Get The App

લુઈ ઝમ્પેરિનિના ઘરમાં ટ્રોફિઓનો ઢગલો થઈ ગયો..

Updated: Aug 11th, 2021


Google NewsGoogle News
લુઈ ઝમ્પેરિનિના ઘરમાં ટ્રોફિઓનો ઢગલો થઈ ગયો.. 1 - image


- ઝડપી રનર તરીકે લુઈનું નામ આખા અમેરિકામાં જાણીતું થઈ ગયું

- લુઈની રોમાંચક જીવનકથા-ભાગ-5

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- 1 માઈલ દોડનો 4:21.3 મિનિટનો લુઈનો રેકોર્ડ 19 વર્ષ સુધી કોઈ તોડી શક્યું નહોતું

- એક અખબારે લુઈના બન્ને પગનો 50,000 ડોલરનો વીમો ઉતરાવ્યો હતો..!

પછી લુઇએ યુનિવર્સિટી ઓફ કેલિફોનિંયા, લોસ  એન્જેલસ (UCLA)  ની સધર્ન કેલિફોનિંયા ક્રોસ કન્ટ્રીની બે માઇલની દોડ કોમ્પિટિશનમાં ભાગ લીધો. તે સાવ સહજતાથી એટલી તેજ ગતિએ દોડતો 'તો કે જાણે તેના પગ જમીનને અડતા જ ન હોય એવું ખુદ તેને મહેસૂસ થતું હતું. 

બીજા તમામ પ્રતિસ્પર્ધીઓ કરતાં લુઇ ઘણો આગળ હતો. તેની દોડનો વેગ એટલો તો જલદ હતો કે એકેય હરીફ તેની નજીક રહી શકતો નહોતો. લુઇની દોડવાની ઝડપ જોઇ ઘણાં દર્શકોના હૃદયના ધબકારા વધી ગયા. તેમને લાગ્યું કે આ છોકરો દોડતો દોડતો ગમે તે ઘડીએ ઢળી પડવાનો છે. પણ આવું વિચારનારા દર્શકો ખોટા પડયા. લુઇ દોડતો દોડતો ના ઢળી પડયો. 

ફિનિશ લાઇન ક્રોસ કર્યા પછી લુઇએ પાછળ નજર કરી તો તેને એક પણ હરીફ નજરે ના ચઢ્યો. પ્રતિસ્પર્ધીઓ તેનાથી લગભગ પા માઇલ જેટલા પાછળ હતા. 

ટ્રેક રનની સંજ્ઞાામાં જોઇએ તો બે માઇલ એટલે ૮ લેપ્સ ગણાય. એક લેપના ૪૦૦ મિટર લેખે ૮ લેપના ૩૨૦૦ મિટર થાય. લુઇ એટલી તેજ ગતિએ દોડયો કે તેનો નજીકનો પ્રતિસ્પર્ધી તેનાથી પા માઇલ એટલે કે લગભગ ૪૦૦ મીટર અથવા એક લેપ પાછળ હતો. 

લુઇને લાગ્યું કે તે મુર્ચ્છિત થઇ જશે; તેજીલા તોખાર જેવી અતિ ઝડપી દોડના લીધે નહીં, પણ પોતે કેટલી મોટી સિધ્ધિ હાંસલ કરી નાંખી તેના વિચાર માત્રથી તેને લાગ્યું કે તે હોશ ગુમાવી બેસશે..

પાછળ દોડતા આવી પહોંચેલા તેના મોટાભાઇ પીટેએ લુઇની પીઠ થાબડી તેને અભિનંદન આપતા બન્ને ભાઇઓ ભાવવિભોર બની ગયા...

ઝડપી રનર તરીકે લુઇનું નામ એ હદે પ્રખ્યાત થઇ ગયું કે ટ્રેક પર લુઇને દોડવા માટે ઊભેલો જોઇ ભલાભલા હરિફોને દોડતા પહેલા જ પરસેવો વળી જતો હતો.

લુઇનો ઓટોગ્રાફ લેવા માટે છોકરીઓ પડાપડી કરતી, અખબારના ફોટોગ્રાફરો તેને ઘેરી વળતા અને લુઇના ઘરમાં જીતની ટ્રોફીઓનો ખડકલો થઇ ગયો'તો. લુઇને અત્યાર સુધીમાં એટલી બધી કાંડા ઘઢિયાળો ભેટમાં મળી ચૂકી હતી કે હવે તેણે પોતે ફ્રેન્ડસ, સગા-સંબંધી અને પડોશીઓને આ રિસ્ટવોચ ભેટમાં આપવાનું શરૂ કર્યૂં હતું.

વર્ષ ૧૯૩૪ માં સધર્ન કેલિફોર્નિયા ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનશિપની સ્પર્ધા લુઇ માટે જીવનની સૌથી સોનેરી ક્ષણ બની રહી. હાઇસ્કૂલ  કક્ષાની એક માઇલની આ દોડ સ્પર્ધા વીજળી વેગે ૪ઃ૨૧.૩ મિનિટમાં ખતમ કરીને લુઇએ એક નવો રેકોર્ડ સર્જ્યો હતો. લુઇએ નેશનલ હાઇસ્કૂલ કક્ષાએ જે નવો રેકોર્ડ નોંધાવ્યો એ દોડ સ્પર્ધા વખતે લુઇનો મુખ્ય હરિફ ટ્રેક પર દોડતા દોડતા એટલો બધો હાંફી ગયો કે ટ્રેક પરથી તેને ઊંચકીને દવાખાને લઇ જવો પડયો હતો, જ્યારે ભયંકર ઝડપી દોડ પછી પણ લુઇ તો એકદમ પ્રફુલ્લિત અને તરોતાજા લાગતો હતો. દોડ બાદ તેણે મિત્રો સાથેની વાતચીતમાં કહ્યું, બીજી 'લેપ'માં હુ જો થોડોક જ વધારે તેજ ગતિએ દોડયો હોત તો એક માઇલની દોડ મેં ૪ઃ૧૮ મિનિટમાં પુરી કરી હોત, અર્થાત ૩ મિનિટ ઓછા સમયમાં એક માઈલની દોડ હું પુરી શક્યો હોત.

તે વખતે એક રિપોર્ટરે અખબારમાં આ દોડ સ્પર્ધાના ન્યૂઝમાં લુઇની દોડના ભરપેટ વખાણ કરતા ભવિષ્યવાણી ભાખી હતી કે લુઇએ નેશનલ હાઇસ્કૂલનો ૪ઃ૨૧.૩ નો જે વિક્રમ સર્જ્યો છે, તે આવતા ૨૦ વર્ષમાં કોઇ નહીં તોડી શકે. રિપોર્ટરની એ આગાહી લગભગ સાચી પડી. એક માઇલની દોડ સ્પર્ધાનો ૪ઃ૨૧.૩ નો રેકોર્ડ ૧૯ વર્ષ બાદ તૂટયો હતો.

વર્ષ ૧૯૧૬ માં એડ શિલ્ડસનો ૪ઃ૨૩.૬ નો રેકોર્ડ હતો પરંતુ તેના પછી ૧૯૨૫ માં ચેસ્લી ઉનરૂએ ૧ માઇલની દોડ સ્પર્ધા ૪ઃ૨૦.૫ માં પુરી કરી હતી, પણ ચેસ્લીના આ રેકોર્ડની કોઇ સત્તાવાર નોંધ કરાઇ ન હોવાથી આ રેકોર્ડ ગણત્રીમાં  લેવાતો નથી. ગ્લેન કર્નિંગહામનો  વર્ષ ૧૯૩૦ નો રેકોર્ડ ૪ઃ૨૪.૭ નો હતો.

આમ એડ શિલ્ડસના ૪ઃ૨૩.૬ ના રેકોર્ડ સામે લુઇએ ૪ઃ૨૧.૩ નો નવો જ નેશનલ હાઇસ્કૂલ રેકોર્ડ સ્થાપતા ટ્રેક રનર તરીકે આખા અમેરિકામાં તેનું નામ ગાજતુ થઇ ગયું.

લુઇ મૂળે ટોરેન્સ ગામનો રહીશ હતો, અને ટ્રેક રનમાં તે ઝંઝાવાતી ગતિએ દોડતો હોવાથી આખા અમેરિકામાં તે 'ટોરેન્સ ટોર્નેડો' તરીકે જાણીતો થઇ ગયો હતો. અખબારોમાં પણ લુઇના નામ આગળ 'ટોરેન્સ ટોર્નેડો' વિશેષણ અચૂક લખાતું થઇ ગયું હતું.

એક મઝાની અને આશ્ચર્યની વાત તો એ છે કે લુઇના ન્યૂઝના કારણે 'ટોરેન્સ હેરાલ્ડ' નામના સમાચાર પત્રની નકલોનું વેચાણ વધી જવાના કારણે આ પેપરની આવક પણ ખૂબ વધી ગઇ. જેથી અખબારના માલિકે લુઇના બન્ને પગનો ૫૦,૦૦૦ ડોલરનો વીમો ઉતરાવ્યો હતો.!

હજી થોડા વર્ષો પહેલા જે છોકરો આજે હું કોના ઘરના રસોડામાંથી બ્રેડ-બટર ચોરીને ખાઇ જઉં'ના વિચારમાં ખોવાયેલો રહેતો હતો, એ છોકરો હવે વર્ષ ૧૯૩૬ માં બર્લિનમાં યોજાનારી ઓલિમ્પિકમાં ટ્રેક રેસ જીતવાના ખ્યાલમાં ખોવાયેલો રહેતો હતો.

ઓલિમ્પિકમાં એક માઇલની રેસ નહોતી, ૧૫૦૦ મીટરની દોડ સ્પર્ધા જ હતી. ૧૫૦૦ મીટર એટલે એક માઇલ કરતાં થોડું ઓછું અંતર થાય. ૧૫૦૦ મીટર બરાબર ૦.૯૩ માઇલ થાય  છે.

ઓલિમ્પિકની ૧૫૦૦ મીટરની દોડમાં સામાન્ય રીતે ૨૨ થી ૩૦ વર્ષના યુવાનો ભાગ લેતા હતા. વર્ષ ૧૯૩૬ની ઓલિમ્પિકની ટ્રેક સ્પર્ધામાં કયા કયા રનર ભાગ લેશે? અને તેમાં જીતવાની  સંભાવના કોની છે? તે વિશેની અટકળોમાં પહેલું નામ ગ્લેન કર્નિંગહામનું ચર્ચાતું હતું. ૧ માઇલની દોડમાં ૪ઃ૦૬.૮ નો વર્લ્ડ રેકોર્ડ કર્નિંગહામના નામે હતો.

મહત્વની વાત એ છે કે કનિંગહામે ચોથા ધોરણમાં હતો ત્યારથી દોડની હરિફાઇમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું અને વર્ષ ૧૯૩૬ ની ઓલિમ્પિક વખતે તેની ઉંમર ૨૭ વર્ષની હશે. જ્યારે લુઇની ઉંમર તે વેળા માત્ર ૧૯ વર્ષની થશે અને ટ્રેક દોડનો લુઇનો અનુભવ માત્ર પાંચ જ વર્ષનો હતો. પરંતુ હાઇસ્કૂલ કક્ષાએ એક માઇલની દોડ હરિફાઇમાં આખા અમેરિકામાં લુઇએ ડંકો વગાડી દીધો હતો. દરેક દોડ સ્પર્ધામાં લુઇ ખુદ પોતાનો અગાઉનો રેકોર્ડ તોડી નવો વિક્રમ સર્જતો હતો. 

Saransh

Google NewsGoogle News