સવારની પૂજામાં બેઠેલા અમિતનું મન ધ્યાનમાં ન લાગ્યું..
- બે-ત્રણ દિવસમાં હવે ઈસ્લામાબાદ છોડી જવાનું છે, ત્યારે
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-2
- મા શક્તિનું સ્વરૂપ અમિતના મનોચક્ષુ સમક્ષ આજે પ્રગટ ના થયું...
- અમિતને થયું કે માએ દર્શન ના દીધા, એટલે કોઈક અમંગળ ઘટનાના સંકેતરૂપ છે
સવારે વહેલો ઊઠી ગયેલો અમિત આવા બધા વિચારમાંથી બહાર આવી કિચનમાં ચા બનાવવા ગયો. બંગલાના મેઈન ગેટ તરફ પડતી કિચનની બારી ખોલતા જ તેણે મુખ્યમાર્ગ પર ઊભેલી પાક.જાસૂસોની કાર અને જીપ જોઈ. ઈસ્લામાબાદમાં સેકટર F-7 માં તેનો બંગલો હતો. આ વિસ્તારના બધા બંગલાઓ છૂટાછવાયા હતા અને દરેક બંગલાનું પ્રાંગણ વિશાળ હતું.
પાક.જાસૂસોની કાર અને જીપની હેડલાઈટસ બંધ હતી.
બંગલા સામેની એકને બાદ કરતા બાકીની બધી સ્ટ્રીટલાઈટો છેલ્લા લગભગ ૨૦ દિવસથી બંધ હતી. બંગલા બહાર ચોકી પહેરો ભરતા અલ્તાફ, અકમલ અને જહાંગીર તેમના ટેન્ટમાં છે કે નહીં, તેનોે અંધારાને લીધે અમિતને અંદાજ ન આવી શકયો. કદાચ તેમના બદલે બીજા જાસૂસી ચોકિયાતો કારમાં અને જીપમાં બેઠા બેઠા ચાંપતી નજર રાખી રહ્યા છે ? એ મૂંઝવતા પ્રશ્નનો તેને ઉત્તર મળે તેમ નહોતો. આ નવા ચોકિયાતો કદાચ અલ્તાફ અને જહાંગીર જેવા મૈત્રીભાવવાળા ન પણ હોય. આ લોકો કદાચ વધારે આક્રમક અને ચુસ્ત પહેરો,રાખનાર પણ હોય, તો તેની નવાઈ નહીં. આ વિશે તપાસ કરવાની અમિતને ખાસ ઈચ્છા એટલા માટે હતી કે હજી ગયા અઠવાડિયે જ કેપિટલ ટેરિટરી પોલીસમાંના તેના એક સંપર્ક સૂત્રએ તેને એવી ચેતવણી સૂચક બાતમી આપી હતી કે, પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI ને ચોક્કસપણે શંકા છે કે તુ ભારતની જાસૂસી સંસ્થાનો જાસૂસ છે અને એટલે આ શંકાની પુષ્ટિ માટે, અમિત, તારા પરનો ચોકી પહેરો અને જાસૂસી વધુ સઘન બનાવી દેવાઈ છે, માટે સાવધને સતર્ક રહેજે. અમિતના આ બાતમીદારે વધુમાં તેને એવી બાતમી પણ આપી હતી કે દિલ્હીમાં પાકિસ્તાની હાઈકમિશનમાં કામ કરતા ISI ના એક જાસૂસની તમારા ઈન્ટેલિજન્સ બ્યૂરોએ -IB એ અટકાયત કરીને પૂછપરછ કરી હોવાની ઘટનાના પગલે પાકિસ્તાનમાં ISI અને અન્ય ગુપ્તચર એજન્સીઓને કડક તાકીદ કરી દેવાઈ છે કે ઈસ્લામાબાદની ભારતીય એમ્બેસિમાં ભળતા નામે ફરજ બજાવતા ભારતના જાસૂસોને ઓળખી કાઢવા અર્થાત્ તેમને ખુલ્લા પાડી દેવા માટે તેમના પરની જાસૂસી વધુ ચુસ્ત બનાવી દેવાની છે.
વહેલી સવારે બંગલાની સામેના મુખ્યમાર્ગ પર એક કાર અને એક જીપ ઊભેલી જોતા અમિતને ખ્યાલ આવી ગયો કે, તેના પરની જાસૂસી ચોક્કસપણે વધારી દેવાઈ છે. સામાન્ય રીતે રોજ રાતે તેના બંગલા બહાર પેટ્રોલિંગ કરતી કાર દર બે કે ત્રણ કલાકે બંગલા સામેના મુખ્યમાર્ગ પર થોડીવાર માટે ઊભી રહેતી હતી. કારમાંથી ઊતરીને બે-ત્રણ માણસો અલ્તાફ અને અન્ય ચોકિયાતો સાથે પંદર-વીસ મિનિટ સુધી આડીઅવળી વાતચીત કરીને પછી કારમાં બેસીને પાછા જતા રહેતા હતા.
અત્યારે મળસ્કાના ૪.૧૫ વાગ્યા છે. અમિત ચા પીધા પછી સ્નાનવિધિ પતાવીને પૂજારૂમમાં દીવો-અગરબત્તી કરી ભગવાનના પૂજા-પાઠમાં બેઠો.
ઇશ્વરનું ધ્યાન ધરવામાં અમિત એક અલૌકિક દિવ્ય મનોવિશ્વમાં સરી પડયો, આસપાસના ભૌતિક વિશ્વથી તેનો સંપર્ક જાણે તૂટી ગયો. કેવળ પોતે જ સાંભળી શકે એટલા સૌમ્ય સ્વરમાં તેણે મા શક્તિની આરાધનાનો પ્રારંભ કર્યો. પાકિસ્તાનમાં જાસૂસી કરવાની તેને સોંપાયેલી ફરજ દરમિયાન જે મુશ્કેલ સમયમાંથી અત્યાર સુધી પાર ઊતરી ગયો એ બદલ મા શક્તિનો આભાર અભિવ્યક્ત કરવા આંખો બંધ કરી તે માનું ધ્યાન ધરવા માંડયો, પણ આજે મા તેના મનોચક્ષુ સમક્ષ પ્રગટ થતા નહોતા તેના મનઃચક્ષુ સમક્ષ ધૂંધળા અવકાશમાં તેને માત્ર કોઇ નિશ્ચિત સ્વરૂપ કે આકાર વગરના ઝાંખા, અસ્પષ્ટ ઓળાઓ તરવરતા દેખાતા હતા. તેણે, આમાં માં શક્તિનું સ્વરૂપ જોવા ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યૂં, પરંતુ આમ કરવા જતા પેલા અસ્પષ્ટ ઓળા પણ અદ્રશ્ય થઇ ગયા.
મનોમન મા શક્તિનું સ્વરૂપ જોવા થોડો સમય ઘણી કોશિશ કર્યા પછી તેણે ધ્યાન ધરવાનું પડતું મુકી દીધું.
અમિતને લાગ્યું કે મા શક્તિએ આજે દર્શન ન દીધા એ કાંઇક અનિષ્ટ કે અમંગળસૂચક છે. વધુમાં તેણે એમ વિચાર્યૂં કે પૂજામાં મારૃં ચિત્ત જેટલું એક ધ્યાન હોવું જોઇએ એટલું નહીં હોવાથી કદાચ મા શક્તિએ મને દર્શનથી વંચિત રાખ્યો હોવાનું પણ બની શકે. ધ્યાન-પૂજામાં પુરેપુરૃં મન લગાડવાને બદલે મારા અચેતન મનમાં વેળાસર ઓફિસ જઇ બાકીના કામ ઝડપથી પુરા કરી દેવાના વિચારો ઘુમરાતા હોવાના લીધે પણ શાયદ મા નારાજ થયા હશે.
કિશોરાવસ્થામાં અને યુવાનીના થોડા વર્ષો અમિતે અરૂણાચલ પ્રદેશમાં વીતાવ્યા હતા. ત્યાં એક બૌધ્ધ લામા પાસેથી તંત્રવિદ્યાનું જ્ઞાાન તેણે મેળવ્યું હતું. પોતાના મિત્ર કે કોઇ પરિચિતની સમસ્યામાં તેમને મદદ કરવાના આશયથી અમિત ઘણી વાર મા શક્તિનું ધ્યાન ધરી મિત્રને મુશ્કેલીમાંથી બહાર કાઢવાના માર્ગ વિશે મા શક્તિ પાસેથી માર્ગદર્શન તાંત્રિક વિદ્યાથી મેળવતો હતો.
મા શક્તિએ તેને ક્યારેય નિરાશ નહોતો કર્યો અને માનું માર્ગદર્શન મેળવી મિત્રોને એ જે સલાહસૂચન કરતો તેમાં એ હંમેશા સફળ રહ્યો હતો. પરંતુ કોણ જાણે આજે કોઇ અકળ કારણસર મા શક્તિ તેનાથી જાણે દૂર જ રહ્યા, મનઃચક્ષુ સમક્ષ દર્શન ન દીધા તે ન જ દીધા.
છેવટે હતાશ થયેલા અમિતે પૂજા-પાઠ પુરા કર્યા અને કપડાં બદલી ઓફિસ જવાની તૈયારીમાં પડયો.
તેના રસોઇયાએ ટેબલ પર સાદા નાસ્તાની પ્લેટો મુકી દીધી હતી. - બ્રેડ, મધ, ફળફળાદી અને યોગર્ટ. ઝપાટાબંધ નાસ્તો કરીને અમિત પરસાળમાં જઇને સવારના અખબારો પર ઉડતી નજર નાખતો ફાતિમાની રાહ જોતો ઊભો રહ્યો. ફાતિમા તેની કામવાળી હતી. જે આખા બંગલામાં સાફસૂફીનું અને કપડાં-વાસણ ધોવાનું કામ કરતી હતી.
અમિતે ઉસ્માનને સૂચના આપતા કહ્યું, ફાતિમા આવે તો ખાસ આ ખંડમાં સાફસફાઇ કરાવી દેજે.
જવાબમાં ઉસ્માને કહ્યું, 'જનાબ, આજે એ આવે, એવું મને નથી લાગતું. આ મહિનાનો પગાર ફાતિમાને તમારે એડવાન્સમાં આપવા જેવો નહોતો.'
''ફાતિમા ઘર બદલવાની હોવાથી તેને પૈસાની જરૂર હતી, તેથી હું તેને ના ન કહી શક્યો. પણ તું એક કામ કર. બીજી કોઇ કામવાળીને તું ત્રણેક દિવસ સાફસફાઇ માટે બોલાવી લાવીશ? હું ઘરને ગંદુ-ગોબરૃં મુકીને જવા નથી માંગતો.''
જવાબમાં ઉસ્માને કહ્યું, 'સારૃં જનાબ, હું બીજી કામવાળી શોધી લાવીશ. પણ ઘણાં વખતથી તમને ફાતિમા વિશે એક વાત કહેવાનું હું ઇચ્છતો હતો.'
(ક્રમશઃ)