For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગોરા મેજિસ્ટ્રેટને પોલે કહ્યું, તમે બદમાશ માણસ છો..

Updated: Apr 17th, 2024

ગોરા મેજિસ્ટ્રેટને પોલે કહ્યું, તમે બદમાશ માણસ છો..

- નેલ્સન મન્ડેલાના મિત્ર પોલની, ગોરા અફસરને તડને ફડ કહી દેવાની ગજબની હિંમત

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-3

- નેલ્સન મન્ડેલાના લગ્ન કરાવી દેવાની રીજન્ટે ઉતાવળ કરતા નેલ્સન ઘરેથી ભાગી ગયા..

- નેલ્સન અને જસ્ટિસે ખોટું બોલીને જોહાનિસબર્ગની સોનાની ખાણમાં નોકરી મેળવી..

લોકલ મેજિસ્ટ્રેટે પોસ્ટ ઓફિસમાંથી પોતાના માટે ટપાલ ટિકિટ ખરીદી લાવવા પોલને પૈસા આપવા માંડયા, પણ પોલે પૈસા લેવાનો સાફ ઈન્કાર કરી દીધો.

કોઈ બ્લેક ક્યારેય કોઈ ગોરાનું અને તેમાંય ખાસ કરીને ગોરા અફસરનું કામ કરવાની ના પાડવાની હિંમત કરી શકતો નહોતો. જ્યારે અહીં તો બ્લેક જુવાને, ગોરા અફસરનું કામ કરવાની ના તો પાડી જ, ઉપરથી તે ટપાલ ટિકિટ ખરીદવાના પૈસા આપતા હતા તે લેવાની જ સાફ સાફ ના પાડી દીધી.

બ્લેકમેનની ના સાંભળવા નહીં ટેવાયેલો ગોરો મેજિસ્ટ્રેટ ખૂબ ધૂંઆપૂંઆ થઈ ગયો.

અતિશય ગુસ્સે ભરાયેલા ગોરા મેજિસ્ટ્રેટનો ચહેરો લાલ લાલ થઇ ગયો. ઊંચા અવાજે બરાડો પાડી તેમણે પોલને સવાલ કર્યો, તને ખબર છે....હું કોણ છું.?

ગોરા અફસરે જેટલા ગુસ્સાથી ઊંચા અવાજે સવાલ કર્યો, સામે પક્ષે પોલે એટલા જ ઠંડા કલેજે સૌમ્યતાથી જવાબ આપ્યો, તમે કોણ છો, એ જાણવાની મારે જરૂર જ નથી, પણ હવે મને ખબર પડી ગઇ કે તમે કોણ છો..

ગોરાનો ગુસ્સો હજી સ્હેજેય શાંત નહોતો પડયો. પોલના જવાબથી તો એ વધારે ઊકળી ઊઠયા...

મેજિસ્ટ્રેટે તેને વળતો સવાલ કર્યો, કે તને ખબર પડી ગઇ કે હું કોણ છું, તો કહે હું કોણ છું?

હવે ગુસ્સે થવાનો વારો પોલનો હતો. તેણે ઊંચા અવાજે કહ્યું, મને ખબર પડી ગઇ છે કે તમે કોણ છો, અને તમારે મારી પાસે એ જાણવું છે તો જાણી લો કે તમે 'ઇર્યેી' છો, મિન્સ કે તમે અપ્રમાણિક અને સિધ્ધાંતહિન બદમાશ માણસ છો..!

પોલના આ જવાબથી તો ગોરો અફસર ઓર ધૂંઆપૂંઆ થઇ ગયો પણ ગોરાની સામે ખુમારીથી આટલું બોલવાની પોલની હિંમત જોઇ, એ કદાચ મનોમન સમજી ગયો હશે કે, આ બ્લેક જુવાન સાથે વધારે જીભાજોડી કરવામાં મઝા નથી. એટલે, 'આની તારે ભારે કિંમત ચૂકવવી પડશે', એવી ધમકી આપીને તેણે ત્યાંથી ચાલતી પકડી..

ગોરા સાથે પોલે કરેલા આવા વર્તાવથી હું અસ્વસ્થ થઇ ગયો, મેં બેચેની અનુભવી. મને તેની હિંમત માટે માન તો ઉપજ્યું, પણ સાથો સાથ તેના વર્તાવથી હું જરા ખળભળી પણ ઊઠયો હતો.

'હું કોણ છું' એની પેલા ગોરા મેજિસ્ટ્રેટને ચોક્કસપણે ખબર હતી. તેમણે પોલને બદલે મને પોસ્ટ ઓફિસમાં જઇને ટપાલ ટિકિટ ખરીદવાનું કામ સોંપ્યું હોત, તો મેં તો ચૂપચાપ એમનું એ નાનકડું કામ પતાવી આપ્યું હોત,  અને પછી આ કરેલા કામને ભૂલી પણ ગયો હોત. 

જો કે પોલે પેલા ગોરીઆને જે કાંઇ જવાબ આપ્યો અને તેની સાથે જે વર્તાવ કર્યો તેને હું દાદ આપું છું, પણ હું પેલા ગોરા સાથે એવો વર્તાવ કરવા તૈયાર નથી. 

પરંતુ હવે ધીમે ધીમે મને એ ખ્યાલ આવતો જાય છે કે રોજેરોજ બ્લેક સાથે ગોરાઓ જે રીતે અન્યાયી વર્તાવ કરે છે, વાતવાતમાં ગોરીઆઓ બ્લેક લોકોના અપમાન કરે છે, તે બ્લેક લોકોએ હવે ચૂપચાપ સહન કરવા જોઇએ નહીં.

વેકેશન બાદ હું કોલેજમાં ગયો, ત્યારે મનોમન વધુ મજબૂત બની ગયો હતો, મારામાં નવું જોમ-જુસ્સો આવી ગયા હતા અને મારા વિચારોમાં પણ ઘણો બદલાવ હવે આવી ગયો હતો.

મારા પિતાના અવસાન પછી મને નગરના રીજન્ટે દત્તક લઇ લીધો હતો. મારી મા મને રીજન્ટના મોટા બંગલે મુકી ગઇ હતી, જ્યાં રીજન્ટના દીકરા જસ્ટિસ અને દીકરી નોમાફુ સાથે મારો ઉછેર થયો હતો.

રીજન્ટ બહુ જ માયાળુ અને ઉદાર સ્વભાવના હતા. તેઓ મને તેમના દીકરાની જેમ જ ઉછેરતા હતા. અમારા વચ્ચે કોઇ ભેદભાવ નહોતો રાખતા. તેમના દીકરા જસ્ટિસ સાથે જ મારૃં જમવાનું, રહેવાનું ગોઠવાયું હતું. મારા માટે તેના જેવા જ કપડા રીજન્ટ લાવતા હતા.

કોલેજનો અભ્યાસ પુરો કર્યા પછી હું પાછો રીજન્ટના બંગલે રહેવા આવી ગયો હતો. જસ્ટિસ પણ ભણવાનું પુરૃં કરીને ઘરે પાછો આવ્યો હતો. ઉંમરમાં જસ્ટિસ મારા કરતા ચારેક વર્ષ મોટો હતો.

અમે બન્ને ભણવાનું પુરૃં કરીને ઘેર પાછા આવ્યા તેના એકાદ-દોઢ મહિના પછી રીજન્ટે અમને બન્નેને તેમના રૂમમાં બોલાવ્યા. તેમણે અત્યંત ધીમા સ્વરે કહ્યું, 'દીકરાઓ, મને લાગે છે કે હવે હું આ દુનિયામાં બહુ લાંબો સમય રહેવાનો નથી, હું પરલોકની યાત્રાએ રવાના થાઉં તે પહેલાં તમારા બન્નેના લગ્ન કરાવી દેવાની મારી પિતા તરીકેની ફરજ છે. આથી તમારા બન્ને માટે મેં બે છોકરીઓ પસંદ કરી રાખી છે. 

રીજન્ટની આ વાત સાંભળી હું અને જસ્ટિસ, બન્ને આશ્ચર્યમાં મુકાઇ ગયા. એક હળવા આઘાત અને લાચારીના ભાવથી અમે બન્ને એકબીજા તરફ જોઇ રહ્યા.

રીજન્ટે જો કે અમારા બન્ને માટે સારા ઘરની સ્વરૂપવાન છોકરીઓ પસંદ કરી હતી. જસ્ટિસ માટે એક જાણીતા થેમ્બુ ઉમરાવની છોકરી જોઇ રાખી હતી અને મારા માટે એક સ્થાનિક થેમ્બુ પ્રિસ્ટની છોકરી પસંદ કરી હતી.

રીજન્ટના પ્લાન પ્રમાણે તો બહુ જલ્દીથી અમારા લગ્ન કરાવી દેવાના હતા. વરના પિતા દ્વારા કન્યાના પિતાને દહેજ ચુકવવાની અમારે ત્યાં પ્રથા હતી. પરંતુ એ પણ ચૂકવી દેવાની રીજન્ટે વ્યવસ્થા કરી દીધી હતી.

રીજન્ટના દીવાનખંડમાંથી નત મસ્તકે, હતાશ હૃદયે હું અને જસ્ટિસ હળવે પગલે બહાર નીકળ્યા. રીજન્ટે તો થેમ્બુ આદિવાસી પ્રજાની પરંપરા પ્રમાણે શુભાશયથી અમારા લગ્ન નક્કી કરી દીધા હતા. એમની હયાતીમાં અમારા હાથ પીળા કરવાની સ્વભાવિક રીતે જ રીજન્ટની અંતરની મહેચ્છા હતી.

રીજન્ટે મારા માટે પસંદ કરેલી છોકરી ઊંચા ઘરાનાની હતી. તેના ખાનદાની પરિવારનો સમાજમાં માન-મોભો હતો. છોકરી ભલે મારી સ્વપ્ન સુંદરી નહોતી, પણ પ્રમાણમાં દેખાવે સારી કહી શકાય તેવી જરૂર હતી.

પણ ચંદ્રમામાં એક કાળો ડાઘ એ હતો કે મારા માટે રીજન્ટે પસંદ કરેલી છોકરી છેલ્લા ઘણા વખતથી જસ્ટિસના પ્રેમમાં હતી..અલબત્ત રીજન્ટને આ વાતની ખબર નહીં જ હોય...

લગ્નની વાતથી હું અને જસ્ટિસ બન્ને સરખા નારાજ હતા, એટલે અમે બન્ને જણે ઘર છોડીને જોહાનિસબર્ગ ભાગી જવાનો પ્લાન વિચાર્યો. ઘણી મુશ્કેલીઓ વેઠીને અમે જોહાનિસબર્ગ પહોંચ્યા અને ત્યાં અમે નોકરીની શોધમાં ''ક્રાઉન માઇન્સ'' નામની સોનાની ખાણની ઓફિસમાં ગયા. 

ક્રાઉન માઇન્સની ઓફિસના વડા પિલિસોને અમે મળ્યા. વૃધ્ધ વયનો પિલિસો મજબૂત બાંધાનો 'રફ' આદમી હતો. પિલિસોને જસ્ટિસ વિશે થોડી ખબર હતી કારણ કે થોડા મહિના અગાઉ જ રીજન્ટે, પિલિસોને એક પત્ર લખી જસ્ટિસને સોનાની ખાણમાં કલેરિકલ જોબ આપવા ભલામણ કરી હતી. સોનાની ખાણના કમ્પાઉન્ડમાં કલેરિકલ જોબ, એ સમયગાળામાં મોભાદાર નોકરી ગણાતી હતી.

(ક્રમશઃ)

Gujarat