'કોકુરા મિશન'નો છેવટનો નિર્ણય પાયલોટ પર છોડાયો..

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
'કોકુરા મિશન'નો છેવટનો નિર્ણય પાયલોટ પર છોડાયો.. 1 - image


- બોમ્બર પ્લેનનો ફ્યૂઅલ પમ્પ બગડી ગયેલો હોવાની જાણ થતાં કર્નલ તિબ્બટ દ્વારા

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-3

- પાયલોટે ખુમારીથી કહ્યું To Hell with it,  હું કોકુરા પર અણુબોમ્બ ફેંકવા જઈશ જ.

- ક્રુ મેમ્બર્સ એવું માનતા થઈ ગયા કે કોકુરા મિશનને કોઈની બદદુઆ લાગી છે

ત્રણ દિવસ પહેલા હિરોસીમા પર અણુબોમ્બ ફેંક્યો  ત્યારે પણ તમે બધા મારી સાથે હતા. તે એક પરફેકટ મિશન હતું.  હવે આજનું મિશન પણ એકઝેકટલી પરફેકટ બની રહે એવું હું ઇચ્છું છું. કર્નલ તિબ્બટે આપણને આ મિશન માટે પસંદ કર્યા છે. માટે આપણી તેમના તરફની અને આપણા દેશ માટેની જવાબદારી છે કે આ મિશન પરફેક્ટ બની રહે. મારે આ પ્લેનને ટાર્ગેટ પર ડાઇવ (Dive) મરાવીને બોમ્બ ફેંકવો પડે તો એ માટે પણ મારી તૈયારી છે. મને કશાની પડી નથી, મારૃં ધ્યેય કોકુરા પર પરફેકટલી બોમ્બ ફેંકવાનું છે.

પાયલોટ ચાર્લ્સ સ્વીનીનું પહેલું ટાર્ગેટ કોકુરા શહેરનો શસ્ત્રભંડાર હતો. પણ એ ટાર્ગેટ નિષ્ફળ જાય તો બીજું ટાર્ગેટ નાગાસાકી બંદર પાસે આવેલું મિત્સુબીશી શિપયાર્ડસ અને તેની આસપાસનો ઔદ્યોગિક વિસ્તાર હતો.

પણ ચાર્લ્સ સ્વીનીના ''પરફેકટ મિશન'' ના ધ્યેયમાં 'પ્રથમ ગ્રાસે મક્ષિકા' જેવો ઘાટ સર્જાયો. જો કે આટલું પુરતું ન હોય તેમ આ મિશનમાં શરૂઆતથી લઇને બોમ્બર પ્લેન છેક કોકુરાના આકાશમાં પહોંચ્યું તે દરમિયાનના સમયગાળામાં કેટલાય એવા સંકેતો મળ્યા કે આ મિશન પરફેકટ થવાની વાત તો બાજુએ રહી પણ આ મિશન ફેઇલ જવાનું છે. હવે આ મિશનનો ઘટનાક્રમ જોઈએ..

નિષ્ફળતાનો પહેલો સંકેત

બોમ્બર પ્લેનનું એન્જિન સ્ટાર્ટ કરવાની થોડી ક્ષણો પહેલાં પાયલોટને ખ્યાલ આવી ગયો કે પ્લેનની ૬૦૦ ગેલનની એક ફ્યૂઅલ ટેન્કનો 'ફ્યૂઅલ પમ્પ' ઓપરેટ જ નથી થતો અર્થાત ફ્યૂઅલ પમ્પ ચાલતો નથી. 

બોમ્બર પ્લેનની બધી ટાંકીઓમાં થઇને કુલ ૭૦૦૦ ગેલન (૨૬,૫૦૦ લીટર) જેટલું ફ્યૂઅલ ભરાયું હતું. પરંતુ સાઇડની ૬૦૦ ગેલનની એક ટાંકીના પમ્પમાં ખામી હોવાથી એટલું ફ્યૂઅલ વાપરી શકાય એમ નહીં હોવાથી પાયલોટ સ્વીની માટે કોકુરા શહેર જઇને પાછા આવવા માટે માત્ર ૬૪૦૦ ગેલન ફ્યૂઅલ જ હતું. જો અન્ય કોઇ સીધાસાદા પરંપરાગત મિશન પર આ પ્લેન જઇ રહ્યું હોત તો ફ્યૂઅલ પમ્પની ખામીના કારણે એના ઉડાનના સમયમાં વિલંબ કરી દેવાયો હોત, પણ આ તો એક અસાધારણ - એટમબોમ્બ ફેંકવાનું - મિશન હતું, જેમાં વિલંબ પોસાય તેમ જ નહોતો.

આ મિશન એટલું મહત્વનું હતું કે તેમાં પુરતા પ્રમાણમાં ફ્યૂઅલની અત્યંત આવશ્યકતા હતી.: આ બોમ્બર પ્લેનમાં વજન હિરોસીમા પર એટમબોમ્બ ફેંકવા ગયેલા બોમ્બર પ્લેન કરતાં વધારે હતું. 

આ બોમ્બર પ્લેનમાં મુકાયેલા એટમબોમ્બ  'Fat Man'  નું વજન ૧૩૦૦ પાઉન્ડ હતું; ત્રણ દિવસ પહેલા હિરોસીમા પર ઝીંકાયેલા એટમબોમ્બ 'Little Boy' કરતાં આ બોમ્બનું વજન ૪૮૦ કિલો વધારે હતું. વળી આ બોમ્બર પ્લેને વા-વંટોળથી બચવા વધારે ઊંચાઇએ ઉડવાનું હતું.

કોકુરા શહેર પર બોમ્બ નાંખવા જઇ રહેલા આ બોમ્બર પ્લેનની ઉડાન શરૂ થાય તે પહેલાં જ 'ફ્યૂઅલ પમ્પ' ની ખામીનો ખ્યાલ આવી જતાં બધા વિમાસણમાં મુકાઇ ગયા: હવે કરવું શું..?

કર્નલ તિબ્બેટે બોમ્બર પ્લેનના પાયલોટ સ્વીની પર આખરી નિર્ણય છોડયો.

હવે ફ્યૂઅલ પમ્પની ખામી સાથે એટલે કે ૬૦૦ ગેલન જેટલા ઓછા બળતણ સાથેના બોમ્બર પ્લેનને ટિનિઅન ટાપુ પરથી ઉડાડી છેક કોકુરા સુધી લઇ જવાનું અને ત્યાં બોમ્બ ફેંક્યા પછી ઝડપથી પાછા ટાપુ પર આવી જવાનું હતું.

આવતી વખતે અડધે આકાશે ફ્યૂઅલ યાનીકી બળતણ ખૂટી જાય તો પાયલોટ સહિત બોમ્બરના બીજા સ્ટાફની કેવી હાલત થાય..? દુશ્મન દેશમાં બીજી કોઇ જગ્યાએ તો આ પ્લેન ઊતારી શકાય નહીં, ન કરે નારાયણને બળતણ ઝીરો થઇ જાય તો દુશ્મન દેશમાં જ ક્યાંક આ પ્લેન નીચે ખાબકી પડે...ટૂંકમાં મોત નિશ્ચિત હતું.

પણ પાયલોટ સ્વીની અત્યંત સાહસિક અને ખુમારીવાળો જવાન હતો. તેણે કર્નલ તિબ્બેટને આત્મવિશ્વાસથી છલકાતા સ્વરે કહ્યું,  'To Hell with it', મને કશાની નથી પડી, હું તો જઇશ જ. લ્યો, અમે તો આ ચાલ્યા. બોમ્બર પ્લેન લઇને હું તો જઇશ જ.

કો-પાયલોટ, ગનર્સ, રડાર ઓપરેટર, ફલાઇટ એન્જિનિયરો બોમ્બર પ્લેનમાં ગોઠવાઇ ગયા.  પાયલોટ સ્વીનીએ પ્લેન સ્ટાર્ટ કર્યૂં..

પ્રથમ ગ્રાસે જ મક્ષિકાની જેમ માત્ર ફ્યૂઅલ પમ્પની શરૂઆતની ખામીથી જ મુશ્કેલી અટકવાની નહોતી. આ બોમ્બર વિમાને હજી આગળ તો બીજી મોટી  મુશ્કેલીઓનો સામનો કરવાનો હતો. 

નિષ્ફળતાનો બીજો સંકેત

ત્રણેક કલાકની ઉડાન બાદ બોમ્બર પ્લેનની ઇલેક્ટ્રિક સરકિટમાં મોટી ખામી સર્જાતા, રેડ વોર્નિંગ લાઇટ ઝબુકવા માંડી. બોમ્બના ફ્યૂઝ મોનિટરની ફાયરિંગ સરકિટો કદાચ બંધ પડી ગઇ હોય કે પછી કેટલાક અથવા તો બધા જ ફ્યૂઝ એક્ટિવેટ થઇ ગયા હોવાનું ફલાઇટ એન્જિનિયરોએ તારણ કાઢ્યું.

જો ખરેખર આમ થયું હોત તો પાયલોટ સ્વીનીએ દરિયામાં એટમબોમ્બ પધરાવી દેવાની નોબત આવી ગઇ હોત. પણ 'Fat Boy'  બોમ્બના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડર એશવર્થે ઠંડા દિમાગથી પ્લેનની બધી સરકિટની તપાસ કરી સરકિટમાં ખામી સર્જાવાનું કારણ શોધી કાઢી, ક્ષતિ સુધારી દીધી અને બોમ્બર પ્લેનમાં સર્જાયેલી કટોકટીની સ્થિતિ હલ થઇ ગઇ.

ઈલેક્ટ્રિક સરર્કિટની ક્ષતિ તો સુધારી દેવાઈ પણ બોમ્બર પ્લેનના પાયલોટ, ગનર્સ, ફલાઇટ એન્જિનિયર, કમાન્ડર બધા એવું માનવા લાગ્યા હતા કે આ મિશનને કોઇની બદદુઆ કે શ્રાપ લાગી ગયો છે.

ચુસ્ત કેથોલિક સ્વીનીના મુખમાંથી ઉદગાર નીકળી ગયો, 'ઓ લોર્ડ...

નિષ્ફળતાનો ત્રીજો સંકેત

ટિનિઅન ટાપુ પરથી વહેલી સવારના અંધારામાં ૩.૪૭ વાગે બોમ્બર પ્લેન નીકળ્યું હતું. અત્યારે લગભગ આઠ વાગવાની તૈયારી હતી. આકાશમાં સૂર્યોદયથી અજવાળુ છવાયું હતું, તેવામાં બીજી એક મુશ્કેલી સામે આવીને ઊભી થઇ.

જાપાનના દરિયાકાંઠાના આકાશમાં જે ચોક્કસ સ્થળે અને ટાઇમે ઓબ્ઝર્વેશન પ્લેન મળવાનું હતું એ પ્લેન ત્યાં હજી આવ્યું નહોતું...! એ ઓબ્ઝર્વેશન પ્લેનના કમાન્ડિંગ અફસર મેજર જેમ્સ હોપકિન્સ પ્લેનને વધુ પડતી ઊંચાઇએ લઇ ગયા હોવાથી બોમ્બર પ્લેન સાથેનો તેનો સંપર્ક કપાઇ ગયો હતો. જેથી ઓબ્ઝર્વેશન પ્લેનના આવવાની રાહ જોતા બોમ્બર પ્લેનના પાયલોટ સ્વીનીએ લગભગ અડધો કલાક સુધી એટલા વિસ્તારમાં પ્લેન ઉડાડયે રાખ્યું. પ્લેનમાં એક ફ્યૂઅલ ટેન્કનો ફ્યૂઅલ પમ્પ બગડી ગયો હોવાથી ૬૦૦ ગેલન ફ્યૂઅલ ઓછું હતું, તેમાં વળી ઓબ્ઝર્વેશન પ્લેનની રાહ જોવામાં  અડધો કલાક ખોટા ચક્કર મારવામાં ફ્યૂઅલનો બગાડ થયો.

પેલી બાજુ ઓબ્ઝર્વેશન પ્લેનના મેજર હોપકિન્સે પણ બોમ્બર પ્લેનની રાહ જોતા કંટાળીને છેવટે ટિનિઅન ટાપુ પરના હવાઇદળના મથકે રેડિઓ સંદેશો પાઠવ્યો કે,'Has Sweeney aborted?' 

(ક્રમશઃ)

Saransh

Google NewsGoogle News