અમિત, જાસૂસ તરીકેની અસલી ઓળખ છુપાવી શક્યો..
- ઈસ્લામાબાદમાં પોતાની બાહોશીભરી કુશળ વ્યૂહરચનાથી
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-6
- ઈસ્લામાબાદ છોડી, અમિતે દિલ્હી પાછા જવાના હવે માત્ર બે-ત્રણ દિવસ જ બાકી હતા..
- શનિવારે સાંજે 5 વાગે અમિતે, સિનિયર રાઘવને તેનો ચાર્જ સુપ્રત કરવાનો હતો..
પત્નીની ચતુરાઇભરી વાત સાંભળી અમિત ખુશ થયો. વાસ્તવમાં ભામા; સદાય તેની કારકિર્દીમાં એક યા બીજી રીતે સહાયરૂપ બની રહેતી હતી. નોકરીની કામગીરીમાં ક્યારેય કોઇ ભૂલ થાય કે છબરડો વળે, કદીક ક્યાંક આર્થિક નૂકસાન થાય અથવા મિત્રો કે સગાસંબંધીમાંથી કોઇક ક્યારેક વિશ્વાસઘાત કરે, ત્યારે એવી સ્થિતિમાં પોતે હતાશ-નિરાશ થઇ જાય તે વેળા ભામા જ તેને ખુશહાલ રહેવા પ્રોત્સાહન પુરૂં પાડતી હતી. એટલું જ નહીં, કિંતુ આવી વિપરીત અને વિકટ સ્થિતિમાં હતાશ થવાના બદલે તેને જીવનમાં એક પડકાર ગણીને ઉજળી આવતીકાલ માટે ઝઝુમવાની ઉમદા શીખ પણ આપતી હતી.
ચાર મહિના પછી ભામા અને બાળકો દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેને વિદાય આપવા આવ્યા હતા. તે પોતે સાંસ્કૃતિક ખાતાના અફસર તરીકે ઇસ્લામાબાદ જતો હોવાથી ગુપ્તચર એજન્સી 'રો' ના સ્ટાફમાંથી કોઇ સહ કાર્યકર એરપોર્ટ પર તેને વિદાય આપવા નહોતો આવ્યો. કારણ કે 'રો' નો કોઇ સ્ટાફ મેમ્બર આવે તો અમિતની ઓળખ છતી થઇ જાય તો ઈસ્લામાબાદમાં એને ખુદને મુશ્કેલી પડે.
વિમાને ઉડાન ભર્યા પછી અમિત આંખો બંધ કરી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના જાસૂસો સામે વળતી કેવી વ્યૂહરચના અપનાવવી અને ગુપ્ત બાતમી મેળવવા માટેના સ્ત્રોત (સોર્સ, એજન્ટ) કઇરીતે ઊભા કરવા તેના વિચારોમાં ગરકાવ થઇ ગયો. કરાંચી અને ઇસ્લામાબાદમાં અગાઉ કામ કરી ચૂકેલા તેના સાથી કર્મચારીઓ પાસેથી અમિતે ઘણી બધી વિગતો મેળવી લીધી હોવાથી, અમિતને જરૂર જેટલી જાણકારી તો મળી જ ગઇ હતી.
પાક.ની જાસૂસી સંસ્થા I.S.I. ના માળખામાં ક્યાં ક્યાં ખામીઓ છે કે ક્યાં તેમાં છીંડા પાડી શકવાની શક્યતા રહેલી છે; પાક.ના ઇન્ટેલિજન્સ બ્યૂરોની જાસૂસી સિસ્ટમમાં પણ કઇરીતે આપણા બાતમીદાર ઊભા કરી શકાય તેની આછી માહિતી અમિતે મેળવી લીધી હતી. તે ઉપરાંત પાક.ના રાજકીય પક્ષોમાં અને ધાર્મિક તેમજ અન્ય સુરક્ષા સંસ્થાઓમાંની ખામીઓ વિશે પણ અમિત સારો એવો જાણકાર બની ગયો હતો. એથીય આગળ વધીને પાક.ના અલગતાવાદી અને આતંકવાદી જૂથોમાં અંદરો અંદરના ભાગલા કે જૂથબંધીની ઘણી માહિતી પણ અમિત મેળવી ચૂક્યો હતો.
અમિત બાહોશ જાસૂસ હતો, જાસૂસી કરવા માટેની ઘણી બધી ટ્રિક્સમાં તે માહેર હતો. આમ જાસૂસી કલામાં તેની નિપુણતા હોવા છતાં પાકિસ્તાનમાં પોસ્ટિંગનો તેનો સમયગાળો, અત્યાર સુધીના તેના પોસ્ટિંગ્સની તુલનામાં ખૂબ મુશ્કેલ એટલા માટે બની રહેવાનો હતો કે ઇસ્લામાબાદમાં પત્ની ભામાની પ્રોત્સાહક અને હતાશામાંથી બહાર કાઢતી આનંદપ્રદ હાજરી તેની બાજુમાં રહેવાની નહોતી.
મનોમન તેણે પ્લાન વિચારી રાખ્યો કે શરૂઆતના છ મહિના તો થોભો અને રાહ જુઓ - વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવવાનું જ બહેતર રહેશે અને તે સમયગાળા દરમિયાનના અનુભવ અને મળેલી જાણકારીના આધારે, કેટલી આક્રમકતાથી અને કેટલી ઝડપે બાતમીદારો ઊભા કરવા અને તેમની પાસેથી કઇરીતે કામ લેવું તેનો નિર્ણય લઉ તો જ સારૂં રહેશે.
પણ ગુપ્તચર તરીકેની તેની હોંશિયારીના લીધે અમિતે પાક.ના અસંતુષ્ઠ રાજકીય ગુ્રપો જેવા કે બલુચિસ્તાન લિબરેશન યુનાઇટેડ ફ્રન્ટ, ધી ગિલગિટ-બાલ્ટિસ્તાન યુનાઇટેડ મુવમેન્ટ અને જમ્મુ-કાશ્મીર પીપલ્સ પાર્ટીમાંથી તેના સંપર્ક સૂત્રોની જાળ બીછાવી દીધી.
ઇસ્લામાબાદમાં પોસ્ટિંગના પહેલા જ દિવસથી અમિતે વાત વહેતી કરી હતી કે તેને જ્યોતિષ જોતા સારૂં આવડે છે અને હસ્તરેખા શાસ્ત્રમાં તે માહેર છે. જન્માક્ષર જોવામાં અને ચહેરા પરથી ભવિષ્ય ભાખવામાં તેની નિપુણતાના લીધે ત્યાંના રાજદૂત સુરિ અને તેમના પત્ની સાથે અમિતે ઝડપથી સારો સબંધ કેળવી લીધો. વળી અમિતના સદ્ભાગ્યે તેણે જેના પણ જન્માક્ષર જોઇ ભવિષ્ય કથન કર્યૂં હતું તેમાંથી મોટાભાગનું સાચું પડતા એલચી કચેરીના સ્ટાફવાળા અમિત સાથે તેના પરિવારની કે તેના અગાઉના પોસ્ટિંગ વિશેની આડીઅવળી વાતો પૂછવાના બદલે પોતાના જન્માક્ષર જોઇ આપવાની વાત જ કરતા રહેતા હતા.
બહારથી કોઇના ફોન આવે તોય અમિત બહું ટૂંકમાં જ અને બને તો 'હા કે ના' માં વાત પતાવી દેતો હતો કારણ તેને ખબર હતી કે દૂતાવાસમાં આવતા કે જતા ફોન I.S.I. ના જાસૂસો ટેપ કરી સાંભળતા હતા. એમ્બેસિમાંથી તે કેવળ તેના બંગલાની કામવાળી કે રસોયો અથવા માળીને જ ફોન કરતો હતો. દિલ્હી તેની પત્ની ભામાને ફોન કરે ત્યારે ત્યાં બધું બરાબર ચાલે છેને ? તેને કોઇ તકલીફ નથીને? આવા સામાન્ય સવાલો પૂછી બાળકોના અભ્યાસની વાત સિવાયની બીજી કોઇ વાત કરતો નહોતો.
તેની આ પ્રકારની વ્યૂહરચનાથી અમિત જાસૂસ તરીકેની પોતાની અસલી ઓળખ છુપાવી શક્યો હતો. ઇસ્લામાબાદના ભારતીય દૂતાવાસમાં તે પોતે સાંસ્કૃતિક અફસર હોવાની ઓળખ જ ચાલુ રાખી શક્યો હોવાનું તે માનતો હતો. છેલ્લા સાડા ત્રણ વર્ષથી તેની જાસૂસી કરવા પાછળ પડેલા I.S.I. ના ગુપ્તચરો અમિત વિરૂધ્ધ જાસૂસીનો કોઇ પુરાવો મેળવવામાં સફળ રહ્યા નહોતા. વધારામાં ઇસ્લામાબાદમાં તેના પોસ્ટિંગના સમયગાળા દરમિયાન દિલ્હીથી તેની મુદતમાં ૧૮ મહિના વધારવાનો ઓર્ડર આવ્યો હતો. ભારતના ગુપ્તચરોમાંથી એકેય ગુપ્તચરને ઇસ્લામાબાદમાં બે-અઢી વર્ષથી વધુ સમય રોકાવાનું ન ગમે તે ખૂબ સ્વાભાવિક હતું, કારણ ચોતરફ પાકિસ્તાની જાસૂસોની લગભગ નજરકેદ જેવી સ્થિતિમાં કામ કરવાનું સહેલું નહોતું; છતાં અમિત સાડા ત્રણ વર્ષ કોઇ તકલીફ વગર ટકી રહ્યો, તેથી પાક. ગુપ્તચરો પણ તેના પર જાસૂસી કરીને કંટાળ્યા હતા, તેમને અમિત વિરૂધ્ધ અત્યાર સુધી કોઇ નક્કર પુરાવો મળ્યો નહોતો.
અમિત પર ચોવીસેય કલાક ટાંપીને નજર રાખતા રહેતા પાક. જાસૂસોના લગભગ બધા જ પ્રયાસો નાકામિયાબ રહ્યા હતા. સાડા ત્રણ વર્ષ સુધી અમિતે ચુસ્તરીતે તેનું રૂટિન જાળવી રાખ્યું હતું.
ઇસ્લામાબાદના ભારતીય દૂતાવાસમાં અત્યાર સુધીમાં રહી ચુકેલા અફસરોમાં એકમાત્ર અમિત જ એવો અધિકારી હતો, જેણે ક્યારેય તેના બંગલાને તાળું નહોતું માર્યૂં, તેનું ગેરેજ અને બંગલાનો દરવાજો અમિત હંમેશા ખુલ્લો જ રાખતો હતો.
(ક્રમશઃ)