ઇસ્લામાબાદમાં અમાનુષી અત્યાચારની કાળજું કંપાવતીકહાની
- રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ-RAWના ભારતીય જાસૂસ પર
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-1
- ક્ષણે ક્ષણે જોખમથી ભરેલા જાંબાઝ ગુપ્તચરના જોખમી જીવનમાં એક ડોકિયું...
- કટ્ટર દુશ્મન દેશમાં રહી સ્વદેશ માટે જીવ જોખમમાં મુકનાર ગુપ્તચરની આત્મકથા
ઈસ્લામાબાદના ભારતીય દૂતાવાસમાં અમિત મુન્શીની ફરજનો આજે છેલ્લો દિવસ હતો. એ મળસ્કે ચાર વાગે ઊઠી ગયો હતો. રોજના કરતા આજે તે એક કલાક વહેલો ઊઠી ગયો હતો.
ઊઠવાનું મન થતું નહોતું તેમ છતાં એ ઊઠયો અને બારીના પડદા ખોલી નાંખ્યા. ગઈકાલે રાતે તેના વિદાયમાનમાં યોજાયેલી ડિનર પાર્ટીમાંથી અમિત મોડીરાતે દોઢ વાગે ઘેર આવ્યો હતો. પણ ઘેર આવ્યા બાદ તે રાત્રે ૨.૫૦ વાગે સુવા પામ્યો હતો. રાત્રે માંંડ એકાદ કલાકની ઊંઘ પછી તેની આંખ ખુલી ગઈ, કારણ આજે સવારથી આખો દિવસ દરમિયાન તેના મિત્રો અને સહકર્મચારીઓ દ્વારા સંખ્યાબંધ વિદાયમાન કાર્યક્રમો યોજાયા હોવાથી તેને એ બધામાં હાજર રહેવું પડે તેમ હોવાથી દૂતાવાસમાં ''કલ્ચરલ અ'ટૈશે (સાંસ્કૃતિક સચિવ કે અધિકારી) તરીકે ફરજ બજાવતા અમિત મુન્શીને વહેલા ઉઠવા સિવાય કોઈ વિકલ્પ નહોતો એટલે એકાદ કલાક વધારે સૂઈ રહેવાનો વિચાર તેણે મનમાંથી ફગાવી દીધો.
આજે વિદાયમાન સમારંભોમાં ઉપસ્થિત રહેવા ઉપરાંત અમિતેે અન્ય કેટલાક અગત્યના બાકી કામો પણ પતાવવાના હતા.
ઈસ્લામાબાદની ઈન્ડિયન એમ્બેસિમાં બાહ્ય રીતે તો તેનું પોસ્ટિંંગ સાંસ્કૃતિક અધિકારી તરીકે થયેલું હતું. પરંતુ અસલમાં તે ભારતની વિદેશી જાસૂસી સંસ્થા ‘Research and Analysis wing' ટૂંકમાં RAW (રો) તરીકે ઓળખાતી સંસ્થાનો જાસૂસ હતો. અમિત મુન્શી નામ તો તેની અસલી ઓળખ છુપાવવા માટે અપાયેલું નામ હતું. તેનું મૂળ નામ તો વીરસિંઘ હતું.
આમ પાકિસ્તાનમાં વીરસિંઘ, અમિત મુન્શી નામ ધારણ કરીને રહેતો હતો. મૂળમાં વિદેશી દેશમાં આવું બનાવટી નામ રાખીને ભારત માટે જાસૂસી કરવાની તેની ફરજ હતી. દેખીતી રીતે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં તે ભારતના સાંસ્કૃતિક મંત્રાલયના કર્મચારી તરીકે કામ કરતો હતો. પરંતુ અસલમાં તેનું કામ ભારત વતી પાકિસ્તાનમાં જાસૂસી કરવાનું હતું.
પારકા દેશમાં આ રીતે અલગ નામ અને અલગ ઓળખ રાખીને રહેવાનું તેમજ વધારામાં સ્વદેશ માટે જાસૂસી કરવાનું કામ ઘણી વખત બહુ જ અઘરૃં બની રહે છે. આવા કામમાં માણસ સતત તાણમાં રહેતો હોય છે. અમિત પણ ઘણી વખત સ્વાભાવિક રીતે જ અસહ્ય તાણ અનુભવતો હતો.
પરંતુ આમ છતાં અમિત ઈસ્લામાબાદમાં બરાબરનો 'સેટ' થઈ ગયો હતો. ઈસ્લામાબાદ આવ્યાના બે જ મહિનામાં ભારત અને પાકિસ્તાનના કલાકારો (આર્ટિસ્ટસ) સાથે ઘરોબો કેળવવા માટે તેમની સાથે બેઠકો યોજવામાં, કલાકારો સાથે મોડે સુધી ગપસપ કરવામાં અને આમ કરતાં કરતાં ગુપ્ત બાતમી મેળવવા માટેના પોતાના ઈન્ફોર્મન્ટ-બાતમીદારો ઊભા કરવાના કામમાં તે મઝા માણતો હતો.
જો કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI (ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સ) ના જાસૂસો તેના પર સતત 'વોચ' રાખતા હોવાની તેને જાણ થઈ ગઈ હતી. દરેક દેશના જાસૂસને ખબર જ હોય છે કે જે દેશમાં તે જાસૂસી કરવા જશે એ દેશના જાસૂસો તેના પર જાસૂસી કરતા થઈ જ જવાના છે અને તેમની સાથે ''સંતાકૂકડી'' ની રમત રમવાનું અમિતને બરાબર ફાવી ગયું હતું અને તેમાં તેને આનંદ પણ આવતો હતો.
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી કેવળ ISI ના જાસૂસો જ નહીં, પાકિસ્તાન ઈન્ટેલિજન્સ બ્યૂરોના જાસૂસો ઉપરાંત ઈસ્લામાબાદ કેપિટલ ટેરિટરીની પોલીસ અમિત પર ચાંપતી નજર રાખતી હતી.
ઈસ્લામાબાદમાં અમિત બરાબર ગોઠવાઈ ગયો તો પણ છતાં તેને માત્ર એક વાતનું દુઃખ હતું. તે અહીં એકલો જ આવ્યો હતો તેની પત્ની ભામા અને સંતાનોને દિલ્હીમાં મુકીને તેણે અહીં આવવું પડયું હતું. ક્યારેક અમિતને પરિવારની ખોટ બહુ સાલતી હતી, ખાસ કરીને જયારે બધી બાજુએથી કામનું ભારણ વધી જતું અને આખા દિવસના કામથી કંટાળીને એ જયારે ઈસ્લામાબાદના તેના વિશાળ બંગલામાં થાકીને લોથપોથ થઈ પાછો આવતો તે વેળા એકલતા તેને કોરી ખાતી હતી.
ક્યારેક તેના કોઈ એજન્ટના ઘેર કોઈક સામાજિક પ્રસંગે જવાનું થતું ત્યારે તો પત્ની ભામા વગર એકલા એકલા જવાનું મનદુઃખ તેને હતાશામાં સરકાવી દેતું હતું.
પણ થોડા વખતમાં જ અમિતને ખ્યાલ આવી ગયો કે ભામા અને બાળકોને અહીં સાથે નહીં લાવવાનો તેનો નિર્ણય એકદમ વ્યાજબી અને શાણપણભર્યો હતો. કારણ કે અમિત આસપાસ પાકિસ્તાની જાસૂસોની ચાંપતી નજરના કારણે ભામાનું પણ બહાર હરવા-ફરવાનું મુશ્કેલ બની ગયું હોત. પાક. જાસૂસોની ચકોર નજરથી બચવાનું કામ કાંઈ આસાન નહોતું.
પહેલા જ દિવસથી અમિતની પાછળ જાસૂસી એજન્સીના માણસોને મૂકી દેવાયા હતા ને સ્વતંત્ર રીતે એકલો એકલો બજારમાં કે બાગમાં કયારેય તે હરીફરી શકતો નહોતો. પોતાના વિશાળ બંગલેથી ભારતીય એમ્બેસીમાં જાય અને ત્યાંથી પાછો ફરે, તે દરમિયાન કોઈને કોઈ સતત તેનો પીછો કરતું રહેતું હતું.
મઝાની અને સાથોસાથ તકલીફની વાત તો એ હતી કે બજારમાં કયારેક કશું ખરીદવા જાય ત્યારે પણ જાસૂસો તેની પાછળ પાછળ આવતા હતા અને ઘણીવાર તો એ મોલમાં કે કોઈ વેપારીની દુકાને કોઈ વસ્તુ લેતો હોય કે ભાવની રકઝક કરતો હોય એ વેળા તો પાક.જાસૂસ તેની સાવ નજીક આવીને ઊભો થઈ જતો હતો.
જો કે તેના ઘરની સામેના ટેન્ટમાં ૨૪ કલાક રહેતા પાક. પોલીસના જવાનોથી તેને ખાસ પરેશાની નહોતી, તેમની સાથે તો અમિતને હાય-હલ્લોના સુમેળભર્યા સંબંધ બંધાઈ ગયા હતા. ટેન્ટમાં રહેતા અલ્તાફ, અકમલ અને જહાંગીર તેને કયારેય પરેશાન નહોતા કરતા.
પાક.જાસૂસોની બાજ નજર વચ્ચે પણ અમિત પોતાને સોંપાયેલી ફરજ અત્યંત નિષ્ઠાપૂર્વક સફળતાથી બજાવતો હતો અને એમ્બેસેડર વિજય સુરી અને દિલ્હીના વડા મથકેથી અવારનવાર તેના કામની કદર થતી રહેતી હોવાથી અમિત મનોમન ખુશમાં રહેતો હતો. વળી ખાસ પ્રકારની કામગીરી નિમિત્તે તેને માત્ર બે વર્ષ માટે જ અહીં મુકાયો હતો. પાકિસ્તાનમાં ભાંગફોડિયા, વિધ્વંસક કૃત્યો કરી શકવામાં સહાયરૂપ બની શકે તેવા નાપાક તત્વો શોધી કાઢી તેમને એવા કૃત્યો માટે સાધી લેવાનું કામ અમિત પુરૃં કરે તે દરમિયાન તો બે વર્ષનો સમયગાળો પુરો થઈ જવાનો હતો અને પછી તો પોતે દિલ્હી જઈ પરિવાર સાથે વીરસિંઘના નામે શાંતિથી, મોજથી રહી શકવાનો હતો, એવા વિચાર માત્રથી અમિતનો કંટાળો અને થાક ગાયબ થઈ જતા હતા.
(ક્રમશઃ)