વેલેન્ટાઈન-ડેનો રંગ રાતો .
- જીવનના સંખ્યાબંધ પાસાંઓ સાથે સંકળાયેલો છે પ્રેમના પ્રતિક જેવો લાલ રંગ
વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો છે ત્યારે મોટા ભાગની ગિફ્ટ શોપમાં રાતા રંગનો મહિમા વધી પડયો છે. ઘેરા લાલ રંગની વિવિધ પ્રકારની ભેટસોગાદની આઈટમ યુવા વર્ગને આકર્ષી રહી છે. વેલેન્ટાઈન ડેના લાલ ગુલાબની માગ એટલી બધી વધી જાય છે કે ફૂલવાળા રાતા ગુલાબના દામ દસગણા કરી મૂકે છે. જ્યારે ગિફ્ટ શોપમાં લાલ રંગના હૃદય, લાલ નાઈટી, લાલ જોડાં, લાલ મોજાં, લાલ પર્સ અને લાલ રંગની બહુવિધતા ધરાવતા ગ્રીટિંગ કાર્ડ સમગ્ર શોપને રાતા રંગે રંગી નાખે છે.
આ લાલ રંગ માત્ર વેલેન્ટાઈન ડે પૂરતો જ સીમિત નથી. ભારતીય પરંપરામાં રાતા રંગનો મહિમા સદીઓ પુરાણો છે. આપણે ત્યાં શુભ પ્રસંગે લાલ રંગના વસ્ત્રો પહેરવાની પ્રથા સૈકાઓ જુની છે. ખાસ કરીને લગ્નના માંડવે બેઠેલી કન્યા લાલ રંગના વસ્ત્રો જ ધારણ કરે છે. નવવધૂની મહેંદીનો ઘેરો લાલ રંગ જોઈને તેની સહેલીઓ બોલી ઊઠે છે. ''આ રાતો રંગ તને પતિની લાડકી બનાવશે.'' લીલી મહેંદીથી હથેળી પર આવતા લાલ રંગ માટે ગીતકારે કહ્યું છે, ''પાંદડુ લીલું ને રંગ રાતો, હે રે મારી મહેંદીનો રંગ મદમાતો...''
લાલ રંગ પ્રેમ સાથે એવી રીતે જોડાઈ ગયો છે કે તે પ્રેમનું પ્રતિક બની ગયો છે. સ્ત્રીના ગાલ પર શરમના શેરડા પડે ત્યારે તેનો ચહેરો લાલ લાલ થઈ જાય છે. તેવી જ રીતે ક્રોધાવેશમાં આવેલી વ્યક્તિ પણ રાતીપીળી થઈ જાય છે. અગાઉ રણમેદાનમાં લડતા લડવૈયાઓને શત્રુની રક્તરંજિત કાયા શૂરાતન ચડાવતી. જ્યારે માતૃભૂમિ માટે લોહી વહાવનાર લડવૈયા શૂરવીર ગણાય છે. આમ છેવટે મનુષ્યના લોહીમાં પણ લાલ રંગનો જ મહિમા છે.
સૂર્યોદય અને સૂર્યાસ્ત દરમિયાન રતુંબડુ બનેલું આભ કુદરતી સૌંદર્યનો બેમિસાલ નમૂનો બની રહે છે, જ્યારે આગની લપકતી રાતી જ્વાળાઓ મનુષ્યને થથરાવી મૂકે છે. આમ રાતો રંગ માત્ર પ્રેમ સાથે જ નહીં, આપણા જીવનના સંખ્યાબંધ પાસાંઓ સાથે વિવિધ રીતે સંકળાયેલો છે. આવામાં વેલેન્ટાઈન ડેની ભેટસોગાદમાં લાલ રંગની બહુવિધતા જોવા ન મળે તો જ નવાઈ.