એક અફસરના બંગલે રાત્રે ડિનર માટે જવાનું હતું..
- ઈસ્લામાબાદમાં નોકરીના છેલ્લા બે દિવસ દરમિયાન અમિતે ડિફેન્સ સેક્ટરના
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-7
- ઓફિસમાંથી નીકળતાં પહેલા અમિતે, પત્ની, ભામાને ફોન કરી પૂછ્યું, ''અહીંથી કાંઈ લાવવું છે..?''
- પત્નીએ જવાબમાં કહ્યું, કશાની જરૂર નથી, તમે વહેલા પાછા આવી જાવ, બાળકો રાહ જુએ છે..
તે ક્યારેક રમૂજમાં કહેતો કે I.S.I. ના જાસૂસો ચોવીસેય કલાક તેના બંગલા પર ચોકીપહેરો રાખતા ફરતા રહે છે, એટલે બંગલામાંથી કોણ કશું ચોરી જવાનો છે? અને કદાચ કોઇ બંગલામાં ઘુસી જશે તોય મારા થોડા કપડાં, મહિનાનું રાશન અને પૂજા-પાઠની સામગ્રી સિવાય બીજું કશુંય તેને બંગલામાંથી મળવાનું નથી. જે કાંઇ થોડી મૂલ્યાવાન ચીજો તેની પાસે હતી તે, અને તેની અંગત ફાઇલો અમિત ઓફિસમાં જ મુકી રાખતો હતો.
અમિત મનમાં વિચારતો રહ્યો કે ઇસ્લામાબાદમાં મારા પોસ્ટિંગની મુદત હવે પુરી થવાની તૈયારીમાં છે. મારૃં અહીંનું કામ સરસ રીતે પુરૃં થયું છે અને મને અહીં આર્થિક રીતે લાભ પણ મળ્યો છે. હવે અહીંની એમ્બેસિમાં એક જ દિવસ બાકી છે અને પરમ દિવસે તો હું દિલ્હી પાછો જતો રહીશ.
અમિત ટ્રાફિક સિગ્નલ વળોટી કોન્સ્ટિટયૂશન એવન્યૂથી ડાબી તરફ વળ્યો. તેના વિદાયમાન સમારંભમાં સ્થાનિક નવ આર્ટિસ્ટો હાજર રહેવાની અમિતની ગણત્રી હતી. છેલ્લા દિવસોમાં તેના સોર્સ (સ્ત્રોત)ને મળવાનો કોઇ પ્લાન તેણે ઘડયો નહોતો, કારણ આવું કરવા જતાં છેલ્લે છેલ્લે કદાચ તેના સોર્સ ખુલ્લા પડી જવાની, પકડાઇ જવાની સંભાવના હતી.
અમિતને ઇસ્લામાબાદ આવ્યાને લગભગ સાડા ત્રણ વર્ષ થઇ ચૂક્યા હતા. દેખીતી રીતે એ ભલે, અહીં ભારતના સાંસ્કૃતિક અધિકારી તરીકે આવ્યો હોય પણ I.S.I. ને શંકા હતી કે અમિત ભારતનો જાસૂસ છે, અને અહીં એ જાસૂસી માટે જ આવ્યો છે, પરંતુ I.S.I.ના ગુપ્તચરો હજી સુધી તો, અમિત જાસૂસ હોવાના કોઇ પુરાવા મેળવી શક્યા નહોતા એટલે અમિતને નક્કર દહેશત હતી કે હવે તે પોતે અહીં બે-ત્રણ દિવસ જ રહેવાનો છે, એ દરમિયાન પાકિસ્તાની જાસૂસો છેલ્લે છેલ્લે તેના પર જડબેસલાક 'વોચ' રાખીને બેસવાના છે.
આથી ઇસ્લામાબાદના છેલ્લા બે-ત્રણ દિવસ અમિતે બહુ જ સાવધાની રાખવાની હતી, કારણ એને બાતમી આપનાર સોર્સ ખુલ્લા પડી જાય તો એ સોર્સનું અને સાથોસાથ પોતાનું ખુદનું આવી બનવાનું હતું.
અમિત આ બધી બાબતોમાં બહુ ચાલક હતો એટલે એના સોર્સને ગુડબાય કહેવા તે ત્રણેક અઠવાડિયા અગાઉ જ મળી ચૂક્યો હતો.
જો કે બીજીબાજુ પાકિસ્તાની જાસૂસી એજન્સી I.S.I.ના ગુપ્તચરોએ ત્રણેક મહિનાથી અમિતની પાછળ જાસૂસી કરવાનું ઓછું કરી દીધું હતું. આની પાછળનું ચોક્કસ કારણ અમિતની સમજમાં નહોતું આવ્યું. એની આગળ-પાછળ વોચ રાખીને ફરતા 'વોચર્સ' (તેની જાસૂસી કરતા પાક.ના ગુપ્તચરો)ની સંખ્યા પણ ઘટાડી દેવાઇ હતી. એના બંગલામાં કોની અવર-જવર રહે છે, તેના પર ચાંપતી નજર રાખવા માટે પહેલા તો પાક. એજન્સીએ બે પોઇન્ટ ઊભા કર્યા હતા. પણ છેલ્લા ત્રણ મહિનામાં એ લોકોએ એક પોઇન્ટ ઉઠાવી લીધો હતો અને બીજા પોઇન્ટ પર પણ નામ પુરતા ચોકિયાતો બેસી રહેતા હતા.
આખી રાત તેના બંગલાના મુખ્ય ગેટથી ૧૦૦ મિટરની દૂરી પર પાક. ગુપ્તચરની એક કાર સતત ઊભી રહેતી હતી. પણ છેલ્લા કેટલાક વખતથી કોઇક રાત કાર આવે તો કોઇક રાત કાર ભાગ્યે જ ત્યાં દેખાતી હતી.
પણ અમિત ખુદ ખંધો અને બાહોશ જાસૂસ હતો. તેણે મનોમન વિચાર્યૂં કે પાક. ગુપ્તચરો મારા પર ઓછી જાસૂસી રાખે છે એવો ભ્રમ ઊભો કરીને તેઓ મને ગફલતમાં રાખીને કદાચ ટ્રેપમાં ફસાવવા પણ માગતા હોય.
સ્ટ્રીટ-૪ પરથી જેવી પોતાની કાર ડાબે લીધી કે તુરત જ અમિતે જોયું તો એક કારે તેની કારને ઝડપથી ઓવરટેક કર્યા પછી એ કારની ઝડપમાં ઘટાડો દેખાયો. પરંતુ થોડી મિનિટો બાદ એ કાર જમણી 'લેન' માં ગઇ અને એ પોતે ભારતીય એમ્બેસિના ગેટ પર પહોંચ્યો ત્યાં સુધી પેલી કાર તેની સમાંતર બીજી લેનમાં દોડતી રહી હતી. જેવો એમ્બેસિનો ગેટ આવ્યો કે તુરત પેલી કાર ઝડપ વધારીને ત્યાંથી રવાના થઇ ગઇ.
અમિતે તેની કારનો આ રીતે પીછો કરતા કોઇ ગુપ્તચરને અત્યાર સુધી જોયો નહોતો. એ કારમાં બેઠેલા જાસૂસે તેનું મોઢું હાથરૂમાલથી ઢાંકી દીધું હતું. વળી તેની કારના કાચ પણ 'ટીન્ટેડ' હતા. એ કાર I.S.I.એજન્સીની હોય તેવું લાગતું નહોતું. કારનો રંગ સ્કાય બ્લ્યૂ હતો અને નંબર પ્લેટ કરાચીની હતી. આ એક મોટું રહસ્ય હતું.
અમિતનો અનુગામી ઇસ્લામાબાદમાં ક્યારે આવશે તે નિશ્ચિત નહીં હોવાથી એમ્બેસિમાં તેના સિનિયર રાઘવને ચાર્જ સુપ્રત કરવાની અમિતને દિલ્હી વડામથકેથી સૂચના અપાઇ હતી.
શનિવારે સાંજે ૫ વાગે અમિતે રાઘવને ચાર્જ સોંપવાનો હતો અને તે પછી સહકાર્યકરો દ્વારા તેના વિદાયમાનમાં ટી-પાર્ટી યોજાઇ હતી અને રાત્રે તેના એક સિનિયરે અમિતને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું...
સવારના ૮.૩૫ વાગે અમિત કાર પાર્ક કરીને એમ્બેસિમાં પ્રવેશ્યો, પણ તેની પોતાની ઓફિસમાં જવાના બદલે તેનો છેલ્લો હિસાબ સમજવા અમિત એકાઉન્ટન્ટની ઓફિસમાં ગયો.
પોણો કલાક પછી લગભગ ૯.૧૫ વાગે અમિત એકાઉન્ટન્ટ પાસેનું કામ પતાવી પોતાની ઓફિસમાં ગયો. પાકિસ્તાનના ખ્યાતનામ કલાસિકલ ગઝલ ગાયક તેને મળવા માટે રાહ જોતા બેઠા હતા. સદર ગઝલ ગાયક અવારનવાર ગઝલના તેમના કાર્યક્રમ માટે ભારત જતા-આવતા રહેતા હતા. બપોરના બે વાગ્યા સુધી મુલાકાતીઓની વણઝાર મળવા માટે આવતી રહી.
બપોરે ૩ વાગે એમ્બેસેડરના સેક્રેટરીનો ફોન આવ્યો. શુક્રવારે રાત્રે એમ્બેસેડરના નિવાસે ડિનર માટેના આમંત્રણની સેક્રેટરીએ અમિતને યાદ અપાવી. એ દરમિયાન બીજા ચારેક મુલાકાતીઓ તેને મળવા આવ્યા.
ઓફિસમાં બીજા કેટલાક કામો પતાવતા સાંજના લગભગ સાત વાગી ગયા. એમ્બેસિના ડિફેન્સ સેકટરના અફસર આકાશના નિવાસે રાત્રે ૮-૩૦ વાગે અમિતને ડિનર માટે જવાનું હતું. કારમાં આકાશનું ઘર એમ્બેસીથી માત્ર ૨૫ મિનિટનો સમય લાગે એટલી દૂરી પર હતું, એટલે અમિત પાસે હજી પૂરતો સમય બાકી હતો.
તેણે વિચાર્યું કે પોતે ઓફિસથી પહેલા ઘેર જઈ ફ્રેશ થયા બાદ કપડાં બદલીને પછી આકાશને ઘેર જઈશ. જતા જતા તેણે આકાશને કહ્યું ૮-૩૦ ના બદલે હું નવેક વાગે આવું તો ચાલશે ? આકાશે હકારમાં જવાબ આપતા અમિતે ઓફિસમાંથી બહાર નીકળતા પહેલા પત્ની ભામાને દિલ્હી ફોન કર્યો.
તારા માટે અહીંથી કશું લેતો આવું ? ભામાએ કહ્યું, ના કોઈ વસ્તુની જરૂર નથી, તમે વહેલા ઘેર પાછા આવી જાઓ. બાળકો તમારી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, તમને આશ્ચર્યજનક આવકાર આપવાની તૈયારીમાં પડયા છે.
(ક્રમશઃ)