Get The App

યોગાસનો કરતાં પહેલાં કઈ તકેદારીઓ રાખવી?

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
યોગાસનો કરતાં પહેલાં કઈ તકેદારીઓ રાખવી? 1 - image


'યોગાભ્યાસ' થોડા સમય પહેલાં  તો ખાસ કરીને  પુરુષ વર્ગ પૂરતો જ મર્યાદિત હતો. હવે છેલ્લાં કેટલાંક વર્ષોથી યોગનું  પ્રચલન એટલું વધી ગયું છે કે ઠેર ઠેર યોગ કેન્દ્ર ખૂલવા લાગ્યા છે. પુરુષોની  સાથોસાથ સ્ત્રીઓ પણ હવે આ દોડમાં  આગળ આવી રહી  છે.  સ્ત્રીઓ ભલે શારીરીક શ્રમવાળા ઘરકામથી દૂર ભાગતી હોય, પરંતુ યોગકેન્દ્રમાં  જવા માટેનો   સમય તેઓ ફાળવી  લેતી હોય છે. તેમના મનમાં  બીજી બાબતો ઉપરાંત એક એ વાત પણ ઘર કરી ગઈ છે કે, યોગથી શારીરીક સૌષ્ઠવની  સાથોસાથ  કુદરતી સૌંદર્ય પણ પ્રાપ્ત કરી શકાય છે. અલબત્ત,  અમુક અંશે આ વાત  સાચી  પણ છે.

યોગાભ્યાસ શરૂ કરતાં પહેલાં નીચે જણાવેલ સાવચેતીઓ રાખવી અત્યંત જરૂરી છે : 

-  આજકાલા  યોગકેન્દ્રો બિલાડીના  ટોપની માફક ફૂટી નીકળ્યાં  છે. તમામ યોગકેન્દ્રોમાં શિક્ષક યોગનું  વ્યવહારિક જ્ઞાાન ખાસ ધરાવતાં હોતા નથી. આવા શિખાઉ  પાસે ન જતાં કોઈ યોગ્ય પ્રશિક્ષકની  દેખરેખમાં જ યોગાભ્યાસ શરૂ કરો.

- સંપૂર્ણપણે શીખ્યા પછી  જ જાતે  અભ્યાસ કરો.

-  યોગાભ્યાસ કાયમ એકાંત તથા મોકળાશવાળા સ્થળે જ કરો, જેથી  તે સમય દરમિયાન ત્યાં કોઈ  મુશ્કેલી ન નડે.

-  યોગાભ્યાસ માટે જ્યાં હવાની  સારી રીતે અવરજવર થતી હોય એવા  ભેજરહિત  રૂમની પસંદગી કરો જો આવો રૂમ નહીં   હોય તો ખુલ્લી જગ્યામાં અભ્યાસ કરો.

- જમીન પર જાડી ચાદર, શેતરંજી કે ગાલીચો ભલે બિછાવેલ હોય, પરંતુ  તે એટલો મુલાયમ ન હોવો જોઈએ કે ડૂચો વળી  જાય  લસરી  જાય.

-  યોગાભ્યાસ શૌચાદિ કાર્યોમાંથી પરીવારને જ કરો.

- અભ્યાસ કરવાનો  સમયથી એક કલાક અગાઉ કંઈ ન ખાવું. જો ભરપેટ ભોજન કર્યું  હોય, તો ૨-૩ કલાક બાદ અભ્યાસ કરવો.

- યોગાભ્યાસ કરનારે બને ત્યાં સુધી કોઈપણ  માદક પદાર્થનું સેવન ન કરવું. ચા- કોફી ન  પીવા વધારે હિતાવહ છે. જો તે અસંભવિત હોય તો   ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા આવા પદાર્થ ન લેવા.

-  જો તમે ચશ્મા પહેરતાં  હો તો યોગાભ્યાસની પહેલાં  તો કાઢી નાખો.

- શરૂઆતમાં  થોડો સમય જ યોગાભ્યાસ  કરી, ધીમે ધીમે  આસનોની સંખ્યા અને સમયે વધારો.

- તમે જેટલાં સમય સુધી સહેલાઈથી  સહી શકો, એટલા સુધી જ દરેક આસનમાં રહો.

- યોગાભ્યાસ જો નિયમિત રીતે કરવામાં આવે, તો જ તેનાથી લાભ થાય છે.  આથી યોગાભ્યાસ શરૂ કરતાં પહેલાં તમે  તે  નિયમિત કરી શકશો કે નહીં, તે નક્કી કરો લો.

- યોગાભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમને સ્વાસ્થ્ય  સંબંધી કોેઈપણ આશંકા હોય, તો કોેઈ સારા ડોક્ટરની સલાહ લો ખાસ કરીને, જેને હાઈબ્લડપ્રેશર અથવા હૃદયરોગની તકલીફ હોય, તેમણે  તો ડોક્ટરની  સલાહ લેવી અત્યંત જરૂરી છે.

-  વસ્ત્રો એવાં પહેરવાં કે જેથી યોગક્રિયાઓ કરવામાં  અગવડ ન પડે તેમ જ શરીરને સહેલાઈથી  વાળી શકાય. કસરત માટેનો જ  ખાસ પોશાક (વનપીસ કોશ્ચ્યુમ) કે ટ્રેક  સ્યૂટ પહેરવાનું   જરૂરી નથી. જે પોશાક સુવિધાજનક  હોય.  તે  પહેરી શકાય છે.

- તમારી   રોજિંદી દિનચર્યાનો વિચાર કરીને યોગાભ્યાસ માટેનો સમય નક્કી કરો. કેટલાક પ્રશિક્ષકો સવાર કે સાંજને આ માટેનો  યોગ્ય સમય માને  છે.  જો કે સમય તો વ્યક્તિની  સગવડ પર આધાર રાખે છે.  આથી કોઈ એવો સમય નક્કી કરો કે,  જ્યારે   તમને રોજ નવરાશ મળી શકે, તે વધારે હિતાવહ રહેશે.

-  ઊંધા  સૂઈને કરવામાં આવતાં આસન  સ્ત્રીઓએ માસિક સ્રાવના દિવસો દરમિયાન  ન કરવાં જોઈએ. કેમ કે તેનાથી ફેલોપિયન ટયૂબોમાં  લોહી પ્રવેશવાનો તથા ચેપ લાગવાનો  પણ  ભય રહે છે.

-  યોગાભ્યાસ દરમિયાન એકાગ્રચિત્ત રાખો.

-  કોઈ પણ આસન આંચકો આપીને શરૂ કરવું કે છોડવું નહીં તેમ જ કોઈ આસન ન થાય એમ હોય, તો જબરદસ્તી પૂર્વક ન કરવું.

-  આસન કર્યા બાદ શવાસન કરો.

- ગર્ભવતી  સ્ત્રીઓએ ડોક્ટરની  સૂચના મુજબ હળવાં  આસનો જ કરવાં. 


Google NewsGoogle News