એલિસિઆ મારા પર તૂટી પડી, મને થપ્પડો ઝીંકી દીધી
- સાઈકોથેરાપિ સેશન દરમિયાન એલિસિઆએ મારૃં ગળું જોરથી દબાવી દીધું..
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-6
- એલિસિઆએ ઘાંટો પાડી મને કહ્યું, તું મારી સાથે પ્રપંચ, છળકપટ કરે છે..
- દોડતો આવેલો યુરી એલિસિઆને ખેંચીને દૂર લઈ ગયો, તે ભારે લાતમલાતી કરતી હતી..
મારી જાણે આ દુનિયામાં કોઇ કિંમત જ નથી. તમે 'વર્થલેસ' છો. એવા વિચાર વંટોળ સ્વાભાવિક રીતે જ તમારા મનમાં ફરી વળે, અને એનું જે અસહ્ય દુઃખ કે પીડા થાય, તે તમે (નાનપણમાં તમારા અસ્તિત્વનો આધાર તમારા પિતા હોવાથી) મનોમન ગળી જાવ, એ અસહ્ય વેદના તમે મનમાં જ દબાવી રાખીને ચૂપ બેસી રહો. સમય વીતતા તમે આ વેદના શા કારણે થઇ હતી, એ મૂળ ઘટના કદાચ ભૂલી જાવ, પણ તમારી લાગણીને ભૂતકાળમાં જે બેહદ ઠેસ પહોંચી હતી, તે ભવિષ્યમાં ક્યારેક એકાદ દિવસ બહાર આવી જાય, મનમાં દબાવી રાખેલો આક્રોશ ધડાકાભેર બહાર આવે. પણ આ ગુસ્સો તમે તમારા ડેડ પર ના કાઢો, કારણ એટલા વર્ષોમાં તો એ મૃત્યુ પામ્યા હોય, એટલે એ ભયંકર આક્રોશ તમે તમારા પતિ પર કાઢો, જેના પર હવે તમારૃં જીવન અવલંબિત છે, અને કદાચ તમે બંદૂક પણ ઉપાડો, અને તેના પર ધડાધડ પાંચ ગોળીઓ છોડો - કદાચ તમને ખ્યાલ પણ ન રહે કે તમે આમ શા માટે કર્યૂં..
લંડન તરફ ટ્રેન દોડી રહી હતી અને મારા મનમાં એલિસિઆ વિશે આવા વિચાર દોડી રહ્યા હતા. આખરે હવે મને ખ્યાલ આવી ગયો કે એલિસિઆની સારવાર કેવી રીતે કરવી, તેને ફરી બોલતી કઇ રીતે કરવી...
હવે ધ ગ્રોવ હોસ્પિટલમાં એલિસિઆની સારવારમાં આગળ કેવી કેવી ઘટનાઓ બની તેની વિગત જોઈએ.
એલિસિઆની સારવાર દરમિયાન ડો. ક્રિશ્ચિયને એલિસિઆને અપાતી દવાના ડોઝમાં થોડો ઘટાડો કરી દીધો. દવાના ડોઝમાં ઘટાડા પછી થોડા દિવસમાં એલિસિઆમાં થોડો ફેરફાર દેખાવા લાગ્યો. તે થોડી હરતી ફરતી થઇ, પહેલા જાણે તે ખોવાયેલી, ખોવાયેલી હોય તેમ લાગતું હતું, તેના બદલે હવે તેની આંખો સ્પષ્ટ થતી ગઇ હતી. તે જાણે અલગ વ્યક્તિ બની ગઇ હોય તેમ લાગતું હતું.
એક દિવસ તે હેડ નર્સ યુરી સાથે બારણા નજીક ઊભી હતી.
તેણે મારી સામે જોયું, જાણે મને પહેલી જ વખત જોતી હોય એમ તે મારી સામે જોતી હતી. મને, મારા વ્યક્તિત્વને માપતી હોય એમ તેની નજરમાં સ્પષ્ટ વર્તાતું હતું.
અંદર ઓફિસમાં જવામાં વાંધો નથી, અંદર જવામાં સલામતી છે, એમ વિચારીને તે મારી ઓફિસમાં અંદર આવીને, હું બેસવાનું કહું, તે પહેલા જ મારી સામેની ખુરશીમાં એલિસિઆ બેસી ગઇ.
મેં આંખના ઇશારાથી યુરીને જતા રહેવાનું કહ્યું, તેમ છતાં યુરી બે-પાંચ સેકન્ડ ઊભો રહ્યો અને પછી બારણું બંધ કરીને જતો રહ્યો..
હું એલિસિઆની સામેની ખુરશીમાં બેઠો હતો.
એકાદ-બે સેકન્ડ શાંતિ પથરાયેલી રહી. બહાર પડતા વરસાદનો અવાજ આવી રહ્યો હતો. બારીના કાચ પર પડતા વરસાદના ટીપા ટપ...ટપ..ટપ અવાજ કરતા હતા.
છેવટે મેં મૌન તોડયું, 'એલિસિઆ હવે તને કેવું છે?' સામેથી કોઇ જવાબ ન મળ્યો. તેણે ફક્ત મારી સામે નજર ઉઠાવીને જોયું; પાંપણો સ્થિર કરીને, મટકુંય માર્યા વગર તે જોતી રહી.
મેં કાંઇક બોલવા માટે મોઢું ખોલ્યું, પણ પછી તુરત બંધ કરી દીધું. મેં મૌન બેસી રહેવાનું નક્કી કરી લીધું..
બોલવા કરતાં ચૂપ બેસી રહીને માત્ર આંખોના હાવભાવથી તેની સાથે સંવાદ સાધવાની મેં કોશિશ કરી- શબ્દ વગરનો સંવાદ. Non-Verbal Communication. હવે સૌ પહેલા તો મારે એલિસિઆનો વિશ્વાસ સંપાદન કરવાનો હતો, એ પછી એલિસિઆને બોલતી કરવામાં કદાચ મને સફળતા મળે. મને ખબર હતી કે આમાં સમય લાગશે..એને હું કાંઇ રાતોરાત બોલતી નહીં કરી શકું. જેમ હિમશિલા-ગ્લેસિયર ખૂબ જ ધીમે ધીમે સરકે છે, તેમ આ બધું ધીમે...ધીમે થશે, પણ થશે ચોક્કસ જ.
આમ બન્ને જણે ચૂપ બેસી રહ્યાને લગભગ ૫૦ મિનિટ જેટલો સમય વીતી ગયો. મેં મારી ઘડિયાળ સામે જોતા એલિસિઆને કહ્યું, આપણે થેરાપિ સેશન હવે પુરૃં કરી દેવું જોઇએ.
એલિસિઆએ તેનું ડોકું ઓર નમાવ્યું. હું થોડો ખચકાયો. મેં જરા વધારે નીચા અવાજે હૃદયપૂર્વક આગળ ચલાવ્યું, એલિસિઆ હું તને મદદ કરવા ઇચ્છું છું. મારી આ વાતમાં તારે વિશ્વાસ કરવો જોઇએ. સાચી વાત એ છે કે જે ઘટના બની ગઇ, તેને તું તટસ્થતાથી, સ્પષ્ટ રીતે મુલવે એમ હું ઇચ્છું છું.
આ તબક્કે એલિસિઆએ નજર ઊંચી કરી. તેણે સીધી મારી તરફ દ્રષ્ટિ નાંખી. તેની આંખો જાણે બરાડો પાડીને મને કહેતી હતી, તું મને મદદ નહીં કરી શકે. પહેલાં તો તું તારી સામે જ જો, તું તારી જાતને જ મદદ નથી કરી શકતો. તું બહું બધી વાત જાણતો હોવાનો અને વધારે પડતો હોંશિયાર હોવાનો દેખાડો કરે છે. મારી જગ્યાએ બેસીને તું જો, તો તને ખબર પડશે. તું મારી સાથે છળકપટ, પ્રપંચ કરે છે. તું ઢોંગી છે, જૂઠો છે, જૂઠો...
તેણે મારી સામે જોયા જ કર્યૂં, હવે મને ખ્યાલ આવ્યો કે એલિસિઆ સાથેના સાઇકોથેરાપિ સેશનમાં મને કઇ વાતે મુશ્કેલી સર્જાઇ રહી છે. એલિસિઆની ભૂરી આંખો ગ્રીષ્મ ઋતુના દિવસની જેમ ક્લિયર, વાદળવિહિન ચોખ્ખી હતી. એ મેડ, ગાંડી નહોતી, તો એ શું હતી ? તેની આંખોમાં શેના ભાવ હતા...?
હું મારા આ પ્રકારના વિચાર વમળમાંથી બહાર આવું તે પહેલા જ એલિસિઆ એક ઝાટકે ખુરશીમાંથી ઊભી થઇને હું કાંઇ વિચારૃં તે પહેલાં મારી નજીક આવી બે હાથ પહોળા કરી મને જાણે ઘેરી લીધો. મને આમતેમ જરાય હલવાનો મોકો આપ્યા વગર તે એકદમ મારા પર તૂટી પડી, સમતુલા ગુમાવીને હું ભોંયે પટકાયો અને તે મારા પર પડી.
જેવો હું પડયો કે તુરત મારૃં માથું ભોંયે જડેલી ટાઇલ્સ સાથે ધડાકા કરતુંકને ભટકાયું; મારા પર પડેલી એલિસિઆએ બે હાથે મજબૂતાઇથી મારૃં માથું પકડી બે-ચાર વાર ભીંત સાથે ભટકાડયું, પછી મને ગાલ પર ચાર-પાંચ થપ્પડ ઝીંકી દીધી.
તેણે બે હાથથી મારૃં ગળું જોરથી દબાવી દીધું, શ્વાસ લેવામાં મને તકલીફ પડવા માંડી...
હું ખૂબ જ ગભરાઇ ગયો. તરફડિયા મારવા માંડયો. અચાનક મેં એલાર્મ સ્વીચ દબાવી. તુરત જ યુરી દોડી આવ્યો, તેણે મારા પર ચઢી બેઠેલી એલિસિઆને ખેંચી કાઢી. એલિસિઆની મારા ગળા પરની પક્કડ જતી રહેતા મારામાં શ્વાસ લેવાની હિંમત આવી.
એલિસિઆ એટલા બધા ઝનૂનમાં હતી કે ચાર નર્સો ભેગી થઇ ત્યારે માંડ તેને કાબૂમાં લઇ શકી. તેને કોઇ વળગાડ હોય એટલા જોરથી તે નર્સોને લાતો અને મુક્કા મારતી હતી. તે જાણે માણસ નહીં, પણ કોઇ જંગલી જાનવર હોય એટલી તાકાતથી લાતમલાતી કરતી હતી.
એટલામાં ડો. ક્રિશ્ચિયન દોડતો આવ્યો અને તેણે એલિસિઆને ઘેનનું ઇન્જેકશન આપતા તે શાંત પડી ગઇ, બેભાન થઇ ગઇ.
(ક્રમશઃ)