નીચે પડવાનો ડર હોય તો ઊંચે ચડવાની કોશિશ ના કરો
- નરક અને સ્વર્ગ એક હોઈ શકે એ વાત બુદ્ધિની સમજની બહાર છે
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- જીવનમાં પરમ સુખ પ્રાપ્તિ માટે ચીનના મહાન ફિલોસોફર લાઓ ત્સેનો રાજમાર્ગ
- માણસને સુખ જોઈએ છે, પણ દુઃખથી બચવું છે, કિંતું જીવનમાં એ શક્ય નથી
લાઓ ત્સેના મતે માનવ અસ્તિત્વ ખૂબ વિશાળ છે. એ બુધ્ધિની બહારની વાત છે કે વિરોધી ધુ્રવો પણ એક હોઇ શકે, જીવન અને મૃત્યુ એક હોઇ શકે, પ્રેમ અને ધૃણા એક હોઇ શકે, અંધકાર અને પ્રકાશ એક હોઇ શકે, નરક અને સ્વર્ગ એક હોઇ શકે એ વાત બુધ્ધિની સમજની બહાર છે. બુધ્ધિની સમજની બહારની વાત છે કે દુઃખ અને સુખ એક જ ચીજના બે નામો છે. આ વાત આપણી સામાન્ય બુધ્ધિ શી રીતે સમજી શકે?
બુધ્ધિ કહે છે સુખ અલગ છે. દુઃખ અલગ છે. સુખ જોઇએ છે અને દુઃખથી બચવું છે. દુઃખને નજીક આવવા દેવું નથી પણ સુખને નજીક આવવા માટે પ્રેમથી, હોંશપૂર્વક નિમંત્રણ આપવું છે. પરંતુ અસ્તિત્વ કહે છે જે સુખને બોલાવે છે, તે દુઃખને પણ નિમંત્રણ આપે છે. જે દુઃખથી બચવા માગે છે, તેણે સુખને પણ છોડવું પડશે. અસ્તિત્વમાં બે વિરોધી ચીજો, બે વિપરીત ચીજો એક જ છે ઃ જેમ કે સુખ- દુઃખ, હર્ષ-શોક, જીવન- મૃત્યુ અને એટલેજ લાઓ ત્સે કહે છે જીવનના આ બે પાસાઓ એક જ છે.
ઇમાન્યૂલ કોટ નામના એક મહાન જર્મન ચિંતક કહેતા કે ચીજ જેવી છે એવી ક્યારેય જાણી શકાતી નથી. આપણે જ્યારે પણ તેને જાણીશું ત્યારે આપણે તેને આપણી સમજ મુજબ જાણીશું.
વાસ્તવમાં આપણે જે કંઇ પણ જાણીએ છીએ, એ આપણી જાણવાની ક્ષમતા પર નિર્ભર છે, તેના આધારે નિર્મિત થાય છે.
એક ઓરડામાં જેમ કેટલાક લોકો બેઠા છે, એમ એક કરોળિયો પણ હશે, ગરોળી પણ દીવાલ પર સરકતી હશે, માખી પણ ઉડાઉડ કરતી હશે, ક્યાંક કોઇક કીડી પણ જતી હશે, એ બધા સજીવો આ ઓરડાને એક સરખી રીતે જ જોતા હોય એ જરૂરી નથી.
કેટલીક ચીજો ગરોળી જોઇ શકતી હશે, જે આપણને દેખાતી નહીં હોય અને શક્ય છે કે કરોળિયો અમુક ચીજોને જે રીતે અનુભવતો હોય તેનો અનુભવ આપણને ક્યારેય થયો ન હોય અને શક્ય એ પણ છે કે જમીન પર સરકતા કીડાને કંઇક એવા ધ્વનિ સંભળાતા હશે જે આપણને બિલકુલ સંભળાતા નથી. અને ખાસ એક વાત તો નિશ્ચિત છે કે આપણે જે જાણીએ છીએ, સાંભળીએ છીએ, જોઇએ છીએ, તેનાથી કોઇ પણ અન્ય પ્રાણીઓ પરિચિત નહીં જ હોય.
આપણી બુધ્ધિનું જે સૌથી ગહન બિબું છે, એ વ્દૈત છે, એ દરેક ચીજને બેમાં વિભાજીત કરીને જ જુએ છે વિરોધીઓને અલગ કરે છે.
આ જગતમાં પ્રત્યેક ચીજ આંતર વિરોધો દ્વારા નિર્મિત થયેલ છે. દાખલા તરીકે હું કહું છું છે, હું ક્રોધ નથી કરતો. પરંતુ ક્રોધ વિના ક્ષમા શક્ય નથી. હોઇ શકે ખરી ? જો તમે ક્રોધ ન કરો તો તમે ક્ષમા આપી શકો? ક્ષમા આપવા માટે પણ ક્રોધિત થવું જરૂરી છે. ક્ષમા ક્રોધની પાછળ આવે છે. ક્રોધ વિના ક્ષમા શક્ય નથી. પરંતુ આપણે ક્રોધને ક્ષમાથી અલગ કરીને જોઇએ છીએ.
બુધ્ધિ વિભાજીત કરે છે, જીવનના તમામ સ્તરે બુધ્ધિ વિભાજન કરતી રહે છે.
લાઓ ત્સે કહે છે કે બુધ્ધિના આ તમામ ખંડોની અંદર એક જ વાસ્તવિકતા છુપાયેલી છે- એકજ અસીમ છુપાયેલો છે. આપણે તેને નામ આપીએ કે ન આપીએ છતાં એ એક જ છે.
આથી પ્રથમ વાત તો લાઓ ત્સે એ કહે છે કે આ તમામ વ્દૈતોની અંદર, આ તમામ બે ધુ્રવોની અંદર એકનો જ નિવાસ છે.
લાઓ ત્સે કહે છે, આમ છતાં જે એકમાં છે, એ જ અનેકમાં પણ છે. જે બીજમાં છે, એ જ પર્ણોમાં પણ છે, એ જુદું શી રીતે હોઇ શકે? જુદું હોવાની કોઇ સંભાવના જ નથી.
વિરોધી ધુ્રવોની વાત કરતા લાઓ ત્સે કહે છે, જ્યારે આ ધરતીના લોકો સૌંદર્યને ઓળખે છે કે આ સૌંદર્ય છે, જ્યારે તેઓ સૌં દર્યને સૌેંદર્ય કહેવાનું શરૂ કરે છે, ત્યારે એ ક્ષણે જ કુરૂપતાની ઓળખ ઉદ્ભવે છે. સૌંદર્યની સમજ સાથે તેનાથી વિપરીત કુરૂપની સમજ શરૂ થઇ જાય છે, તેની પણ ઓળખ શરૂ થઇ જાય છે. જ્યારે દુનિયાના સર્વે લોકો શુભને ઓળખે છે એ જ ક્ષણે અશુભની સમજ પણ તેમનામાં ઉદ્ભવે છે.
પિતા જ્યારે બાળકને પહેલી વાત કહે છે કે બેટા સત્ય બોલવું એ ધર્મ છે, સત્યનું આચરણ એ નીતિમત્તા છે ત્યારે બાળકને ખરેખર એ ખબર પણ નથી હોતી કે સત્ય શું છે નેે અસત્ય શું છે. પિતા જ્યારે પોતાના બાળકને પહેલી વાર કહે છે કે ખોટું બોલવું એ પાપ છે. ત્યાં સુધી બાળકને ખોટું શું એની ખબર પણ નથી હોતી. અને ખોટું બોલવું એ પાપ છે, તે હકીકતની પણ તેને જાણ હોતી નથી.
આથી પિતાજીની શિખામણ પછી જ બાળકને ખોટા પ્રત્યે સૌ પ્રથમ કુતૂહલ કે આકર્ષણ ઊભું થાય છે. એ પહેલાં બાળક કદાચ ખોટ્ટું પણ બોલ્યો હશે પરંતુ એ વખતે ખોટું બોલવું પાપ છે એમ સમજીને એ નહીં બોલ્યું હોય. કારણ એ વખતે તેના મનમાં ખોટું કે જૂઠું બોલવુ એક પાપ છે એવી સીમારેખા ખેંચાઇ નહીં હોય પરંતુ હવે પિતાએ કહ્યા બાદ તેના મનમાં સાચા-ખોટા વિશે એક ભેદ રેખા ઊભી થઇ જાય છે. હવે એ જાણશે કે સાચું શું છે અને ખોટું શું છે અને આ બાળક જેવું એ જાણશે કે સત્ય શું અને અસત્ય શું? તેની સાથે જ તેના મનમાંથી સહજતા/ નિર્દોષતા ખતમ થઇ જાય છે. અને બાળકના નિર્દોષ મનમાં એક વ્દંદનો જન્મ થાય છે.
આમ આપણે ચોતરફ વ્દંદો જ પેદા કરી દઇએ છીએ અને આપણને તેનો ખ્યાલ પણ નથી આવતો. વળી આપણે એવું વિચારીએ છીએ કે, આપણે, આ બધું ભલું કરવા માટે બાળકને કે અન્ય તમામને કહીએ છીએ.
અસ્તિત્વમાં બીમારી અને સ્વાસ્થ્ય એક જ ચીજના બે હિસ્સાઓ છે અને જે કંઇ પણ વિરોધ છે, જેટલા વિરોધાભાસો છે, એ બધા લાઓ ત્સેના મતે વિરોધી નથી. જો કોઇ માણસ એવું વિચારતો હોય કે હું ક્યારેય અપમાનિત ના થાઉં, તો ધ્યાન રાખજો એ ક્યારેય સન્માન પ્રાપ્ત કરી શકશે નહીં. જેણે સન્માનિત થવું છે, તેણે અપમાનિત થવાની તૈયારી રાખવી પડે છે અને જે સન્માનિત થાય છે તે અનેક પ્રકારના અપમાનોમાંથી પસાર થઇને આવ્યો હોય છે.
આથી જ લાઓ ત્સે કહે છે કે જો કોઇ માણસ અપમાનિત થવા માગતો ન હોય તો તેણે સન્માનિત થવા માટેના પ્રયાસો ના કરવા જોઇએ, પછી તેને કોઇ અપમાનિત નહીં કરી શકે.
જે માણસ ઊંચો બનવા ઇચ્છે છે, તે નીચે તો પડશે જ. અને જેને નીચે પડવાનો ડર છે તેણે ઊંચે ચડવાની કોશિશ ના કરવી જોઇએ. જેનામાં નીચે પડવાની હિંમત હોય તે આરામથી ઉપર ચડી શકશે.
જે વિરોધી છે, વિપરીત છે તેનાથી જો આપણે બચવા માગીએ છીએ તો આપણે ભૂલ કરીશું. આપણે મુશ્કેલીમાં મુકાઇશું કાં તો તમે બન્નેથી બચો અથવા બન્નેની તૈયારી રાખો.
(સંપૂર્ણ)