ફોટામાં સ્માર્ટ, સુંદર દેખાવા શું કરશો
કોઈ માણસ ગમે એટલો ગુસ્સામાં હોય, પરંતુ તેને ખબર પડે કે તેનો ફોટો પડી રહ્યો છે તો તેના ચહેરા પર નાનકડી સ્માઇલ ઓટોમેટિક આવી જ જશે. બોસ, તસવીરનો મહિમા જ કંઈ એવો છે, જે ભલભલા તુંડ મિજાજીને પણ એક ક્ષણ માટે તો હસતા કરી મૂકે એટલે જ એવું પણ કહેવામાં આવે છે કે એક સેકન્ડ હસવાથી તમારો ફોટો જો સુંદર બની શકે તો જીવનભર મુસ્કુરાતા રહેવાથી જિંદગી કેટલી ખુશમિજાજી બનશે. ખેર, ફિલોસોફીમાં ન પડીએ તો પણ એક વાત તો શ્યોર છે કે દરેકના મનમાં એવી ઇચ્છા હોય છે કે તેના ફોટામાં તે સારો દેખાય. પોતાની જે તસવીર જીવનભરનું સંભારણું બનવાની છે એ શ્રેષ્ઠતમ હોય એવી અપેક્ષા ખોટી પણ નથી, પણ ઘણા લોકોની એવી ફરિયાદ છે કે ગમે એટલું કરે તો પણ તેમના ફોટા સારા નથી આવતા. વેલ, તમારા આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે શું કરવું અને શું નહીં એ જાણી લઈએ.
મેક-અપમાં કેરકુલ
તમારા પિક્ચર પર મેક-અપની ચોક્કસ અસર થાય છે. મેક-અપ એવો હોવો જોઈએ, જે તમારા ફીચર્સને વધુ સારા બનાવે. ચહેરા પર થપેડો કર્યો હોય એવું ન લાગવું જોઈએ. ફોટામાં થોડું પણ ઊભરીને દેખાતું હોય છે એટલે મેક-અપનો ઓવરડોઝ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. મેક-અપમાં ફાઉન્ડેશન તમારી સ્કિન ટોન સાથે મેચ થતું હોવું જોઈએ. પિન્ક કન્સિલર કે ફાઉન્ડેશન કરતાં ફોટોશૂટ માટે પીળા રંગનું ફાઉન્ડેશન વધુ નેચરલ લાગે છે. આઇ મેક-અપમાં વધુ ડાર્ક શેડ નહીં સારા લાગે. મસ્કરા અને કાજલ આંખો મોટી હોવાનો લુક આપશે, જે ફોટોમાં સારી લાગે છે. ફોટો માટે ડાર્ક શેડની લિપસ્ટિક અને લિપગ્લોઝ સારા લાગે છે. બીજું ફોટો ક્યાં પડવાનો છે એના ૫૨ પણ મેક-અપ નિર્ભર કરે છે. સૂર્ય પ્રકાશમાં થોડો મેક-અપ પણ વધુ લાગશે, જ્યારે ફોટોગ્રાફર પાસે હોય એવી ફોકસ લાઇટમા મેક-અપ ઢંકાઈ જશે.
હેરસ્ટાઇલ
હેરસ્ટાઇલ પણ ફોટોમાં તમારા ઓવરઓલ લુકને ખૂબ અફેક્ટ કરે છે એટલે વાળનું યોગ્ય સ્ટાઇલિંગ તમારા ફેસ કટને ધ્યાનમાં રાખીને કરશો તો ફોટોમાં સારું લાગશે. જેમ કે તમારું મોઢું નાનું છે અને તમે ખુલ્લા વાળ રાખશો તો તમારો ફેસ હજી નાનો લાગશે. તેવી જ રીતે બ્રોડ ચહેરા પર ઓપન હેર સારા લાગે છે. ફોરહેડનો ભાગ મોટો હોય તેમને ફ્રિન્જ હેરસ્ટાઇલ સારી લાગે છે.
પર્ફેક્ટ પોસ્ચર
મેકઅપ, કપડાં અને હેરસ્ટાઇલ શ્રેષ્ઠ હોય પણ તમારા ફોટામાં પોઝ પ્રોપર નહીં હોય તો કર્યા પર પાણી ફરશે એમ સમજજો. ફોટો પડાવતી વખતે તમારી આંખો ફ્લેશ લાઇટથી સહેજ ઉપર રાખો એનાથી ફ્લેશ લાઇટને કારણે તમારી આંખો બંધ નહીં થાય. શરીરના બાકી હિસ્સા કરતાં ફેસને જરાક આગળ લઈ હડપચી એટલે કે ચીનના ભાગને સહેજ નીચે ઝુકાવો. બન્ને ખભાઓને બોડીથી સહેજ પાછળ રાખો, પરંતુ ધ્યાન રહે કે એમાં પણ નેચરલ લુક જળવાવો જોઈએ. પેટ અંદર, ખભા પાછળ અને કરોડરજ્જુ સ્ટ્રેટ રાખવી અને લાસ્ટ બટ નોટ લિસ્ટ કે ફોટો પડાવતી વખતે તમારા હાથ અધ્ધર ન રહે એનું ખાસ ધ્યાન રાખો. તમારા હાથ કોઈક રીતે બિઝી દેખાવા જોઈએ. જેમ કે બન્ને હાથ કમર પર કે હાથના અંગૂઠાને આગળના ખિસ્સામાં ભરાવી દો. કોઈ પણ રીતે હાથ કોઈ સ્ટાઇલમાં ઊભો હો એ રીતે એને ગોઠવી દો.
કપડાનું સિલેક્શન
મોટી બોલ્ડ પ્રિન્ટ કે પેટર્નના ડ્રેસ ફોટામાં સારા નહીં લાગે. આવા ડ્રેસિંગ લુકને ખૂબ જ ગૂંચવી નાખે છે. ડાર્ક કલરના કપડામાં ફોટો સારા આવે છે. કયો રંગ તમારા સ્કિન ટોન પર નીખરે છે એ જાણીને એ રંગને ફોટો પાડતાં પહેલાં પ્રાધાન્ય આપો.
સ્ટડી એન્ડ પ્રેક્ટિસ
તમે સાંભળ્યું હશે કે અમુક લોકો ખૂબ જ ફોટોજેનિક છે, તેમના ફોટો સારા જ આવે. આવું કેમ એ જાણવાની કોશિશ કરો. તમારા પોતાના પણ તમને ગમતા ફોટાની ખૂબ શોધો. તમારામાં એવી કઈ ખાસ વાત છે, જે ફોટામાં ઊભરીને આવે છે. તમને ગમતા એક્ટર, એક્ટ્રેસિસના ફોટા ક્યા કારણે સારા લાગે છે. તેમનો કોઈ પોઝ તમને ગમ્યો હોય તો એની કાચમાં જોઈને પ્રેક્ટિસ કરો.