આ શિયાળામાં પહેરો ટ્વીડ જેકેટ્સ-લોંગ કોટ-વિન્ટેજ સ્કર્ટ્સ
- ફેશનની ફેશન અને ટાઢ સામે રક્ષણ
શિયાળાએ રંગ જમાવી લીધો છે. ફૂલગુલાબી ઠંડી હોય કે હિલ સ્ટેશનોની હાડ ધુ્રજાવતી ટાઢ, જરૂરિયાત અનુસાર ગરમ કપડાં તો પહેરવા જ રહ્યાં. અને જ્યારે કોઈ હિલ સ્ટેશનની સહેલગાહે ઉપડયાં હોઈએ ત્યારે કડકડતી ઠંડીમાં વધારે ગરમ કપડાંની જરૂર પડે. એટલું જ નહીં, પર્યટન માણતી વખતે સેંકડો ફોટા પાડવામાં આવે તે પણ તદ્દન સહજ વાત છે. હવે તમે જ કહો કે બધા ફોટાઓમાં એકના એક ગરમ કપડાં ચાલે ખરાં? અને તે પણ સાવ ટ્રેડિશનલ હોય તો શી રીતે ગમે? જોકે આ શિયાળામાં અંગ્રેજી સ્ટાઈલના ગરમ વસ્ત્રોની ફેશન પૂરબહારમાં ખિલી છે. તમે પણ ચાહો તો આવા વિવિધ પેટર્નના ગરમ કપડાં પહેરીને સહેલગાહ માણતી વખતે સરસ મઝાના ફોટા પડાવી શકો. તો ચાલો જોઈએ, આ વર્ષે ગરમ વસ્ત્રોમાં શું નવું છે.
ફેશન ડિઝાઈનરો કહે છે કે આ વર્ષે ટ્વીડ જેકેટ્સ, વૂલ કાર્ડિગન્સ, વિન્ટેજ સ્કર્ટ્સ અને સ્ટર્ડી બૂટ્સની ફેશન પરત ફરી છે. એક સમયમાં અંગ્રેજો ટાઢમાં આ પ્રકારના ગરમ વસ્ત્રો પહેરતાં. આ વર્ષે લેયર્સ, ઓવરસાઇઝ સ્કાર્ફ પણ ઈન છે. તમે તમારા ટોપ પર બંધ ગળાનું સ્વેટર અને તેના ઉપર કોલરવાળું જેકેટ પહેરી શકો. આ લેયર તમને પ્રભાવશાળી લુક આપવા સાથે ટાઢથી પણ સુરક્ષિત રાખશે.
બરબેરી પ્રિન્ટના જેકેટ અમ્બ્રેલા સ્કર્ટ સાથે ખૂબ જચે છે. તમે ચાહો તો આવા જેકેટ સાથે નાના ચેક્સવાળું સ્કર્ટ અને એંકલ બૂટ પહેરી શકો. તેવી જ રીતે બૉક્સ પ્લીટ્સના મીડી પર ફરવાળું જેકેટ સરસ લાગશે. જો તમારું સ્કર્ટ પ્રિન્ટેડ હો તો પ્લેન જેકેટ પહેરો.
ગળામાં સ્ટાઈલિશ સ્કાર્ફ પહેર્યા પછી તેના ઉપર કોલરવાળું, આખી બાંયનું લોંગ જેકેટ પહેરો. આવું જેકેટ ડેનિમ અને ટી-શર્ટ સાથે કમ્ફર્ટેબલ અને સરસ લાગશે.
વાઇટ શર્ટ સાથે ફોન કલરનું ગરમ જેકેટ અને એવું જ સ્કર્ટ કેટલું સરસ લાગે. રેગ્યુલર સ્કર્ટ-ટોપની જગ્યાએ ગરમ મિટિરિયલમાંથી બનાવેલા આ જેકેટ - સ્કર્ટને આકર્ષક લુક આપવા જેકેટમાં મોટા પોકેટ બનાવડાવો. જ્યારે સ્કર્ટમાં પેન્ટની પેટર્નના ઓપન પોકેટ સરસ દેખાશે. વાઇટ શર્ટ ઉપર આ ગરમ પોશાક અત્યંત સુંદર લાગશે. તેની સાથે બ્લેક અથવા મરૂન, બ્રાઉન કલરના બૂટ તમારા વ્યક્તિત્વને ધ્યાનાકર્ષક બનાવશે.
શોર્ટ્સની ફેશન કોઈપણ સીઝનમાં આઉટડેટેડ નથી થતી. હા, શોર્ટ્સ ગ્રીષ્મ અને વરસાદની મોસમમાં વધુ કમ્ફર્ટેબલ લાગે. પરંતુ ફેશનેબલ માનુનીઓ કડકડતી ઠંડીમાં પણ શોર્ટ્સ પહેરવાનું પસંદ કરે છે. પરંતુ શોર્ટ્સ સાથે માત્ર ટી-શર્ટ પહેરવાથી ટાઢથી ન બચી શકાય. આવી સ્થિતિમાં મોનોક્રોમ જેકેટ પહેરો. કહેવાનો અર્થ એ છે કે જો તમે ફોન કલરની શોર્ટ્સ પહેરો છો તો એવા જ રંગનું આખી બાંયનું ગરમ જેકેટ પહેરો. અમે બ્લેક શોર્ટ્સ પહેરો તો શ્યામ જેકેટ પહેરો. આ પોશાક સાથે સ્પોર્ટ્સ શૂઝ સરસ દેખાશે.
પરંપરાગત રીતે માત્ર સાડી પહેરવાનો આગ્રહ રાખતી મહિલાઓને પણ બ્લાઉઝ જેવું સ્વેટર પહેરવાની બિલકુલ જરૂર નથી. સામાન્ય રીતે સાડી સાથે બ્લાઉઝ જેવું સ્વેટર પહેરવા ન માગતી હોય એવી સ્ત્રીઓ શૉલ ઓઢવાનું પસંદ કરે છે. પરંતુ તેઓ ચાહે તો આ બંને વચ્ચેનો માર્ગ પસંદ કરી શકે. જેમ કે તેઓ સરસ મઝાની શૉલમાંથી લોંગ સ્લીવલેસ જેકેટ સીવડાવી શકે. ઝીરો નેકનું લોંગ જેકેટ તેઓ ડ્રેસ પર પહેરતી હોય એ રીતે જ સાડી પર પહેરી લે. આવું જેકેટ તેમને ગરમાટો આપવા સાથે આધુનિક લુક પણ આપશે.
- વૈશાલી ઠક્કર