બધાના હાથ પર કેદી નંબર લખેલા ટેટુ ચીતરી દેવાયા

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
બધાના હાથ પર કેદી નંબર લખેલા ટેટુ ચીતરી દેવાયા 1 - image


- ઓશવિઝના કોન્સન્ટ્રેશન કેમ્પમાં સેંકડો યહૂદી કેદીઓને લાઈનમાં ઊભા રાખી

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-3

- લાલના હાથ પર ટેટુ ચીતરનારે કેદી નંબર-32407 લખી દીધો

- કેદીઓને બધા કપડાં કાઢી નાંખીને શાવર બ્લોકમાં નહાવા જવાનું ફરમાન કરાયું

થોડીવારમાં જ સૈનિકોના સલામતી પહેરા વચ્ચે એક સિનિયર ઓફિસર આવી પહોંચ્યો. તેનું જડબું જરા ચોરસ આકારનું અને તેના હોઠ પાતળા હતા. આંખોની ભૃકુટિ પર ગુચ્છાદાર વાળ હતા. તેનો યુનિફોર્મ સફેદ હતો, પણ આસપાસ પહેરો ભરતા સૈનિકો બધા બ્લેક ગણવેશમાં હતા.

એ ઉપરી અફસરેઅમને બધાને કહ્યું, ''Welcome to Auschwitz' ' 'તમને બધાને અહીં ઓશવિઝમાં હું આવકારૃં છું'

લાલ મનમાં વિચારતો રહ્યો કે અમને બધાને પોત પોતાના ઘેરથી બળજબરીથી  અહીં લાવ્યા, ઢોરની જેમ બે દિવસ માલગાડીમાં પ્રવાસ કરવો પડયો, અને અહીં સશસ્ત્ર સૈનિકો વચ્ચે અમને ઊભા રાખીને હવે આ મહાશય, અમને અહીં આવકાર આપવા આવી પહોંચ્યા છે...!

''હું કમાન્ડન્ટ રુડોલ્ફ હોસ. હું અહીં ઓશવિઝ કેમ્પનો ઈન્ચાર્જ છું. ગેટ પર તમે વાંચ્યું હશે કે Work will make you Free. આ તમારૃં પહેલુ લેશન- શીખવા જેવો પહેલો પાઠ છે. તમારે માત્ર આ એક જ પાઠ શીખવાનો છે, યાદ રાખવાનો છે. સખ્ત્ત મહેનત કરો, અને તમને કહેવામાં આવે એટલું કર્યા કરશો તો તમને મુક્ત કરી દેવાશે. અમારા કોઈના પણ ઓર્ડરનો અનાદર કરશો તો તમારે ગંભીર પરિણામો ભોગવવાની તૈયારી રાખવી પડશે. અહીં બધાની નામ નોંધણી કરી નંબર આપ્યા પછી તેમને તમારા બીજા ઘેર લઈ જવાશે- Auschwitz Two- Birkenau.

(ઓશવિઝ - બે - બિરકેનાઉ.)

બસ આટલું કહીને ઉપરી અફસર રુડોલ્ફે ચાલતી પકડી અને તેમના ચોકિયાત સૈનિકો પણ તેની પાછળ પાછળ રવાના થઈ ગયા.

રુડોલ્ફના ગયા પછી નામ- નંબર નોંધણીની કામગીરી શરૂ થઈ.

લાલે જોયું તો એની લાઇનમાં આગળ છેક પહેલા નંબરે ઊભેલો યુવાન ટેબલ-ખુરશી પર બેઠેલા સુપરવાઇઝર જેવા માણસ સાથે કશીક વાત કરતો હતો. લાઇનમાં પહેલા નંબરનો માણસ થોડે દૂર હોવાથી એ શું વાત કરતો હતો, તે તો લાલ સાંભળી શકતો નહોતો, પણ તેણે જોયું તો ખુરશી પર બેઠેલા માણસે તેની પાસેના મોટા ચોપડામાં કશીક નોંધ ટપકાવ્યા પછી પેલાના હાથમાં એક ચબરખી પકડાવી દીધી.

થોડીવારમાં લાલનો નંબર આવી ગયો. પેલા માણસે તેને તેનું નામ, સરનામું, તે શું નોકરી-ધંધો કરતો હતો એ વિશે પૂછ્યું, છેલ્લે લાલને તેના માતા-પિતાનું નામ પૂછ્યું...

ખુરશી પર બેઠેલા માણસે મરોડદાર અક્ષરમાં આ બધી વિગતો લખી લીધા પછી લાલના હાથમાં એક નાની ચબરખી પકડાવી, જેમાં એક નંબર લખેલો હતો. આખો વખત પેલો માણસ નીચું મોઢું રાખી, તેનું આ કામ કર્યે જતો હતો. તેણે એક પણ વાર ઊંચે જોઇ લાલ તરફ જોયું સુધ્ધા નહોતું. 

લાલે ચબરખીમાં લખેલો નંબર વાંચ્યો: ૩૨૪૦૭

આ ચબરખી હાથમાં રાખી તે આગળ વધ્યો. ત્યાં બીજી લાઇન હતી, અને એ લાઇનની મોખરે પણ ટેબલ-ખુરશી ગોઠવેલા હતા, જ્યાં બીજા માણસો બેઠા હતા અને તેમની આસપાસ ''SS'' ના સંખ્યાબંધ સૈનિકો પહેરો ભરતા ઊભા હતા.

લાલ એક તો ખૂબ થાકી ગયો 'તો અને વધારામાં તેને ખૂબ તરસ પણ લાગી હતી. પણ મોટી મુસીબત એ હતી કે અહીં તે પાણી કોની પાસે માંગે?

એટલામાં લાઇન આગળ વધી. તે ટેબલ પાસે આવીને ઊભો રહી ગયો. 'SS'' ના એક અફસરે તેનું જેકેટ કઢાવી નાંખ્યા બાદ લાંબી બાંયના શર્ટની બાંય  ઊંચી કરી ડાબો હાથ ટેબલ પર મુકવા હુકમ કર્યો.

ટેબલ પાસેની ખુરશી પર બેઠેલા માણસે લાલના ડાબા હાથે છૂંદણાથી (ટેટુ) ૩૨૪૦૭ નંબર લખી નાંખ્યો.

લાકડાના ટૂકડાના બીજા છેડે સોય ફિટ કરાઇ હતી. તેનાથી એ માણસ દરેક કેદીના ડાબા હાથે  નંબર લખતો હતો, એ વખતે કેદીને સોય ભોંકાવાથી પીડા થતી હતી.

ગણત્રીની સેકન્ડોમાં જ કેદીના ડાબે હાથે નંબરનો ટેટુ લખાઇ જતો હતો. લાલ તેના હાથે લખાયેલો ૩૨૪૦૭ નંબર જોતો રહ્યો. હવે જ્યાં સુધી અહીં રહેશે ત્યાં સુધી આ નંબરથી જ ઓળખાશે, કેદી નંબર-૩૨૪૦૭...!

એવામાં જ પાછળથી કોઇ સૈનિકે બંદૂકના કુંદાનો ઠોંસો તેને માર્યો. વિચાર તંદ્રામાંથી લાલ સફાળો જાગી ગયો.

જમીન પર મુકેલું જેકેટ ઝપાટાભેર ઉઠાવીને તે આગળ વધ્યો. સામે લાલ ઇંટનું મોટું બિલ્ડિંગ હતું અને તેની દીવાલને અડીને બેસવાની બેન્ચીસ મુકેલી હતી.

અચાનક ઓર્ડર છૂટયો: ચાલો, બધા પોત પોતાના કપડા કાઢી નાંખીને આ બેન્ચ પર મુકી દો. સ્નાન ઘરમાં નાહીને પછી અહીં આવીને  તમારા કપડાં પહેરી લેજો.

બધા કેદીઓએ પોત પોતાના ગંદા પેન્ટ, શર્ટ, જેકેટ, મોજા વિગેરે કાઢી, ગડી વાળીને બેન્ચ પર મુકવા માંડયા. બધા જ નગ્ન થઇ ગયા...

શાવર બ્લોકમાં સેંકડો કેદીઓ ઠંડીથી ધુ્રજતા એકમેકની અડોઅડ ઊભા હતા. શાવરમાંથી ઠંડા પાણીના ફૂવારા વછૂટતા હતા. કેટલાક કેદીઓએ શરમના માર્યા તેમની બે હાથની હથેળીઓ ગુપ્ત ભાગ પર મુકી દીધી હતી.

ઘણાં કેદીઓ તરસ્યા હોવાથી શાવરનું પાણી ગંદુ અને દુર્ગંધવાળું હોવા છતાં ખોબે ખોબે પી રહ્યા હતા.

થોડીવારમાં શાવર બંધ થઇ ગયા અને ચેન્જિંગ રૂમના દરવાજા ખુલ્યા; ત્યાં તેમના અસલ કપડાને બદલે રશિયન લશ્કરી સૈનિકોના જૂના યુનિફોર્મ્સ અને બૂટ મુકાયેલા હતા.

એટલામાં ''SS'' નો કાળા ગણવેશધારી એક સૈનિક દોડતો ત્યાં આવ્યો: આ ડ્રેસ પહેરતા પહેલા બધા બહાર બેઠેલા વાળંદ (બાર્બર) પાસે જાવ. ફરી એકવાર કેદીઓ લાઇનમાં ઊભા રહી ગયા. આગળના ભાગે એક ખુરશી હતી અને બાર્બર હાથમાં રેઝર લઇને ઊભો હતો. 

લાલનો વારો આવતાં એ ખુરશીમાં ટટ્ટાર બેસી ગયો. તેણે જોયું તો સૈનિકો લાઇનમાં ઊભેલા નગ્ન કેદીઓ તરફ વ્યંગમાં હસતા હસતા ચોકી પહેરો ભરતા હતા. કોઇ જરા પણ આઘોપાછો થાય તો બંદૂકના કુંદાથી તેને ઠોંસો મારતા હતા.

વાળંદે લાલના માથાનો લગભગ ટકોમુંડો કરી નાંખ્યો.  પાછળથી સૈનિકે તેને  ઠૂંસો માર્યો,  એટલે એ સમજી ગયો કે હવે અહીંથી ઊભા થવાનો વખત થઇ ગયો છે...!

ત્યાંથી ઊભા થઇ લાલે રશિયન સૈનિકોના યુનિફોર્મના ઢગલામાંથી સારો જોઇ એક યુનિફોર્મ અને બૂટ પહેરી લીધા.

બહાર વરસાદ પડી રહ્યો હતો અને માર્ગમાં કાદવ કિચ્ચડ થઇ ગયો હતો. બધા કેદીઓ પડતા-આખડતા આગળ વધી રહ્યા હતા. કેટલાકના પગ કાદવમાં ખૂંપી જવાથી ઊભા રહ્યા, તેમને સૈનિકો બંદૂકના કૂંદા મારી આગળ વધવા ફરજ પાડતા હતા. એકાદ-બે ના પગ કાદવમાં જરા વધારે ઊંડા ખૂંપી ગયા હોવાથી આગળ ચાલવા અસમર્થ બની જતા, બ્લેક યુનિફોર્મવાળા સૈનિકોએ તેમના પર ફાયરિંગ કરી ત્યાંને ત્યાં જ પતાવી દીધા...!

(ક્રમશઃ)

Saransh

Google NewsGoogle News