યહૂદીઓને ઓશવિઝના કોન્સન્ટ્રેશન કેમ્પમાં ઉતારાયા

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
યહૂદીઓને ઓશવિઝના કોન્સન્ટ્રેશન કેમ્પમાં ઉતારાયા 1 - image


- ઢોરની હેરાફેરી માટેની ગુડ્સ ટ્રેનમાં બે દિવસની મુસાફરી બાદ

- સારાંશ - વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- યહૂદીઓ પાસેની તમામ ચીજ-વસ્તુઓ, બેગ વિગેરે નાઝી સૈનિકોએ નીચે મુકાવી દીધી

- ઓશવિઝ કેમ્પમાં ચારેબાજુ કાળા ગણવેશધારી સૈનિકોનો કડક પહેરો હતો..

વેગનમાં  શાંતિની સાથોસાથ ઘેરા શોક અને ભયનું વાતાવરણ ફેલાઇ ગયું. થોડીવાર પછી બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ એક યુવાન ગણગણ્યો ઃ લકી બાસ્ટર્ડ.. બીજાએ કહ્યું Poor bastard...

થોડીવાર પછી ટ્રેન ઊભી રહી. ચારેકોર ઘોર અંધકાર હતો. આકાશ વાદળછાયું હોવાથી તારાઓના ઝાંખા પ્રકાશનો પણ અભાવ હતો.

ગાઢ અંધકારમાં કશુંય દેખાતું તો નહોતું, પણ બધા બે દિવસથી ભૂખ્યા હોવાથી બધાના પેટમાં કુરકુરિયા બોલતા હતા. અને બે દિવસથી કોઇ  નાહ્યું નહીં હોવાથી બધાના પરસેવાની ભારે દુર્ગંધ આવતી હતી.

પાછળના વેગનોમાં શોરબકોર ઘોંઘાટ વધતો જતો હતો. કેટલાક લોકો વેગનમાંથી કુદીને ભાગવાનો પ્રયાસ કરતા હોય તેમ લાગ્યું.

લાલના વેગનમાં પણ વચ્ચે ઊભેલો એક હટ્ટોકટ્ટો યુવાન બધાને કોણીઓ મારતો સાઇડમાં જવાની આક્રમક મથામણ કરતો હતો. એને વેગનમાંથી કુદીને ભાગવું હતું.

લાલે એને ઉદ્દેશીને કહ્યું, ભાઇ તારી એનર્જી બરબાદ ના કર. અહીંથી ભાગવામાં જાનનું જોખમ છે.

આ સાંભળીને કેટલાકે ભાગવાની કોશિશ પડતી મુકી, એટલામાં ટ્રેન સ્ટાર્ટ થઇ. સૈનિકોને લાગ્યું હશે કે ટ્રેન ચાલુ કરવાથી આ લોકોનો શોરબકોર-ઘોંઘાટ કદાચ શાંત પડી જશે.

બે-ત્રણ કલાકે ફરી ટ્રેન થોભી. આ વખતે બહારના ભાગમાં ઘણાં બધા નાઝી સૈનિકોની ચહલપહલ દેખાઇ. ડાઘિયા કૂતરાના ભસવાના અવાજ પણ વધી ગયા. જર્મન ભાષામાં કોઇ અફસર એક પછી એક ઓર્ડર છોડતો હતો, તેવામાં ધડાધડ વેગનોના દરવાજા ખુલવા માંડયા, કે તુરત જર્મન સૈનિકોના ઘાંટા સંભળાયા ઃ ટ્રેનમાંથી નીચે ઊતરો. જલ્દી કરો, ઉતાવળ કરો, ઝડપ કરો, અને તમારી પાસે જે કાંઇ હોય તે અહીં જમીન પર મુકી દો.

વેગનના બીજા છેડે છેલ્લો હોવાથી ઉતરવામાં લાલ છેલ્લે હતો. દરવાજા પાસે ઝઘડામાં અગાઉ મર્ડર થયેલા યુવાનનો મૃતદેહ પડયો હતો. બે સેકન્ડ  આંખો બંધ કરી લાલ મનોમન પ્રેયર ગણગણ્યો. 

વેગનમાંથી લાલ નીચે તો ઊતર્યો, પણ દુર્ગંધ તેનો પીછો નહોતી છોડતી-  તેના કપડામાં, તેના રૃંવેરૃંવે જાણે દુર્ગંધ ચીપકી ગઈ હતી.

નીચે ઊતરીને તે થોડીવાર ઊભો રહ્યો- બે દિવસની ભૂખ-તરસથી એ સાવ જ નંખાઈ ગયો હતો. પણ પછી તુરત જ એણે ચાલવા માંડયું.

જે લોકો ઊભા રહેતા હતા, તેને ડાઘિયા કૂતરા કરડવા દોડતા હતા. ઘણાં યુવાનો લથડિયા ખાતા માંડ માંડ ચાલી શકતા હતા, કારણ બે દિવસ વેગનમાં દિવસ-રાત ઊભા રહેવાથી બધાના પગના સ્નાયુઓ જકડાઈ ગયા હતા.

પોતાની પાસેની બેગ, પુસ્તકો કે બીજી કોઈ નાની-મોટી વસ્તુઓ, જે લોકો ગ્રાઉન્ડ પર મુકી દેતા નહોતા અથવા તો જર્મન સૈનિકોનો ઓર્ડર જે યુવાનો બરાબર સાંભળીને સમજી નહોતા શક્યા તેમના હાથમાંથી હિટલરના બ્લેક યુનિફોર્મવાળા સૈનિકો વસ્તુઓ આંચકી લેતી વખતે બંદૂકના ફંદા મારતા જતા હતા કે પછી તેમને જોરજોરથી મુક્કા કે થપ્પડો મારતા જતા હતા.

લાલ, બ્લેક યુનિફોર્મ પહેરેલા સૈનિકોને જોતો જ રહી ગયો. એ બધા હિટલરના 'SS'' ના સૈનિકો હતા. 

('SS' એ હિટલરનું અર્ધ-લશ્કરી દળ હતું. કાળા ગણવેશના આ સૈનિકો ક્યારેક તેમને પોતાને જર્મનીની નાર્ઝી પાર્ટીના ''પોલિટિકલ સોલ્જર્સ'' તરીકે ઓળખાવતા હતા. નાઝી જર્મનીમાં કાળા યુનિફોર્મવાળા આ 'SS'' સૈનિકોનો ખોફ ભારે હતો.

બીજા વિશ્વયુધ્ધના અંત પછી ન્યૂરનબર્ગમાં એલાઈડ ટ્રિબ્યૂનલે હિટલરની આ 'જીજી' ને ''ક્રિમિનલ ઓર્ગેનાઈઝેશન'' જાહેર કરી હતી.)

કાળા ગણવેશધારી આ સૈનિકો ખૂબ ડરામણા લાગતા હતા.

લાલે તુરત પોતાની સૂટકેસ જમીન પર મુકી તો દીધી, પણ પછી ભોળાભાવે એ મનોમન વિચારતો રહ્યો કે સૈનિકો મારી આ સૂટકેસ મને પાછી કઈ રીતે આપવા આવશે, તેમને કઈ રીતે ખબર પડશે કે આ મારી એટલે કે લાલની જ સૂટકેસ છે? 

આવું વિચારતા લાલને ત્યારે ક્યાં એવો અણસાર હતો કે અહીં જમીન પર મુકાયેલી કોઈપણ ચીજ કોઈપણ ચહૂદીને પાછી મળવાની નહોતી.

લાલે તેના હૃદય પર હાથ મુક્યો, જ્યાં તેણે જેકેટના ખિસ્સામાં થોડા નાણાં સંતાડી રાખ્યા હતા, પણ તે તેની સૂટકેસ મુકીને સૈનિકોના ઘેરામાંથી હેમખેમ બહાર આવી ગયો હતો, એટલે હવે તેને કશી ચિંતા નહોતી.

થોડે દૂર બંદૂકના ધડાકા સંભળાયા, લાલ ચમકયો. તેણે જોયું તો ખુદ તેની સામે પણ 'જીજી' નો સૈનિક રાઈફલ તાકીને ઊભો હતો. તેણે કરડાકીભર્યા અવાજે કડકાઈથી ઓર્ડર કર્યો, ચાલ આગળ વધ, ઝડપથી આગળ વધ.

લાલ નજીક જ ઊભેલી ખાલી ગુડસટ્રેન તરફ નજર નાંખતો આગળ વધી ગયો. જમીન પર મુકેલા યહૂદીઓના કપડાં અને પુસ્તકોના પાના પવનમાં ફરફર કરતા ઉડી રહ્યા હતા.

એટલામાં ત્યાં થોડી ટ્રકો આવીને ઊભી રહી, તેમાથી સંખ્યાબંધ બાળકો નીચે ઊતર્યા અને યહૂદીઓએ જમીન પર મુકેલા કપડાં, પુસ્તકો, બેગો, સોના- ચાંદીની વીંટીઓ, માળા હાથે પહેરવાના કડા વિગેરે વસ્તુઓ વીણીવીણીને ટ્રકમાં મુકવા માંડયા.

લાલ અને સાથી યહૂદી યુવાનો વૃક્ષોની બે હાર વચ્ચેના કાચા રસ્તે આગળ વધતા હતા, સામે જ પિન્ક કલરની ઈંટોવાળી બિલ્ડિંગો હતી. ધૂળ ઉડવાથી આ બિલ્ડિંગો ડર્ટિ દેખાતી હતી.

બિલ્ડીંગના લોખંડના મોટા દરવાજામાંથી બધા અંદર પ્રવેશ્યા. દરવાજા પર મોટા અક્ષરે જર્મનીમાં કાંઈક લખ્યું હતું, જેનો અંગ્રેજીમાં અર્થ થાય છે. 'Work will make you Free.' 

લાલને ખબર નહોતી કે પોતે કયા સ્થળે છે અથવા જર્મનો તેની પાસે કેવા પ્રકારના કામની અપેક્ષા રાખે છે.

વળી દરવાજા પર લખેલું લખાણ વાંચીને એ મનોમન વિચારતા હસી પડયો કે કામ કરનારને શું આ લોકો અહીંથી Free કરી દેશે..! એ વળી  કેવું, કામ કરવા તો અહીં અમને લવાયા છે, તો કામ કરનારને છોડી શું કામ મુકે...?

લાલે પોતે મનોમન ગાંઠ વાળી લીધી કે અહીં તો આ સૈનિકો જે કહે તે જ કરવાનું, અને હંમેશા આસપાસ નિરીક્ષણ, અવલોકન કરતા રહેવાનું.

ગેટમાં પ્રવેશ્યા પછી બધાને લાઈનમાં ઊભા થઈ જવાની સૂચના અપાઈ. લાલ જે લાઈનમાં ઊભો હતો, તેની સૌથી આગળ મુકેલા નાના ટેબલ ખુરશી પર જેકેટ અને બ્લ્યૂ એન્ડ વ્હાઈટ કલરના ઉભા પટ્ટાવાળું પેન્ટ પહેરેલો એક માણસ બેઠો હતો. તેની પાછળ ભરી બંદૂકે SSનો સૈનિક ઊભો હતો.

(ક્રમશઃ)

Saransh

Google NewsGoogle News