ગ્રીક દંતકથાની રાણીએ પતિ માટે જીવ આપી દીધો..

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
ગ્રીક દંતકથાની રાણીએ પતિ માટે જીવ આપી દીધો.. 1 - image


- ગ્રીસમાં ભગવાન એપોલોએ રાજાને કહ્યું, તારા બદલે બીજું કોઈ જાન કુરબાન કરે, તો તારો જીવ બચશે

- સારાંશ - વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- ગ્રીક દંતકથાની નાયિકા અલકેસ્ટિસ પણ યમદ્વારેથી પાછી આવીને સાઈલન્ટ બની ગઈ

- પતિના મર્ડર કેસની ટ્રાયલ દરમિયાન પણ એલિસિઆ તદ્દન સાઈલન્ટ રહી..

એ  પેન્ટિંગ Self-Portrait હતું.  એ પેન્ટિગ એલિસિઆ ખુદનું હતું. જેમાં  એલિસિઆએ ખુદને તદ્દન  નગ્ન ચિતરી હતી. તેના એક હાથમાં બ્રશ હતું, અને એ બ્રશ લાલ રંગમાં બોળેલું હતું - શું એ લોહી હતું..? તેનું મોઢું આપણી તરફ હતું, મોઢું ખુલ્લું હતું, બે હોઠ જાણે કશુંક બોલવા માટે ખુલ્લા હોય તેવા હતા, પણ એ કશું બોલતી નથી.

આ પ્રકારનું SELF-PORTAIT દોરીને એલિસિઆએ પેન્ટિગના  નીચેના ભાગમાં ડાબા ખૂણે લાઇટ બ્લ્યૂ કલરમાં લખ્યું હતું - ALCESTIS

અલકેસ્ટિસ ગ્રીક દંતકથાની એક નાયિકા છે. પતિ તરફની તેની પ્રેમકહાની અત્યંત કરૂણાજનક છે.

ગ્રીસ દેશના થેસાલી રજવાડાના રાજા એડમિટસની પત્ની અલકેસ્ટિસની જીવનકથા થોડા અંશે બ્રિટનના વિખ્યાત લેખક અલેક્સ માઇકલીડસની સસ્પેન્સ નોવેલ 'ધ સાઇલન્ટ પેશન્ટ' ની નાયિકા એલિસિઆની જીવનકથા સાથે સામ્યતા ધરાવે છે.

રાજા એડમિટસનો મૃત્યુ દિન નજીક આવતા ગ્રીકના એક ઇશ્વર નામે એપોલોએ રાજાને કહ્યું કે તારા બદલે જો બીજું કોઇ મરવા તૈયાર થાય તો હું તારી જીવાદોરી લંબાવી આપું. રાજાએ તેના પિતાને પૂછ્યું, પરંતુ પિતાએ સ્પષ્ટ ના પાડી દીધી. 

રાજાએ, રાણી અલકેસ્ટિસને પૂછ્યું. પ્રેમાળ પત્નીએ પતિ માટે જીવન સમર્પણ કરવા તુરત જ હા પાડી દીધી, પરંતુ રાણીએ શરત મુકી કે મારા ગયા પછી મારા આ બે બાળકો સાવકી માને હવાલે ના કરતા. ટૂંકમાં રાણીએ રાજા પાસે વચન લીધું કે તેના મૃત્યુ બાદ રાજા પુન: લગ્ન નહીં કરે.

લાંબુ જીવી જવાની લાલચમાં રાજાએ રાણીને વચન આપી દીધું કે, તે બીજા લગ્ન નહીં કરે.

પતિ માટે રાણીએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું. યમરાજા તેને લઇ ગયા. પણ થોડા દિવસમાં રાજાનો એક મિત્ર યમરાજા સાથે યુધ્ધ કરી રાણીને પાછી લઇ આવ્યો. 

રાણીએ પાછા આવીને જોયું તો મહેલમાં રાજાના લગ્નની તૈયારીઓ ચાલતી હતી...!

જીવનમાં પોતાની અતિ પ્યારી વ્યક્તિ કે જેના માટે પોતે જાન કુરબાન કરી દીધો હતો, એ વ્યક્તિ જ્યારે આવો વિશ્વાસઘાત કરે, જીવનની છેલ્લી પળે તેને આપેલું વચન ન પાળે, એ જોઇને રાણીનું બોલવાનું બંધ થઇ ગયું. તે મૌન બની ગઇ.

પ્રાચીન ગ્રીસના વિખ્યાત નાટયલેખક યુરીપીડસે સદીઓ અગાઉ રાણી અલકેસ્ટિસની આ જીવનકથા પરથી સુંદર નાટક લખેલું હતું. 'ધ સાઇલન્ટ પેશન્ટ' નોવેલમાં પણ તેની નાયિકા એલિસિઆ પતિની હત્યા કર્યા બાદ તદ્દન મૌન બની જાય છે. તેની પાછળના રહસ્ય પરથી છેલ્લે પડદો ખુલે છે...

ખેર, ગ્રીસની એ દંતકથાની વાત ટૂંકમાં પતાવીને હવે આપણે પાછા નોવેલ ''The Silent Patient''  પર આવીએ..

લોકોની વાત ધારો કે સાચી માની લઇએ કે એ સ્ત્રી કેટલી નિષ્ઠુર છે, જે પતિનું મર્ડર કર્યા પછી અફસોસ કે પશ્ચાતાપ કરવાના બદલે પેન્ટિગ કરવા બેસી ગઇ છે.

લોકોમાં વહેતી વાતોને બાજુએ રાખીને બીજી તરફનું વિચારીએ તો એલિસિઆ બેરેન્સન ભલે હત્યારી છે, પણ છેવટે તે એક કલાકાર પણ છે. મારી દ્રષ્ટિએ એક કલાકાર પોતાની અંદરની અત્યંત જટિલ પ્રકારની (કોમ્પ્લીકેટેડ  ઇમોસન્સ) લાગણીઓ અભિવ્યક્ત કરવા બ્રશ અને પેન્ટસનો આશરો લે તેમાં કશું જ ખોટું નથી.

પણ  એલિસિઆ સામે કોર્ટમાં કેસ ચાલે અને તે પતિની હત્યારી પુરવાર થાય એ પહેલા જ સમાજમાં લોકો તેને હત્યારી કહેવા લાગ્યા હતા. વાસ્તવિક મુદ્દાઓ પણ સીધા, સરળ અને એલિસિઆને જ હત્યારી સાબિત કરવા તરફના હતા. : (૧) એલિસિઆ તેના ઘરના દીવાનખંડમાં પતિ ગેબ્રિઅલના મૃતદેહ પાસે એકલી જ ઊભેલી  મળી આવી હતી, (૨) તેની બાજુમાં પડેલી ગન પર તેના જ આંગળાના નિશાન (ફિંગરપ્રિન્ટસ) હતા.

એટલે ગેબ્રિઅલની હત્યા તેણે જ કરી હોવા વિશે શંકાને સ્હેજ પણ સ્થાન નહોતું.

પણ આખી ઘટનામાં રહસ્ય કેવળ એ વાતનું હતું કે પત્ની એલિસિઆએ પતિ ગેબ્રિઅલનું મર્ડર શા માટે કર્યૂં.?

અખબારોમાં અને ટીવીના ટોક-શોમાં આ જ મુદ્દો સતત ચર્ચાતો રહ્યો. એલિસિઆના આ અપકૃત્યને કેટલાક વ્યાજબી ઠેરવતા તો ઘણા તેને સખત શબ્દોમાં ધુત્કારી કાઢતા હતા.તેનો પતિ કદાચ તેની સાથે બહુ ક્રૂરતાથી વર્તતો હશે, રોજ તેને મારઝૂડ કરતો હશે કે ઘરમાં રોજ કંકાસ ચાલતો હશે, જેના લીધે છેવટે ત્રાસી જઇને એલિસિઆએ મર્ડર કરવા જેવું અંતિમવાદી પગલું ભર્યૂં ? શું પતિ ગેબ્રિઅલના લગ્નબાહ્ય કોઇ અન્ય સ્ત્રી સાથેના ઘનિષ્ઠ સંબંધના કારણે એલિસિઆ તેના પતિ પર જબરદસ્ત રોષે ભરાઇ હશે?

પણ કોર્ટમાં ગેબ્રિઅલના ભાઇએ જુબાની આપી કે મારો  ભાઇ અત્યંત પ્રેમાળ પતિ હતો. એલિસિઆ સાથે તેને ખૂબ બનતું હતું. તેનું લગ્ન જીવન સુખી હતું.

પૈસા માટે પણ  એલિસિઆ આવું કૃત્ય કરે તેવી શક્યતા નહોતી. એલિસિઆને તેના પિતા તરફથી વારસામાં સારા એવા પૈસા મળ્યા હતા તેથી પૈસાના પ્રશ્ને તેણે આવું આત્યંતિક પગલું ભર્યાની વાત કોઇ માને તેમ નહોતું. 

આમ એલિસિઆએ કરેલા મર્ડરની ઘટનામાં અવનવા તુક્કા લોકો લડાવ્યા કરતા હતા. દૈનિકપત્રો, સામાયિકો અને ટીવીમાં પણ આ ઘટના ખૂબ ચગી હતી. દરેક વખતે નવા નવા સવાલો ઊઠતા હતા, પણ તેના કોઇ જવાબ મળવાના બદલે મર્ડર પાછળના એલિસિઆના ઇરાદા વિશે વધારે ને વધારે પ્રશ્નો સર્જાતા ગયા. ખાસ કરીને મર્ડરની ઘટના પછી એલિસિઆએ મૌન ધારણ કરી લીધું, તે વિશે પણ સવાલ ઊઠતા હતા.

તેણે બોલવાનું બંધ શા માટે કર્યૂં? ઘટના વિશે પોલીસના સવાલોના જવાબમાં પણ એલિસિઆ મૌન ધારણ કરીને કેમ બેસી રહી? તેના મૌનનો, ચૂપકીદીનો  અર્થ શું સમજવો? શું તે કાંઇક છુપાવી રહી છે? એલિસિઆ કોઇ અન્યને બચાવી રહી છે? જો તે કોઇને બચાવી રહી હોય તો બીજો સવાલ એ છે કે એલિસિઆ કોને અને શા માટે બચાવી રહી છે? 

કોર્ટમાં મર્ડર કેસની ટ્રાયલ દરમિયાન, કાંઇપણ નહીં બોલવાની એલિસિઆની વિચિત્ર વર્તણૂંક વિશે, જજશ્રી પણ  આશ્ચર્યમાં મુકાઇ ગયા.

જસ્ટિસ અલ્વરસ્ટોને નોંધ્યું કે જો આરોપી નિર્દોષ હોય તો એ પોતે પોતાની નિર્દોષતા વારંવાર અને મોટે મોટેથી જાહેર કરતો રહે છે. પણ એલિસિઆના કેસમાં આવું નથી થયું. વળી તેને  પસ્તાવો થતો હોય તેવા કોઇ દેખીતા ભાવ પણ તેના ચહેરા પર નજરે પડતા નથી.

(ક્રમશ:)

Saransh

Google NewsGoogle News