શિયાળો એટલે વસાણા, સ્વેટર, મોર્નિંગ વૉક અને ઘીની મોસમ
શિયાળો એટલે તરેહતરેહનાં ફળોની મોસમ. ચપ્પુની ધાર જેવી શિયાળાની કાતિલ ઠંડા પવન કરતાં પણ માણસની ટ્રેચરી, માણસની ગદ્દારી, માણસની ફરેબી, માણસનો અપકાર વધુ ઘાતકી હોય છે. મુંબઈગરો અત્યારે અસાધારણ ખુશનુમા હવામાન અનુભવી રહ્યો છે. ઘાસના અને ઉકળાટના અને પસીનાના રેલાના આઠ મહિના પછી શિયાળાના ચાર મહિના મુંબઈગરાને મીઠા લાગે છે. દેશમાં એ હતો ત્યારે તો એણે શિયાળામાં રાતે સગડી પેટાવી હતી અને સવારે એણે ઓટલા ઉપર બેસીને સૂરજના કુમળા તડકામાં પોતાનો બરડો શેક્યો હતો. એણે બંડી પહેરી હતી, એણે સ્વેટર પહેર્યું હતું, એણે જર્સી પહેરી હતી. મુંબઈમાં કદી આવી જરૂર પડતી નહિં. આ વર્ષે એકાએક મુંબઈએ જોરદાર ઠંડી અનુભવી છે. નાનપણમાં દેશમાં તેમણે પોતાના ફાટી જતા ગાલ અને હોઠ ઉપર કોકમનું ઘી અને વેસેલિન ચોપડ્યું હતું. કોલેજમાં ભણતા ત્યારે તેમણે ફાટી જતા ચહેરા ઉપર સ્નો લગાવ્યો હતો. નાઈલોનનાં અને સાટીનના અને ફલાલીનનાં અને ડેક્રોનના પેન્ટ અને શર્ટ હાથની કે પગની રુવાંટીને અડે ત્યારે જાણે ઈલેકટ્રિસિટી પસાર થતી હોય એવું તેમને લાગતું. મુંબઈગરાએ મુંબઈમાં કદી સાચી ઠંડી અનુભવી નથી. લોકો વહેલી સવારે નરીમાન પોઈન્ટ ઉપર સિરિયસલી દોડવા લાગે છે. લોકો ચ્વનપ્રાશ લઈ આવે છે. મેથીના લાડવા બનાવે છે તેઓ અને ભરપૂર વસાણાંથી ઠાંસીને ભરેલા અડદિયા પાકમાં ખાસ્સો ગુંદર ઠપકારે છે. શિયાળો આવે એટલે ઘણા લોકો આખા વર્ષની શક્તિનો સંગ્રહ કરવા માટે દોડાદોડી કરી મુકે છે. આ વર્ષે એકાએક મુંબઈમાં ઠંડી પડવા માંડી છે. હજી તો ડિસેમ્બર છે. હજી તો કારતક મહિનો ચાલે છે. કોન્વેન્ટમાં ભણેલા લોકોને હેમંત અને શિશિર અને પાનખર અને વસંત અને ગ્રીષ્મ અને શરદ અને વર્ષાના ભેદભાવ નહિ સમજાય. તેઓ તો અમેરિકન ઢબે સ્પ્રિન્ચની અને ફોલની વાતો કરે. સુદ અને વદના કે શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષના ભેદભાવ પણ કોન્વેન્ટ એજ્યુકેટેડ પેઢીને ક્યાથી સમજાય? મુંબઈ કરતાં એમ તો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાનાં યુવકયુવતીઓ વધુ ફેશનપરસ્ત છે. છતાં મુંબઈના યુવાનો રંગબેરંગી વૂલન્સ કાઢી રહ્યા છે અને શેઠાણીઓ સાડીની ઉપર લીસકા ઊનનો મુલાયમ કોટ પહેરવા લાગી છે. શિયાળો શ્રીમંતોને મન ઉનનાં કાપડોની ફેશન પરેડ યોજવાનો સમય છે. શિયાળામાં મુંબઈના ઓફિસકર્મચારીઓ વધારે મોડા ઓફિસે પહોંચે છે. ઠંડીમાં તેઓ ગોદડું ઓઢીને સૂઈ રહે છે અને પછી દોઢ કલાકનું કોમ્યુટિંગ તેમને ભારે પડે છે. યુરોપમાં ઘણા લોકો શિયાળામાં દિવસો સુધી નાહતા નથી. સીએનએન અને બીબીસી પર સતત વેધર બતાવવામાં આવે છે. યુરોપમાં અને અમેરિકામાં અત્યારે કાતિલ શિયાળો બેસી ગયો છે. તે ત્રણ મહિના ચાલશે. કાશ્મીરમાં લોકો અત્યારે આઈસહોકી રમે છે. ઠંડીનો અને ગરમીનો આધાર માણસના બોડી ટેમ્પરેચર ઉપર રહે છે. ઘણા લોકોનું લોહી ગરમ હોય છે. ભરશિયાળે તેઓ પાંખો ચલાવે છે અને બીજા લોકોને ત્રાસ થાય છે. પક્ષીઓએ ગરમ કપડાં પહેરવાં પડતાં નથી. શરીરમાંનું ગરમ લોહી અને તેમના પીંછા તેમને ઠંડી સામે રક્ષણ આપે છે. શિયાળામાં માનવી સ્ફુર્તિ અનુભવે છે અને ઉનાળામાં તે થાકોડો અનુભવે છે. શિયાળો શ્રીમંત લોકો માટે દાન કરવાની સીઝન છે. અનેક સેવાભાવી લોકો મધરાત પછી ઉનના ધાબળાઓનું ગુપ્ત દાન કરવા નીકળી પડે છે. ફૂટપાથ ઉરર ટૂંટિયું વાળીને સૂતેલા અને પેટમાં ઢીંચણ ખોસીને પડેલા લોકોને ધાબળા ઓઢાડીને તેઓ કશુંક સત્કાર્ય કર્યું હોવાનો સંતોષ અનુભવે છે. ઉતરાણ વખતે લોકો તલની લાડુડીઓ વહેંચે છે અને તેમાં સિક્કા રાખે છે.