બરેસ્કીએ કેદી નં-4562ને પ્રેમપત્ર પહોંચાડયો..
- પ્રેમપત્ર લખવા માટે બરેસ્કીએ લાલને કાગળ-પેન્સિલ લાવી આપ્યા અને પછી
- સારાંશ- વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-7
- કોન્સન્ટ્રેશન કેમ્પમાં ગજબનો યોગાનુયોગ લાલની પ્રેમિકા પણ સ્લોવેકિઆની જ નીકળી..!
- પ્રેમપત્ર લખ્યા બાદ લાલ ગભરાયો : નાઝી અફસરને ખબર પડી જશે તો ?
પહેલી રાત લાલ અલગ રૂમના બેડમાં સુતો ત્યારે તેને લાગ્યું કે પોતે જાણે રાજા છે. ઘણાં મહિનાઓ બન્કબેડમાં ચાર જણ વચ્ચે 'સાંકડે મોકળે' સુતેલો લાલ આજે પગ લાંબા કરીને બેેડમાં મોકળાશથી, સુતો. વળી આજથી તેને ખાવાનું પણ માંગે એટલું મળવાનું હતું.
ખાતી વખતે વધારે બ્રેડ લઈ લાલ પોતાના ખિસ્સામાં કે શર્ટની બાંયમાં છુપાવીને પછી પોતાના જૂના બ્લોક - ૭માં જઈ પોતાના આસિસ્ટન્ટ લિઓન કે જૂના સાથીદારોને આપી દેતો હતો.
કોન્સન્ટ્રેશન કેમ્પમાં મર્યાદિત ખાઈને રહેતા બીજા કેદીઓ અર્ધભૂખ્યા રહેવાથી માયકાંગલા થઈ જતા હતા, જેમનો અંત વહેલો આવી જતો હતો. હિટલરના આ કેમ્પોમાં તો Food is Currency હતું. એનાથી જ સારી રીતે જીવતા રહી શકાતું હતું અને જે કામ તમને સોંપાય તે તમે પુરતી તાકાતથી કરવા માટે સક્ષમ રહી શકો. લાલ હવે ટેટુવિઅર થવાથી તેને પુરતા પ્રમાણમાં ખવાનું મળવા લાગ્યું હતું.
બરેસ્કીએ લાલને આગળની વધુ સૂચના આપતા કહ્યું, લાલ, તારે આ બેગ હંમેશા તારી સાથે રાખવાની છે, જે SS' ના 'પોલિટિકલ વિન્ગ'ના માણસ તરીકેની તારી ઓળખના પુરાવારૂપ છે, આ બેગ હાથમાં હશે તો કોઈ તને કશી પૂછપરછ નહીં કરે કે કોઈ તને પરેશાન નહીં કરે. રોજ તું જેટલા ટેટુ ચીતરે, એ બધાની ચબરખીઓ રાતે તારે મને પહોંચતી કરી દેવાની છે. તારી આ બેગથી તું અહીં પુરેપુરો સલામત છે.
તું હવે SS' ની રાજકીય પાંખનો માણસ છે. અને આ રાજકીય પાંખ સીધી (જર્મનીના પાટનગર) બર્લિનના સંપર્કમાં છે. જૂના ટેટુઈસ્ટે સિનિયર અફસરને વિનંતી કરી તને આ જગ્યાએ મુકાવી આપ્યો તે દિવસ તારા માટે 'લકી ડે' હતો. તું બહુ બધી ભાષાઓ જાણતો હોવાથી અમારા સાહેબે તારા પર પસંદગીની મહોર મારી હતી.
એક રવિવારે અચાનક લાલની નજર એ છોકરી પર પડી, જેને ટેટુ ચીતરતી વખતે લાલે ધારીને જોઈ હતી. આ તરફ લાલ એકલો હતો પણ એ છોકરી, અન્ય છોકરીઓ સાથે ગુ્રપમાં હતી, પણ લાલ તેને પહેલી નજરે જ ઓળખી ગયો- એ છોકરીની ઘેરા બ્રાઉન રંગની આંખોથી. તે બીજી છોકરીઓથી અલગ તરી આવતી હતી. લાલે આટલી બધી ગાઢ બ્રાઉન આંખોવાળી છોકરી કયારેય જોઈ નહોતી.
પેલી છોકરી પણ ટેટુઈસ્ટને ઓળખી ગઈ. બન્નેની આંખો વધુ એકવાર મળી. લાલનું હૃદય જાણે એક ધબકારો ચુકી ગયું.
લાલની નજીક ઉભેલો જુનિયર અફસર બરેસ્કી મામલો પારખી ગયો. તેણે લાલના ખભે હાથ મુકતા લાલ હોશમાં આવ્યો, એ દરમિયાન લાલની સામે જોતી છોકરીને મુકીને બીજી છોકરીઓ આગળ વધી ગઈ.
બરેસ્કીએ લાલને પૂછયું, તારે એ છોકરીને મળવું છે?
પણ લાલે એનાં સવાલનો કોઈ જવાબ નહીં આપતા ઓફિસરે તેને પૂછયું, એક કામ કર, તું એને કાગળ લખ કે, 'તું મને ગમે છે... હું તને કાગળ પેન્સિલ લાવી આપીશ. એટલું જ નહીં તું લખીશ એ કાગળ છોકરીને પહોંચાડી પણ આપીશ, તારે શું કહેવું છે? તું એનું નામ જાણે છે?
લાલ આગળ ચાલતો થયો. એને ખબર હતી કે, કોન્સન્ટ્રેશન કેમ્પમા ંકોઈ કેદી કાગળ - પેન્સિલ સાથે પકડાય તો તેની સજા - મોત હતી. આથી લાલે વાતનો વિષય બદલી બરેસ્કીને પૂછયું, આપણે ક્યાં જઈ રહ્યા છીએ?
'આપણે ઓશવિઝ જઇ રહ્યા છે.'
બિરકેનાઉથી ઓશવિઝનો કેમ્પ ચાર કિલોમિટરના અંતરે હતો. આ એવો સમય હતો કે જ્યારે ટ્રાન્સપોર્ટની કોઇ વ્યવસ્થા નહીં થઇ શકવાથી લાલ, આસિસ્ટન્ટ લિઓન અને જૂનિયર અફસર બરેસ્કી, ત્રણેય જણે પગપાળા પાછા ઓશવિઝ જવા માટે ચાલવા માંડયું.
માર્ગમાં બરેસ્કીએ લાલને તેની ઉંમર, અહી કેમ્પમાં આવતા અગાઉની તેની પ્રવૃત્તિ વિગેરેને લગતા સવાલોનો મારો ચલાવ્યો. બરેસ્કી સાથેની લાંબી વાતચીતમાંથી લાલને એટલું જાણવા મળ્યું કે બરેસ્કી જર્મન નથી, પણ રોમાનિઆના એક નાનકડા ટાઉનમાં તેનો જન્મ થયો હતો. મહત્વની વાત એ હતી કે સ્લોવેકિઆમાં લાલના વતનના ટાઉન, ક્રોમ્પાચીથી બરેસ્કીનું ટાઉન થોડા સેંકડો કિ.મી. જ દૂર હતું.
બરેસ્કીને બે બહેનો છે, એક તેનાથી નાની અને બીજી તેનાથી મોટી.
પણ બરેસ્કી તેના પિતાના ત્રાસથી કંટાળી જર્મન ભાગી ગયો જ્યાં હિટલરના અર્ધ-લશ્કરી દળ જેવા 'જીજી' માં જોડાઇ ગયો.
રસ્તામાં વાતચીત દરમિયાન લાલે બરેસ્કીને કહ્યું, તને વાંધો ન હોય તો તેં મને કાગળ-પેન્સિલ આપવાની જે ઓફર કરી હતી તે ઓફર હું સ્વીકારૃં છું. એ છોકરીનો કેદી નંબર ૪૫૬૨ છે.
બીજે દિવસ સવારે બરેસ્કી કાગળ-પેન્સિલ લઇ લાલની રૂમમાં ગયો.
લાલ, લે આ કાગળ-પેન્સિલ તારે જે લખવું હોય તે લખીને ચિઠ્ઠી મને આપી દે. ૪૫૬૨ નંબરની છોકરી અત્યારે બ્લોક નં-૨૯માં છે, હું ત્યાં જઇ તારી ચિઠ્ઠી એને આપી આવીશ.
લાલે તેને ચિઠ્ઠી લખી આપી, તો બરેસ્કીએ જવાબમાં કહ્યું હું ચિઠ્ઠી આપીને કલાકમાં પાછો આવું છું.
ચિઠ્ઠીમાં લાલે પોતાનું નામ, પોતાના દેશનું, વતનના ગામનું નામ લખ્યા પછી પોતાના પરિવારના સભ્યો વિશે લખ્યું હતું. છેલ્લે તેણે લખ્યું કે આવતા રવિવારે સવારે એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ નજીક આપણે મળીશું.
બરેસ્કીએ ચિઠ્ઠી હાથમાં લઇ લાલને કહ્યું, હું એ છોકરીને ચિઠ્ઠીની સાથો સાથ બીજો એક કોરો કાગળ અને પેન્સિલ આપીને કહીશ કે રાતે વિચારીને જવાબ લખી આપજે, હું કાલે સવારે જવાબ લેવા આવીશ..
આટલું કહીં બરેસ્કીએ ચાલતી પકડી, તે પછી લાલ થોડો ગભરાયો. મનમાં તેણે વિચાર્યૂં કે, હું તો ટેટુવિઅર હોવાથી ''પ્રોટેકટેડ'' કેદી છું પણ એ છોકરી થોડી 'પ્રોટેકટેડ' છે? મેં તેને જોખમમાં મુકી છે. હું કેવો, કે મેં એને જોખમમાં મુકી...?
બીજે દિવસે છેક સાંજે બરેસ્કી ચિઠ્ઠીનો જવાબ લઇને આવ્યો. લાલના હાથમાં તેણે ૪૫૬૨ નંબરની કેદી છોકરીએ લાલના પ્રેમપત્રના જવાબમાં લખેલો પત્ર આપ્યો.
લાલે પોતાની રૂમમાં જઇ ચિઠ્ઠી વાંચવા માંડી. પત્રના પ્રારંભે છોકરીએ Dear Lale એવું સંબોધન કર્યૂં હતું. બાદમાં તેણે પણ પોતાનો પરિચય આપ્યો હતો. છોકરી પણ સ્લોવેકિઆની જ હતી. લાલ કરતાં થોડા વધુ સમય પહેલાથી તે ઓશવિઝના કોન્સન્ટ્રેશન કેમ્પમાં હતી.
એ છોકરી કેમ્પના ''કેનેડા'' નામના ગોડાઉનમાં કામ કરતી હતી. કેમ્પમાં લવાતા કેદીઓ પાસેથી સૈનિકો તેમની વીંટીઓ, ગળાના હાર વિગેરે ઝવેરાત, ઉપરાંત કેદીઓની બેગો અને અન્ય ચીજ-વસ્તુઓ લઇ લેતા હતા, તે બધી વસ્તુઓનું 'સોર્ટિંગ' કરવાનું કામ છોકરીઓને સોંપાયું હતું.
(ક્રમશઃ)