એટમબોમ્બથી બબ્બે વખત બચી ગયેલો સુટોમુ યામાગુચી

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
એટમબોમ્બથી બબ્બે વખત બચી ગયેલો સુટોમુ યામાગુચી 1 - image


- પહેલા એટમબોમ્બ વખતે એ હિરોસીમામાં હતો, બીજો એટમબોમ્બ ફેંકાયો ત્યારે એ નાગાસાકી શહેરમાં હતો

- સારાંશ

- વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-6

- જાપાનના કોકુરા શહેરની જેમ કયોટો શહેર પણ કિસ્મતના જોરે બચી ગયું

- નાગાસાકી શહેરમાં એટમબોમ્બથી 25.10 લાખ નાશ પામ્યા , 92 લાખ બેઘર બન્યા

કોકુરા શહેરનું કિસ્મત કે એટમબોમ્બની તબાહીથી સાવ સલામતરીતે બચી ગયું.

જેમ માણસનું સારૂં કે ખરાબ નસીબ હોય છે, તેમ શહેર, પ્રદેશ, રાજ્ય અને સમગ્ર દેશનું પણ સારૂં કે નરસું પ્રારબ્ધ હોય છે. દાખલા તરીકે વિયેટનામમાં ૨૦ વર્ષ યુધ્ધ ચાલ્યું હતું, તો આફ્રિકાના સોમાલિઆ દેશમાં છેલ્લા ૧૫ વર્ષથી આંતરવિગ્રહ ચાલી રહ્યો છે, જેનાથી લોકો હાડમારી ભોગવી રહ્યા છે. આપણા પડોશી દેશ બર્મા કે જે હવે તેના નવા નામ મ્યાંનમારથી ઓળખાય છે, ત્યાં ૬૦ વર્ષથી સિવિલ વોર ચાલી રહી છે. આવા દેશોના ખરાબ પ્રારબ્ધનો ભોગ જે તે દેશની જનતા બનતી રહે છે. અફઘાનિસ્તાનની પ્રજા છેલ્લા દોઢોક દાયકાથી તાલિબાની આતંકીઓથી પરેશાન છે. વર્ષોથી ચાલતા આંતરવિગ્રહે અફઘાનિસ્તાનને પાયમાલ કરી દીધું છે.

વિશ્વના કેટલાક દેશો એવા છે જ્યાં દાયકાઓથી શાંતિ અને સ્થિરતાના કારણે એ સમૃધ્ધ અને સુખી બન્યા છે. દા.ત. સ્વીઝર્લેન્ડ, સ્વીડન, આપણો ભારત દેશ વિગેરે વિગેરે..

બીજા વિશ્વયુધ્ધમાં જાપાનના કેટલાક લોકો બબ્બે વખત એટમબોમ્બથી બચી ગયાના અસાધારણ દાખલા નોંધાયા છે, જે પૈકી સુટોમુ યામાગુચીનો અનુભવ જાણવા જેવો છે.

બીજા વિશ્વયુધ્ધ દરમિયાન નાગાસાકી શહેરમાં પરિવાર સાથે રહેતો ૨૯ વર્ષનો ત્સુટોમુ યામાગુચી મિત્સુબીસી શિપયાર્ડસમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. તારીખ ચોથી ઓગષ્ટે તે કંપનીના કામે નાગાસાકીથી હિરોસીમા ગયો હતો.

બે દિવસમાં કંપનીનું કામ પતાવી તારીખ ૬ઠ્ઠીની સવારે તે પાછો નાગાસાકી જવાની તૈયારી કરતો હતો તે જ સમયગાળામાં, એ જ્યાં રહેતો હતો તેના ત્રણેક કિલોમીટરના અંતરે મહાભયંકર વિસ્ફોટ સાથે એટમબોમ્બ ફાટયો હતો. વિનાશક અણુબોમ્બની પ્રચંડ ગરમીથી યામાગુચી મોઢાના ભાગે દાઝી ગયો હતો.

એક આખી રાત બોમ્બ શેલ્ટરમાં વીતાવી બીજા દિવસે ટ્રેન દ્વારા તે પોતાના શહેર નાગાસાકી જતો રહ્યો હતો.

પણ બદકિસ્મત હિરોસીમાથી તેનો પીછો કરતું કરતું જાણે નાગાસાકી આવ્યું.

હિરોસીમામાં ઝીંકાયેલા અણુ બોમ્બના આઘાતની તેને હજી પુરેપુરી કળ વળે તે પહેલાં જ તારીખ નવમી ઓગષ્ટે નાગાસાકીમાં તેના ઘરથી લગભગ ત્રણ-ચાર કિલોમીટરના અંતરે અમેરિકન હવાઇદળે એટમબોમ્બ ઝીંક્યો.

આ વખતે પણ યામાગુચી બાલ બાલ બચી ગયો...!

અગાઉ આપણે જોયું કે આખું કોકુરા શહેર ધુમ્મસિયા વાતાવરણના લીધે એટમબોમ્બની ભારે વિનાશક તબાહીથી બચી ગયું. એ જ રીતે જાપાનનું ક્યોટો શહેર પણ બચી ગયું હતું, પરંતુ એનો બચાવ જરા જુદી રીતે થયો હતો, તે વાત પણ જાણવા જેવી છે.

ક્યોટો શહેરનો આબાદ બચાવ કોના દબાણથી થયો, તેની વિગતે વાત કરતા પહેલા, માનવતાની લાગણીને ભારે ઠેસ પહોંચે તેવી કેટલીક હકીકતો જોઇએ ઃ વર્ષ ૧૯૪૫ના જૂન-જુલાઇ સુધીમાં અમેરિકાએ જાપાનના ૬૬ શહેરો પર સેંકડો ફાયર બોમ્બ ફેંકીને ૨૫,૧૦,૦૦૦ જેટલા ઘરોનો નાશ કરી દીધો હતો, જેના કારણે જાપાનની શહેરી વસ્તીના લગભગ ૩૦ ટકા લોકો ઘરબાર વિહોણા થઇ ગયા હતા.

અગનગોળા જેવા ફાયર બોમ્બથી લાગતી ભીષણ  આગમાં કેટલા લોકો મરી ગયા અને કેટલા ભયંકર રીતે દાઝી ગયા તેના ચોક્કસ આંકડા નથી મળતા. અલગ અલગ સૂત્રો દ્વારા જુદી જુદી સંખ્યા અપાઇ છે. 

અમેરિકા દ્વારા પેસિફિક વિસ્તારમાં કરાયેલા હવાઇ હુમલાના કમાન્ડર જનરલ લિમેએ બડાશ હાંકતા ૧૦ લાખ લોકોના મોતનો આંકડો આપ્યો છે, જ્યારે બીજા કેટલાક અફસરોના મતે ફાયર બોમ્બિગથી જાપાનના ૬૬ શહેરોમાં મળીને એકંદરે ૭ થી ૮ લાખ લોકો ભયાનક આગમાં સ્વાહા થઇ ગયા હતા.

ફાયર બોમ્બિંગથી જાપાનના ૬૬ શહેરોના ૨૫,૧૦,૦૦૦ મકાનો નાશ પામવાથી ૯૨,૦૦,૦૦૦ શહેરીજનો બેઘર થઇ ગયા હતા.

આવા અતિ વિકટ અને વિનાશક સમયગાળામાં જાપાનનું ક્યોટો નામનું શહેર સાવ જ બચી ગયું...

બીજા વિશ્વયુધ્ધ દરમિયાન તારીખ ૧૬મી જુલાઇ ૧૯૪૫ના દિવસે અમેરિકાએ વિશ્વમાં સૌ પ્રથમ વખત એટમબોમ્બનો ટેસ્ટ કર્યો. જાણીતા વૈજ્ઞાાનિક રોબર્ટ ઓપનહાઇમરની રાહબરી હેઠળ અણુબોમ્બના આ પ્રથમ ટેસ્ટમાં આ બોમ્બની ભયંકર વિનાશક તાકાતનો ખ્યાલ આવી જતા અમેરિકી પ્રમુખ અને ટોચના અમેરિકી અફસરોમાં મહા ખુશીની લહેર ફરી વળી. જાપાનને શરણાગતિ સ્વીકારવા માટે ફરજ પાડવાનું એક મોટુ શસ્ત્ર અમેરિકાના હાથમાં આવી ગયું હતું. એકાદ-બે એટમબોમ્બ ફેંકવાથી જાપાનના શહેરો ખુવાર થઇ જશે, અને અમેરિકાને શરણે આવ્યા સિવાયનો બીજો કોઇ વિકલ્પ જાપાન પાસે નહીં રહે, તેમ અમેરિકી સત્તાધિશો માનતા થઇ ગયા હતા.

અમેરિકી વોર સેક્રેટરી હેનરી સ્ટીમસને તે સમયે ડાયરીમાં નોંધ્યું કે (રશિયા, જાપાન સાથેની વાટાઘાટોમાં હવે) અમેરિકી પ્રમુખના હાથમાં હુકમનો એક્કો (માસ્ટર કાર્ડ) આવી ગયો છે.

જાપાનના ક્યોટો શહેર પર એટમબોમ્બ ન ફેંકાય તે માટે વોર સેક્રેટરી હેનરી સ્ટીમસને  ઉચ્ચ સ્તરીય વાટાઘાટોમાં પોતાની પુરેપુરી ક્ષમતા / તાકાતનો ઉપયોગ કર્યો હતો.

કોન્ફરન્સ માટે જર્મનીના પોટસડેમ ગયેલા હેનરી સ્ટીમસનને તારીખ ૨૧ જુલાઇ ૧૯૪૫ની બપોરે વોશિંગ્ટનથી એક સંદેશો મળ્યો કે જાપાનના જે શહેરો પર એટમબોમ્બ ફેંકાવાના છે, તે શહેરોની યાદીમાં, તમે જે શહેરમાં એટમબોમ્બ નહીં નાંખવાના મતના છો, તે શહેર ક્યોટોનું નામ ફરી મુકી દેવાયું છે. એટમબોમ્બ પ્રોજેકટના ડાયરેકટ મેજર જનરલ લેસ્લી ગ્રોવ્સ, ટાર્ગેટ લિસ્ટમાં ક્યોટો શહેરનું નામ પહેલા નંબરે મુકવા ઇચ્છે છે.

વોર સેક્રેટરી સ્ટીમસનના આસિસ્ટન્ટ હેરિસને વોશિંગ્ટનથી પાઠવેલા સંદેશામાં વધુમાં લખ્યું હતું કે સ્થાનિક લશ્કરી એડવાઇઝરો પણ ક્યોટો શહેરને ટાર્ગેટ લિસ્ટમાં અગ્રક્રમે મુકવાની તરફેણમાં છે.

સંદેશો વાંચી ગુસ્સે ભરાયેલા સ્ટીમસને વોશિંગ્ટન વળતો જવાબ મોકલાવ્યો કે, ક્યોટો પર એટમબોમ્બ નહીં ફેંકવાની મારી સ્ટ્રોન્ગ રજૂઆત હતી. આ શહેરમાં જાપાનના પ્રાચીન દેવળો અને ધાર્મિક પવિત્ર સ્થળો છે. 

ક્યોટો, જાપાનનું લશ્કરી દ્રષ્ટિએ મહત્વનું શહેર નથી. ક્યોટો તો જાપાનનું સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ જૂનું અને મહત્વનું શહેર છે. વોર સેક્રેટરી સ્ટીમસને અમેરિકી પ્રમુખ ટ્રુમેન સમક્ષ પણ આ રજૂઆત કરી ટાર્ગેટ લિસ્ટમાંથી ક્યોટોનું નામ કઢાવી નાંખ્યું હતું.

(સંપૂર્ણ)

Saransh

Google NewsGoogle News