ચાર દીવાલને 'સ્વીટ હોમ' બનાવવું છે? .
- એક મકાનમાં રહેનારાઓને સુખ શાંતિ ત્યારે જ મળે છે જ્યારે દરેક ઓરડો પ્રેમ-વિશ્વાસથી મધમધતો હોય. અને ઈંટમાટીનું મકાન 'ઘર' બની જાય છે. 'ઘર' એટલે પરિવારજનો આનંદથી રહેતા હોય. દરેક રૂમમાંથી કલ્લોલ મચતો રહેતો હોય.
ઈંટ,પત્થર તથા ઈન્ટિરિયર ડેકોરેશનથી મકાન તો બંધાઈ જાય છે. પરંતુ માટી પત્થરના આ મકાનને ઘર બનાવવા ઘણી કોશિષો કરવી પડે છે. મોંઘાદાટ રાચરચીલાથી મકાનના ઓરડાઓ સજાવી દેવામાં પણ કસર કરાતી નથી હોતી. પરંતુ એક મકાનમાં રહેનારાઓને સુખ શાંતિ ત્યારે જ મળે છે જ્યારે દરેક ઓરડો પ્રેમ-વિશ્વાસથી મધમધતો હોય. અને ઈંટમાટીનું મકાન 'ઘર' બની જાય છે. 'ઘર' એટલે પરિવારજનો આનંદથી રહેતા હોય. દરેક રૂમમાંથી કલ્લોલ મચતો રહેતો હોય. મકાનને ઘર બનાવવા માટે પરિવારના દરેક સભ્યએ કયા કયા યોગદાન આપવા તે મુદ્દા આપવામાં આવ્યા છે.
* ઘરમા પ્રેમ અને શાંતિ ત્યારે જ રહે છે જ્યારે પરિવારના દરેક સદસ્યો વચ્ચે મનમેળ હોય.
* પરિવારના દરેક સદસ્યોની અનુમતિ હોય તો જ એક વ્યક્તિને સઘળાં નિર્ણયોના અધિકાર આપવા.
જો તેમાં એકમત ન હોય તો કુટુંબમાં સંઘર્ષ થવાની શક્યતા રહે છે.
* કુટુંબની નાની મોટી દરેક વ્યક્તિને આદર-સમ્માન આપવા ઘરની કોઈપણ વ્યક્તિની ઉપેક્ષા ન થાય તેનું ધ્યાન રાખવું.
* પરિવારના દરેક સભ્યોએ પોતપોતાની જવાબદારી નિભાવવી. એક જ વ્યક્તિ પર જવાબદારીનો બોજ આવી પડશે તો પરિવારમાં અસંતોષ ફેલાઈ જશે.
* વડીલોએ સંતાનોને વધુ અંકુશમાં રાખવા નહીં. કડક શિસ્તપાલનનો આગ્રહ પણ તેમણે કરવો નહીં. પરિવારના દરેક સભ્યોએ એકબીજાની સ્વતંત્રતા અને સમ્માન કરવું જોઈએ.
* પરિવારનાં સભ્યો વચ્ચે મતભેદ થતાં જ રહેતા હોય તેમાં નવાઈ નથી. પરંતુ તેને ભૂલીને હળીમળીને રહેવું.
* સામાન્ય રીતે એવું જોવામાં આવતું હોય છે કે પરિવારના બહારની વ્યક્તિથી કરાયેલું અપમાન ગળી જવામાં આવે છે પરંતુ કુટુંબની કોઈ વ્યક્તિ ઊંચે અવાજે બોલે તો રાઈનો પહાડ બનાવતાં વાર લાગતી નથી. તેથી પરિવારના દરેક સદસ્યે કોશિષ કરવી કે નાના-મોટાનું સમ્માન જળવાઈ રહે.
* દરેક વ્યક્તિમાં ઊણપ હોય છે. તેથી એકબીજાને ક્ષતિઓ સાથે જ સ્વીકારી લેવાથી ઘરમાં શાંતિ છવાઈ રહે છે.
* પરિવારમાં પરસ્પર સહયોગ, સહાનુભૂતિ, ત્યાગ અને પ્રેમની ભાવના હોવી જરૂરી છે.
* ઘરની મહિલાઓને પણ અધિકાર અને સ્વતંત્રતા મળવી જોેઈએ અન્યથા તેઓમાં અસંતોષ ફેલાતા ઘરકંકાસ થતા વાર લાગતી નથી.
* એ પરિવારના સંપ નથી રહે તો જ્યાં પરિવારની દરેક વ્યક્તિ મુખી બનવાની કોશિષ કરે. દરેક જણ પોતાની મરજીના માલિક થઈ વર્તન કરે તો કુટુંબ વિખેરાઈ જતાં વાર લાગતી નથી. પરિવારની વયોવૃદ્ધ વ્યક્તિના હાથમા ંજ દોરીસંચાર હોવો જોઈએ અને એ વ્યક્તિએ પણ ધ્યાન રાખવું કે હિટલરની માફક ન વરતતાં ક્ષમાશીલ, પ્રેમાળ હોવું જરૂરી છે.
* પરિવારનો વડીલ પોતાની પત્નીનું સમ્માન જળવાય રહે તે પ્રત્યે ધ્યાન આપે તે બરાબર છે. પરંતુ તેની પત્ની તેનો ગેરફાયદો ઉઠાવી પરિવારની અન્ય મહિલાઓનું અપમાન કરતી નથી. તે પ્રત્યે પણ સજાગ રહેવું જરૂરી છે.
* કુટુંબના અતિ વૃદ્ધ વડીલનું સમ્માન જળવાઈ રહે તે જરૂરી છે. આ વયે તેઓ તન-મનથી પાંગળા થઈ જતાં હોય છે. તેમની અપેક્ષાઓ વધતી જાય છે. તેથી તેમની સાથે ધૈર્ય તથા સ્નેહથી વર્તન કરવું.
* પરિવારને બાંધી રાખવાની મજબૂત કડી સ્ત્રી છે. તેથી કુટુંબની દરેક મહિલાએ પરિવારમાં સ્નેહ શાંતિ જળવાઈ રહે તે પ્રત્યે સજાગ રહેવું.
* પરિવારની કોઈ પણ વ્યક્તિનો શુભદિન હોય, તહેવાર હોય કે કોઈ વિશેષ અવસર ત્યારે તેને ઊજવવાની કોશિષ કરવી. એ માટે જરૂરી નથી કે અઢળક ખરચો કરવો. બજેટ અનુસાર કરવાથી કુટુંબની વ્યક્તિઓનો એકબીજા પ્રતિ પ્રેમ વધશે.
* પરિવારની કોઈ વ્યક્તિને કોઈ ચીજ પસંદ હોય પરંતુ કોઈપણ કારણે ખરીદી ન શકાતી હોય તો તે વસ્તુ તેને ભેટમાં આપવા માટે તક કે અવસરની રાહ જોવી નહીં. આ રીતે સરપ્રાઈઝ ભેટ આપવાથી કુટુંબને બાંધી રખાય છે.
* પરિવારનો કોઈ પણ જરૂરી નિર્ણય લેતી વખતે કુટુંબના દરેક સદસ્યને શામેલ કરવો પછી ભલે એ નિર્ણયનો લેવાનો અધિકાર એક જ વ્યક્તિને હોય. આમ કરવાથી પરિવારની ઈંટ વધુ મજબુત થાય છે.
* ઘરનાં કામમાં પરિવારના દરેક સદસ્યએ પોતાની રીતે ફાળોે આપવો જોઈએ. જેથી ઘરમાં સંપ જળવાઈ રહે અને પરિવારની એક વ્યક્તિ પર કામનો બોજોકત ન આવી પડે.
* 'અતિથિ દેવો ભવ' ઊક્તિને અનુસરી ઘરે પધારેલા મહેમાનોનું યોગ્ય આગતા સ્વાગતા કરવી.
* જે ઘરના દરેક સદસ્યો એકબીજાની તકલીફ, જરૂરિયાત અને ભાવનાઓનું ધ્યાન રાખે છે તે ઘર સ્વર્ગ બની જાય છે.