શિયાળાની ઉષ્મા રંગબેરંગી શાલ- દુશાલ
ભારતમાં શાલની શરૂઆત આજથી ૭૦૦ વર્ષ પૂર્વે થઈ હતી. કપડાં, આભૂષણ, ટેપેસ્ટ્રી, વગેરેમાં જ્યાં વિવિધ રંગો અને પેટર્ન્સની ફેશન ચાલતી હોય તો શિયાળામાં હૂંફ આપતી શાલ કેમ કરી બાકી રહી જાય?
પશ્મીના શાલ
કાશ્મીરમાં થતાં 'પશ્મીનો' દોટાના સૌથી મુલાયમ વુલમાંથી આ નાજુક શાલ બને છે. પશ્મીના શાલની ડિમાન્ડ દેશ-વિદેશમાં છે તે અજાણ્યું નથી. ઊનમાંથી શાલ બનાવવા તેને ૩૬ તબક્કામાંથી પસાર કરવી પડે છે.
વિવિધ રંગોની શાલ પર તેને મેચિંગ કે કોન્ટ્રાસ્ટ દોરાથી એમ્બ્રોઈડરી કરીને વધુ સુંદર બનાવવામાં આવે છે.
વિસ્કોસ શાલ
સોફ્ટ કાપડમાંથી અનેક પ્રોસેસથી બનાવવામાં આવેલી વિસ્કોસ શાલ યુવા પેઢીની હોટ ફેવરિટ છે. તેની ડિઝાઈન લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે કરવામાં આવે છે. તેના રંગો વાઈબ્રન્ટ હોય છે અને વિવિધ પેટર્નની ડિઝાઈનમાં વિવિંગ કરવામાં આવે છે.
દરેક પ્રસંગો માટે પરફેક્ટ
સિલ્ક, પશ્મીના, વિસ્કોસ કે હાથેથી ગૂંથેલી શાલ્સ વિવિધ રંગો, એમ્બ્રોઈડરી, જરીવર્કથી શણગારાય છે. આ શાલ વિવિધ પ્રસંગે જેવા કે કોઈનું સન્માન કરવું હોય, લગ્ન પ્રસંગે, પાર્ટીમાં પહેરવી હોય ઉપરાંત ગિફ્ટ આપવા કે પહેરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. શાસ્ત્રીય સંગીતના કલાકારો પણ વિભિન્ન પ્રકારની શાલનું કલેક્શન રાખે છે.
વિભિન્ન રંગરૂપની શાલ
સામાન્ય રીતે શાલનો ઉપયોગ ઠંડીથી બચવા માટે કરાય છે, પરંતુ નાજુક અને મુલાયમ, સોબર રંગો અને ડિઝાઈનોનો ઉપયોગ લક્ઝરી અને ભવ્યતા દર્શાવવા માટે પણ થાય છે. ડિઝાઈનર શાલ પહેરીને લોકો તેમની રોયલ ઈમેજ બનાવે છે.
બટીક કામવાળી શાલ
બટીક કામ સિલ્ક, કોટન અને વુલન શાલ પર કરાય છે. બટીક ડિઝાઈનમાં મોટા ભાગે જ્યોમિટ્રિકલ, ફ્લાવર્સ, બટરફ્લાય કે પછી બાંધણી અથવા લેરિયા જેવી ઝીણી અને મોટી ડિઝાઈન બનાવાય છે. તેમાં વધુ કરીને ઘેરા રંગોનો ઉપયોગ થાય છે.
કચ્છી ભરતની શાલ
કચ્છમાં રેડ, બ્લેક, ગ્રે, ક્રીમ રંગોની શાલ્સ પર બ્લેક, રેડ અને ઘેરા રંગોથી એમ્બ્રોઈડરી કરવામાં આવે છે. ક્યારેક શાલ્સ બનતી હોય ત્યારે જ તેમાં ગોલ્ડન પટ્ટાની ભાત પાડવામાં આવે છે જે લગ્ન પ્રસંગે કે પાર્ટીવેર તરીકે વપરાય છે.