Get The App

કિવ નજીક જર્મન લશ્કરના અત્યંત આક્રમક હુમલા

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
કિવ નજીક જર્મન લશ્કરના અત્યંત આક્રમક હુમલા 1 - image


- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1941-'42માં યુક્રેનના પાટનગર

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-3

- જર્મન લશ્કરના ભયંકર આક્રમણથી રેડ આર્મીના જવાનોમાં ભારે ફફડાટ

- એન્ટિ-ટેન્ક ડોગ્સને તાલીમ આપવા માટે રશિયામાં પ્રાદેશિક સ્કૂલો ખોલાઈ હતી

આ બધા અનુભવોના નીચોડરૂપે તેમણે આ પુસ્તકમાં યુધ્ધ મોરચે ખાસ કરીને લશ્કરી ટેન્કોનું મહત્વ અને જંગમાં જીત માટે ટેન્કોનો કઇ રીતે ઊપયોગ કરી દુશ્મન દેશના લશ્કરને હંફાવી દેવું તેની વ્યૂહરચનાઓ વર્ણવી છે. ટેન્કોની સાથે અન્ય સશસ્ત્ર વાહનો વાપરીને શત્રુ દેશના સૈનિકોનો ખાત્મો બોલાવી દેવાના પ્લાનિંગ વિશે આ પુસ્તકમાં ગુડેરિઅને વિગતે લખ્યું છે.

અને એટલે જ ગુડેરિઅને રશિયા પરના અક્રમણ વખતે રસલાવ નગરમાં સશસ્ત્ર ટેન્કોનો મોટો જમાવડો એકઠો કરી રશિયન ટાઉન રસલાવ પર પુરેપુરો કબ્જો જમાવી દીધો હતો.

જર્મનો સામે લડવામાં શરૂઆતના તબક્કે રશિયન રેડ આર્મી ઊણું ઉતર્યૂં હતું. શત્રુ સૈન્ય સામે લડવા માટેની કોઇ નક્કર તૈયારી રેડ આર્મીએ ન કરી હોવાની વિગતો જાણીને ગ્રોસમેન ખૂબ ચોંકી ગયો હતો. તેને મનોમન ખાતરી થઇ ગઇ હતી કે આ માટે જો કોઇ એક વ્યક્તિ જવાબદાર હોય તો એ સ્ટાલિન પોતે જ છે..!

ગ્રોસમેન થોડા થોડા દિવસે મધ્યસ્થ મોરચેથી (સેન્ટ્રલ ફ્રન્ટના) આગળના યુધ્ધ મેદાન સુધી જતો હતો. સોવિયેત યુનિયનના મીન્સ્ક શહેર પર જર્મનોએ બોમ્બમારો કર્યો અને શહેરમાં ઘણી જગ્યાએ આગ ફાટી નીકળી તે વેળા ગ્રોસમેન એ શહેરમાં ન્યૂઝ લેવા ગયો હતો.

ગ્રોસમેને ડાયરીમાં નોંધ્યું કે, મીન્સ્ક શહેર પર બોમ્બમારો થતાં ઠેક ઠેકાણે આગ ભડકી ઊઠી હતી. ત્યાંના એક અંધજન ગૃહમાંથી પ્રજ્ઞાાચક્ષુઓ બહાર દોડી આવ્યા અને એકબીજા સાથે ટુવાલથી જોડાઇને લાંબી કતારમાં એ અંધજનો રસ્તા માર્ગે આગળ ચાલતા જોવા મળ્યા હતા. યુધ્ધ મોરચે ઘાયલ રેડ આર્મીનો એક જવાન રસ્તાની સાઇડના ઘાસ પર ઇજાગ્રસ્ત હાલતમાં પડયો પડયો બબડતો હતો 'પશુઓ અને વનસ્પતિ પોતાના અસ્તિત્વ માટે ઝઝુમે છે, જ્યારે માણસો પોતે વર્ચસ્વ જમાવવા, પોતાની સર્વોપરિતા સ્થાપિત કરવા આપસમાં લડે છે.'

જે લોકો બચી ગયા, એ બધા સલામતરીતે યુધ્ધગ્રસ્ત વિસ્તારથી દૂર આવીને પોતે જર્મનોના ઘેરામાંથી કઇ રીતે બચીને, છટકીને જીવતા રહ્યા તેની કંપાવનારી વાતો કરતા હતા.

કેનવાસ પાઉચમાં વીંટાળેલા ક્રુડ બોમ્બ ખાસ તાલીમ આપેલા ડોગના શરીરે બાંધી દઇ, આવા ડોગને યુધ્ધ મોરચેથી જર્મન સૈન્યની ટેન્ક તરફ દોડાવાતા હતા. તાલીમ પામેલો કુતરો જર્મન ટેન્ક નીચે ઘુસે કે તુરત રશિયન જવાન રિમોટ કન્ટ્રોલથી એ બોમ્બ ફોડતો જેથી ટેન્કના ફૂરચે ફૂરચા ઊડી જતા હતા અને તે સાથે ડોગનો પણ ખાત્મો બોલી જતો હતો.

રશિયાના ઇસ્ટર્ન ફ્રન્ટ પર  જર્મન લશ્કરને આગળ વધતું અટકાવવાના મરણિયા પ્રયાસોના ભાગરૂપે રશિયન રેડ આર્મીએ ટેન્ક વિરોધી કૂતરા યુનિટ ઊભું કર્યૂં હતું. જર્મન ટેન્કો રશિયન આર્મીને ભારે પડી રહી હતી.

ટેન્ક-વિરોધી ડોગ્સને તાલીમ આપવા માટે રશિયામાં ૧૨ જેટલી પ્રાદેશિક સ્કૂલો ખોલાઇ હતી. ૧૯૩૫માં રશિયન રેડ આર્મીમાં સત્તાવાર રીતે એન્ટી-ડોગ યુનિટસ શરૂ કરાયા હતા. જર્મન શેફર્ડ ડોગ્સ મહદઅંશે તાકતવર હોવાથી અને આ ઓલાદના (બ્રીડના) ડોગ્સને વધુ સરળતાથી, સહેલાઇથી તાલીમ આપી શકાય તેવા હોવાથી એન્ટી ટેન્ક ડોગ્સ તરીકે મોટાભાગે તેમને તાલીમ અપાતી હતી. પરંતુ એ પછી બીજી ઓલાદના ડોગ્સને પણ તાલીમ આપવાનું શરૂ કરાયું હતું. કહેવાય છે કે  ૧૯૪૧-૪૨ના સમયગાળામાં રેડ આર્મીએ લગભગ ૪૦,૦૦૦ જેટલા ડોગ્સને એન્ટી-ટેન્કની તાલીમ આપી તૈયાર કર્યા હતા.

જો કે આ એન્ટી-ટેન્ક ડોગ્સની વ્યૂહરચના રશિયનોને બહુ કામ નહોતી લાગી.

સામી બાજુ દુશ્મન જર્મન સૈન્યના જવાનોએ એવો પ્રચાર શરૂ કર્યો કે રશિયન સૈનિકોએ યુધ્ધ મોરચે જઇ જર્મન સૈનિકો સામે લડવાનો ઇન્કાર કરી દેતા, રશિયનોએ હવે યુધ્ધ મોરચે કૂતરા મોકલવા માંડયા છે....!

જર્મન લશ્કર, રેડ આર્મીને પીછેહટ કરવાની ફરજ પાડતું આગળ વધી રહ્યું  'તું. જર્મન કમાન્ડર જનરલ ગુડેરિઅનની ટેન્કો ઘેરો ઘાલી દે તે પહેલા મોરચેથી દૂરના વિસ્તારમાં જતા એક પ્લેનમાં ગ્રોસમેન અને તેની સાથેના અન્ય બે સંવાદદાતા ટ્રોયેનોવસ્કી અને નોરિંગ પણ બેસીને યુક્રેનના ઉત્તર-પૂર્વીય વિસ્તારના છેવાડે જવા રવાના થઇ ગયા. એ વિસ્તારમાં પહોંચ્યા બાદ ગ્રોસમેને તપાસ કરતા તેને એવી ચોંકાવનારી વાત જાણવા મળી કે અહીં તો રેડ આર્મીના અફસરો જર્મનોના આક્રમણને કોઇ ગંભીરતાથી ગણત્રીમાં લેતા જ નહોતા.  ક્રેમલિનમાં બેઠેલો સરમુખત્યાર સ્ટાલિન પણ રશિયા પર જર્મનીની ચઢાઇની ગંભીર અને જોખમી વાસ્તવિકતાને હજી પણ નજર અંદાજ કરી રહ્યો હતો.

જર્મન કમાન્ડર જનરલ ગુડેરિઅનની ખતરનાક ટેન્કો ગોમેલ શહેરને દક્ષિણેથી ઘેરો ઘાલી દે તો યુક્રેનના પાટનગર કિવને ઉત્તરેથી સાવ જ વિખૂટું પાડી દે. રાજધાની સાથેનો ગોમેલ અને અન્ય શહેરોનો સંપર્ક જ પુરેપુરો તૂટી જાય.  પણ રશિયાનો સરમુખત્યાર આ જોખમ સમજે તે પહેલાં તો ઘણું મોડું થઇ ચૂક્યું હતું. રશિયાના ઇતિહાસમાં તેની આ સૌથી મોટી હાર ગણાવાની હતી.

કિવ નજીક જર્મનોના અત્યંત આક્રમક હુમલામાં રેડ આર્મીના પાંચ લાખ કરતા વધારે જવાનો કાંતો જર્મનોએ યુધ્ધકેદી બનાવ્યા અને ઘણાં બધા મોતને ભેટયા હતા.

જર્મનોની ખતરનાક ટેન્કો ગોમેલ શહેરના દક્ષિણ તરફથી પૂર્વીય યુક્રેન તરફ આગળ વધી તે પહેલા ગ્રોસમેન અને બીજા બે સંવાદદાતાઓ ત્યાંથી સદભાગ્યે છટકી શક્યા હતા. રસ્તામાં રશિયન નાગરિકો પાસેથી માહિતી મેળવવા માટે ગ્રોસમેને તેમને પૂછપરછ શરૂ કરતા જ ઘણાં લોકો તો કાંઇપણ કહેતા પહેલા ધુ્રસકે ને ધુ્રસકે રડી પડતા હતા. જ્યાં પણ આ ત્રણ સંવાદદાતા ઊભા રહી કાંઇ પૂછે તે અગાઉ જ લોકો રડવા માંડયા હતા.

રાત પડે ને જર્મનોના હવાઇ હુમલા શરૂ થઇ જતા. રાતના અંધારામાં હવાઇ દળના લડાકુ વિમાનોની ઘરઘરાટીથી લોકો ભયંકર રીતે ગભરાઇ જતા અને બોમ્બમારાથી ગામડાઓ ચોતરફ ભડકે બળતા હતા.

હજારો લોકો ઘરબાર છોડીને ભાગી રહ્યા હતા. રસ્તા પર સર્વત્ર ધૂળની ડમરીઓ ઉડતી હતી. સેંકડોની સંખ્યામાં ઘેટા-બકરા, ઘોડા, ગાયો-ભેંસો, બળદો અને બળદગાડાની રસ્તાઓ પર જાણે વણથંભી વણજાર ચાલી રહી હતી. જેનાથી ધૂળના ગોટેગોટા ઉડતા નજરે પડતા હતા. આટલું ઓછું હોય તેમ રેડ આર્મીના સૈનિકો, લશ્કરની ટ્રકો અને ટેન્કો, સ્ટાફની કાર, મશીનગનોની હેરાફેરીથી રસ્તાઓ ઓર ખીચોખીચ થઇ ગયા...

(ક્રમશ:)

Saransh

Google NewsGoogle News