Get The App

વિન્ટરનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ લેયર્ડ ડ્રેસિંગ .

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
વિન્ટરનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ લેયર્ડ ડ્રેસિંગ                        . 1 - image


ઠંડીની ઋતુ બરાબરની જામી છે. ટાઢો-શીતળ પવન લોકોને ધુ્રજાવી રહ્યો છે ત્યારે સ્ટાઈલિશ દેખાવા શું પહેરવું એ પ્રશ્ન માનુનીઓને મૂંઝવી રહ્યો છે. પરંતુ તેમને ચિંતા કરવાની જરૂર નથી. ફેશન ડિઝાઈનરો તેના વિશે સાવ સરળ સમજણ આપતાં કહે છે..,

આ ઋતુમાં માનુનીઓને એવા ડ્રેસિંગની જરૂર હોય છે જેમાં તે સ્ટાઈલિશ પણ દેખાય અને તેમને ટાઢથી પણ રક્ષણ મળે. આવામાં તેમના માટે લેયર્ડ ક્લોધિંગ સરસ વિકલ્પ બની રહેશે. લેયરિંગ એટલે એક ઉપર બીજું વસ્ત્ર પહેરવું. આ શિયાળામાં તમે પુરાણા સ્વેટર પર સરસ મઝાનું જેકેટ અથવા કોટ ચડાવી લો. આમ કરવાથી તમે સ્ટાઈલિશ પણ દેખાશો અને તમારું જૂનું સ્વેટર કોટ નીચે લગભગ લગભગ ઢંકાઈ જશે. તેઓ વધુમાં કહે છે કે મોટાભાગના લોકો એમ માનતા હોય છે કે એક જાડું ગરમ વસ્ત્ર પહેરવાથી ટાઢ સામે રક્ષણ મળી જશે. પરંતુ આ વાત સાચી નથી. લેયર્ડ ડ્રેસિંગ શરીરને વધુ હુંફાળું રાખે છે. વળી તે સ્ટાઈલિશ લાગે છે તે છોગામાં.

જોકે તેઓ એમ કહેવાનું પણ નથી ચૂકતાં કે કોટ અને જેકેટની યોગ્ય પસંદગી કરતાં પણ આવડવું જોઈએ. આજે બજારમાં કંઈકેટલીય જાતના કોટ અને જેકેટ મળે છે. તમે તમારી સ્ટાઈલ પ્રમાણે જે તે કોટ-જેકેટ ખરીદો. તેઓ વધુમાં કહે છે કે ટ્રેંચ કોટ ઑફિસ તેમ જ કેઝ્યુઅલવેઅર, બંને તરીકે ચાલે. જ્યારે ફ્લાઈટ જેકેટ વધારે ટ્રેન્ડી અને આરામદાયક હોય છે. જો તમે કૂલ અને કમ્ફર્ટેબલ લુક જોઈએ છે તો તમારા માટે ફ્લાઈટ જેકેટ બેસ્ટ ઓપ્શન છે. જ્યારે યોગ્ય ફિટિંગ ધરાવતું બ્લેઝર ઓફિસ માટે સારો વિકલ્પ ગણાય. તમે ચાહો તો તે કેઝ્યુઅલી પણ પહેરી શકો. બ્લેઝરને સ્વેટર પર પણ ચડાવી શકાય.

ફેશન ડિઝાઈનરો વૂલન સ્કાર્ફ તેમ જ સ્ટૉલ્સને પણ સ્ટાઈલ સ્ટેટમેન્ટ માને છે. તેઓ કહે છે કે વૂલન સ્કાર્ફ અને સ્ટૉલ્સ માત્ર સ્ટાઈલિશ જ નથી દેખાતા, પણ તે આપણને ટાઢથી પણ બચાવે છે. જો તમે ઘેરા રંગના વસ્ત્રો ધારણ કર્યાં હોય તો હળવા રંગના સ્કાર્ફ કે સ્ટૉલ્સ પહેરો, જ્યારે હળવા રંગના પોશાક સાથે ડાર્ક કલરના. તમે સ્કાર્ફ અને સ્ટૉલ્સ અલગ અલગ સ્ટાઈલમાં પણ પહેરી શકો. સ્ટૉલ્સ જેકેટ અને કોટ ઉપર પણ આકર્ષક લાગે છે. કેટલીક યુવતીઓ કાર્ડિગન પહેરવાનું પસંદ કરે છે. જોકે મોટાભાગની મહિલાઓ કાર્ડિગનને આઉટડેટેટ માને છે. પરંતુ બધાથી જુદું કરવાનો આગ્રહ રાખતી યુવતીઓ માટે કાર્ડિગનથી રૂડું શું?

- વૈશાલી ઠક્કર

ગરમ કપડાં પહેરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો

* ખુલતા ગરમ વસ્ત્રો પહેરવાનું ટાળો. ખાસ કરીને જે માનુનીઓ પાતળા દેખાવાની આગ્રહી હોય તેમણે યોગ્ય ફિટિંગવાળા ગરમ વસ્ત્રો પહેરવા. તમે ચાહો તો થર્મલવેઅર ઉપર ફિટિંગવાળું ડ્રેસ અને વૂલન ક્લોથ પહેરીને પાતળા દેખાઈ શકો.

* શિયાળામાં વેલ્વેટ, લેધર, બ્રોકેડ, અંગોરા, ટફેટા અને સાટિન ફેબ્રિકના વસ્ત્રો પહેરવાનું ચલણ વધી જાય છે. પરંતુ તેમાં તમારી કાયા પુષ્ટ દેખાઈ શકે. સ્લીમટ્રીમ દેખાવા માટે ડેનિમ, સિલ્ક અને ઉનના વસ્ત્રો પર પસંદગી ઉતારો.

* હળવા રંગના પોશાકમાં માનુની ભરાવદાર લાગે છે. જ્યારે ઘેરા રંગના વસ્ત્રોમાં તેનો બાંધો એકવડો દેખાય છે. આવી સ્થિતિમાં શિયાળામાં શ્યામ, ગ્રે, ડીપ પ્લમ, ચોકલેટ બ્રાઉન, રેડ, યેલો, ડાર્ક ક્રેનબેરી જેવા કલરના પરિધાન પર પસંદગી ઉતારો.૪* ઠંડીની ઋતુમાં પાતળા દેખાવા માટે મોનોક્રોમ ડ્રેસ પણ સારો વિકલ્પ ગણાય. ખાસ કરીને નાની પ્રિન્ટ ધરાવતાં મોનોક્રોમ ડ્રેસ અત્યંત આકર્ષક લાગશે.


Google NewsGoogle News