વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે...
- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- દીકરા પાછળ ઘેલાં થઈશું અને દીકરીઓને મારતા રહીશું અને વારસદારોની શોધમાં ફરતા રહીશું તો એક સમય એવો આવશે કે તમારો, મારો કે આપણો વારસદાર પોતાનો વારસદાર જન્માવી નહીં શકે. અહીંયા દીકરા કે દીકરી વચ્ચે ભેદ રાખવાની કે દીકરીઓ અને ીઓની તરફેણનો પ્રશ્ન નથી થતો.
તો... હવે દીકરાનું પ્લાનિંગ ક્યારે કરો છો. ઘરમાં એક દીકરો તો હોવો જ જોઈએ.. દીકરીઓ તો કાલ મોટી થઈને જતી રહેશે.. આપણા ઘડપણનો સથવારો તો જોઈએ જ ને... દીકરીઓ તો પારકી થાપણ કહેવાય... તમારે ભવિષ્યનું વિચારવું જોઈએ. દીકરીઓ થોડી સાસરેથી આવશે... તમારો વારસો તો જૂઓ કેટલો મોટો અને જૂનો છે, તેને આગળ વધારવા માટે કોઈ તો જોઈશે ને. તમે જ વિચારો કે છોકરો નહીં હોય તો આગળ આ બધું કોને આપશો... તમારા પછી કોણ. આ સવાલો બહુ જ સાંભળેલા, પુછેલા અને કદાચ તેમનો સામનો કરેલા હોય તેવા લાગે છે ને.
આ સવાલો વ્યક્ત એટલા માટે કરવા છે કે, હાલમાં એક સંતાનનો ટ્રેન્ડ ચાલે છે. તેમાંય ઘણા લોકોને સંતાનમાં દીકરીઓ હોય છે. તેઓ પોતપોતાના કારણોસર બીજા સંતાન લાવતા નથી અથવા લાવી શકે તેમ નથી. આ તમામ બાબતો વચ્ચે સમાજ અને આપણી આસપાસના લોકો પોતાની જૂનવાણી અને સદીઓથી ચાલી આવતી કુંઠિત મનોવૃત્તિ સાથે જ જીવતા હોય છે. ઘણા એવા પરિવારો છે જેમાં દીકરા કરતા દીકરીઓ સવાઈ સાબિત થઈ છે. વ્યક્તિને જરૂર પડયે દીકરીઓએ પોતાના માતા-પિતા માટે વધારે કર્યું છે. આ દાખલા એટલા માટે નથી કે દીકરા અને દીકરી વચ્ચે તફાવત કરવો છે. આ દાખલા એટલા માટે છે કે, દીકરો અને દીકરી બંને અલગ છે. અહીંયા દીકરા કે દીકરીના જન્મ વચ્ચે ભેદની વાત નથી કરવી પણ કહેવાતા સમાજ અને નિયમોની કરુણતાની વાત કરવી છે. વાત કરવી છે કુદરતના સર્જનની અને માણસની વિકૃતીની.
દીકરીઓ વિશે દુનિયાના ઉત્તમ લેખકો, સર્જકોએ ઘણું લખ્યું છે. તેમાંય ગુજરાતી ભાષાની વાત કરીએ તો કવિ મકરન્દ દવેએ એક પિતાના મનમાં રહેલી ઋજુ લાગણીઓને સુંદર શબ્દદેહ આપ્યો છે. તેઓ કહે છે...
વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ !
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.
દીકરી એક એવું પાત્ર છે જે સમગ્ર પરિવારને સુખ, સંતોષ અને સહજતાની ભેટ આપે છે. દુનિયાનો ગમેતેવો કઠોર પુરુષ હોય, પત્નીને ત્રાસ આપતો પતિ હોય, ઘરના લોકો જોડે ઝઘડા કરતો પુરુષ હોય અને એક વખત તેના હાથમાં એક નવજાત દીકરી મુકીને કહો કે તારે ત્યાં દીકરીનો જન્મ થયો છે... તે પુરુષની માનસિકતામાં આમૂળ પરિવર્તન આવી જશે. દીકરી એટલે પાષાણ થઈને ફરતા પુરુષના હૃદયમાં ખિલતી કોમળ કૂપળ. પોતાની માતા સાથે નિખાલસ રહેતો, આનંદ કરતો, રડતો અને હસતો એક છોકરો સમય જતાં પુરુષ થઈ જાય છે અને તેની નિખાલસતા ક્યાંય ખોવાઈ જાય છે. આ છોકરો જ્યારે એક દીકરીનો પિતા બને છે ત્યારે તેનામાં ખોવાયેલું બાળપણ પાછું જીવતું થાય છે. પોતાના જીવનમાં અનુભવેલા અને કદાચ અનુભવવાના રહી ગયેલા તમામ સુખ અને સાહસો તે પોતાની દીકરીને કરાવે છે. આ તો માત્ર પિતાની લાગણી છે. ખરેખર કુદરતની કરામત વિચારીએ તો તેનો તો ગુઢાર્થ કોઈ સમજી શકે તેમ જ નથી.
એક સ્ત્રી જ્યારે પોતાના સંતાનને જન્મ આપે છે ત્યારે આ સંપૂર્ણ કુદરતી પ્રક્રિયા હોય છે. ધરતી પર શ્વાસ લેતા તમામ જીવો આ પ્રક્રિયાને ફોલો કરે છે. મચ્છરથી માંડીને હાથી અને વ્હેલ માછલી સુધી તમામ સજીવો કુદરતના આ નિયમથી બંધાયેલા છે. પ્રાણીઓ ક્યારેય પૂછતાં નથી કે તે નરને જન્મ આપ્યો કે માદા બચ્ચાંને. તેઓ માદા બચ્ચાને તરછોડતા પણ નથી. માણસો કે જેને બુદ્ધિશાળી, સામાજિક પ્રાણી કહેવામાં આવે છે તે વધારે પડતી બુદ્ધિ ચલાવીને આવા કરતૂતો કરતો રહે છે. માણસને ત્યાં નર અને માદા વચ્ચે ભેદભાવના તૂત ચાલતા હોય છે. તેનાથી પણ આગળ વિચારીએ તો એક સ્ત્રીમાંથી બીજા સ્ત્રીનું સર્જન થવું તે કેટલી અદભૂત પ્રક્રિયા છે. એક ગર્ભમાંથી બીજા ગર્ભનું સર્જન થવું અને પ્રકૃતિના સર્જનના સંચાલનનો વિસ્તાર થવો તે નાનીસૂની ઘટના નથી. એક વૃક્ષ જ્યારે ફળ આપે છે તો તેમાં બીજ આપોઆપ ગોઠવાયેલા જ હોય છે. તેના દ્વારા જાણે અજાણે બીજા વૃક્ષનું સર્જન થઈ શકે.
આપણો માનવસમાજ એટલો દંભી છે કે, કુદરતા આ સરળ ક્રમને જાણી શકતા નથી. તેને જાણતા હોવા છતાં સ્વીકારી શકતા નથી. સ્ત્રી એક જ પાત્ર એવું છે જેનામાં સર્જન કરવાની તાકાત રહેલી છે. ખેતરમાં નખાતા દસ કિલો બીજ જ્યારે ફલિત થઈને બહાર આવે છે ત્યારે ખેડૂતને હજારો મણ પાક મળે છે. ધરતી જેને આપણે માતા કહીએ છીએ તો લાખો ગણું કરીને પોતાના સંતાનોને પાછું આપે છે. તેવી જ રીતે એક સ્ત્રી જ્યારે પોતાની દીકરીને જન્મ આપે છે તો તે પણ કુદરતના સર્જનચક્રને આગળ વધારવાની મોટી જવાબદારી બીજાને આપે છે.
આપણે સમાજ તે ખરેખર સમજતો નથી અથવા તો દંભના કારણે સમજવા માગતો નથી. આપણે ત્યાં સ્ત્રીઓની ઉપેક્ષા પાછળ મોટાભાગે વિચિત્ર માનસિકતા રહેલી છે, દીકરીને પારકી થાપણ સમજવાની. દીકરો હોય તો મોટો થાય અને આપણા જ ઘરે રહે. તેની પાછળ કરેલા તમામ ખર્ચા વ્યાજ સ્વરૂપે પાછા આવે. ઘડપણમાં પોતાને સાચવે અને વારસો જાળવે. દીકરીને તો સાસરે વળાવી એટલે પૂરું... આપણી જવાબદારીઓ પૂરી અને બીજા ઘરે તે જે કરે તે. સવાલ એટલો જ છે કે, ખરેખર આટલેથી વાત અટકી જાય છે. હકિકતે, આપણી દીકરી કોઈના ઘરે જાય એટલે આપણી અને દીકરીની જવાબદારી વધી જાય છે. મા-બાપના સંસ્કારો અને સાસુ-સસરાંની આબરૂ બંને તેના હાથમાં આવે છે એટલે જ તેને પુત્રવધુ કહેવાય છે. પુત્ર કરતાં વધુ જવાબદારી તેના ખભે હોય છે. આ દીકરીઓ આપણી મૂડી હોય છે. જ્યાં સુધી તેનામાં સંસ્કારો, જુસ્સો, હિંમત, શિક્ષણ વગેરેનું રોકાણ નહીં કરો ત્યાં સુધી તેનું વ્યાજ નહીં મળે.
સમાજની ક્યાંય નિયમાવલી નથી મળતી, ક્યાંય નિયમોનું પુસ્તક લખાયેલું નથી. વેદો-ઉપનિષદો અને અન્ય ધર્મગ્રંથોમાં ક્યાંક એવું લખ્યું નથી કે, દીકરીઓ બોજ બનીને આવે છે અને પુત્રવધુ થયા પછી જ બોજ ઓછો થાય છે. જો દીકરો એકલો જ માતા-પિતાની સેવા કરી શકતો હોત તો તેની પત્નીની જરૂર શા માટે હોત. સૌથી મોટો સવાલ તો એ જ છે કે સ્ત્રી માતા છે અને સર્જન તેની પ્રકૃતિ છે. એક સ્ત્રી જ એમ વિચારે કે દીકરી નથી જોઈતી તો તેનાથી મોટી મૂર્ખામી અને કરૂણતા બીજી કઈ હોઈ શકે. દીકરીની અનિચ્છા દર્શાવતી સ્ત્રીઓ એક વખત પણ નથી વિચારતી કે તેમના મા-બાપે પણ આવી જ જીદ કરી હોત તો આજે તેમનું અસ્તિત્વ હોત. દીકરા કે દીકરીમાં ભેદ કરવાની વાત જ નથી. વાત આપણી માનસિકતાને સુધારવાની છે. દીકરાને તેના માતા-પિતાની જવાબદારી હોવાનું શીખવાય છે જ્યારે દીકરી આ જ જવાબદારીને પોતાનો સ્નેહ અને ઋણાનુબંધ હોવાનું જન્મજાત સ્વીકારીને ઉછરે છે. દીકરા અને દીકરીમાં લાગણીઓનું સિંચન કરીએ તો સમાજમાં બધું જ વ્યવસ્થિત ચાલે તેમ છે.
મૂળ વાત એટલી જ છે કે, દીકરીઓના જન્મને વધારે ઉત્સાહથી ઉજવવો જોઈએ અને વધાવવો જોઈએ. દીકરા પાછળ ઘેલાં થઈશું અને દીકરીઓને મારતા રહીશું અને વારસદારોની શોધમાં ફરતા રહીશું તો એક સમય એવો આવશે કે તમારો, મારો કે આપણો વારસદાર પોતાનો વારસદાર જન્માવી નહીં શકે. અહીંયા દીકરા કે દીકરી વચ્ચે ભેદ રાખવાની કે દીકરીઓ અને સ્ત્રીઓની તરફેણનો પ્રશ્ન નથી થતો. અહીં વાત છે આપણી માનસકિતા અને સમાજના કહેવાતા નિયમો અને પરંપરાને ત્યજવાની. સર્જન ઈશ્વરની ભેટ છે અને તેના સ્વરૂપે જે મળે તે પ્રેમથી સ્વીકારવું જોઈએ. માગીને લીધેલી ભેટનો આનંદ લાંબો ટકતો નથી. તેમાં આપનાર અને લેનાર બંનેના મન ખચકાતા હોય છે.