એક માણસ બુધ્ધના મોં પર થૂંકયો, છતાં બુધ્ધ શાંત રહ્યા..
- ભયંકર ગુસ્સો ચઢે, તેવી પળે પણ માનસિક સ્વસ્થતા જાળવી રાખવાનું ભગવાન બુધ્ધનું ગહન તત્વજ્ઞાાન
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-2
- ગ્રીક ફિલોસોફરની એક પ્રચલિત ઉકિત: એક જ નદીમાં કોઇ બે વાર સ્નાન કરી શકતું નથી
- બુધ્ધ કહે છે: ભૂતકાળની ઘટનાઓની મનોવૈજ્ઞાાનિક યાદોને તમારા મગજમાંથી હટાવી દો
બુધ્ધે સ્વસ્થ હળવા સ્વરે પટ્ટશિષ્ય આનંદને કહ્યું, પણ એ ક્યાં તારા મોં પર થૂંક્યો છે.? એ તો મારા ચહેરા પર થૂંક્યો છે. બીજું, તું એ માણસ સામે જો. એ કેટલો બધો ગુસ્સામાં છે. કેટલો ગૂંચવાયેલો હોય એવો લાગે છે. જરા, એની સામે તો જો...! તેના પ્રતિ થોડી સહાનુભૂતિ રાખ. તે મને કંઇક કહેવા માગે છે. પણ તેની પાસે કહેવા માટેના પુરતા યોગ્ય શબ્દો કદાચ નથી, એટલે કાંઇક કહેવાના બદલે એ મારા પર થૂંક્યો. મારી પણ એ જ સમસ્યા છે. મારા સમગ્ર જીવનનો પ્રશ્ન છે - અને મને આ માણસ પણ એ જ સ્થિતિમાં લાગે છે. મારે હું જે જાણું છું, હું જે સમજ્યો છું, જેની મને અનુભૂતિ થઇ છે. તે વિશે કહેવું છે પણ તેનો કોઇ પૂર્વાપર ં સંબંધ નથી જોડાતો અને શબ્દો અપૂરતા છે. આ માણસ પણ મારી જ નૌકામાં છે. એ એટલો બધો ગુસ્સામાં છે કે કોઇ શબ્દ તેનો ગુસ્સો દર્શાવી શકે તેમ નથી - મારી જેમ જ. મને તેના પ્રત્યે અતિશય પ્રેમ ઉભરાય છે, પણ કોઇ શબ્દો દ્વારા તેને દર્શાવવા હું અસમર્થ છું. એટલે જ હું તેની મુશ્કેલી સમજું છું... ભગવાન બુધ્ધ પેલા બ્રાહ્મણ તરફ જુએ છે, આનંદ પણ જુએ છે. બુધ્ધ માત્ર સત્ય ઘટનાને જેમની તેમ જુએ છે. મનોવૈજ્ઞાાનિક દ્રષ્ટિએ તેઓ તદ્દન શાંત અને સ્વસ્થ છે. જ્યારે આનંદ બુધ્ધના અપમાનની ઘટનાની કેવળ માનસિક યાદ ધરાવે છે, એ મનોવૈજ્ઞાાનની રીતે ખૂબ ક્ષુબ્ધ, અને અશાંત છે.
બીજી તરફ પેલા માણસને પોતાના કાન પર વિશ્વાસ નથી બેસતો કે બુધ્ધ શું કહી રહ્યા હતા. તેને ખૂબ આંચકો લાગ્યો. બુધ્ધે તેને માર્યો હોત કે આનંદે તેના પર કુદીને તમાચા ફટકાર્યા હોત, તો કદાચ તેને આટલું આશ્ચર્ય ન થાત. પછી તો એ તદ્દન નોર્મલ વર્તાવ ગણાત, એ માણસે ધાર્યૂં હોય તે પ્રમાણે જ બને તો આંચકો કેવો ? કોઇના પર આપણે થૂંકીએ તો સ્વાભાવિક જ છે કે એ માણસ વળતા પ્રત્યાઘાતરૂપે થુંકનારને ફટકારવાનો જ છે. સામો માણસ એ રીતે જ વર્તે.
પરંતુ આ તો બુધ્ધ હતા. કરૂણામૂર્તિ તથાગત બુધ્ધ. એ સામેના માણસની મુશ્કેલીને સમજે છે...
પેલો માણસ ગયો. તે આખીરાત ઊંઘી ના શક્યો, તેને પેલી ઘટના વિશે જ આખીરાત વિચારો આવ્યા કર્યા; પરિણામે તેને ખુદને પોતાના વર્તાવ પર ખૂબ પસ્તાવો થવા માંડયો. તેને પોતાની ભૂલ સમજાઇ ગઇ.
વહેલી સવારમાં એ બુધ્ધને શરણે ગયો, તેમના ચરણોમાં શિશ ઝુકાવી દીધું.
બુધ્ધે પટ્ટશિષ્ય આનંદને કહ્યું, જો, ફરી પાછો એ જ પ્રશ્ન. આને હવે મારા માટે એટલી બધી લાગણી થાય છે કે તે શબ્દોમાં વર્ણવી શકતો નથી. એ મારા ચરણસ્પર્શ કરે છે. માણસ કેટલો લાચાર છે. મનમાં જે કંઇ પણ છે, ઘણું બધું હશે, પણ એ બોલી શકતો નથી; બતાવી શકતો નથી; વાત નથી કરી શકતો પણ પોતાની લાગણીની અભિવ્યક્તિ માટે કાંઇક કરવું પડે, કોઇ એવો વર્તાવ કરવો પડે, જેનાથી કાંઇક અંશે તે પોતાની આંતરિક લાગણી વ્યક્ત કરી શકે, એટલે તે મારા ચરણોમાં નમી ગયો છે..
એ દરમિયાન પેલો માણસ રડવા લાગ્યો. વિનંતી, કાકલૂદીપૂર્વક કહે, મને માફ કરો, ભગવાન હું અત્યંત દિલગીર છું, તમે મહામાનવ છો, તમારા પર થૂંક્યો એ મારી મોટી મૂર્ખામી હતી.
બુધ્ધે જે જવાબ આપ્યો, તે ખૂબ જ ગહન છે, દરેક વ્યક્તિએ પોતાના હૃદયમાં બુધ્ધનો આ જવાબ સોંસરવો ઊતારવા જેવો છે, જે તમારી આંતરિક સર્જન શક્તિ જગાડવા માટે અત્યંત ઉપયોગી થઇ પડે તેવો છે.
બુધ્ધનો જવાબ છે : ભાઇ, એના વિશે તું ભૂલી જા. ગઇકાલ વીતી ગઇ છે. તું જેના પર થૂંક્યો હતો તે માણસ તો હવે છે જ નહીં અને તું, જે મારા પર થૂંક્યો 'તો તે ગઇકાલનો માણસ પણ તું નથી. આજે તું પણ નવો છે, હું પણ નવો છું. આકાશમાં જો. આ ઉગતો સૂર્ય પણ નવો છે. બધું જ નવું છે. ગઇકાલ હવે રહી નથી. એ ભૂતકાળમાં સરી પડી છે. માટે એ બધું તું હવે ભૂલી જા, એનાથી તું પરવારી જા ! અને હું માફ કરનાર કોણ? તું તો મારા પર થૂંક્યો જ નથી. તું જેના પર થૂંક્યો હતો, તે પણ અહીં રહ્યો નથી.''
આવી સભાનતા, આવું આત્મચિંતન, આટલી ઊંડી સમજણ દરેક વ્યક્તિ જો કેળવે, તો દુનિયામાં બિનજરૂરી, નાહકના ઝઘડા અને સમસ્યાઓ સર્જાય જ નહીં અને માણસનું મગજ સદાય શાંત અને સ્વસ્થ અને સંતુલિત રહેવાથી તેની સર્જનશક્તિ સ્વયંભૂરીતે ખીલી ઊઠે...
ઓશોની આ ફિલસૂફીના અનુસંધાનમાં એક પ્રાચીન ગ્રીક ફિલોસોફરનું તત્વજ્ઞાાન, કે જે બુધ્ધના દ્રષ્ટાંત કરતા અલગ દ્રષ્ટાંતવાળું છે, તે પણ અત્યંત સાદું ને સરળ છતાં ખૂબ ચોટદાર છે.
ગ્રીસના વિશ્વવિખ્યાત તત્વજ્ઞાાની સોક્રેટિસના જમાનાથીય અગાઉ ગ્રીસમાં થઇ ગયેલા ફિલોસોફર હેરા ક્લિટસનું એક વાક્ય આજે પણ એટલું જ પ્રચલિત અને એટલું જ ચોટદાર છે : ''you can't step in the same river twice.'' ગહન અર્થવાળા આ સરળ વાક્યમાં કોઇકે થોડો ફેરફાર કરતા હવે આ જ વાક્ય જરા જુદી રીતે બોલાય છે : you can't bath in the same river twice.''
છેલ્લે આપણે જે નદીમાં નાહ્યા હતા, તે નદીમાં ફરી નાહવા જઇએ ત્યારે બાહ્યરીતે ભલે એ નદી લગભગ અગાઉના જેવી જ દેખાતી હોય, પણ વાસ્તવમાં એ નદી જુદી, અલગ હોય છે...કઇ રીતે..? નદીના પટમાં, તેના ખડકોમાં, તેમાં રહેલા માછલા અને અન્ય જળચર જીવો તેમજ નદીના બીજા કેટલાક તત્વોમાં ફેરફારની વાત બાજુએ રાખીએ તોય નદીમાં વહેતું પાણી ક્ષણે ક્ષણે બદલાતું રહે છે. આ જળ ભલે એક જ ઉદગમ સ્થાનમાંથી આવતું હોય, તેનો બાહ્ય દેખાવ, ઉષ્ણતામાન કે પાણીનો ટેસ્ટ પણ ભલેને અગાઉના જેવો જ હોય, છતાં અગાઉ આપણે જે પાણીમાં નાહ્યા હતા બરાબર એ જ પાણી આજે નથી. નદીનું પાણી સતત વહેતું રહે છે. એટલે બહારથી સરખું લાગતું પાણી આજે એ જૂનું પાણી નથી, પણ નવું જ પાણી છે.
ગ્રીસ તત્વજ્ઞાાનીએ નદીનો દાખલો તો એક રૂપક તરીકે આપ્યોે છે, પણ તેમના કહેવાનો અર્થ ખૂબ ગહન અને વ્યાપક છે : બ્રહ્માંડમાં દરેક જીવ, દરેક વસ્તુ સતત પરિવર્તનશીલ છે. સમાજ પરિવર્તનશીલ છે અને માણસો તેમના રોજના અનુભવોના કારણે કોઇકને કોઇક રીતે એક સમાન નથી રહેતા, એ બદલાયા કરે છે, ક્યારેક આ પરિવર્તન અત્યંત ધીમા હોય છે, જે આપણે ઘણી વખત દેખીતીરીતે જોઇ કે અનુભવી નથી શકતા, પણ પરિવર્તન તો થતા જ રહે છે. અંગ્રેજીમાં જેને આપણે કોન્શિયસનેસ, એટલે કે સભાનતા અથવા ચેતના કહીએ છીએ તે સતત વહેતી નદી છે.
(ક્રમશ:)