ઘરેલૂ હિંસા વિષયક કાયદાઓનો દુરૂપયોગ કરનારી મહિલાઓની ટકાવારી કેટલી?
વર્ષ ૨૦૨૪ના ડિસેમ્બર મહિનામાં બેંગલુરુમાં રહેતા ૩૪ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષે પત્ની અને સાસરિયાઓના અસહ્ય ત્રાસ તેમ જ અદાલતો સુધી ફેલાઈ ચૂકેલા ભ્રષ્ટાચારને પગલે આત્મહત્યા કરી લીધી. પોતાનું જીવન ટૂંકાવવાથી પહેલા અતુલે એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે તેની પત્ની નિકિતા સિંઘાણિયા, સાસુ, સાળા તેમ જ નિકિતાના એક અંકલ પર આરોપ મૂક્યો હતો કે તેઓ તેની પાસેથી પૈસા પડાવવા તેને સતત ત્રાસ આપતાં હતાં. નિકિતા તેમના પુત્રને લઈને તેનું ઘર છોડી ગઈ હતી. આમ છતાં તે તેને દર મહિને ૪૦,૦૦૦ રૂપિયા આપતો હતો. નિકિતા અને તેના પિયરિયાઓએ તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યાં હતાં. તેમ જ બિહારમાં રહેતા તેના પરિવારજનો પર નિકિતાને દહેજ માટે ત્રાસ આપવાનો કેસ કર્યો હતો. તેના સિવાય પણ નિકિતાએ જોનપુરમાં તેના પર સંખ્યાબંધ કેસ કર્યાં હતાં જેને પગલે તેને લગભગ ચાળીસેક વખત બેંગલુરુથી જોનપુર જવું પડયું હતું.
અતુલે વધુમાં કહ્યું હતું કે દેશની અદાલતોમાં ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે. ભ્રષ્ટાચારનો આરંભ ૫૦ રૂપિયાથી શરૂ થાય છે અને કેસને રદેફદે કરવા પાંચ લાખ રૂપિયા સુધીની લાંચ લેવાય છે. તેણે જોનપુરની ફેમિલી કોર્ટના જજ પર પણ આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે જ્યાં સુધી મને ન્યાય ન મળે ત્યાં સુધી મારી અસ્થિઓનું વિસર્જન કરવામાં ન આવે. મારી અસ્થિઓ અદાલત પાસેની કોઈક ગટરમાં જ વહાવી દેવામાં આવે. અતુની આત્મહત્યાને કારણે તેનો સમગ્ર પરિવાર પડી ભાંગ્યો હતો.
વાસ્તવમાં અતુલની આત્મહત્યા પછી દેશની ન્યાય વ્યવસ્થા, કાયદાઓના દુરૂપયોગ મુદ્દે ચર્ચાઓ થવી જોઈતી હતી. ઘરેલૂ હિંસાના પીડિતો અને દોષીઓ, બંનેને પ્રભાવિત કરનારા વ્યવસ્થિત મુદ્દા કયા છે તેની વાત થવી જોઈતી હતી. પરંતુ વિડંબણા એ છે કે સમગ્ર વિવાદ પુરૂષ વર્સેસ મહિલા તરફ ફંટાઈ ગયો છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે મહિલાઓ કાયદાઓનો દુરૂપયોગ કરી રહી છે અને મહિલા સંસ્થાઓને કારણે જ લગ્નો તૂટી રહ્યાં છે, લગ્ન સંસ્થા નબળી પડી રહી છે. અલબત્ત, એ વાતમાં બે મત નથી કે સંખ્યાબંધ મહિલાઓએ પોતાના જીવનસાથીઓ તેમ જ સાસરિયાઓની હેરાનગતિ કરવા મહિલા તરફી કાયદાઓનો દુરૂપયોગ કર્યો છે. ઘણાં પુરૂષોના હાલ અતુલ જેવા થયાં છે. પરંતુ તેનો અર્થ એવો નથી થતો કે પતિ અને સાસરિયાઓ વિરૂધ્ધ ઘરેલું હિંસાની ફરિયાદ કરનાર, તેમના ત્રાસમાંથી છૂટવા મહિલા સંસ્થાઓની મદદ લેનાર બધી સ્ત્રીઓ ખોટી હોય છે. તદુપરાંત એવો ક્યો કાયદો છે જેનો દુરૂપયોગ કરવામાં નથી આવતો. કાયદાના દુરૂપયોગને સિક્કાની બીજી બાજુ ગણવી રહી અને તેને વખોડવી પણ રહી, પીડિતોને ન્યાય પણ મળવો રહ્યો. આમ છતાં આપણને એ પણ સમજવું પડશે કે ભારતમાં મોટાભાગના અપરાધોમાં કથિત દોષીઓને છોડી મૂકવામાં આવે ચે તેનો અર્થ એ નથી થતો કે તેમાં કાયદાનો દુરૂપયોગ થઈ રહ્યો છે. એક અભ્યાસ મુજબ આપણા દેશમાં દાખલ કરવામાં આવતાં કેસોમાં સજા ઓછી મળી રહી છે તેની પાછળ સંખ્યાબંધ કારણો રહેલા છે. જેમ કે વ્યવસ્થિત કાનૂની મદદનો અભાવ, ગવાહોની શત્રુતા, મહિલાઓ અને બાળકો પર કેસ પાછો ખેંચવા માટે પરિવાર તરફથી કરવામાં આવતું દબાણ, અયોગ્ય અથવા અડધીપડધી પોલીસ તપાસ ઇત્યાદિ. વાસ્તવમાં આ બધા મુદ્દા હજી સુધી 'નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો' (એનસીઆરબી)ના ડેટાબેઝમાં સામેલ કરવામાં નથી આવ્યાં, જેનો ડેટા લોકો કાયદાના દુરૂપયોગનો આરોપ પુરવાર કરવા ટાંકે છે.
લોકો આવા કેસોમાં શું વિચારે છે અને વાસ્તવિકતા શું છે તે એનસીઆરબીના આંકડા કહે છે. એનસીઆરબીની વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨ની આંકડાકીય માહિતી મુજબ વિવાહ પછી પેદા થયેલી સ્થિતિને પગલે આત્મહત્યા કરનારા પુરૂષો (૨૧,૫૭૯)ની તુલનામાં મહિલાઓ (૨૫,૧૯૭)ની સંખ્યા વધુ હતી. દેશમાં વર્ષ ૨૦૨૨માં આત્મહત્યા કરનાર મહિલાઓમાં ૫૨.૫ ટકા ગૃહિણીઓ હતી. જ્યારે દાવો એવો કરવામાં આવે છે કે ઘરેલૂ હિંસાના ખોટા કેસોને કારણે વિવાહિત પુરૂષો વધારે પ્રમાણમાં જીવન ટૂંકાવે છે. વિડંબણા એ છે કે એનસીઆરબીમાં ઘરેલૂ હિંસા વિષયક ખોટા કેસોને પગલે થયેલી આત્મહત્યાઓ બાબતે કોઈ કેટેગરી નથી. લગ્નને મુદ્દાઓથી કેટેગરીમાં સેટલમેન્ટ ન થવું, લગ્નેત્તર સંબંધ હોવો, દહેજ, છૂટાછેડા ઇત્યાદિનો સમાવેશ કરવામાં આવ્યો છે. અન્ય એક હકીકત પર નજર નાખીએ તો પુરૂષો કૌટુંબિક સમસ્યાઓને કારણે આત્મહત્યા (૩૦.૮ ટકા) કરે છે. આવી સ્થિતિમાં સંબંધિત આત્મહત્યાઓને માત્ર લગ્ન સાથે ન સાંકળી શકાય. વિવાહ સંબંધિત સમસ્યાઓને કારણે જીવન ટૂંકાવનારા પુરૂષોની ટકાવારી ૩.૪ છે.
મહિલાઓના મોત બાબતે વાત કરીએ તો મોટાભાગની સ્ત્રીઓ, ચાહે તે પરિણિત હોય કે અપરિણિત, તેમની હત્યા તેમના જીવનસાથી અથવા પરિવારના કોઈ અન્ય સભ્યના હાથે થતી હોય છે. યુનાઇટેડ નેશન્સના વર્ષ ૨૦૨૪ના રિપોર્ટ અનુસાર ૬૦ ટકા મહિલાઓની હત્યા તેમાના સાથી કે પરિવારના સભ્યો કરે છે. એનસીઆરબી મુજબ ૨૦૨૨ની સાલમાં મહિલાઓની હત્યાનું સૌથી મોટું છઠ્ઠું કારણ દહેજ હતું. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ-૫ મુજબ ૩૧.૯ ટકા વિવાહિત મહિલાઓએ પતિ દ્વારા કરવામાં આવેલી ઘરેલૂ હિંસાની જાણકારી આપી હતી. જ્યારે ૮૦.૧ ટકા મહિલાઓએ પોતાને થતી મારપીટ અંગે હોઠ સીવી રાખ્યાં હતાં. માત્ર ૧૧.૩ ટકા સ્ત્રીઓએ મદદ માગી અને ફકત ૬.૩ ટકા મહિલાઓએ જ પોલીસ ફરિયાદ કરી.
ઘરેલૂ હિંસાના કેટલા કેસોમાં કથિત દોષીઓને આગોતરા જામીન આપવામાં આવી છે તેનો કોઈ ડેટા એનસીઆરબીમાં ઉપલબ્ધ નથી. આમ છતાં કયા આધારે વારંવાર એવા દાવા કરવામાં આવે છે કે મહિલાઓ તેમના પતિ તેમ જ પરિવારજનોની ધરપકડ કરાવવા જ કાનૂનનો દુરૂપયોગ કરી રહી છે તે યક્ષપ્રશ્ન લેખાય. જોકે બેંગલુરુના હલાસુરુ સબડિવિઝિનમાંથી એક અભ્યાસ માટે એકઠા કરેલા ડેટા પરથી જાણવા મળ્યું હતું કે આઈપીસી ૪૯૮-એ, ૩૦૪-બી, ૩૦૬ જેવી ઘરેલૂ હિંસાની કલમો હેઠળ નોંધવામાં આવેલા ૭૨.૫ ટકા કેસોમાં આગોતરા જામીન આપી દેવામાં આવ્યાં છે. આનો સીધો અર્થ એ થયો કે ઘરેલૂ હિંસાના મોટાભાગના આરોપીઓની ધરપકડ જ કરવામાં નથી આવતી.
હકીકતમાં શેડયુઅલ કાસ્ટ એન્ડ શેડયુઅલ ટ્રાઈબ (પ્રિવેન્શન ઑફ એટ્રોસિટિસ) એક્ટના દુરૂપયોગ બાબતે પણ એવા જ દાવા કરવામાં આવે છે. અને તેનું મુખ્ય કારણ એ છે કે તેમાં સજાનું પ્રમાણ ઓછું છે. મોટાભાગે અપૂરતા ડેટા, કાનૂની પ્રક્રિયામાં થતાં વિલંબ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને કારણે મહિલાઓ તેમ જ છેવાડાના લોકો માટે સાવ ખોટી ધારણાઓ બાંધી લેવામાં આવે છે. આ સમસ્યા બંને પક્ષે અસર કરે છે. પરંતુ બેંગલુરુના કેસમાં જેમ દેશની ન્યાય વ્યવસ્થા અને કાયદાના દુરૂપયોગ જેવા મુદ્દે વાત થવી જોઈતી હતી તેના સ્થાને સમગ્ર કેસ પુરૂષ વર્સેસ મહિલા તરફ ફંટાઈ ગયો છે એ પણ ચિંતાજનક બાબત લેખાય.
- વૈશાલી ઠક્કર