સેફ્ટી ટેસ્ટ વખતે જ આખું બિલ્ડિંગ ધડાકા સાથે તૂટી પડયું..
- સોવિયેત યુનિયનના ચેર્નોબિલ અણુ ઊર્જા મથકમાં રિએક્ટર-૪ના
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-4
- ઈન્સ્ટોલેશન અગાઉ રિએક્ટર-૪નો સેફ્ટી ટેસ્ટ કરવાનું સ્ટેપ જ ઉડાવી દેવાયું હતું
- ડેડલાઈન પહેલા રિએક્ટર-4 ચાલુ કરવાની લ્હાયમાં સેફ્ટીનું ધ્યાન ન રખાયું
એ પછીના વર્ષો દરમિયાન સોવિયેત યુનિયનના અન્ય અણુ ઊર્જા મથકોમાં આનાથીય વધારે ગંભીર પ્રકારના અકસ્માતો થયા હતા પણ એ તમામ અણુ અકસ્માતો પર આપખુદશાહી સરકાર દ્વારા જડબેસલાક ઢાંકપીછોડો કરી દેવાતો હતો.
ઓકટોબર ૧૯૮૨માં આર્મેનિયાના (આર્મેનિઆ અગાઉ સોવિયેત યુનિયનનું એક રિપબ્લિક હતું, આજે તે એક સ્વતંત્ર દેશ છે) મેટસામોર અણુ પ્લાન્ટના રિએકટર નંબર-૧ ના જનરેટરમાં મોટો વિસ્ફોટ થયો હતો, એનો આખો ટર્બાઇન હોલ બળીને ભસ્મિભૂત થઇ ગયો હતો.
અણુ મથકના રિએકટરનો કેન્દ્રિય ભાગ બચાવી લેવા ભારે દોડધામ મચી હતી. રિએકટરના આ ''કોર'' (Core) ભાગમાં રેડિઓએકિટવ મટિરિયલ્સ હોય છે જ્યાં અણુઓનું ચેઇન રિએકશન થતું રહે છે, એટલે રિએકટરનો આ ભાગ માણસના શરીરના હાર્ટની જેમ ખૂબ જ મહત્વનો ભાગ ગણાય છે. તેને બચાવી લેવા માટે પ્લાન્ટના સ્થળથી ૩૦૦૦ કિલોમીટર દૂર આવેલા કોલા વ્હીપકલ્પ નામના સ્થળેથી ન્યૂકિલઅર એક્સપર્ટની ટીમને ખાસ વિમાનમાં તાબડતોબ બોલાવી લેવાઇ હતી.
આ દુર્ઘટના પછીના લગભગ ત્રણેક વર્ષ બાદ રશિયાના બાલાકોવો પ્લાન્ટના રિએકટરના શરૂઆતના તબક્કે જ તેનો રિલીફ વાલ્વ વિસ્ફોટ સાથે તૂટી પડતાં ૩૦૦ ડિગ્રી જેટલી સુપરહિટ થયેલી ધગધગતી વરાળ રિએકટરના આસપાસના કમ્પાર્ટમેન્ટસમાં ફેલાઇ જતાં ૧૪ કર્મચારીઓ જીવતા બળી ગયા હતા.
આ બન્ને ઘટનાઓને આપખુદ શાસકે દબાવી દીધી હતી. બીજા પ્લાન્ટસના ઓપરેટરોને ફરતી ફરતી માત્ર અફવા જ સાંભળવા મળી હતી, કોઇની પાસે આ બે દુર્ઘટનાની ચોક્કસ વિગતો પહોંચી જ નહોતી. કારણ સામ્યવાદી સરમુખત્યારી શાસને આ માહિતીના ફેલાવા પર જબરદસ્ત પાબંદી લગાવી દીધી હતી.
પણ આનાથી ય વધારે ગંભીર એક ઘટના મોસ્કોના સેન્ટ્રલ ન્યૂકિલઅર ડિઝાઇન સેન્ટર કે જ્યાં અણુ ઊર્જા મથકના RBMK- ૧૦૦૦ રિએકટરની ડિઝાઇન તૈયાર કરાઇ હતી, ત્યાં દબાવી દેવાઇ હતી.
આ RBMK ટાઇપના રિએકટરો રશિયાના વિવિધ પ્રદેશોના અણુ ઊર્જા મથકોમાં કાર્યરત થયા એ પછી તેની ડિઝાઇનમાં રહી ગયેલી ખામીઓ એક પછી એક બહાર આવવા માંડી હતી, પરંતુ સૌથી ગંભીર અને મોટું જોખમ ઊભું કરી શકે તેવી ખામી એ હતી કે આ પ્રકારના રિએકટરમાં કોઇ ઇમરજન્સી પ્રોટેકશન કે સેફટી સિસ્ટમ જ નહોતી બનાવાઇ...!
સોવિયેત યુનિયનના લેનિનગ્રાડ શહેરના અણુ ઊર્જા મથકમાં વર્ષ ૧૯૭૫માં યુનિટ-૧માં દુર્ઘટના થવા પામી હતી, જ્યારે વર્ષ ૧૯૮૨માં ચેર્નોબિલના યુનિટ નંબર-૧માં પણ દુર્ઘટના સર્જાઇ હતી. આ બન્ને અણુ ઊર્જા મથકના RBMK રિએકટરોમાં ખામીના કારણે જ અકસ્માત થયા હતા.
અણુ મથકોમાં થયેલા આ બન્ને અકસ્માતોથી એટલું તો પુરવાર થઇ ચૂક્યું હતું કે RBMK પ્રકારના રિએકટરોની ડિઝાઇનમાં જ ક્યાંક મૂળભૂત ક્ષતિઓ રહી ગયેલી છે.
કેટલાક નિષ્ણાતોએ તો એવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો કે લેનિનગ્રાડ અણુ મથકનો વર્ષ ૧૯૭૫નો અકસ્માત, એ પછીના ૭ વર્ષે ચેર્નોબિલ અણુ મથકમાં થયેલા અકસ્માતના પૂર્વ સંકેતરૂપ હતો, પણ અણુ મથકના સત્તાધિશોએ લેનિનગ્રાડની દુર્ઘટનાને ગંભીરતાથી નહીં લીધી હોવાથી આઠ વર્ષે ચેર્નોબિલ અણુ મથકના ઇમ્સ્ણ રિએકટરમાં દુર્ઘટના થવા પામી હતી.
સોવિયેત યુનિયનની સામ્યવાદી સરકારે દેશના અણુ ઊર્જા મથકોમાં થતી રહેલી નાની-નાની દુર્ઘટનાઓની વિગતોને દબાવી રાખી એટલું જ નહીં, પણ તેમાંથી બોધપાઠ લઇ જે સુધારાત્મક પગલાં લેવા જોઇએ તે લીધા નહીં એટલે સરવાળે યુક્રેનના ચેર્નોબિલ અણુ મથકના રિએકટર-૪ માં મોટા ધડાકાની મોટી દુર્ઘટના વર્ષ ૧૯૮૬માં સર્જાઇ જેમાં ૩૧ કર્મચારીઓનો ભોગ લેવાઇ ગયો.
વર્ષ ૧૯૮૬ની તારીખ ૨૫-૨૬ એપ્રિલની મધરાતે ચેર્નોબિલ અણુ ઊર્જા મથકના રિએકટર નંબર-૪માં મોટા ધડાકા સાથે આગ ફાટી નીકળી તેના લગભગ ચારેક મહિના પહેલા જ યુક્રેનના ઊર્જા અને વિદ્યુત મંત્રીનો એક મેગેઝીનમાં છપાયેલો ઇન્ટરવ્યૂ વાંચવા જેવો હતો.
અમેરિકા સ્થિત સોવિયેત એમ્બેસી દ્વારા ૧૯૮૬ના જાન્યુઆરી મહિનામાં ''સોવિયેત લાઇફ'' નામનું એક ગ્લોસી મેગેઝિન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ચેર્નોબિલ ન્યૂકલિઅર પાવર પ્લાન્ટ વિશે દશ પાનનો એક વિસ્તૃત લેખ લખાયો હતો.
ચેર્નોબિલ પાવર પ્લાન્ટના દશ પાનના લાંબા લેખમાં પાવર પ્લાન્ટના અલગ અલગ કલર ફોટોગ્રાફ્સ છપાયા હતા. સાથે સાથે પ્લાન્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓના સસ્મિત ફોટા પણ પ્રસિધ્ધ કરાયા હતા. વધારામાં અણુ પ્લાન્ટ નજીક કર્મચારીઓના નિવાસ માટે ખાસ ઊભા કરાયેલા પ્રિપીઆટ નામના નગરના કેટલાક રહીશોના ઇન્ટરવ્યૂ પણ તેમાં છપાયા હતા.
સોવિયેત યુનિયનના ન્યૂકિલઅર એક્સપર્ટ વાલેરી લેગા સોવે તેમના લેખમાં એવી બડાશ હાંકી હતી કે સોવિયેત યુનિયનમાં પહેલું અણુ ઊર્જા મથક સ્થપાયું ત્યારથી શરૂ કરીને આજે ૩૦ વર્ષના સમયગાળામાં એક પણ પાવર પ્લાન્ટમાં કોઇ સમસ્યા સર્જાઇ નથી અને એકેય પ્લાન્ટમાંથી ક્યારેય હવા, પાણી કે જમીનમાં કિરણોત્સર્ગ (રેડિએશન) ફેલાયું નથી..
બીજા એક અલગ ઇન્ટરવ્યૂમાં યુક્રેનના ઊર્જા અને વિદ્યુત મંત્રી વિતાલી સ્કલીયારોવે પણ મોટી બડાશ હાંકતા વાચકોને ખાતરી આપી હતી કે અણુ ઊર્જા પ્લાન્ટમાં મેલ્ટડાઉન (એટલે કે ધડાકો અથવા દુર્ઘટના) થવાની સંભાવના ૧૦,૦૦૦ વર્ષમાં એક જ હોય છે.
હવે કરૂણતા જુઓ કે અમેરિકાની રશિયન એમ્બેસીએ ચેર્નોબિલ અણુ ઊર્જા પ્લાન્ટ વિશે મોટી મોટી બડાશો હાંકતો આ લેખ પ્રસિધ્ધ કર્યો તેના માત્ર ચાર જ મહિનામાં ચેર્નોબિલ પ્લાન્ટનું રિએકટર નં-૪ ધડાકા સાથે ફાટી પડતા અણુ ઊર્જા મથક ક્ષેત્રની મોટી દુર્ઘટના સર્જાવા પામી હતી.
તા.૨૫મી એપ્રિલ ૧૯૮૬ની મધરાતની શિફટનો સ્ટાફ પ્લાન્ટમાં આવી ગયો હતો, પણ દરેકના ચહેરા વત્તા-ઓછા અંશે તંગ હતા, ખાસ કરીને સિનિયર સ્ટાફ મેમ્બરો વધારે સ્ટ્રેસમાં હોય તેમ લાગતું હતું; કારણ એ હતું કે અણુ મથકના રિએકટર નંબર-૪માં ટર્બાઇન જનરેટર ટેસ્ટ, જે એ દિવસે બપોર સુધીમાં પુરો થઇ જવાની ગણત્રી મુકાઇ હતી, એ ટેસ્ટ હજી મધરાત થયા છતાં શરૂ સુધ્ધા કરાયો નહોતો...!
(ક્રમશઃ)