33 વર્ષની કલાકાર યુવતીએ પતિની હત્યા કરી...

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
33 વર્ષની કલાકાર યુવતીએ પતિની હત્યા કરી... 1 - image


- કલાકાર દંપતીના સુખી લગ્નજીવનમાં લોહિયાળ ઘટના પાછળની મનોવ્યથા....

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-1

- પતિને 'શૂટ' કરી દીધા પછી એલિસિઆ છ વર્ષ સુધી 'સાઇલન્ટ' બની જવા પાછળનું રહસ્ય

- હોસ્પિટલમાંથી રજા અપાયા પછી એલિસિઆએ નગ્ન Portait બનાવ્યું

પતિની હત્યા કરી ત્યારે એલિસિઆ બેરેન્સન ૩૩ વર્ષની હતી. તેના લગ્નજીવનને હજી એક દશકો પણ વીત્યો નહોતો. માંડ સાતેક વર્ષ અગાઉ જ તે લગ્નગ્રંથિથી જોડાઇ હતી.

બન્ને કલાકાર હતા. એલિસિઆ પેન્ટર હતી અને પતિ ગેબ્રિઅલ વિખ્યાત ફેશન ફોટોગ્રાફર હતો. અર્ધ-ભૂખી, અર્ધ-નગ્ન સ્ત્રીઓના કોઇ ખાસ એન્ગલથી કે કોઇ વિચિત્ર એન્ગલથી ફોટા પાડવાની તેની ખાસિયત હતી. આ ફોટોગ્રાફરના અપમૃત્યુ પછી તો તેના ફોટોગ્રાફસની કિંમતમાં જબરદસ્ત વધારો થઇ ગયો હતો. જો કે મને તેના ફોટોગ્રાફસ છીછરા લાગ્યા છે, તેમાં કલાનો ઝાઝો અંશ મને દેખાયો નથી.

એલિસિઆના બેસ્ટ પેન્ટિગમાં જે કલા અને લાગણી છલકાતા નજરે પડે છે, તેવું કાંઇ પતિ ગ્રેબિઅલના ફોટોગ્રાફસમાં દેખાતું નથી. 

જો કે કલા વિશે હું કશું ઝાઝુ જાણતો નથી. આ તો મારો વ્યક્તિગત નિખાલસ અભિપ્રાય છે, પણ એક વાત નિશ્ચિત છે કે એલિસિઆના ટેકનિકલ કૌશલ્યનો મુદ્દો બાજુ પર મુકીને જોઇએ તો પણ તેના પેન્ટિંગ દર્શકનું ધ્યાન ચોક્કસ ખેંચે છે. જોનારની નજરને જકડી રાખવાની ક્ષમતા એલિસિઆના પેન્ટિંગમાં છે.

ગેબ્રિઅલ બેરેન્સનની હત્યા છ વર્ષ અગાઉ થઇ હતી, ત્યારે તેની ઉંમર ૪૪ વર્ષની હતી. તારીખ ૨૫મી ઓગસ્ટે ગેબ્રિઅલનું ખૂન થયું, એ ઉનાળાના દિવસે વર્ષની સૌથી વધુ ગરમી પડી હતી.

જીવનના છેલ્લા દિવસે ગેબ્રિઅલ બહુ વહેલો ઊઠી ગયો હતો. મળસ્કે ૫.૧૫ વાગે કાર નોર્થ-વેસ્ટ લંડનમાં હામસ્ટીડ હિથ વિસ્તાર નજીકના તેના ઘેર લેવા આવી હતી. એક કલાયન્ટ માટે રૂફટોપ પર કેટલીક મોડેલ્સના ફોટોગ્રાફ આખો દિવસ ગેબ્રિઅલે પાડવાના હતા.

એલિસિઆએ આખો દિવસ તેના ઘરના સ્ટુડિઓમાં પેન્ટિંગ કરવામાં વીતાવ્યો હતો. એ દિવસે ગેબ્રિઅલને ફોટોશૂટમાં ઘણું મોડું થઇ ગયું. રાત્રે લગભગ અગિયારના સુમારે એ ઘેર આવ્યો.

અડધો કલાક પછી તેમના પડોશી બાર્બી હેલમેને ફાયરિંગના સંખ્યાબંધ ધડાકા સાંભળતા જ, પોલીસને ફોન કર્યો.  નજીકના હેવરસ્ટોક હિલ પોલીસ સ્ટેશનથી ત્રણ મિનિટમાં જ પોલીસવાન આવી પહોંચી. 

ઘરનો આગલો દરવાજો ખુલ્લો હતો. ઘરમાં ભયંકર અંધકાર હતો. લાઇટની એકેય સ્વીચ ચાલુ હાલતમાં નહોતી. પોલીસ અફસરો ટોર્ચની લાઇટના સહારે ઘરના ડ્રોઇગરૂમમાં પહોંચ્યા.

મકાનના ફાયરપ્લેસ નજીક એલિસિઆ અંધારામાં ઊભી હતી. સફેદ ડ્રેસ પહેરેલી એલિસિઆ ટોર્ચના અજવાળામાં ભૂત જેવી દેખાતી હતી. તદ્દન સ્ટેચ્યૂ જેવી હાલતમાં, સૂનમૂન અને સ્હેજેય હલનચલન વગર જાણે બરફમાંથી મૂર્તિ કંડારી હોય તે રીતે એલિસિઆ ઊભી હતી. પોલીસની ઉપસ્થિતિથી એ જાણે સાવ જ બેખબર હોય તેમ ઊભી હતી.ચહેરા પર ભારે ગભરાટના હાવભાવ હતા. 

ભોંય પર ગન પડી હતી. ટોર્ચના મર્યાદિત અજવાળા પછીના અંધારામાં એક ખુરશી પર તેનો પતિ ગેબ્રિઅલ બેઠો હતો. વાયરથી તેના હાથ-પગ બાંધ્યા પછી ગેબ્રિઅલને ખુરશી સાથે બાંધી દેવાયો હતો.

અંધારૂ હોવાથી પોલીસને પહેલા તો એવું લાગ્યુ કે એ જીવતો છે. ગેબ્રિઅલનું માથું એ જાણે બેભાનાવસ્થામાં હોય તેમ એક તરફ ઢળેલું હતું.

ગેબ્રિઅલ તરફ ટોર્ચનો પ્રકાશ ફેંકતાં જ પોલીસ અફસર ચમકી ઊઠયા. તેના મોઢા પર અને માથામાં કોઇએ ગનથી સંખ્યાબંધ ગોળીઓ છોડી હોવાથી મોઢા પર લોહીના રેલા ઊતરેલા હતા, જે તદ્દન કાળા પડી ગયા હતા, તેની પાછળની દીવાલ પર પણ લોહીનો છંટકાવ થયેલો દેખાતો હતો.

લોહી સર્વત્ર હતું - દીવાલો પર અને ભોંય પર પણ લોહીના રેલા, વહી ચૂક્યા હતા. પોલીસ અધિકારીઓને લાગ્યું કે હત્યા કરાયેલા ગેબ્રિઅલના લોહીના જ આ રેલા હશે પણ લોહી ઘણું બધું વધારે રેલાયું હતું. 

અચાનક પોલીસને ટોર્ચના અજવાળામાં કશુંક ચમકતું દેખાયું. એલિસિઆના પગ નજીક પડેલા ચાકુની ધાર ટોર્ચના પ્રકાશમાં ચમકતી હતી; એલિસિઆના સફેદ ડ્રેસ પર પણ લોહીના ઘણા બધા છાંટા ઉડેલા હતા.

પોલીસ અફસરે એલિસિઆનો હાથ પકડી કાંડુ જોયું તો કાંડા પર તાજા ઊંડા કાપા પડેલા દેખાયા, અને તેમાંથી ઘણું બધું લોહી વહી ગયેલું નજરે પડયું.

દરમિયાન એલિસિઆએ એકાએક ઝનૂનપૂર્વક આપઘાતનો પ્રયાસ કરતા ત્રણ પોલીસો માંડ માંડ તેને પકડીને નજીકની રોયલ ફ્રી હોસ્પિટલમાં લઇ ગયા. રસ્તામાં જ એલિસિઆ બેભાન થઇ ગઇ. તેના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી નીકળી ગયું હતું, પણ એ બચી ગઇ. 

બીજે દિવસે હોસ્પિટલના વોર્ડના અલાયદા રૂમમાં બેડ પર સુતી હતી, એ વેળા એલિસિઆના સોલિસિટરની હાજરીમાં પોલીસ અફસરે તેને કેટલાક સવાલો પૂછ્યા.  પોલીસના સવાલોના જવાબમાં તે તદ્દન મૌન રહી, ચૂપ રહી.

તેના રક્તવિહિન ફિક્કા હોઠ ક્યારેક ફફડતા હતા, પણ એકેય શબ્દ તે બોલતી નહોતી. પોલીસ અધિકારીના એકેય સવાલનો જવાબ તેણે ન આપ્યો. તે કશુંય બોલતી જ નહોતી.

પતિ ગેબ્રિઅલના મર્ડરનો તેના પર આરોપ મુકાયો, ત્યારેય તે એક પણ શબ્દ ના બોલી.  પોલીસે તેની ધરપકડ કરી તોય એલિસિઆએ તેની સામેનો આરોપ ખોટો છે કે પછી આરોપ કબૂલ છે, એવું કાંઇપણ એ ન બોલી. 

ફરી ક્યારેય એલિસિઆ બોલી જ નહીં... તેનું લાંબા સમયનું આ મૌન કે ચૂપકીદીએ ઘરકંકાસમાં થતી હત્યાની સ્ટોરીને એક મોટા કોયડારૂપ, રહસ્યમય ઘટના બનાવી દીધી, જે મહિનાઓ સુધી અખબારોમાં ચમકતી રહી. લંડનમાં આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની ગઇ.

એલિસિઆ સાઇલન્ટ જ રહી, પણ તેણીએ એક કામ કર્યૂં. તેને હોસ્પિટલમાંથી રજા અપાયા પછી કોર્ટમાં ટ્રાયલ શરૂ થાય તે દરમિયાન પોલીસે તેને તેના ઘરમાં નજરકેદમાં રાખી તે સમયગાળામાં  એલિસિઆએ એક પેન્ટિંગ બનાવ્યું.

કોર્ટે એલિસિઆની દેખભાળ માટે એપોઇન્ટ કરેલી સાઇએટ્રિક નર્સના કહેવા મુજબ કોર્ટમાં ટ્રાયલ શરૂ થાય તે અગાઉના સમયગાળામાં એલિસિઆ ભાગ્યે જ થોડું ખાતી અને તેના ઊંઘવાના કલાકો પણ ઘણાં ઘટી ગયા હતા. આખો વખત તે કેવળ ચિત્ર દોરવામાં જ મગ્ન રહેતી હતી. પતિનું મર્ડર કર્યાના થોડા જ દિવસમાં તેણે આ ચિત્ર પુરૃં કર્યૂં હતું. લોકોને વાતનો વિષય મળી ગયો- આ સ્ત્રી કેટલી નિષ્ઠુર છે, પતિની ઠંડા કલેજે હત્યા કર્યા પછી તેને જરાય પસ્તાવો નથી થતો. પતિની હત્યા પછી દુ:ખી થવાનું કે અફસોસ કરવાનું બાજુએ રાખી એ પેન્ટિંગ કરવા બેસી ગઇ...!

(ક્રમશ:)

Saransh

Google NewsGoogle News