એન્ટિબાયોટિક્સ લેતી વખતે શું ખાવું અને શું ન ખાવું?
છેલ્લા વરસોમાં એન્ટિબાયોટિક દવાઓ લેવાનું વધ્યું છે. ડૉક્ટરો ખાસ કરીને ગંભીર બિમારીઓમાં એન્ટિબાયોટિક્સ પ્રિસ્ક્રાઈબ કરે છે. સૌથી પહેલા એ સમજી લઈએ કે એન્ટિબાયોટિક્સ શું છે? ટૂંકામાં અને સરળ શબ્દોમાં કહીએ તો એન્ટિબાયોટિક્સ એવી સપ્લિમેન્ટ્સ છે જે બેક્ટિરિય ઇન્ફેક્શન્સથી દર્દીનો બચાવ કરે છે. એ ઇન્ફેક્શન થતું રોકવા ઉપરાંત શરીરમાં એને ફેલાતા પણ રોકે છે. ગંભીર પ્રકારના ઇન્ફેક્શન્સ (ચેપ)ની સારવારમાં એન્ટિબાયોટિક્સ સચોટ ઉપાય ગણાતો હોવા છતાં એની સાથે સાઈડ ઈફેક્ટ્સ પણ જોડાયેલી છે, જેને નજરઅંદાજ ન કરી શક્યા. એન્ટિબાયોટિક્સ લેવાથી લિવર ડેમેજ થઈ શકે છે અને શરીરમાં અબજો હેલ્ધી બેકટીરિયા પર અવળી અસર થાય છે. નાની વયે એન્ટિબાયોટિક્સ લેવાથી ઓબેસિટી (સ્થુળતા)નું જોખમ વધી જાય છે. એ ઉપરાંત એનાથી જુલાબ પણ થઈ શકે છે એટલે જ એન્ટિબાયોટિક ટ્રિટમેન્ટ ચાલતી હોય ત્યારે અમુક ખાસ ફુડ્સ (ખાદ્ય પદાર્થો) લેવાની ભલામણ કરાય છે. આ ફુડ્સ કયા છે, આવો જોઈએ :
૧. યોગર્ટ : પ્રોબિયોટિક ફુડ્સની યાદીમાં સૌથી ઉપર આવે છે યોગર્ટ અને એટલે જ એન્ટિબાયોટિક્સ લીધા પછી એની આડઅસરો ખાળવા માટેનું એ બેસ્ટ ફુડ ગણાય છે. દહીંની જેમ દૂધને મેળવીને યોગર્ટ બનાવાય છે. દૂધમાંથી યોગર્ટ બનતી વખતે એમાં હેલ્ધી પોલિયોટિક બેક્ટિરિયા ભળે છે, જે સારા જીવાણુઓની સંખ્યા વધારી પાચન ક્રિયા સુધારે છે એટલે એન્ટિબાયોટિક્સ લીધા પછી યોગર્ટ ખાવાથી આંતરડા હેલ્ધી બને છે.
૨. હાય ફાઇબર ફુડ્સ : આપણું શરીર ફાયબર (રેસાવાળા પદાર્થો)ને પચાવી નથી શકતું, પણ આંતરડાના બેક્ટિરિયા દ્વારા એનું પાચન થઈ શકે છે. એન્ટિબાયોટિક્સના કોર્સ બાદ ફાઇબરવાળો ખોરાક લેવાથી આંતરડાના હેલ્ધી બેક્ટિરિયા પૂર્વવત થઈ શકે છે એટલે જ એન્ટિબાયોટિક લીધા પછી કડ ધાન્ય, અખરોટ, મસૂર, કેળા, બેરિઝ, પિઝ અને બ્રોકલી ખોરાકમાં સામેલ કરવાનું સૂચવાય છે.
૩. બદામ : વિજ્ઞાાનીઓના એક ગુ્રપે શોધી કાઢ્યું છે કે બદામ આંતરડાના અમુક લાભદાયક બેક્ટિરિયાના લેવલમાં નોંધપાત્ર વધારો કરે છે. એક અભ્યાસમાં એવું પણ જોવાયું હતું કે બદામ સામાન્ય શરદી અને ફ્લુ જેવા વાઇરલ ઇન્ફેક્શન્સનો સામનો કરવામાં મદદરૂપ થાય છે. આંતરડામાં બદામનું પાચન થઈ ગયા બાદ પણ શરીરમાં વાયરસીસ સામે લડવાની ક્ષમતામાં વધારો થાય છે.
૪. લસણ : એન્ટિબાયોટિક્સનો કોર્સ કર્યા બાદ લસણ પણ એક બીજું પ્રિબાયોટિક ફુડ છે જેને આપણએ ખોરાકમાં સામેલ કરી શકીએ. હકીકતમાં પ્રિબાયોટિક્સ એવા નોન-ડાયજેસ્ટિવ કાર્બસ છે, જે આપણાં પાચન તંત્રમાં પ્રોબિયોટિક બેક્ટિરિયા પેદા કરવામાં અને એમાં વધારો કરવામાં મદદરૂપ થાય છે. પ્રિબાયોટિક્સ પ્રોબાયોટિક્સ માટે ફુડ સોર્સ તરીકે પણ કામ કરે છે. ૪થી ૮ ગ્રામ પ્રિબાયોટિક ફુડ લેવાની ભલામણ કરાય છે, જે જે પાચનતંત્રની હેલ્થને સપોર્ટ કરવા માટે પૂરતું છે. લસણની ત્રણ મોટી કળીમાં બે ગ્રામ જેટલું પ્રિબાયોટિક્સ હોય છે.
૫. કોકો : કોકો એક વધુ એવું ફુડ છે જે એન્ટિબાયોટિક્સ બીધા પછી ખાવું દર્દીના લાભમાં છે. કોકોમાં એન્ટિઓક્સિડન્ટ પોલિફિનોલ્સ હોય છે જે પાચનતંત્રને સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે. સંશોધનોમાં એવું પણ જાણવા મળ્યું છે કે કોકો પોલિફિનોલ્સ આંતરડાના હેલ્ધી બેકટીરિયામાં વધારો કરવાની સાથોસાથ અમુક પ્રકારના અનહેલ્ધી બેક્ટિરિયાનો ખાતમો બોલાવે છે.
એન્ટિબાયોટિક્સ લીધા પછી શું ન ખાવું એ જાણવું પણ અગત્યનું છે. એન્ટિબાયોટિક્સના સેવન પછી આ ચીજો ન ખાવી જોઈએ :
૧. ખટાસવાળો ખોરાક : ખટાસવાળા પદાર્થો પાચનતંત્રને સારુએવું ખોરવી શકે છે. એન્ટિબાયોટિક્સના કોર્સ બાદ પેશન્ટનું પાચન તંત્ર પહેલેથી સેન્સિટીવ થઈ ગયું હોય છે અને એમાં ખટાસ ખાવાથી વધારો થાય છે. ખાટી વસ્તુઓના દાખલા તરીકે લીંબુ અને સંતરા ઉપરાંત ટમેટા અને વિનેગરના નામ આપી શકાય.
૨. ગળી ગયેલા ફળો : વધુ પડતા પાકી ગયેલા ફળોમાં નેચરલ સુગરનું ઊંચુ પ્રમાણ હોઈ શકે છે, જે આંતરડાના બેક્ટિરિયામાં અસંતુલન ઊભું કરવામાં ફાળો આપે છે એટલે પાચનતંત્રના આરોગ્ય માટે વધુ પડતા પાકી ગયેલા ફળો ટાળી તાજા ફળો જ ખાવા જોઈએ.
૩. આલ્કોહલ : આલ્કોહલનું સેવન એન્ટિબાયોટિક્સની અસરકારકતા ઓછી કરી એમની સાઇડ ઈફેક્ટ્સ વધારી દે છે એટલે સારવારનો વધુમાં વધુ લાભ થાય એ માટે એન્ટિબાયોટિક્સ લેતી વખતે આલ્કોહલથી બહુ છેટુ રાખવું હિતાવહ છે.
૪. કેલ્સિયમ અને આર્યનવાળા ફ્રુટ્સ : અમુક ફ્રુટ્સ કેલ્સિયમ અને આયર્નથી ભરપુર છે, જે એન્ટિબાયોટિક્સ દવાઓથી સાથોસાથ ખાવાથી મેડિસીનના શરીર દ્વારા થતા શોષણમાં અંતરાય આવી શકે છે એટલે એન્ટિબાયોટિક્સનો કોર્સ ચાલતો હોય ત્યારે હાય કેલ્સિયમ અને આર્યન ધરાવતા ફળોને દૂરથી જ નમસ્કાર કરી દેવા જોઈએ.
આ બધા સામાન્ય સલાહસૂચનો છે. એની અસરકારકતા વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન હોઈ શકે છે એટલે એન્ટિબાયોટિક ટ્રિટમેન્ટ ચાલતી હોય એ દરમિયાન અને પછી ડાયટ માટે ડૉક્ટરની અંગત સલાહ લેવી વધુ સારી.
- રમેશ દવે