Get The App

ઋદ્રાક્ષ હોય કે માણસ : એકમુખી મળવા મુશ્કેલ .

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
ઋદ્રાક્ષ હોય કે માણસ : એકમુખી મળવા મુશ્કેલ                . 1 - image


- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ

- આપણને ધિક્કારમાં, નફરતમાં અને તિરસ્કારમાં જેટલો ઉંડો વિશ્વાસ છે તેટલો પ્રેમ, કરુણા અને લાગણીમાં નથી. ઘણા તો એ વાત પણ સ્વીકારી શકતા નથી કે, જરૂરિયાત વગરના કે પછી અપેક્ષા વગરના સંબંધો પણ અસ્તિત્વ ધરાવે છે.

એક વખત સાગર, કિશોર, રિતેશ, ભદ્રેશ અને ચિરાગ નામના પાંચ મિત્રોએ ભેગા થઈને ઓફિસ શરૂ કરી. આ પાંચેય મિત્રો અલગ અલગ ફિલ્ડમાં કામ કરતા હતા છતાં કેટલાક કામ એવા હતા જેમાં તેમને એકબીજાની જરૂર પડતી હતી. આ લોકોએ એક ઓફિસ રાખીને કામ શરૂ કર્યું. થોડા સમય તો કામ ખુબ જ સરસ રીતે ચાલ્યું. સ્થિતિ એવી થતી હતી કે, આ પાંચેય પોતાના ફિલ્ડનું પણ કામ કરતા હતા તેથી તેમને મળવા માટે પણ અલગ અલગ લોકો આવતા હોય. તેના કારણે આવનારા લોકો તો પાંચેયને ઓળખવા લાગ્યા. ઘણી વખત કિશોરનો ક્લાયન્ટ બારોબાર ભદ્રેશને મળી લે અને કામ કઢાવી લે તો ક્યારેક એવું બને કે ચિરાગને મળવા આવેલી વ્યક્તિ કોઈ રેફરન્સથી રિતેશના સંપર્કમાં આવે અને ચિરાગને સાઈડલાઈન કરીને ઓફિસ બહાર જ કામ પતાવી દે. સાગરને પુછયા વગર જ કિશોર તેના સોર્સનો ઉપયોગ કરવા લાગે. પરિસ્થિતિ એવી થવા લાગી કે, છ મહિનાની અંદર તો ઓફિસમાં ઝઘડા શરૂ થઈ ગયા. દરેકને એમ લાગવા માંડયું કે, બીજા ચાર મારી સાથે છેતરપિંડી કરે છે. દરેકને એકબીજા માટે શંકા થવા લાગી. બીજાના કારણે પોતાનું કામ અટકી ગયું હોય, છીનવાઈ ગયું હોય તેવી લાગણી થવા લાગી હતી. તેમના મનની શંકાઓ ધીમે ધીમે વાતોમાં આવવા લાગી અને એક વર્ષ પૂરું થતા પહેલાં તો સાથે કામ કરવાનું જે સપનું હતું તેનું બાળમરણ થઈ ગયું. 

વાત એવી હતી કે, બધા જ લોકો મિત્રો હતા છતાં તેઓ એકબીજા પ્રત્યે ક્યાંકને ક્યાંક વફાદાર નહોતા અથવા તો પ્રામાણિક નહોતા. દરેકના મનમાં વધારે લાભ લેવાની ઘેલછા હતી. તેના કારણે જ તેઓ એકબીજાથી કંઈકનું કંઈક છુપાવતા અથવા તો ભળતું  સત્ય બોલી કાઢતા. તેના પગલે તેમના સંબંધ બગડવા લાગ્યા. માણસ પોતાનો ચહેરો છુપાવવા માંડે અને મહોરા બતાવવા લાગે ત્યારે સમજી જવાનું કે હવે સંબંધ લાંબો ખેંચાય તેમ નથી અથવા તો ખેંચવો યોગ્ય નથી. 

આજે માણસ કરતાં, સંબંધો કરતાં, કે પછી સ્નેહ કરતાં સ્પર્ધા વધારે મહત્વની થઈ ગઈ છે. લોકોને એટલા ઝડપથી આગળ વધી જવું છે કે, સંબંધો, સંવેદનાઓ, સહાનુભુતીઓ વગેરેને કોઈ સ્થાન આપવા જ માગતી નથી. જો તેમને સ્થાન મળે છે તો માત્ર સાધન તરીકે મળે છે. તેનાથી વધારે કશું જ નહીં. આજે ટીવી પર પાતળા થવાની, ગોરા થવાની, શક્તિશાળી થવાની વગેરે અનેક જાહેરાતો આવે છે અને પ્રોડક્ટ વેચાય છે પણ ક્યારેય આપણને એવી જાહેરાત જોઈ જે માનવતા વિકસાવવાની અને પ્રેમ તથા મૂલ્યોનું સવર્ધન કરવાની વાત રજૂ કરતી હોય. આપણે દરેક વસ્તુનો અને વ્યક્તિનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. આપણે કોઈની વસ્તુ લેતાય ખચાકતા નથી અને સાથે સાથે જરૂર પડયે તે વ્યક્તિનેય વાપરી કાઢવાની આપણી દાનત હોય છે. 

તેના કારણે જ કોઈ કોઈની સામે સાચું કહેતું જ નથી. દરેક પોતાની લિટિ મોટી કરવા મથે છે પણ મહેનત કરીને નહીં. લોકોને હાલમાં બીજાની લિટી નાની થાય તેમાં રસ છે. આ રીતે જ પોતાની લિટી મોટી કરવા પ્રયાસ કરવામાં આવે છે. ઈશ્વરે જ્યારે માણસને બનાવ્યો ત્યારે તેનામાં શ્રદ્ધા અને સફળતા બે ઠાંસી ઠાંસીને ભર્યા હતા. માણસે આ બે બાબતોનો પણ ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું. આપણને ઈશ્વરમાં શ્રદ્ધા નથી પણ તે જો ધાર્યું પરિણામ આપે તો બદલામાં તેને પણ કંઈક આપવાની આપણી ધારણા હોય છે. ઈશ્વરને બાધા પૂરી કરીને રાજી કરીએ છીએ પણ ખરેખર ઈશ્વર રાજી છે કે કેમ તે જોતાં નથી.

આપણે સતત કોઈને કોઈ મુદ્દે અથવા તો કોઈને કોઈ વ્યક્તિ માટે ફરિયાદ કરતા હોઈએ છીએ. કોઈ આપણને ગમે છે તો કોઈ આપણને નથી ગમતા. બસ આ ગમા અને અણગમા વચ્ચે આખી જિંદગી પસાર થઈ જાય છે. માણસ જાત સતત બધું જૂએ છે, સાંભળે છે, વિચારે છે અને છતાં જ્યારે આચરણ કરે છે ત્યારે બધું શૂન્ય થઈ જાય છે. આપણે બધા જ બે પ્રકારની જિંદગી જીવતા હોઈએ છીએ, એક તો પોતાના માટે અને બીજી બીજા માટે. એક તરફ આપણે મજબૂત થઈને ગમે તેને ઓળંગી જવાની કે ફંગોળી કાઢવાની શક્તિ ધરાવતા હોવાનું રજૂ કરીએ છીએ અને બીજી તરફ મનમાં ને મનમાં ક્યાંક ને ક્યાંક એકલા તો નહીં પડી જવાય તેવી ભીતી પણ હોય છે. હાલની હરિફાઈમાં બધાને આગળ વધવું છે, જીતવું છે, ઉપર જવું છે પણ કોઈને સાથે નથી રાખવા, રસ્તે અટવાયેલાનો હાથ નથી પકડવો. 

આપણે માણસોનો પણ વપરાશ કરતા થઈ ગયા છીએ. તેના કારણે જ એમ લાગ્યા કરે કે, આપણી આસપાસ રહેલા માણસો તો બધા જ ઋદ્રાક્ષ જેવા પવિત્ર છે પણ તેમાંથી કોઈ એકમુખી નીકળ્યો નથી. બધા જ બે મોઢાની ને ચાર મોઢાની વાતો કરે છે. આ રીતે આપણે સ્વાર્થી થતા ગયા છીએ. કલાકો સુધી ટીવી જોઈ શકીશું પણ પ્રિયજન સાથે વાત નહીં કરી શકીએ. તેની સાથે સમય પસાર નહીં કરી શકીએ. ટીવી પાછળ કલાકો પસાર કરી નાખીશું પણ સ્વજનને મનાવવાનું આપણને પસંદ નથી. તે ટાઈમ બગાડયા જેવું લાગ્યા કરે છે. આપણને ધિક્કારમાં, નફરતમાં અને તિરસ્કારમાં જેટલો ઉંડો વિશ્વાસ છે તેટલો પ્રેમ, કરુણા અને લાગણીમાં નથી. ઘણા તો એ વાત સ્વીકારી શકતા નથી કે, જરૂરિયાત વગરના કે પછી અપેક્ષા વગરના સંબંધો પણ અસ્તિત્વ ધરાવે છે. કોઈ આપણી નજીક આવે, વધારે ધ્યાન રાખે, કાળજી લે ત્યારે આપણે વધારે ગભરાઈ જઈએ છીએ કારણ કે આપણને પ્રેમ પામવાની આદત જ નથી. આપણે તો બાર્ટર સિસ્ટમ કરીને પ્રેમ વહેંચીએ છીએ અને સામે પણ લીએ છીએ. કોઈ વધારે ચાહે કે માન જાળવે તો પણ આપણે ડરી જઈએ છીએ કે, તે કોઈ કામ તો નહીં જણાવી દે ને. આપણને ભય લાગ્યા કરે છે કે, નક્કી અત્યારે નહીં તો ભવિષ્યમાં આ વ્યક્તિ આપણો ઉપયોગ કરવા માગે છે તેથી જ વધારે નજીક છે અથવા તો મારી કાળજી રાખે છે. 

આપણી લોકોની તકલીફ જ એવી છે કે, આપણને બીજા ઉપર અવિશ્વાસ પહેલો આવે છે. તમે કોઈના વિશે સારી વાત કહેશો તો લોકો સ્વીકારતા વિચાર કરશે. તેની સામે તમે કોઈના વિશે ખોટી વાત કહેશો તો તરત જ સ્વીકારી લેશે અને બીજા ચાર લોકોને પણ કહેશે. આપણું આખું જીવન ઋદ્રાક્ષની માળા જેવું છે. તે એકમુખ હશે તો જ તેનું મુલ્ય વધારે હશે અને તો જ તેની અસરકારકતા અને દિવ્યતા વધારે હશે. જેમ જેમ આપણી માળામાં મુખ વધવા લાગ્યા, જેમ જેમ આપણા મહોરા છતા થવા લાગ્યા તેમ તેમ આપણી વેલ્યુ પણ ઘટવા લાગશે. આજે માર્કેટમાં લાકડા અને પ્લાસ્ટિકમાંથી બનાવેલી નકલી ઋદ્રાક્ષની માળાઓ પણ સટફિકેટ સાથે મળવા લાગી છે. તેવી જ રીતે બજારમાં નકલી લાગણીઓ અને બનાવટી ચિંતા કરતા બહુરૂપિયા લોકો પણ ફરતા જ હોય છે.

આપણે જાતે નક્કી કરવાનું છે કે, એકમુખી રહીશું અને સામેની વ્યક્તિને પણ એકમુખી રાખવા પ્રયાસ કરીશું. એકમુખી રહેવાનો ફાયદો એ છે કે, આપણે આપોઆપ દુર્લભની કેટેગરીમાં આવી જઈશું. જેને આપણી સાચી કિંમત ખબર હશે, જેને આપણી લાગણીઓનું સાચુ મુલ્ય ખબર હશે અને જે આપણી અંદર રહેલી દિવ્યતાને જાણતો હશે તે વ્યક્તિ જ આપણી નજીક રહેશે. બાકી બનાવટ કરવાવાળા અને લેભાગુઓ આપોઆપ આપણાથી દૂર થવા લાગશે. કદાચ વ્યક્તિના જીવનમૂલ્યોનું આ જ સાચું વળતર છે.

Tags :