ચાલુ ટ્રેને અમને કહેવાયું, 'આ સેકન્ડે જ નીચે કુદી પડો'
- મધરાતે અમે ડોકટરો અને નર્સો માટેની 'હોસ્પિટલ ટ્રેન'માં ચઢવા જતા જ
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-2
- ગોમેલ સ્ટેશનનું આખું બિલ્ડિંગ તૂટી પડેલું જોતા અમે બધા ગભરાઇ ગયા
- સરમુખત્યાર સ્ટાલિને પશ્ચિમી મોરચાના કમાન્ડર જનરલને મૃત્યુદંડની સજા ફરમાવી
રેલવે ટ્રેકની બાજુના ખેતરોમાં કેટલાએ ખેડૂતો બોમ્બમારાથી બચવા માટે મોટા મોટા ખાડા ખોદી બુગદા જેવું બનાવતા જોવા મળ્યા.
અમે આકાશ તરફ જોતા બેસી રહ્યા કે જેથી જર્મન લડાકુ વિમાન દેખાય કે તુરંત ગુડ્સ ટ્રેનમાંથી કુદી પડવાનું મનોમન વિચારતા હતા. અમારી માલગાડી બહુ ધીમી ગતિએ આગળ વધતી હતી. એટલે ચાલુ ટ્રેને કુદી પડવાનું ખાસ જોખમી નહોતું. સાંજ ઢળતા ટ્રેન નોવોઝીબકોવ સ્ટેશન આવી કે તુરત હવાઈ હુમલા શરૂ થયા. સ્ટેશન નજીક ધડાકાભેર એક બોમ્બ પડયો.
અમારી આ ટ્રેન અહીં સુધીની જ હતી. અમે પ્લેટફોર્મથી થોડે દૂર ખુલ્લા આકાશ નીચે ઘાસમાં બેસી ગયા. જો કે અમારી નજર તો સતત આકાશ તરફ ખોડાયેલી હતી. જર્મન હવાઈ દળના વિમાનો અચાનક જ આવી ચઢે તો શું કરીશું ? એવો પ્રશ્ન સતત અમારા ત્રણેના મનમાં ઘુમરાતો હતો.
મધરાતે અમે સફાળા ઊભા થઈ ગયા, ના, જર્મન લડાયક વિમાન નહોતું, પણ પ્લેટફોર્મ પર ટ્રેન આવી હતી. ગોમેલ ટાઉન જતી હોસ્પિટલ ટ્રેન આવી હતી. એક જ સેકન્ડમાં ટ્રેન રવાના થઈ એ દરમિયાન દોડતા જઈ અમે કમ્પાર્ટમેન્ટના હેન્ડલ પકડી ટ્રેનમાં ચઢવા પ્રયાસ કર્યો. ડબ્બાના પગથિયા પર ઊભા ઊભા અમે દરવાજો ખખડાવ્યોને બૂમ પાડી કે દરવાજો ખોલો અમારે અંદર આવવું છે.
અમારી બૂમો સાંભળી બારીમાંથી એક મહિલાએ ડોકુ બહાર કાઢી અમને ધમકાવતાં કહ્યું, ''આ સેકન્ડે જ નીચે કૂદી પડો. આ હોસ્પિટલ ટ્રેન છે, તેમાં બીજા મુસાફરોએ પ્રવાસ કરવા પર પ્રતિબંધ છે. જલદી કુદી પડો''.
અમે કહ્યું, અમને માફ કરો પણ ટ્રેને હવે સ્પીડ પકડી લીધી છે અમે કઈ રીતે કુદી પડીએ ?
એ સ્ત્રી ડોકટર હતી અને ડોકટરનું કામ તો માણસને બચાવી લેવાનું, ઉગારવાનું છે, અને આ સ્ત્રી અમને સ્પીડમાં જતી ટ્રેનના પગથિયા પરથી નીચે કુદી પડવાનું કહે છે.
અમે પગથિયા પર જ હેન્ડલ પકડીને લટકતા રહ્યા હોવાથી ગુસ્સે ભરાયેલી એ મહિલા તબીબે કમ્પાર્ટમેન્ટના હેન્ડલ પકડીને ડબ્બાના પગથિયા પર ઊભા રહેલા અમે પાંચ અધિકારીઓને તેના ભારેખમ બુટથી લાતો મારવાનું શરૂ કર્યું, એટલું જ નહીં કિંતુ અમારા હાથ પર પણ તેણે મુક્કા મારવા માંડયા, જેથી હેન્ડલ પરથી અમારી પક્કડ ઢીલી પડેને અમે નીચે પડીએ...
સ્થિતિ હવે બગડતી જતી હતી, વેગીલી ગતિએ દોડતી ટ્રેનના દરવાજાના હેન્ડલ પરની અમારી પક્કડ છૂટી જાય અને અમે નીચે પડીએ તો તો અમારૂું આવી જ બનવાનું હતું. જર્મનોના બોમ્બથી નહીં પણ ચાલુ ટ્રેને નીચે પડવાથી અમારૃં મોત નિશ્ચિત હતું.
અમે હવે સામે આક્રમક થઈ જવાનું નક્કી કર્યું. થોડી સેકન્ડોમાં જ અમારા વળતા હુમલાથી એ મહિલા ડોકટર ચીસો પાડતી દરવાજા પાસેથી દોડીને ડબ્બામાં અંદર જતી રહી. યુધ્ધ મોરચે પહોંચતા અગાઉ લડવાની આ અમારી પહેલી કસોટી હતી.
અમારા લડાઈ-ઝઘડા વચ્ચે ટ્રેન ગોમેલ આવી પહોંચી. રેલવે પ્લેટફોર્મથી ટ્રેન ઘણી દૂર ઊભી રહેતા અંધારામાં અમારે ચાલતા ચાલતા સ્ટેશને પહોંચવું પડયું. મારી પાસેની બેગ બહુ ભારે હોવાથી ચાલવામાં બહુ મુશ્કેલી પડતી હતી.
છેવટે અમે સ્ટેશને પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો સ્ટેશનનું આખું બિલ્ડીંગ ભોંયભેગુ થઈ ગયું હતું. બિલ્ડિંગના કાટમાળનો મોટો ઢગલો જોઈ અમારા બધાના મોઢામાંથી 'આહ' નો નિસાસો નંખાઈ ગયો.
જોકે એ દરમિયાન અમારી નજીકથી પસાર થતાં એક રેલવે કર્મચારીએ કહ્યું,ડરશો કે ગભરાશો નહીં અહીં નવું મોટું રેલવે સ્ટેશન બાંધવાનો પ્લાન હોવાથી જર્મનોના આક્રમણ પહેલા જ આ સ્ટેશનને જમીનદોસ્ત કરી દેવાયું છે. (તેના કહેવાનો આશય એ હતો કે ગોમેલનું રેલવે સ્ટેશન જર્મનોના બોમ્બમારાથી નથી તૂટી પડયું).
અહીં અમને જાણવા મળ્યું કે જર્મન લશ્કર અહીંથી માંડ ૫૦ કિલોમીટરની દૂરી પર આવી પહોંચ્યું છે.
અમે તંત્રી અને રેજિમેન્ટલ કમિશર (સોવિયેટ યુનિયનમાં સામ્યવાદી પક્ષના અફસર કે કોઈ સરકારી વિભાગના વડાને કમિશર કહેતા હતા.) નોસોવને મળવા ગયા. તેમણે અમને પુરા બે કલાક રાહ જોતા બેસાડી રાખ્યા. બે કલાક પછી અમને મુલાકાત આપી. થોડી મિનિટો જ અમારી સાથે વાતચીત કરી પણ મને લાગ્યું કે આ કોેમરેડ કાંઈ બહું હોશિયાર નથી અને તેને મળવા માટે બે મિનિટ પણ રાહ જોવાનું યોગ્ય નથી, (અને આવા માણસ સાથે વાત કરવા અમે બે કલાક રાહ જોવામાં બગાડયા).
હિટલરનું જર્મન સૈન્ય રશિયા પર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યું છે, એવી માહિતી સ્ટાલિનને ઘણાં અફસરો અને વિદેશી નેતાઓએ પહોંચાડી હતી, પણ સ્ટાલિન એ બધાની વાત માનવા તૈયાર જ નહોતો થયો અને જર્મન લશ્કરે રશિયા પર ચઢાઈ કરી, ત્યારે રશિયનો સામનો કરવા માટે જેટલા પ્રમાણમાં તૈયાર હોવા જોઈએ, તેટલા તૈયાર નહોતા. એટલે ટિપિકલ આપખુદશાહીની રીતરસમ મુજબ સ્ટાલિને દોષનો બધો ટોપલો બીજા પર ઢોળી દીધો. સ્ટાલિને પશ્ચિમી મોરચાના કમાન્ડર જનરલ ડી.જી. પાવલોવને બલિનો બકરો બનાવી તેના પર દેશદ્રોહનો આરોપ લગાવી મૃત્યુદંડની સજા ફરમાવી દીધી. ઉલ્લેખનીય વાત તો એ છે કે સ્પેનિશ આંતરવિગ્રહ વખતે આ ડી.જી. પાવલોવ સોવિયેટ ટેન્ક દળોનો કમાન્ડર હતો.
ગ્રોસમેન અને તેમના બે સાથીદારો ટ્રોયેનોવસ્કી અને નોરિંગ સેન્ટ્રલ ફ્રન્ટના વડામથકે રાત રોકાયા. વડુમથક પાસ્કેવિચ પેલેસમાં ઊભું કરાયું હતું. પેલેસમાં એક સુંદર બગીચો અને સરોવર પણ હતું, જેમાં થોડા રાજહંસો હતા. પેલેસના વિશાળ પ્રાંગણમાં ઠેર ઠેર થોડા થોડા અંતરે દુશ્મન સૈનિકોથી બચવા માટે ઊંડી ખાઇઓ ખોદેલી હતી.
સેન્ટ્રલ ફ્રન્ટ અર્થાત મધ્ય મોરચાના રાજકીય વિભાગના વડા બ્રિગેડ કમિશર કોઝલોવે અમને વડા મથકે આવકાર્યા. તેમણે અમને માહિતી આપતા કહ્યું કે ગઇકાલે યુધ્ધ મોરચેથી જે ખબર મળી તેનાથી લશ્કરી કાઉન્સિલ ખૂબ જ ચિંતામાં પડી ગઇ છે. અહીંથી ઉત્તર-પશ્ચિમે ૨૦૦ કિલોમીટર દૂરના રસલાવ નગર પર કબ્જો જમાવી દઇ, જર્મન લશ્કરે ત્યાં સંખ્યાબંધ ટેન્કોનો જમાવડો કરી દીધો છે.
અહીં એક વાત ખાસ જાણવા જેવી છે કે રસલાવ નગર પર આક્રમણ કરીને પોતાનું સંપૂર્ણ નિયંત્રણ જમાવી દેનાર જર્મન લશ્કરના કમાન્ડર ગુડેરિઅને Achtung!Panzer! નામનું પુસ્તક લખ્યું છે. પહેલા વિશ્વ યુધ્ધમાં પણ ગુડેરિઅન જર્મન લશ્કરમાંથી યુધ્ધ મોરચે જંગ લડયા હતા.
(ક્રમશઃ)