એક નાઝી અફસરે ગીતાને રાઈફલનો કુંદો ફટકાર્યો..
- એક દિવસ ગીતા અને તેની સહેલી બ્લોકમાંથી બેફિકર હસતા હસતા બહાર નીકળી તે વેળા
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-8
- એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગમાંથી બે નાઝી સૈનિકો ગીતાની સહેલીને બળજબરીથી લઈ ગયા..
- ઓશવિઝના કોન્સન્ટ્રેશન કેમ્પમાં નાઝી અફસરોના રૂપાળી યુવતીઓ પર બેફામ અત્યાચારો
છેલ્લે તેણે લખ્યું હતું કે, રવિવારે સવારે હું તારા કહ્યા મુજબના સ્થળે તારી રાહ જોઇશ.
લાલે ફરીવાર આખો પત્ર વાંચ્યો. આખા પત્રમાં ક્યાંય છોકરીએ પોતાનું નામ લખ્યું જ નહોતું...!
રવિવારે સવારની શાંતિને ચીરતા ફાયરિંગના ધડાકા સાંભળી લાલ સફાળો જાગી ગયો. કેટલીક વખત નાઝી સૈનિકો સવાર-સવારમાં મજાક મસ્તી માટે પણ રાઇફલથી ધડાકા કરતા હતા. ક્યારેક વળી કેદીઓને ખાલી ખાલી ડરાવવા માટે પણ તેઓ બંદૂક ફોડતા હતા.
જ્યાં સુધી કેદીઓને જગાડવા માટેની સાઇરન ન વાગી ત્યાં સુધી એ ખાટલામાં પડયો રહ્યો.
આજે રવિવાર. છોકરી સાથે પહેલી મુલાકાતનો દિવસ....
પહેલી મુલાકાતમાં જ લાલે તેનું નામ પુછી લીધું. એનું નામ હતું ગીતા. પછી તો ક્રમશઃ તેમની મુલાકાતો વધતી ગઇ.
એક દિવસ વુમન્સ કેમ્પ નં-૨૯માંથી ગીતા અને તેની સહેલી દાના, બધા કેદીઓ કામે બહાર જતા રહ્યા પછી છેલ્લે બ્લોકમાંથી બહાર નીકળી. બન્ને સહેલીઓ એકબીજાના હાથમાં હાથ પરોવી, આજુબાજુમાં કોઇ છે કે નહીં, તેનાથી બેધ્યાન રહી, હસતા હસતા વાતોમાં મશગુલ બનીને ચાલતી હતી. કોઇપણ જાતની ચેતવણી આપ્યા વગર જ બ્લોક બહાર ઊભેલા 'જીજી' અફસરે પાછળથી ગીતાને બરડે જોરથી રાઇફલનો કુંદો ફટકારી દીધો.
અચાનક થયેલા આ પ્રહારથી ગભરાયેલી ગીતાની સાથોસાથ તેની બહેનપણી દાના પણ ભોંયે પટકાઇ, ગીતાના મોઢામાંથી એક ચીસ બહાર નીકળી ગઇ.
ત્યાં ઊભેલા અફસરે તેની રાઇફલથી ઇશારો કરી એ બેય છોકરીઓને ઊભા થવાનો કડક સંકેત આપ્યો. બન્ને નીચી નજરે ઊભી થઇ.
તિરસ્કારથી તેમની સાથે જોઇ અફસરે ઘાંટો પાડયો, અહીં હસવાનું નહીં, બંધ કરો હસવાનું. અફસરે કમ્મરે લટકાવેલી પિસ્તોલ બહાર કાઢીને સીધી ગીતાના કપાળે મુકી દીધી. ગીતા વધારે ગભરાઇ ગઇ. અફસરે બ્લોક નજીક ઊભેલા બીજા અફસરને નજીક બોલાવી સૂચના આપી. આજે આ બન્ને છોકરીઓને ખાવાનું નથી આપવાનું.
તે પછી જેવો અફસર ત્યાંથી વિદાય થયો કે તુરત જ એ બ્લોકની હેડ કેદીએ આવી બન્ને છોકરીઓના ગાલ પર જોરથી એક એક થપ્પડ લગાવતા કહ્યું, 'તમે એ ન ભૂલો કે તમે ક્યાં છો' (એનો કહેવાનો મતલબ એ હતો કે તમે અહીં હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં છો, અને તમારે આ વાત ભૂલવી ન જોઇએ.)
ટેટુઇસ્ટ બની જવાથી લાલને કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેટલાક નાઝી અફસરો સાથે સારા સંબંધો થઇ ગયા હતા, જેનો ઉપયોગ કરી લાલે ગીતાને એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગમાં કલાર્કનું કામ અપાવી દીધું હતું.
પણ એક દિવસ ત્યાં જે ઘટના બની તેનાથી ગીતા ફફડી ઊઠી હતી. એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગમાં ગીતાની સાથે સિલ્કા નામની બીજી એક યુવતી પણ કામ કરતી હતી. સિલ્કા પહેલી જ નજરે ગમી જાય એટલી રૂપાળી હતી. જોનારને મોહી લેવાની ગજબની મોહિની તેની આંખોમાં વર્તાતી હતી.
એક દિવસ બે જૂનિયર અફસરો એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગમાં ધસી આવ્યા, જેમાંના એક જણે આવીને તુરત સિલ્કાનો હાથ ખેંચી તેને ખુરશીમાંથી ઊભી કરી દીધી. નાઝી અફસરના આવા વર્તાવથી સિલ્કા ધૂ્રજી ઊઠી. બાજુમાં બેઠેલી ગીતા પણ સ્વાભાવિકરીતે જ ડરી ગઇ.
બન્ને અફસરો સિલ્કાનો હાથ પકડી બળજબરીથી ઓફિસમાંથી બહાર લઇ જવા માંડયા. સિલ્કા પાછું વળીને ઓફિસના બીજા સ્ટાફ સામે આજીજીભરી આંખે જોતી રહી કે કોઇ તેને મદદ કરવા આવે, પણ કોન્સન્ટ્રેશન કેમ્પમાં હિટલરના નાઝી અફસરોની ધાક કે તેનો ખોફ એટલો બધો હતો કે તેમની સામે આંખ ઊંચી કરીને કોઇ જોવાની પણ હિંમત નહોતું કરતું. આવા ડરના માહોલમાં નાઝી અફસરના હાથમાંથી યુવતીને બચાવવાની કોણ હિંમત કરે...?
સિલ્કાએ અફસરના હાથમાંથી છટકવા મથામણ કરી, પણ તેનું કંઇ જ ન ચાલ્યું. પેલા બન્ને જણ સિલ્કાને બિલ્ડિંગના એક અજાણ્યા ભાગમાં લઇ ગયા, અને પછી એક બંધ બારણાને હડસેલો મારી એ ઓરડામાં સિલ્કાને ધકેલી દીધી..
સિલ્કાએ જોયું તો એ મોટા ઓરડામાં એક વિશાળ પલંગ હતો, બાજુમાં ડ્રેસિંગ ટેબલ અને બીજી તરફ મોટો લેમ્પ અને ટેબલ-ખુરશી પણ હતા. ખુરશી પર કોઇક બેઠું હતું.
સિલ્કા તુરત એ માણસને ઓળખી ગઇ. બિરકેનાઉ કેમ્પનો એ સિનિયર કમાન્ડન્ટ હતો. કદાવર બાંધાનો કમાન્ડન્ટ કેમ્પમાં ભાગ્યે જ આવતો હતો.
તેના હાથમાંની સોટીથી તેણે સિલ્કાને તેનું શર્ટ ઊંચુ કરવાનો ઇશારો કર્યો. સિલ્કાને ખ્યાલ આવી ગયો કે હવે આગળ શું થવાનું છે.
સિલ્કાના ચહેરા પર ગભરાટ ફરી વળ્યો હતો પણ આ માણસને જાણે એ દેખાતું નહોતું, આ માણસનોે આત્મા મરી પરવાર્યો હતો અને તેનું શરીર સિલ્કાના નાજુક બદનને ઝંખતું હતું...
એ સાંજે ગીતા રડતી રડતી પોતાના બ્લોકમાં ગઇ, તેની બે સહેલીઓ દાના અને આઇવાનાએ તેને સાંત્વન આપી શું થયું ? એમ વારંવાર પૂછ્યું ત્યારે ગીતાએ આંખમાં આંસુ સાથે માત્ર એટલું જ કહ્યું કે આજે ઓફિસમાંથી સિલ્કાને બે નાઝી ઓફિસરો ઉપાડી ગયા છે...
છેલ્લા ઘણાં અઠવાડિયાથી ટેટુઇસ્ટ લાલ જોતો હતો કે ઓશવિઝના પાંચે પાંચ સ્મશાનગૃહો આખો દિવસ ''ધમધમતા'' રહેતા હતા. છતાં હજી સેંકડોની સંખ્યામાં નવા કેદીઓ આવી રહ્યા હતા અને આ કેદીઓના હાથમાં તેમના કેદી નંબરના ટેટુ ચીતરવાના કામમાં લાલે આખો દિવસ વ્યસ્ત રહેવાનું હતું.
એક દિવસ લાલ ઓશવિઝ કેમ્પના વચ્ચેના એક બિલ્ડિંગમાં ગયો. આ બિલ્ડિંગના વાડા જેવા પાછળના થોડા ભાગમાં ફેન્સિગ કરાઇ હતી, પણ આ ફેન્સિગમાંથી વીજ કરન્ટ પસાર કરાતો નહોતો. ફેન્સિગની અંદરનું દ્રશ્ય જોઇ લાલ ખૂબ ચોંકી ઊઠયો; સ્તબ્ધ થઈ ગયો. તારની વાડના અંદરના ભાગમાં ડઝનબંધ યુવતીઓ હતી - બધી જ સંપૂર્ણ નિર્વસ્ત્ર...! કેટલીક છોકરીઓ સુતી હતી, કોઇક કોઇક બેઠી હતી તો થોડી છોકરીઓ નગ્ન હાલતમાં ઊભી હતી. બધી છોકરીઓ કઠપૂતળી જેવી હતી. તેમના ચહેરા શૂન્યમનસ્ક હતા. કોઇપણ પ્રકારના ભાવ વિનાના-ભાવવિહીન.અચાનક એક ગાર્ડ ત્યાં દોડી આવ્યો.
લાલને કરડાકીથી પૂછ્યું તું કોણ છે? અહીં કેમ ઊભો છે.?
લાલે પોતાની પાસેની બેગ ઊંચી કરીને કહ્યું, 'હું ટેટુઇસ્ટ છું.'
તો પછી અહીં શા માટે ઊભો છે? જા, જલ્દી અંદર જા.
લાલ ઝડપથી અંદર ગયો. અંદર સફેદ કોટ પહેરેલા બે ડોકટર અને ત્રણ-ચાર નર્સો ઊભી હતી. હોલની ડાબી બાજુએ થોડે દૂર કેટલીક છોકરીઓ ઊભી હતી. એક ડોકટર છોકરીના માથે, મોઢે, સ્તનથી લઇ છેક પગ સુધી હાથ ફેરવીને તેને તપાસતો હતો. બધી છોકરીઓ ડરના માર્યા ફફડતી ઊભી હતી.
અહીં ટેટુઇસ્ટે આ બધી છોકરીઓના હાથે ટેટુ ચીતરવાના હતા..
(ક્રમશઃ)