ઈસ્લામાબાદના પોસ્ટિંગથી અમિત મનોમન મૂંઝવણમાં મુકાયો..
- બિગ બોસે ચેતવણીના સ્વરમાં કહ્યું, પાક.માં જાસૂસી કરવાનું કામ ઘણું જોખમી છે..
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-2
- તારા પુરોગામીઓ છાપાના ગોસિપ કોલમમાંથી રિપોર્ટ બનાવીને અહીં મોકલી આપતા હતા..
- પણ તું બાહોશ જાસૂસ હોવાથી, મને આશા છે કે તારા પુરોગામીઓ જેવું તું નહીં કરે...
કારણ કે આપણા જાસૂસે ઈસ્લામાબાદમાં કોઈની સાથે ખાનગી મીટિંગ કરવાનું કે એમ્બેસિ બહાર પાકિસ્તાની નાગરિક સાથે લાંબી વાતચીત કરવાનું કામ બહુ અઘરૃં છે.
કારણ ત્યાંના ભારતીય દૂતાવાસના સ્ટાફ અને ખાસ કરીને અફસરો પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના ગુપ્તચરો અઠવાડિયાના સાતેય દિવસ ચોવીસ કલાકની નિગરાની રાખતા રહે છે. તમે ત્યાં રસોઈ માટે કોઈ રસોઈયાને કે સાફસફાઈ માટે કામવાળીને રાખો તો એવું બની શકે એ લોકો જ ISIના એજન્ટો હોય, જેથી તમે ઘરમાં તો કોઈ ખાનગી મીટિંગ યોજી જ ન શકો.
એટલે પાકિસ્તાનમાં તમારી પાસે કેવળ બે જ વિકલ્પ છે, એક તમારી પહેલાના જે અફસરો હતા, એમની જેમ સલામત રીતે એમ્બેસિમાં બેઠા બેઠા જેટલી મળે એટલી માહિતી મેળવી અહીં રિપોર્ટ મોકલતા રહેવાના કે પછી બીજો વિકલ્પ ઈસ્લામાબાદ શહેરમાં ફરીને પાક્કી બાતમી મેળવવા માટે તમારા ખુદના સ્ત્રોત ઊભા કરીને જાસૂસ તરીકેની તમારી બાહોશી પુરવાર કરવાનો.
''બીજો વિકલ્પ બહુ અઘરો અને અત્યંત જોખમી છે. જાસૂસી કરતા જો તું પકડાઇ જાય તો તારા પર એ લોકો ભયંકર શારીરિક અત્યાચાર ગુજારી શકવાની સો ટકા સંભાવના છે. વળી દુશ્મન દેશમાં તું પકડાય એટલે એ લોકો તાત્કાલિક ત્યાંથી તારી હકાલપટ્ટી કરી દેશે.''
તારા પુરોગામીઓ 'જાન બચી તો લાખ્ખો પાયે' અભિગમ અપનાવી સલામતરીતે ઓફિસમાં બેઠા બેઠા જ પાક.ના છાપાઓ, મેગેઝીનો વાંચી તેની ગોસિપ કોલમમાંથી વિગતો ઉઠાવી રિપોર્ટ બનાવીને અહીં દિલ્હી મોકલી આપતા હતા. તું આવું કરવાના બદલે બીજો વિકલ્પ અપનાવીશ એવી મને આશા છે.''
ચીફ અને સાઠેએ ચા પીવા માંડી. ચીફની મોટી ચેમ્બરમાં ટાંકણી પડે તોય અવાજ સંભળાય એટલી શાંતિ છવાયેલી હતી. અમિતે પણ હળવેથી ચાનો કપ હાથમાં લીધો, પણ કપમાંથી હજી માંડ એકાદ ચૂસકી લીધી એટલામાં ચીફે આગળ બોલવાનું શરૂ કર્યૂં ઃ મેં તમારા પોસ્ટિંગ પર મંજૂરીની મહોર મારી દીધી છે. અને ઇસ્લામાબાદના તમારા પોસ્ટિંગની વિદેશ મંત્રાલયને જાણ કરી દેવાઇ છે. હું તો ઇચ્છું કે તમે ત્રણેક અઠવાડિયામાં ત્યાં જવાની તૈયારી કરી દો. પાકિસ્તાન એમ્બેસિમાંથી તમારા વિઝા મેળવવાની ઔપચારિકતામાં કદાચ બે-ત્રણ મહિના નીકળી જાય તો મારૃં સૂચન છે કે વચ્ચેના આ સમયગાળામાં ઇસ્લામાબાદમાં તમારે સાંસ્કૃતિક મંત્રાલયના પ્રતિનિધિ તરીકે કઇરીતે અને શું કામગીરી કરવાની છે, તે વિશે શક્ય તેટલી વધુ માહિતી તમે મેળવી લેજો. યાદ રાખો કે તમારે ત્યાં ગુપ્તચર એજન્સીના માણસ તરીકેની ઓળખ નથી આપવાની; ત્યાં તો તમારે ભારતના સાંસ્કૃતિક મંત્રાલયના અફસર તરીકે જવાનું છે અને બાહ્યરીતે પાક.ના સાંસ્કૃતિક ક્ષેત્રના કલાકારો, સંગીતકારો વિગેરે સાથે ઘરોબો કેળવવાનો છે.
હવે તમને મારી છેલ્લી, એક અગત્યની સલાહ, ''તમે પત્રકારોથી અને ખાસ કરીને જેઓ નિયમિત રીતે ભારતીય એલચી કચેરીની મુલાકાતે આવતા હોય અને આપણા દૂતાવાસના અફસરો સાથે ગપસપ કરતા હોય, તેમનાથી તમે ખાસ વેગળા રહેજો. પરંતુ કોઇ વખત પત્રકારો સાથે વાત કરવાનો પનારો પડી જાય તો તમારે સાંસ્કૃતિક બાબતોની જ વાતો કર્યે રાખવાની છે. વળી એમ્બેસિમાં તમારા બીજા સહકાર્યકરો સાથે પણ તમારા અગાઉના પોસ્ટિંગ્સ વિશે કે વાસ્તવમાં તમારૃં જાસૂસીનું જે કામ છે, તેના વિશે ક્યારેય કશી વાત ન કરવામાં જ ડહાપણ અને શાણપણ છે.
અને આટલી વાત પછી ચીફ સાથેની મીટિંગ પુરી થતા અમિત અને સાઠે ચીફની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા.
અમિતના મનમાં ઝડપથી વિચારોનો પ્રવાહ વહેતો થઇ ગયો...ત્રણેક મહિનામાં હવે તેણે ઇસ્લામાબાદ જવું પડશે. પત્ની ભામા, સ્કૂલમાં શિક્ષિકા હતી અને તાજેતરમાં જ પ્રિન્સિપાલ તરીકે તેને બઢતી મળી હતી. તેમના બન્ને બાળકોને પ્રતિષ્ઠિત ખાનગી સ્કૂલોમાં એડમિશન મળી ગયું હતું. મહિનામાં કમ-સે-કમ બે વખત અમિતે, વૃધ્ધ પિતાની ખબર-અંતર પૂછવા જવું પડતું હતું.
બીગ બોસને તેની બાહોશી વિશે વાત કરી તેના અવારનવાર વખાણ કર્યા કરતા રાજન માટે તે મનોમન ઉકળાટ ઠાલવતો રહ્યો, કારણ બોસે એના આટલા વખાણ સાંભળ્યા પછી જ ઇસ્લામાબાદ જેવા દુશ્મન દેશના પાટનગરમાં તેની બદલી કરવાનું નક્કી કર્યૂં હતું.
અમિતને પાકિસ્તાન વિશે ઝાઝી બીજી કશી માહિતી નહોતી. તેણે ક્યારેય પાકિસ્તાન / અફઘાનિસ્તાન ડિવિઝનમાં કામ કર્યૂં નહોતું. વિભાગના સાથી કર્મચારીઓ પાસેથી કે અખબારોના અહેવાલોમાંથી તેને જે માહિતી મળતી, એટલી જ માહિતી તેની પાસે હતી, બાકી તો ભારતીય જાસૂસો તરફ પાકિસ્તાની લોકો, રાજકારણીઓ કે સુરક્ષા દળોના સ્ટાફનો કેવો અને કેટલો તીવ્ર અભિગમ છે, તેની કશીય જાણકારી અમિતને નહોતી.
વિચારોમાંથી બહાર આવેલા અમિતે જતિન સાઠેને સવાલ કર્યો, ''સરે, મને જ કેમ પાકિસ્તાનના પોસ્ટિંગ માટે પસંદ કર્યો? સુરજીત અને નાયરે ઇસ્લામાબાદ જવા માટે ના પાડી તેથી? મેં સાંભળ્યું 'તું કે પ્રતિકને ત્યાં જવાની ખાસ ઇચ્છા હતી કારણ કે પાકિસ્તાનના પોસ્ટિંગમાં બીજી જગ્યાના પોસ્ટિંગ કરતા વધારે ભથ્થા મળે છે.
જવાબમાં સાઠેએ કહ્યું, તારી પસંદગી પાછળના કારણ બીગ બોસે તને કહ્યા જ છે. તારી અગાઉ ગયેલા જાસૂસોની કામગીરી વિશે બોસે તને વિગતે વાત કરી દીધી છે, પણ ખ્યાલ રાખજે કે એ બધી વાતો કેવળ આપણા ત્રણ વચ્ચે જ રહેવી જોઇએ.
ઘેર જઇ અમિતે પત્ની ભામાને ઇસ્લામાબાદ થયેલી પોતાની બદલી અંગે વાત કરી. પતિના પાકિસ્તાન પોસ્ટિંગ વિશેની વાત સ્વસ્થ ચિત્તે સાંભળ્યા બાદ ભામાએ પતિને કહ્યું,'' ચીફે તમને કોઇ વિકલ્પ જ નથી આપ્યો. વળી તમે હજી તો બહુ જૂનિયર અફસર હોવાથી બીગ બોસની ઓફર નકારી શકો તેમ પણ નથી. માટે શાંત ચિત્તે, હિંમત અને ગૌરવપૂર્વક આ ઓફર સ્વીકારી લેવામાં જ શાણપણ છે.
ઘણી બધી અનિશ્ચિતતાઓ વચ્ચે પણ પત્નીની સ્વસ્થતા જોઇ, અમિતે તેના વખાણ કર્યા; પણ એ દરમિયાન પત્નીએ વાત આગળ ચલાવતા કહ્યું, ''હું બાળકો સાથે અહીં દિલ્હીમાં જ રહીશ. એકલા રહેવામાં મને તકલીફ તો પડશે જ, પણ બે-ત્રણ વર્ષ જોતજોતામાં નીકળી જશે. આ પોસ્ટિંગમાં તમને થોડા વધારે ભથ્થા મળવા ઉપરાંત મોટો ફાયદો કદાચ એ પણ થાય કે ત્યાંના પોસ્ટિંગમાં તમારૃં સારૃં કામ જોઇ તમને બીગ બોસ વહેલું પ્રમોશન પણ આપી દે.
(ક્રમશઃ)