનનો સ્ટાફ પેરાશૂટ પહેરી કટોકટીની પળ માટે સજ્જ થવા માંડયો..

આ દરમિયાન પાયલોટ સ્વીનીને આગળના ઓબ્ઝર્વેશન પ્લેન તરફથી સંદેશો મળ્યો કે કોકુરા શહેરમાં ધુમ્મસિયું, ધૂંધળું વાતાવરણ છે.

એક ઓબ્ઝર્વેશન પ્લેનમાં ક્રૂ મેમ્બર્સની સાથે ન્યૂયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટર નામે વિલિયમ્સ લોરેન્સને પણ સાથે લઇ જવાયો હતો. કોકુરા પર ધુમ્મસિયું વાતાવરણ હોવાનું જાણી રિપોર્ટર લોરેન્સે કમેન્ટ કરી કે, 'The winds of destiny  seemed to  favour certain cities'- પ્રારબ્ધના પવન કેટલાક શહેરોની તરફેણમાં હોવાનું લાગે છે..(લોરેન્સની કમેન્ટનો મતલબ એ કહી શકાય કે કોકુરા શહેરના ધુમ્મસિયા વાતાવરણના કારણે કદાચ આ શહેર પર એટમબોમ્બ ફેંકી શકવાનું શક્ય ન બને, તો એટમબોમ્બ યાદીમાંના બીજા શહેર નાગાસાકી પર ફેંકવાની નોબત આવી પડે, સરવાળે એનો અર્થ એ કે ડેસ્ટિની કે પ્રારબ્ધ અમુક શહેરની તરફેણમાં હોવાથી એ શહેરનું વાતાવરણ ધુમ્મસછાયું, ઝાકળવાળું થઇ ગયું છે, જેના લીધે પાયલોટને ટાર્ગેટ શહેરના વિસ્તારો બરાબર નહીં દેખાવાથી એટમબોમ્બ ફેંકે અને ટાર્ગેટ પર બરાબર ન પડે, અન્ય સ્થળે પડે તો લક્ષ્યાંક નિષ્ફળ જવાથી એટમબોમ્બ ફેંકવાનો અર્થ સરે નહીં, એટલે બહેતર છે કે આ કોકુરા શહેરના બદલે નાગાસાકી શહેર પર અણુબોમ્બ ફેંકીને મિશન પાર પાડીને રવાના થઇ જવું જોઇએ.

હકીકત એ હતી કે આગલી રાતે જ અમેરિકન એરફોર્સના અન્ય સંખ્યાબંધ બોમ્બર વિમાનોએ કોકુરા શહેર નજીકના યાવાટા શહેર પર મોટી સંખ્યામાં Incendiary Bombs-  (આગ લગાડનારા બોમ્બ, આ એ પ્રકારના બોમ્બ છે, જે શહેરના બિલ્ડિંગો કે મહત્વના ઔદ્યોગિક એકમો પર ફેંકવાથી ત્યાં મોટાપાયે આગ ભભૂકી ઊઠે છે.) ફેંક્યા હતા જેથી યાવાટા શહેરમાં ઠેર ઠેર ભયંકર આગ ફાટી નીકળી હતી અને આ મહા ભયાનક આગનો ધૂમાડો કેવળ આખા યાવાટા શહેર પર જ નહીં, પરંતુ નજીકના કોકુરા શહેર પર પણ છવાઇ ગયો હતો. કોકુરા અને યાવાટા વચ્ચે માંડ આઠેક કિલોમીટરનું અંતર છે.

આખા કોકુરા શહેર પર ધુંધળુ અને ધુમ્મસિયું વાતાવરણ છવાઇ ગયું હોવાથી બોમ્બર પ્લેનના પાયલોટ સ્વીનીને તેનું ટાર્ગેટ સ્થળ - કોકુરા શહેરનો મોટો શસ્ત્રભંડાર નજરે પડતો નહોતો.

પાયલોટ સ્વીની પોતાનું પ્લેન થોડી નીચી હાઇટે લઇ ગયો, જેથી કદાચ કોકુરાનો શસ્ત્ર ભંડાર જો દેખાઇ જાય તો અણુબોમ્બ ફેંકવાનું તેનું મિશન સફળ થઇ જાય. પણ પ્લેન નીચી હાઇટે ઊતાર્યા છતાં વાતાવરણ એકદમ ધુમ્મસિયું હોવાથી પાઇલોટને કશું દેખાયું નહીં.

પ્લેનમાં બેઠેલા બોમ્બાર્ડિઅર કેપ્ટન કર્મિટ બેહાન પણ બોલી ઊઠયા ઃ 'મને શસ્ત્ર ભંડાર દેખાતો નથી, મને આર્સનલ નથી દેખાતો.'

સ્વીનીએ ફરી એકવાર પ્લેન થોડું વધારે નીચી હાઇટે ઊતારી ટાર્ગેટ નજરે પડે તે માટે કોશિશ કરવાનું વિચાર્યૂં.

યુધ્ધના માહોલમાં બોમ્બર ક્યારેય આ રીતે બીજી વખત કોશિશ કરતો નથી, કારણ બોમ્બરનો પહેલો પ્રયાસ નિષ્ફળ જાય એ સમયગાળા દરમિયાન દુશ્મન દેશનું હવાઇ દળ એકદમ સતર્ક, સચેત થઇ વળતા હુમલા માટે પુરેપુરૂં સજ્જ થઇ જાય છે, દુશ્મન દેશની રડાર સિસ્ટમમાં બોમ્બર પ્લેન દેખાઇ જવાની સંભાવના વધી જાય, એટલે બોમ્બર પ્લેનનો પાયલોટ બીજીવાર તેનું પ્લેન વધારે નીચું ઊતારવાની કોશિશ કરે, એ વેળા કદાચ દુશ્મન દેશના ચોકિયાત પ્લેનમાંથી અમેરિકન બોમ્બર પ્લેન પર ધડાધડ ફાયરિંગ થવા માંડે, દુશ્મન દેશનું પ્લેન એટેકમાં સફળ થઇ જાય તો અમેરિકન બોમ્બર પ્લેન ગમે તે ઘડીએ, ગમે તે સ્થળે તૂટી પડવાની પુરેપુરી વિનાશક સંભાવના સર્જાય અને પાયલોટ સ્વીનીનું પરફેક્ટ મિશનનું ધ્યેય ચકનાચૂર થઇ જાય.

આવી જોખમી સંભાવના વચ્ચે પણ સ્વીનીએ બીજીવાર કોશિશ કરી, આ વેળા પણ એ નિષ્ફળ ગયો : ધુમ્મસિયા વાતાવરણમાં તે કશું જોઇ શકતો જ નહોતો. 'visibility nil.' ફરી એ બોમ્બર પ્લેન ઊંચુ લઇ ગયો અને ઇન્ટરકોમમાં બોલ્યો : Pilot to Crew, No drop, Repeat, No Drop  બોમ્બ નાંખી શકાય તેમ નથી..

બીજો કોઇ પાયલોટ હતાશ થઇ જાય કે ગભરાટના માર્યા બોમ્બ ફેંકવાની પોઝીશનમાં ફરી લઇ જવાની મથામણ જ ન કરે, પણ આ તો સ્વીની હતો, સ્વીની.

ચુસ્ત કેથોલિક, જાંબાઝ પાયલોટ. તેણે બીજા એન્ગલથી ત્રીજી વખત પ્રયાસ કર્યો. જાપાની હવાઇ દળ કાંઇ બંગડીઓ પહેરીને, આંખે પાટા બાંધીને નહોતું બેઠું. જાપાની એરફોર્સના ત્રણેક પ્લેન વળતા આક્રમણ માટે ધસી આવ્યા... સ્વીનીની સમય સૂચકતાથી અમેરિકન બોમ્બર પ્લેન બચીને નીકળી ગયું...

Saransh

Google NewsGoogle News