કેદી યુવતીના હાથ પર ટેટુ પાડતા લાલને પ્રેમ થઈ ગયો..
- કોન્સન્ટ્રેશન કેમ્પમાં નવા આવતા કેદીઓના હાથ પર કેદીના નંબરનું ટેટુ ચીતરાતું હતું
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-6
- ટેટુ પાડવા યુવતીના હાથનો સ્પર્શ થતાં વેંત લાલના હૃદયના ધબકારા વધી ગયા
- લાલ ટેટુઈસ્ટ થઈ જવાથી કેદીઓમાં તેનો દરજ્જો વધી ગયો, તેની સવલતો વધી
લાલે અફસરની આંખો સાથે આંખ મિલાવતા જવાબ આપ્યો, સ્લોવેકિઅન, જર્મન, રશિયન, ફ્રેન્ચ, હંગેરિયન અને પોલેન્ડની ભાષા 'પોલિશ' પણ હું થોડી જાણું છું.'
'સારૂં' એટલું કહી અફસર ત્યાંથી વિદાય થઈ ગયો.
તેના ગયા પછી લાલે પેપનને પૂછયું, આ અફસર બહુ ઓછુ બોલે છે. મને જોબ મળી જશેને..?
પેપને ગુસ્સાભરી આંખે લાલ તરફ જોયું, પછી ગુસ્સો ગળી જઈ શાંત - ધીમા સ્વરે કહ્યું, આ અફસરને તું ઓછો ન આંકીશ. તારી બહાદુરીનો અહીં દેખાડો ન કરીશ, નહીં તો જાનથી હાથ ધોવા પડશે. બીજી વખત આ અફસર સાથે વાત કરવાની નોબત આવી પડે તો ક્યારેય ઊંચી આંખે વાત ન કરતો, તારી આંખો નીચી રાખીને અધિકારી સાથે વાત કરજે.
''આઈ એમ સોરી, ફરી વખત આવું નહીં થાય.''
થોડા દિવસ સતત વરસાદ વરસ્યા પછી એક દિવસ સૂરજદાદાએ હળવા દર્શન દીધા. ટેટુવિઅર પેપનના આસિસ્ટન્ટ તરીકે લાલની 'જોબ' પાકી થઈ ગઈ હતી.
વરસાદે વિરામ લીધાના બીજા દિવસે બિરકેનાઉ કેમ્પના કમ્પાઉન્ડમાં પેપન અને લાલ તેમના કામ પૂર્વેની તૈયારીમાં લાગી ગયા. બે ટેબલ ખુરશી ગોઠવી દીધા બાદ તેના પર ટેટુ માટેની સંખ્યાબંધ નિડલ્સ (સોયો) પણ મુકી દીધી.
લાલ, તૈયાર થઈ જા. હવે થોડીવારમાં જ ટેટુ ચીતરાવવા માટે અહીં કેદીઓની લાઈન લાગી જવાની છે.
લાલે થોડે દૂર નજર નાંખી. સંખ્યાબંધ યુવતીઓ અને સ્ત્રીઓ હરોળમાં આવી રહી હતી. હરોળ નજીક સૈનિકો પહેરો ભરી રહ્યા હતા. ઓશવિઝ કેમ્પમાં તો છોકરીઓ હોવાની લાલને ખબર હતી પણ અહીં બિરકેનાઉ કેમ્પમાં પણ છોકરીઓ હોવાની તેને જાણ નહોતી.
''લાલ, આજનો દિવસ જરા જુદો છે. સત્તાવાળાઓએ કેટલીક યુવતીઓને ઓશવિઝના કેમ્પમાંથી અહીં બિરકેનાઉના કેમ્પમાં ખસેડી છે. કેટલીક છોકરીઓના હાથમાં ટેટુ ફરી ચીતરવાના છે.''
લાલે સવાલ કર્યો, કેમ..?
આ છોકરીઓના હાથમાં પહેલી વખત સિક્કાથી નંબર છાપી દેવાયો હતો, પણ તેની શાહી ખરાબ હોવાથી છોકરીઓના હાથ પરનો નંબર ઝાંખો પડી ગયો હોવાથી તેમના બધાના હાથ પર હવે ટેટુથી નંબર ચીતરવાના છે.
લાલે દૂર સુધી નજર દોડાવી. છોકરીઓની લાંબી લાઈન લાગેલી હતી.
લાલે તેની 'જોબ' શરૂ કરી. નીચુ મોઢું રાખી, તે ખુરશીમાં બેઠો. નંબર લખેલી ચબરખી છોકરી તેને આપે તે નીચી મુંડીએ લઈ, છોકરીના હાથમાં નંબરનું ટેટુ ચીતરવાનું શરૂ કરી દીધું.
નવું નવું કામ હતું એટલે છોકરીના કોમળ હાથમાં ટેટુ ચીતરતા ખુદ તેનો જ હાથ ધુ્રજી ઉઠતો હતો. બાજુની ખુરશીમાં બેઠેલો પેપન તેને ઝડપથી ટેટુ ચીતરવાની અવારનવાર સૂચના આપ્યા કરતો હતો.
લાલને ટેટુ ચીતરતા બહુ વાર લાગતી હતી. પુરૂષના હાથ પર ટેટુ ચીતરવાની વાત અલગ હતી, અને યુવતીના નાજુક હાથ પર ટેટુ ચીતરવાની વાત અલગ છે.
લાલે નજર ઊંચી કરી જોયું તો સફેદ કોટ પહેરેલો એક અધિકારી છોકરીઓની લાઈનની સમાંતર ચાલતો આવી રહ્યો હતો. થોડી થોડીવારે તે લાઈનમાં ઊભેલી છોકરીઓના ચહેરા જોતો ઊભો રહેતો હતો. છોકરીઓ આમેય ગભરાયેલી હતી તેમાં વળી પેલો અફસર ઉભો રહેતો હોવાથી તેમના બધાના ચહેરા પર વધારે બીક ડોકાઈ આવતી હતી.
થોડીવારમાં અફસર લાલની નજીક આવી ગયો, એ વખતે લાલના ટેબલ સામે એક છોકરી ટેટુ પડાવવા ઊભી હતી. છોકરીનો હાથ ટેબલ પર હતો, લાલે હળવેથી છોકરીનો હાથ પકડયો હતો.
અફસરે પોતાના હાથથી એ છોકરીનો ચહેરો પોતાની તરફ ફેરવ્યો. લાલ આ જોઈને ગભરાઈ ગયો. પેલી છોકરી કશુંક બોલવા જતી હતી પણ લાલે તેનો હાથ દબાવી નહીં બોલવાનો છોકરીને સંકેત આપ્યો. છોકરીએ લાલ સામે જોયું. લાલે સિસકારો બોલાવી તેને બોલતા અટકાવી.
પેલા, અફસરે છોકરીનો ચહેરો પોતાના તરફ ફેરવી એક નજર નાંખ્યા બાદ ચાલતી પકડી. 'સારૂ' થયું તું કશું ના બોલી' એમ ધીમેથી કહીને લાલે છોકરીના હાથ પર તેનો નંબર ચીતરી દીધો- 4562. ટેટુ ચીતર્યા પછી લાલે તેનો હાથ છોડી દેવાને બદલે પાંચ-દશ સેકન્ડ પોતાનો હાથ તેના હાથ પર મુકી રાખ્યો. લાલની નજર છોકરી પર જ હતી. તે જરા હસ્યો. છોકરીએ પણ તેની સામે જોઈ હળવું સ્મિત આપ્યું.
લાલના હૃદયના ધબકારા વધી ગયા. તેનું હૃદય એટલું જોરથી ઉછળવા માંડયું કે ઘડીક તો એને એવું લાગ્યું કે મારૂં હૃદય છાતી ચીરીને બહાર નીકળી આવશે.
લાલે ફરી એકવાર ઊંચુ જોયું પણ એટલી વારમાં તો પેલી છોકરી ત્યાંથી જતી રહી હતી.
થોડા દિવસમાં લાલને સત્તાવારરીતે 'ટેટુઈસ્ટ' બનાવી દેવાયો અને તેની સાથે 'SS' ના એક જૂનિઅર અફસરને મુકી દેવાયો, જેનું નામ હતું - બરેસ્કી.
બીજા દિવસે બરેસ્કી ટેટુ પડાવવા માટે લાઈનમાં ઊભેલા યુવાનો પૈકીના એકને બાવડેથી ખેંચીને આગળના નંબરે લાલ પાસે લાવીને ઊભો કરી દીધા પછી બોલ્યો, હવેથી આ તારો આસિસ્ટન્ટ. તેનું ટેટુ પહેલા ચીતરી દે.
લાલે એ યુવાનના હાથમાંથી નંબરની ચબરખી લીધી અને ઝડપથી તેના હાથે નંબરનું ટેટુ પાડી દીધા પછી પૂછયું, તારૂ નામ શું?
'લિઓન.'
'લિઓન, મારૂં નામ લાલ છે અને હું આ કેમ્પનો ટેટુવિઅર છું.' કાલથી તારે મારા આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું છે.
લાલની સાથે મુકાયેલા જુનિઅર અફસર બરેસ્કીએ કહ્યું, લાલ હવે તારે બ્લોક નંબર-૭માં બીજા કેદીઓ સાથે નથી રહેવાનું. હવે તું 'ટેટુઈસ્ટ' થઈ ગયો છે, એટલે તને હવે પ્રોટેક્શનની જરૂર પડશે, માટે તને અલગથી રૂમ ફાળવાઈ છે. હવેથી તુ 'SS' ની પોલિટિકલ વિન્ગ'' (SS' ની રાજકીય પાંખ) માટે કામ કરવાનો છે, માટે તારા પ્રોટેકશન માટે મને મુકાયો છે.
બરેસ્કીએ તેને ટેટુના સાધનો મુકવા માટે એક બ્રીફકેસ કે એટેચી આપી. એક નવા બ્લોકમાં પ્રવેશદ્વારની નજીકનો અલાયદો રૂમ લાલને ફાળવી દેવાયો.
લાલ હવે 'ટેટુઈસ્ટ' બની ગયો હોવાથી બીજા કેદીઓ સાથે નહીં પણ અલગ રૂમમાં રહેશે, અને તેને ખાવાનું પણ બીજા કેદીઓની જેમ લાઈનમાં ઊભા રહીને નથી લેવાનું પણ એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ નજીકના ગ્રાઉન્ડમાં અલગથી અપાશે. ટેટુઈસ્ટને બીજા કેદીઓ કરતાં વધારે પ્રમાણમાં, જોઈતું હોય એટલું ખાવાનું હવેથી મળવાનું છે.
(ક્રમશઃ)