આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ...!
- અંતર - રક્ષા શુક્લ
ધર્મના ફાંટા અલગ
આશને, શ્રદ્ધા અલગ
ક્યાં ચકાસુ બારણાં
ઘર, ગલી તાળાં અલગ
સત્યને ક્યાં શોધશું?
જુઠના ત્રાગા અલગ
મૂલ્ય બદલે હરઘડી
દંભના કિસ્સા અલગ
દર્દને ઘૂંટયા પછી
આવશે પીડા અલગ
- ભારતી ગડા
'આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ...!' ફિલ્મનો નાયક ગુસ્સાને હકારાત્મક દિશામાં તબદીલ કરવામાં સફળ રહે છે. ખોટો ગુસ્સો પસ્તાવાનો પહાડ લઈને આવે છે. એક ઉદાહરણ દ્વારા વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. એક પિતા એમની બેબીડોલ જેવી નિર્દોષ બાળકીને પોતાની ચકચકિત એવી મોટર ગાડી ઉપર ક્રેયોન કલર્સથી કંઇક લખતા જુએ છે અને પિતાનો ગુસ્સો આઠમે આસમાને પહોંચી જાય છે. ગુસ્સામાં કશું જોયા, વિચાર્યા વિના પોતાને અત્યંત પ્રિય એવી ગાડીનું બારણું જોરથી બંધ કરે છે. નાની દીકરીના એક હાથની નાજુક આંગળીઓ કારના ડોરમાં ચગદાઈ જાય છે. બંધ કરેલા બારણાં પર પિતાએ જોયું તો એમની પુત્રીએ ક્રેયોનથી લખ્યું હતું 'આઈ લવ યુ, પપ્પા' બાળકી પીડાથી બેવડ વળી ગઈ. તેની એક આંગળીને હોસ્પીટલમાં કપાવી નાખવી પડી.
નાનકડી અબૂધ દીકરી પિતાને પૂછે છે 'પપ્પા, મારી આંગળી ફરી ઊગશે પપ્પા ?'
પિતાને પુષ્કળ પસ્તાવો થાય છે કે 'મેં મારી દીકરી કરતાં મારી ગાડીને વધુ મહત્વ આપ્યું.' છોકરી જ્યારે જ્યારે પોતાની કપાયેલી આંગળીઓ ઉપર નજર કરશે ત્યારે એને વર્ષો પહેલાંનો પિતાનો ક્રોધિત ચહેરો જ નજર સામે દેખાવાનો. ક્રોધનું કેવું ખરાબ પરિણામ આવ્યું ! 'ફિર પછતાયે હોત ક્યા જબ ચીડિયા ચુગ ગઈ ખેત.'
'મહાભારત' સિરિયલમાં કોપભવનના દ્રશ્યનું શુટિંગ પૂર્ણ થયું પછી કૈકેયીનું પાત્ર ભજવનાર પદ્મા ખન્ના ધ્રૂસકે ધ્રૂસકે રોઈ પડી હતી. પહેલાના સમયમાં રાજાઓના મહેલમાં એક વિભાગ કોપભવન તરીકે ગણાતો. રીસે ભરાયેલી રાણી ત્યાં જતી. પછી રાજા એ રાણી પાસે જઈ તેને મનાવતો અને તેની ઇચ્છા પૂછતો. આજના યુગમાં ઘણા શહેરોમાં આવા કોપભવનના આધુનિક સ્વરૂપ તરીકે 'એન્ગર રૂમ' ખૂલ્યા છે. જેમાં જઈને ક્રોધિત થયેલો માણસ ત્યાં મૂકેલી ચીજવસ્તુઓની તોડફોડ કરીને પોતાના ગુસ્સાને બહાર કાઢે છે અને હળવો થાય છે. મફતમાં નહીં હો ! જ્યારે માણસ કોઈ અંગત સ્વજન પર ક્રોધ અનુભવે છે ત્યારે અંદરથી ધૂંધવાય છે પણ કશું બોલી શકતો નથી, ત્યારે એન્ગર રૂમ એ ક્રોધનો મોક્ષ કરે છે. આધુનિક યુગમાં સતત દોડતો માણસ વ્યસ્તતાને કારણે સમય બગડે ત્યારે ક્રોધ કરે છે. મગજમાં ભરાયેલો ક્રોધ વરાળની માફક બહાર કાઢવા માટેનો એન્ગર રૂમ જાણે એક વાલ્વ છે. મનોવિજ્ઞાાનીઓ પણ ક્રોધને શમાવવા આવી ડિસ્ટ્રક્ટિવ થેરાપીનો ઉપયોગ કરે છે. પરંતુ આને લીધે ગુસ્સાવાળી વ્યક્તિ ટેવ પડી ગઈ હોવાથી ઘરમાં પણ તોડફોડ કરવા પ્રેરાય છે. સારી વાત એ છે કે ગુસ્સાને શમાવવા માણસે ક્રોધની ઊર્જાને કોઈ સર્જનાત્મક માર્ગે વાળવી જોઈએ. માત્ર થોડા સંયમથી આપણે કેટલાયે સંઘર્ષ ટાળી શકીએ છીએ. પ્રાચીન સમયમાં પ્લેટોનિક અને એરિસ્ટોટેલિયન પરંપરાના લોકો આવા 'સાત્વિક ક્રોધ'માં માનતા હતા. ઘણા સંબંધવિછેદનું મૂળ કારણ ગુસ્સો જ હોય છે. બોલતા તો સૌને આવડે પણ પક્વ અને ડાહ્યું માણસ ગુસ્સો કરતા પહેલા પરિણામ વિચારે છે અને જતું કરે છે.
તામસી માણસ હંમેશા દુર્વાસાના પાત્રમાં જ હોય છે. કોઈ એને જરાક અડકે (વતાવે) ત્યાં બ્લાસ્ટ થાય. મનોજ ખંડેરિયા કહે છે કે 'શિરાએ શિરામાં સુરંગો પડી છે, ગમે ત્યારે ફૂટશે ભડાકાનો માણસ.' આવા માણસો પોતાની હતાશા કે વિફલતા બીજા પર ગુસ્સો ઠાલવીને દર્શાવતા હોય છે. જેને તેઓ બહાદુરી સમજે છે. પણ ખરેખર એ કાયરતા કે નામર્દાઈ છે. મોટાભાગે એનો ભોગ ઘરના સ્ત્રી પાત્રો જ બને છે. એવું કહેવાય છે કે 'નબળો ધણી બૈરી પર શૂરો.' ક્રોધ ખરેખર તો નિર્બળતાની નિશાની છે. માણસ મોટાભાગે પોતાના પર નિર્ભર હોય તેવા આશ્રિતો જેમ કે બાળકો, પત્ની, નોકરો પર ક્રોધ કરતો હોય છે. પણ પછીથી એ જ લોકો સમાજમાં ખૂની કે લૂટારાં બને છે અને ગુનાહિત કાર્યો કરી ક્રોધ કરનારને જ વેરભાવે નુકશાન પહોંચાડે છે.
ઘણી વ્યક્તિ તો હંમેશા ધુંવાફૂવા જ હોય જાણે આ પૃથ્વી પર શ્વાસ લઈને સૌ પર ઉપકાર કરતો હોય ! એ પ્રવેશ કરે કે તરત જ ઘરમાં સોપો પડી જાય છે. આવા માણસને કોઈનો સાચો કે શુદ્ધ પ્રેમ મળતો નથી. અમુક તો વળી આખો વખત સરકાર કે હવામાન, કાયદાઓ કે સમાજની રૂઢીઓ, વસ્તીવધારો કે ટ્રાફિકને નિશાન બનાવી ક્રોધ કરતા હોય છે. તેના પોતાનાથી એક પાંદડું પણ હલવાનું ન હોય છતાં જાણે સમાજસુધારણા પર લેકચર આપવાનો ઠેકો લીધો હોય તેમ ઉકળ્યા કરે છે અને વાણીવિલાસ કરે છે. ગુસ્સાની એક પળ પણ પવનના સુસવાટા જેવી છે જે મગજની બત્તી ગુલ કરે છે. વિચારશીલતા અને વિવેક ક્રોધ આવે ત્યારે કોસો દૂર ભાગી જાય છે. નિરાશા, દગો, અસંતોષ, નિષ્ફળતા, અહં વગેરેમાંથી ક્રોધ જન્મે છે. ક્રોધ એ અહંકારમાંથી જ ફૂટે છે. ઘણા માણસો સૌ પર એક ડર કે ધાક બેસાડવા ક્રોધ કરતા હોય છે. સૌ વિચારે કે વાઘના મોંમાં કોણ હાથ નાખે ! પરંતુ તેના ક્રોધને એટલે સહન કરતું કારણ કે એ સજ્જન છે. વિચારવું એ રહ્યું કે ક્રોધ એ એકમાત્ર માર્ગ છે જે ક્રોધિત વ્યક્તિને હળવી કરે ? કોઈના પર ગુસ્સો કરવાથી ખરેખર વ્યક્તિ હળવી થાય છે ખરી ? ક્રોધ ઉતરી ગયા પછી વ્યક્તિ હળવી થવાને બદલે ઉલટાની પસ્તાય છે. બેકાબૂ ગુસ્સો ક્યારેક વિધ્વંસક પુરવાર થાય છે. પોતાની જ પ્રિયવ્યક્તિ કે પરિવારને ભરપાઈ ન કરી શકાય તેવું નુકશાન પહોંચાડે છે. ક્યારેક તો આવી વ્યક્તિ પોતે જ ક્રોધના દુષ્પરિણામ આખી જિંદગી ભોગવે છે. ક્રોધમાં લેવાયેલા નિર્ણયો કદી સાચા હોતા નથી. ગુસ્સાનો ભોગ બનનાર કરતા ગુસ્સો કરનારને પોતાને જ વધુ નુકશાન થાય ન છે. ક્રોધ એ લગામવગરની ઘોડી છે. એની વૃદ્ધિ કેટલાયે ગણી હોય છે. ક્રોધ તો આવે, દરેક વ્યક્તિને આવતો હોય. આપણે પ્રાણીઓને પણ ગુસ્સો કે ખીજ કરતા જોઈએ છીએ. પરંતુ ‘Excessof anything makes poison.' ક્રોધ માણસને જાનવર બનાવી દે છે. એનાં ખરાબ પરિણામો દર્શાવતા અનેક ઉદાહરણો તમારી આસપાસ જ જોવા મળશે. ગુસ્સો કરનારને એવું જ લાગતું હોય છે કે તે પોતે વાજબી કારણસર ગુસ્સો કરે છે. તેને ગુસ્સો કર્યા સિવાય કોઈ છૂટકો જ ન હતો.
આપણા સમાજમાં ગુસ્સો પી જનાર માણસને લોકો ડરપોક સમજે છે, એ ખોટું છે. ક્રોધ ત્યજવા માટે છપ્પનની છાતી જોઈએ. કારણ કે તેમાં અહંનો ત્યાગ પહેલા કરવો પડે. વળી ક્રોધને જીતવો અને મનમાં દબાવી દેવો એમાં તફાવત છે. ક્રોધ કરનારને શારીરિક, માનસિક અને સામાજિક એમ બધી રીતે હાની પહોંચે છે તેમ દબાવી દેવાથી પણ વધુ નુકશાન થાય છે. મનની માલીપા ધરબી દીધેલો ક્રોધ ઝેરની જેમ પ્રસરી જાય છે. જે હાઈ બીપી, એસીડીટી, માઈગ્રેન, અનિદ્રા, અલ્સર કે ડીપ્રેશન જેવા અનેક રોગને જન્મ આપે છે. એટલે ક્રોધને દબાવવા કરતા વ્યક્ત કરવો વધુ સારો. એનું શમન થતા માણસનું મન શાંત પડે છે. ગીતામાં કહ્યું છે કે...
ક્રોધાદ્ભવતિ સમ્મોહ: સંમોહાત્સ્મૃતિવિભ્રમ:।
સ્મૃતિભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ।। ૬૩ ।।
માણસની કામનાઓ પૂર્ણ ન થતા ક્રોધિત થાય છે. ક્રોધથી ભાન-સાન ગુમાવેલો મૂઢ માણસ બુદ્ધિનાશ થવાથી સારાસારાનો વિવેક ગુમાવી બેસે છે. એટલે કે સર્વ વિનાશ અને દુ:ખનું મૂળ ક્રોધ જ છે. ગુસ્સાના ગામમાં વસવાટ કરો એ પળે જ તમારી પડતીનો પ્રારંભ થાય છે.
ઇતિ...
બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
- વિનોબાજી