Get The App

મુસોલિની પંડિત ઓમકારનાથ ઠાકુરને મળ્યા ત્યારે...

Updated: Mar 6th, 2023


Google NewsGoogle News
મુસોલિની પંડિત ઓમકારનાથ ઠાકુરને મળ્યા ત્યારે... 1 - image


- અંતર- રક્ષા શુક્લ

ફાગણને જે રંગમઢેલી 

સુગંધ સાથે નિસબત,

એ સુગંધને આંગણથી લઈ 

દિગંત સાથે નિસબત.

ફાગણમાં જો કોઈ કહે કે ગરીબ છું, 

તો ખોટુંત

ફાગણને છલકાતા દિલના 

શ્રીમંત સાથે નિસબત.

જે કોઈ આવ્યું એને રંગો એ જ 

પળે દઈ દીધાત

ફાગણને કોઈ ભેદ વગરના 

પ્રબંધ સાથે નિસબત.

પિચકારી તો છેક શરદની 

રંગોળી થઈ રેલેત

ફાગણને છો જણાય કેવળ 

વસંત સાથે નિસબત.

રંગ-ગંધથી સ્તબ્ધ બનેલી 

કલમ ભલેને અટકીત 

ફાગણને ક્યાં નિશાળિયા કોઈ 

નિબંધ સાથે નિસબત !

                            -જિતુ ત્રિવેદી

બિબ્લિઓલૂર બ્લોગમાં હિન્દુસ્તાની સંગીત પર વિસ્તૃત સંશાધન કરી પુસ્તકો લખનાર ઓસ્ટ્રેલિયન સરોદવાદક એડ્રિયન મેકનીલ નોંધે છે કે હિંદુસ્તાની શાીય સંગીતકારોના વાર્તાલાપના મનપસંદ વિષયોમાં 'રાંધણકળા' વિષય ઘણીવાર પ્રવેશ કરતો હોય છે. વળી તેમાં નોંધપાત્ર રીતે ટોચના ઘણા ભારતીય સંગીતકારો નિષ્ણાત રસોઈયા પણ છે. કારણ કે રસોઈ અને સંગીત બંનેના જ્ઞાાનાત્મક અને સંવેદનાત્મક પાસાઓ વચ્ચે સમાનતા છે. ભારતે વિશ્વને કરેલા પ્રદાનની કે વિશ્વમાં ભારતની ઓળખની વાત આવે ત્યારે ભારતીય શાીય સંગીતનું નામ મોખરે ગણી શકાય. હિન્દુસ્તાન શાીય ગાયનનું અનિવાર્ય લક્ષણ ધ્વનિ છે. ધ્વનિપ્રધાન આ ગાયકીમાં સવિશેષ પ્રાધાન્ય શબ્દનું નહીં પરંતુ ધ્વનિનુ જ હોય છે. શબ્દોના અર્થ અને તે દ્વારા અભિવ્યક્ત થતા વિષયના બદલે શાીય સંગીતમાં સ્વરના આરોહ-અવરોહને અગત્યતા આપવામાં આવે છે. અન્ય સંગીતની તુલનાએ શાીય સંગીતને ખૂબ ઊચ્ચ પ્રકારનું માનવામાં આવે છે. જેના શ્રોતાઓનો એક ખાસ વર્ગ હોય છે જે શાીય રાગરાગિણીની ઊંડી સમજ ધરાવે છે.  

હિન્દુસ્તાની શાીય પરંપરામાં સૌથી મહાન અને સૌથી પ્રભાવશાળી ભારતીય ગાયક ઉસ્તાદ અમીરખાં હતા જેઓ ઈન્દોર ઘરાનાના સ્થાપક હતા. ઉસ્તાદ અમીર ખાં સાહેબે એક વાર વાતવાતમાં મ્યુઝિક ડિરેક્ટર ઓ. પી. નય્યરને કહ્યું કે ભક્તિગીતમાં રાગ કેદાર જેટલી જમાવટ કરે છે એવી અસર બીજા મૂડના ગીતોમાં પેદા કરી શકતો નથી. આખી કરીઅરમાં લતા મંગેશકર પાસે એક પણ ગીત ન ગવડાવનાર ઓ. પી. નય્યર કહેઃ 'ઠીક હૈ. મૈં આપકો દૂસરે મૂડ મેં કંપોઝ કરકે સુનાઉંગા.' થોડા દિવસો બાદ નય્યરસાહેબે ઉસ્તાદ અમીર ખાંને પોતાના મ્યુઝિક રૂમ પર આવવા આમંત્રણ આપ્યું અને કહ્યું: 'ગુસ્તાખી માફ ખાં સાહબ, અબ આપ યે ગાના સુનિયે ઔર ક્લાસિકલ મ્યુઝિક કે હિસાબ સે મૈંને સહી કિયા હૈ યા નહીં વો બતાઈએ.' એ ગીત ક્યું હતું એ જાણો છો ? મોહમ્મદ રફી અને આશા ભોંસલેના અવાજમાં ગવાયેલું રાગ કેદાર પર આધારિત યાદગાર લવસોંગ 'આપ યૂં હી અગર હમ સે મિલતે રહે, દેખિયે એક દિન પ્યાર હો જાએગા...' ગીત સાંભળીને ઉસ્તાદજી ખુશ ખુશ થઈ ગયા અને નય્યરસાહેબને બિરદાવતા કહ્યું કે 'યાર, તુમને તો કમાલ કર દિખાયા!', આ એ જમાનો હતો જ્યારે મોટાગજાના મહાન કલાકારો પણ કોઈ અન્ય કલાકારની પ્રશંસા કે કદર કોઈ રાગદ્વેષ વિના ખુલ્લા મનથી કરતા. 

શાીય ગાયન ક્ષેત્રે અનોખું પ્રદાન આપનાર ગાયકોની વાત આવે ત્યારે સંગીતની શિક્ષા ગ્વાલિયર ઘરાનાના કિંમતી ઘરેણા જેવા વિષ્ણુ દિગંબર પલુસ્કર જેવા દિગ્ગજ ગાયકને યાદ કરવા જ પડે. ગુરુ પાસેથી સંગીત શીખતા નેત્રહીન પલુસ્કર આખી-આખી રાત તાનપુરો લઇને રિયાઝ કર્યા કરતા હતા. ઊંઘ ન આવે એટલા માટે દોરડા સાથે ચોટલી બાંધી દેતા અને ખરા અર્થમાં ચોટલી બાંધીને અભ્યાસ કર્યો હતો. પલુસ્કરે ૧૯૦૧માં લાહોરમાં ગાંધર્વ મહાવિદ્યાલયની સ્થાપના કરી. સંગીત મહાવિદ્યાલયના પાયા મજબૂત અને ઊંડા કરવાની લગન અને ધૂનને લીધે તેઓ પિતાની અંત્યેષ્ઠીમાં પણ નહોતા ગયા. મહાન પંડિત ઓમકારનાથ ઠાકુર પણ શાીય ગાયકીના આવા જ ઉસ્તાદ હતા જે ૧૮૯૭માં ગુજરાતના આણંદ જિલ્લાના નાનકડા ગામમાં જન્મેલા હતા. 

કુટુંબની આથક સ્થિતિ નબળી હોવાથી આજીવિકા રળવા સૌ પગપાળા ભરૂચ ગયા. પિતાનું મૃત્યુ થતાં પરિવારની જવાબદારી ઓમકારનાથને શિરે આવી. માતા સુખી ઘરોમાં કામે જતી, બાળક ઓમકારનાથ કુમળી વયે રસોઈ કરવા જતો. સંગીતની જન્મજાત અભિરુચિ હોવાથી આસપાસના ગાયનવાદનના કાર્યક્રમોમાં પહોંચી જતો. તેની મધુર કંઠથી પ્રભાવિત થઈ એક રામલીલાવાળાએ માસિક આઠ રૂપિયાના પગારથી બાળક ઓમકારને નોકરીમાં રાખી લીધે. પરંતુ ભરૂચના એક પારસી સદગૃહસ્થ શાપુરજી મંચેરજીએ ઓમકારનાથનું ગાયન સાંભળ્યું. પ્રસન્ન થઇ તેમણે તેને મુંબઈમાં પં. વિષ્ણુ દિગંબર પલુસ્કરના ગાંધર્વ સંગીત મહાવિદ્યાલયમાં શાીય પ્રશિક્ષણ માટે વ્યવસ્થા કરી આપી. પં. વિષ્ણુ દિગંબર પાસેથી સંગીતની પાસેથી શિક્ષા મેળવી તેઓ ગ્વાલિયર ઘરાનાના ગાયક બન્યાં. સાથોસાથ તેઓએ પોતાની અલગ જ ગાયકી વિકસાવી. સાત વર્ષના કઠોર પરિશ્રમ પછી પંડિતજી ૨૦ વર્ષની વયે શાીય ગાયકીમાં પારંગત થયા. પં. પલુસ્કરજીએ ૧૯૧૬માં ઓમકારનાથની લાહોર સ્થિત ગાંધર્વ સંગીતવિદ્યાલયના આચાર્યપદે નિમણૂક કરી. અહીં તેઓ પટિયાલા ઘરાનાના પરિચયમાં આવ્યાં. ૧૯૧૯માં તેઓ ભરૂચ પરત ફર્યા. અહીં તેમણે પોતાની સંગીતશાળા 'ગાંધર્વ નિકેતન' ની સ્થાપના કરી.

૧૯૧૮માં પંડિત ઓમકારનાથજીએ પોતાનો સૌ પ્રથમ સંગીત કાર્યક્રમ આયોજિત કર્યો. લોકપ્રિયતા વધતા તેમણે દેશ-વિદેશમાં સંગીતસમારોહોમાં ભાગ લેવા માંડયો. પંડિત                ઓમકારનાથજીની અદભુત ગાયકીએ એમને લાહોર, બનારસ અને અફઘાનિસ્તાન, ઇટાલી, ઇંગ્લન્ડ, જર્મની, નેપાળ, નાર્વે, ફ્રાન્સ, બેલ્જિયમ, સ્વિટ્ઝર્લન્ડ, સ્વીડન, હંગેરી, હોલન્ડ આદિ અનેક દેશોમાં સંગીતયાત્રા કરી ભવ્ય સમારંભો યોજ્યા અને અનેક વ્યાખ્યાનો પણ આપ્યાં. વિશ્વશાંતિ પરિષદમાં તેમણે પ્રસ્તુત કરેલું 'વંદે માતરમ્' ગીત શ્રોતાઓની અપ્રતિમ ચાહના પામ્યું. ૧૯૫૦માં કાશી વિશ્વવિદ્યાલયમાં સંગીતવિભાગના અધ્યક્ષ રહ્યા. નિવૃત્તિ પછી ત્યાં જ કલા સંગીતભારતી નામે અકાદમી સ્થાપી. તેમણે 'રાગ અને રસ', 'સંગીતાંજલિ' તથા 'પ્રણયભારતી' પુસ્તકો લખ્યાં છે.

ઓમકારનાથજીએ સંગીતના વિચક્ષણ ખેરખાંઓને તો પોતાની ગાયકીથી ચકિત કર્યા જ પરંતુ આમ શ્રોતાઓને પણ મંત્રમુગ્ધ કર્યા. તેમના સ્મારકરૂપ પ્રચંડ અવાજની આશ્ચર્ય પમાડે તેવી બહોળી ટોનલ રેંજ, ઊંડાણ અને યોગ્ય માત્રામાં ફૂટતાં અદ્ભુત સૂરોનું મિશ્રણ બધું જ ગરિમાયુક્ત પ્રતીતિ આપતું. તેમની સાથે સંગત કરતા ચાર તાનપુરા અને સંગત આપતા બે ગાયકોને જોઇને કોઈ પણ તેને સપ્તષ નક્ષત્ર સાથે તુલના કરવા સ્વાભાવિકપણે જ લલચાય. કલામર્મજ્ઞાના એક મોટા વર્ગને પંડિતજીના સંગીત વિશે કંઈક અસ્પષ્ટ લાગતું કેટલાક લોકો માટે તેઓ રોમેન્ટિક હતા તો અન્ય લોકો તેમને ઉચ્ચ શ્રેણીના ગાયક માનતા હતા. પણ હકીકત એ છે કે તેણે બધુંએકસાથે મૂક્યું હતું, અને એ વાત જ તેના પ્રશંસકો તેમજ વિવેચકોનું ધ્યાન આકષત કરે છે. પરંતુ હકીકત એ છે કે એમના દ્વારા એ બધુંું જ એકસાથે લોકો સમક્ષ મૂકાયું જેનાથી ઓમકારનાથજીના પ્રશંસકોની સાથે સાથે વિવેચકો પણ આકષત થયા. 

પંડિતજી પોતે જૂના શાોમાં દ્રઢપણે માનતા અને કહેતા કે પોતે ગાયકીમાં રૂઢિચુસ્ત છે. સંગીતના ચમત્કારો અને રહસ્યોમાં નિશ્ચિતપણે માનતા હોવા છતાં, તેમણે પોતાની એક એવી શૈલી વિકસાવવાનું પસંદ કર્યું હતું જે પશ્ચિમી સંગીતના ઝડપી હલનચલન (ઝાટકા) અને સ્વરકંપન જેવા લક્ષણોને પણ સમાવિષ્ટ કરી મૂર્ત સ્વરૂપ આપે. તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમી સંગીત વાદ્યોના ઉપયોગ માટે ભારતીય પરંપરાની સંપૂર્ણ મંજૂરી છે. પોતાની વાત સાબિત કરવા માટે પોતાના પરફોર્મન્સની વચ્ચે વચ્ચે જ શાોમાંથી કોઈ સારી સંલગ્ન વાટ અને શ્લોક ટાંકતા રહેતા. પંડિત ઓમકારનાથ સંસ્કૃત ભાષાના તથા સામવેદના ઊંડા અભ્યાસી હતા. ગુજરાત સાહિત્યસભાએ ૧૯૪૩માં પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણ ચંદ્રક અર્પણ કરીને એમનું બહુમાન કર્યું ત્યારે કૃતજ્ઞાતા વ્યકત કરતા સુંદર વક્તવ્ય આપ્યું હતું. સાહિત્ય અને સંગીતના સંબંધ વિષયે એમણે કહેલું કે 'સાહિત્ય અને સંગીતને હું તો સદૈવ સહોદર જ માનતો આવ્યો છું, કારણ 'સંગીતમથ સાહિત્યં સરસ્વત્યાથ કુચદ્વયમ્'. સાહિત્યકાર અને સંગીતકારને માટે માજણ્યા ભાઈ સિવાય અન્ય કયો સંબંધ યોગ્ય ગણાય?.....એક બીજી દ્રષ્ટિ. સાહિત્યનું ઉન્નત અંગ એટલે કાવ્ય અને કાવ્યનો આત્મા એટલે સંગીત કારણ કાવ્યનું વૈશિષ્ટ્ય એની ગેયતામાં છે એમ વેદ પ્રતિપાદે છે.'સંગીતના કાર્યક્રમોની સાથે સાથે ઓમકારનાથજીએ ભારતીય સંસ્કૃતિ વિષયક પ્રવચનો પણ કર્યાં. સમગ્ર દેશમાં ''રાગ અને રસ'', ''આપણી સંગીત સંસ્કૃતિ'' તથા સંગીતના અન્ય વિષયો ઉપર ઓમકારનાથજીએ મનનીય અને વિચારપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં હતા. મુંબઈ યુનિ.ના પદવીદાન સમારંભખંડમાં એમણે ''ગુજરાતકા સંગીતસત્વ'' વિષય પર પાંચ વ્યાખ્યાનો આપ્યાં. કાલિદાસકૃત 'મેઘદૂત' અને 'શાકુંતલ'ના અનુવાદ પણ કર્યા. 'સંગીતાજલિ' નામનું સંગીતશા ઉપર છ ભાગમાં એક સંશોધનત્મક પુસ્તક પણ લખ્યું. આ ઉપરાંત 'પ્રણવભારતી' તેમનો વિદ્વતાપૂર્ણ ગ્રંથ છે. 

પંડિત ઓમકારનાથ ઠાકુરના કંઠે ગવાએલ સદા સુહાગન ભૈરવી રાગમાં 'મત જા, મત જા જોગી', કે માલકૌંસમાં ગવાએલ ''પગ ઘૂઘરુ બાંધ મીરા નાચી રે''કે 'પછી મૈં નહિ માખન ખાયો' અને 'વંદેમાતરમ' જેવાં અનેક ગીતો એકવાર સાંભળવા છતાં ફરી ફરી સાંભળવાનું મન થાય એવાં બળુકાં છે. રાષ્ટ્રીય અધિવેશનોમાં તેમના કંઠે ગવાયેલ 'વંદે માતરમ'નું ગાન એ સભાનું નજરાણું ગણાતું. ૧૯૫૩માં બુડાપેસ્ટ ખાતે યોજાયેલ 'વિશ્વશાંતિ પરિષદ'માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. જ્યાં તેમણે પ્રસ્તુત કરેલું 'વંદેમાતરમ' શ્રોતાઓની અપાર ચાહના પામ્યું. પંડિતજી શયદાની ગઝલ પણ ગાતા. કવિ નાનાલાલનું કાવ્ય 'વિરાટનો હિંડોળો' પંડિત ઓમકારનાથ ઠાકુર ગાતા. જે કાલાતીત બની ગઈ. કવિ અમર ભટ્ટ કહે છે કે 'કવિતા સંગીતના માધ્યમથી પણ ભાવકો સુધી પહોંચે તેવી મારી આજની શ્રદ્ધાના પાયામાં 'વિરાટનો હિંડોળો' છે.'મહાત્મા ગાંધીએ એકવાર કહેલું કે 'પંડિત ઓમકારનાથજી એક ગીત ગાઈને જે હાંસલ કરી શકે છે તે હું સંખ્યાબંધ ભાષણો આપીને પણ મેળવી શકતો નથી.' અક્ટર-નાટયસર્જક પિતા પૃથ્વીરાજ કપૂર તેમના ગાયનના ઘેલા ચાહક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે 'પંડિતજી એટલું અદભુત ગાય છે કે તેમનાં ગીતોને સાંભળવા જ નહીં, પણ આંખથી જોવા પણ જોઈએ.' મીરાંબાઈની રચના 'રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર' અને કવિ નર્મદના 'જય જય ગરવી ગુજરાત' બંને કવિતાનું સ્વરાંકન કરનાર શ્રી કંચનલાલ મામાવાળા અને પંડિત ઓમકારનાથ પરમ મિત્રો હતા. પણ કોઈ બાબતે મતભેદ થતા એ મૈત્રી તૂટી હતી. પરંતુ પંડિતજીના અવસાન પછી અંજલિ આપતા મામાવાળાએ કહેલું કે 'મતભેદ થવાથી અમે બંનેએ અન્યોન્યની ખૂબ ટીકા કરીત પણ અંતિમ નિષ્કર્ષ એ નીકળે છે કે પંડિતજી પ્રતિભાશાળી કલાકાર હતા. એમની વિવિધલક્ષી જ્ઞાાનગરિમા, એમનું અધ્યયન, ચિંતન,પરિશીલન અને સત્યાન્વેષણ. સદીઓ પછી કોઈ એક કલાકારમાં સાથે મળ્યા અને ખબર નથી કે હવે પછી ક્યારે મળશે. ગવૈયા ઘણા થશે, શાજ્ઞા પણ ઘણા થશે. બંનેનો સમન્વય કરવાવાળો કોઈ વિરલો મળી પણ આવેત પણ ઓમકારનાથ ફરીથી થશે કે નહીં એમાં શંકા છે.' મુંબઈ સમાચાર નોંધે છે કે ઓમકારનાથ ઠાકુર એકવાર ઇટાલીના પ્રવાસે ગયેલા ત્યારે બનેલી ઘટના દરેક ભારતવાસી પોતાની પ્રાચીન સંસ્કૃતિ માટે ગૌરવ લઇ શકે તેવી છે. ભારતના એ મહાન સંગીતજ્ઞાના સન્માનમાં મુસોલિનીએ એક ભોજન સમારંભ યોજ્યો હતો. જેમાં ઓમકારનાથ ઠાકુર અને રાજકારણીઓ સહીત ઇટાલીમાં રહેતા ઘણા અગ્રગણ્ય ભારતીયો તથા ભારતના દૂતાવાસના સભ્યો પણ ઉપસ્થિત હતા. સમારંભમાં મુસોલિનીને શું સૂઝયું કે તેણે ભારતની પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિની મજાક કરતાં બધા મહેમાનોની વચ્ચે ઓમકારનાથ ઠાકુરને કહ્યું કે 'મિ. ઠાકુર મેં સાંભળ્યું છે કે તમારા દેશમાં કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે આજુબાજુના વિસ્તારની બધી ગાયો નાચવા લાગતી, મોર કળા કરવા લાગતા, ગોપીઓ સૂધબૂધ ખોઈને કૃષ્ણ જ્યાં વાંસળી વગાડતા હોય ત્યાં દોડી આવતી, શું તમે આ વાતને માનો છો ?'

પંડિતજીએ કહ્યું કે 'કૃષ્ણ જેટલું તો મારું સાર્મથ્ય નથી કે નથી સંગીતની બાબતમાં મારી તેમના જેટલી સમજણ. અને સાચું તો એ છે કે સંગીત સંબંધે આ પૃથ્વી ઉપર આજ સુધીમાં કૃષ્ણ જેટલી સમજણવાળો કોઈ બીજો પેદા થયો હોવાનું પણ જાણવા મળતું નથી. પરંતુ સંગીતનું જે થોડું ઘણુ જ્ઞાાન મને છે તે, તમે કહો તો હું તમારી સામે રજુ કરું.'  

મુસોલિનીએ મજાકમાં જ કહ્યું કે, 'જો કે સંગીતના કોઈ સાધનો અહીં ઉપલબ્ધ નથી છતાં પણ જો શક્ય હોય તો કંઈક કરી બતાવો તો અહીં ઉપસ્થિત મહાનુભાવોને પણ ભારતીય સંસ્કૃતિનો પરિચય મળે.'

ઓમકારનાથ ઠાકુરે ડાઈનીંગ ટેબલ ઉપર પડેલા કાચના જુદા જુદા પ્યાલામાં ઓછું વધારે પાણી ભરીને તેના ઉપર છરી કાંટાથી જલતરંગની જેમ વગાડવું શરૂ કર્યું. બે મિનિટમાં તો ભોજન સમારંભની હવા ફરી ગઈ. વાતાવરણમાં એક પ્રકારની ઠંડક વર્તાવા લાગી. પાંચ મિનિટ, સાત મિનિટ અને મુસોલિનીની આંખો ઘેરાવા લાગી. વાતાવરણમાં એક પ્રકારનો નશો છવાવા લાગ્યો. મદારી બીન વગાડે અને અવશપણે જેમ સાપ ડોલવા લાગે તેમ મુસોલીની ડોલવા લાગ્યો અને તેનું માથું જોરથી ટેબલ સાથે અથડાયું.

'બંધકરો... બંધ કરો...' મુસોલિની બૂમ પાડી ઉઠયો. સમારંભમાં સન્નાટો છવાઈ ગયો. બધા લોકોએ જોયું તો મુસોલિનીના કપાળમાં ફૂટ પડી હતી અને તેમાંથી લોહી વહેતું હતું.

મુસોલિનીએ પછીથી આત્મકથામાં લખાવ્યું કે 'ભારતની સંસ્કૃતિ માટે મેં કરેલ મજાક માટે હું ભારતની જનતાની માફી માંગું છું. ફક્ત છરીકાંટા વડે પાણી ભરેલા કાચના વાસણોમાંથી ઉદભવેલા એ અદભૂત સંગીતથી જો આ સભ્ય સમાજનો મારા જેવો મજબૂત મનનો માનવી પણ ડોલવા લાગે તો હું જરૂર માનું છું કે એ જમાનામાં કૃષ્ણની વાંસળી સાંભળીને જંગલના જાનવરો પણ શાંત થઈ જતાં હશે અને માનવીઓ પણ સૂધબૂધ ખોઈને ભેળા થઈ જતાં હશે.' હજારો વર્ષ પૂર્વે ભારતના ષિઓએ ધ્વનિશા - નાદબ્રહ્મની સાધના કરી મંત્રયોગ દ્વારા માનવીના ચિત્તના તરંગોને અનેક પ્રકારે રૂપાંતરિત કરવાની પ્રક્રિયાઓ શોધેલ.

ભારત સરકાર તરફથી પદ્મશ્રી ઉપરાંત તેમને નેપાળના મહારાજા તરફથી સંગીત મહોદય, કાશી વિશ્વ મહાવિદ્યાલય તરફથી સંગીત સમ્રાટની પદવી, તરફથી રણજિતરામ સુવર્ણચંદ્રક અને વારાણસી હિંદુ વિશ્વ વિદ્યાલય તરફથી ડાક્ટર ઓફ લેટર્સની પદવી વગેરે સન્માન પ્રાપ્ત થયા છે. ૧૯૯૭માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની સ્મારક ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી.

ઇતિ

પુસ્તક એટલે વ્યક્તિનાં વિચારોનું વસિયતનામું અને લેખકના દિલનો દસ્તાવેજ. 

- કાકાસાહેબ કાલેલકર


Google NewsGoogle News