પગની 'રુંવાટી' દૂર કરવા 'રેઝર'નો ઊપયોગ
''આ રવિવારે તો ગમે તેમ કરીને બ્યુટિશયનને ઘરે બોલાવવી જ પડશે. છેલ્લા એક-બે રવિવારથી અમારા બંનેના સમયનો મેળ ખાતો જ નથી. અને આપણા જેવા નોકરિયાત તો માત્ર રવિવાર જ ફાળવી શકે છે. આ જોને પગના વાળ કેટલા વધી ગયા છે. હવે તો વેક્સ કરાવવું જ પડશે, અસ્ત્રો વાપરવાથી વાળ બરછટ ઊગે છે એટલે વેક્સનો જ આધાર લેવો પડે છે. બાકી અસ્ત્રો ફેરવી દઈએ તો કામ પતે અને આપણને સમય મળે ત્યારે આ કામ થઈ શકે છે એટલે બ્યુટિશિયનની રાહ જોવાની માથાકૂટમાંથી છૂટકારો મળે.'' આવી ફરિયાદ નોકરિયાત મહિલાઓમાં સામાન્ય છે. પરંતુ અસ્ત્રાના ઉપયોગથી વાળ બરછટ થાય છે તેમજ વાળનો વિકાસ પણ વધુ થાય છે. એ એક ભ્રમ છે જેને દૂર કરવાનો સમય પાકી ગયો છે.
બ્યુટિશિયનોએ જણાવ્યા પ્રમાણે પગની રૂવાંટી દૂર કરવા માટે અસ્ત્રો વાપરી શકાય છે. આ કારણે વાળના જથ્થા કે રંગમાં કોઈ ફરક પડતો નથી. વાળના વિકાસનો સંબંધ ત્વચાના વચલા પડમાં આવેલા વાળના મૂળ સાથે છે. અને અસ્ત્રો આ મૂળ સુધી પહોંચી શકતો નથી. અસ્ત્રાને કારણે વાળ એકસરખા દૂર થાય છે આથી તેઓ એક સાથે જ વધે છે. આ કારણે વાળના સ્પર્શમાં થોડો ઘણો ફેર પડી શકે છે. પરંતુ પાછા ઉગેલા વાળ મૂળ વાળ જેવા હશે એ વાતની ગેરેન્ટી કેટલાક સોંદર્ય નિષ્ણાતો આપવા તૈયાર છે.
તમારા પગમાં અને હાથમાં વાળ કેટલા છે? એ પ્રશ્ન પૂછનારને તમે મૂર્ખમાં ખપાવો એવી શક્યતા નકારી કઢાય તેમ નથી. વાળ કંઈ ગણી શકાતા હશે? વાળ ગણવાનું કામ આભમાં તારા ગણવા સમાન છે. એમ તમે બબડશો પણ ખરા પરંતુ વિજ્ઞાાને કરેલા સંશોધન પરથી જાણવા મળ્યું છે કે એક નારીના પગ પર સરાસરી ૧૧,૦૦૦ વાળ હોય છે. અને હાથમાં ૨,૫૦૦ વાળ છે. આ વાત ખરી છે કે નહીં તે સાબિત કરવા તમારે જાતે વાળ ગણવા પડશે પરંતુ હાથ-પગના વાળની સૂગ ધરાવતી નારીઓ આ માટે તૈયાર નહીં થાય આથી આ મગજમારી છોડી આપણે હાથ-પગ પરથી અસ્ત્રા વડે કેવી રીતે વાળ દૂર કરવા એ જ વાત પર ધ્યાન આપીએ.
વેલ, પગની ત્વચા પર ઉઝરડા પડે નહીં અને વાળ વગરની સુંવાળી ત્વચા પ્રાપ્ત થાય એ માટે રેઝર વડે વાળ કાઢવા માટે કઈ પદ્ધતિનો વપરાશ કરવો જોઈએ એનંુ માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અસ્ત્રાનો વપરાશ કરતા પૂર્વે બે મિનિટ સુધી વાળને હૂંફાળા પાણીમાં ભીંજાવા દેવા જરૂરી છે. હા, શેવ કરતા પૂર્વે તમે સ્નાન કરી શકો છો. વાળને હંૂફાળા પાણીમાં ભીંજાવા દેવાથી વાળ નરમ પડશે અને તેને દૂર કરવાનું કામ આસાન થશે. પરંતુ વધુ સમય સુધી વાળ પર પાણી રહેશે તો ત્વચા પર કરચલી પડશે અને ચામડી જાડી થઈ જતા શેવિંગ કરવાનું કામ મુશ્કેલ થશે.
અસ્ત્રાની બ્લેડ સરળતાથી ફરી શકે માટે ત્વચા પર સાબુ વિનાનું જેલ લગાડો. આ જેલ લગાડવાને કારણે મોઈશ્ચર જળવાઈ રહેશે. અને અસ્ત્રો સરળતાથી તેના માર્ગ પર આગળ વધશે. ઘૂંટી કે ઘૂંટણ જેવા કઠણ વિસ્તાર પર જેલ વધુ સમય રાખો.
હાથમાંથી છટકી ન જાય અને બરાબર પકડ જાળવી રાખે એવો અસ્ત્રો પસંદ કરો. નારીઓના વાળ એક જ દિશામાં (નીચેની દિશામાં વધે છે આથી રેઝર એથી વિરુદ્ધ દિશા (ઉપરની દિશા)માં ચલાવો. આ કારણે ઉઝરડા પડશે નહીં અને વાળ સરળતાથી દૂર થશે. અને હા, વાળ કાઢતી વખતે અણીદાર બ્લેડ પસંદ કરો. અને દર વખતે નવી બ્લેડ વાપરવાનો આગ્રહ રાખો. ઘૂંટી કે ઘૂંટણ જેવા વિસ્તારમંથી વાળ દૂર કરવાનું કામ જરા અઘરું છે. આથી આ વિસ્તાર પર સૌથી છેલ્લે રેઝર ફેરવો. શેવ જેલ લાંબા સમય સુધી રહેશે તો આ વિસ્તારમાંથી વાળ કાઢવાનું કામ આસાન થઈ જશે.
વાળ કાઢ્યા પછી મોઈશ્ચરાઈઝિં લોશન કે ક્રીમ પગ પર લગાડો.
આટલી વાત ધ્યાનમાં રાખો
* પુરુષોની રેઝર ક્યારે પણ વાપરો નહીં
* અસ્ત્રાને ધોયા પછી ટુવાલ કે ટિશ્યુથી લૂછ્યા વગર તેને ખુલ્લી હવામાં સૂકાવા દો. આમ કરવાથી અસ્ત્રાને નુકસાનથી બચાવી શકશે.
* અસ્ત્રો વાપરતી વખતે દબાણ કરો નહીં. હળવાશથી અસ્તરાને પગ પર ફેરવો.
આમ પગ પરથી વાળ દૂર થઈ ગયા પછી તમે તમારા પગની પાનીને સજાવી શકશો. આજે બજારમાં સજાવટ માટેની બિંદીઓ મળે છે. એ વાપરી તમે તમને ગમે એવી ડિઝાઈન કરી શકો છો. તેમજ સહેલાઈથી ચીટકી જાય એવા રંગબેરંગી આભુષણો પણ વાપરી શકો છો. પગની પાની અને આંગળાને સજાવવા તમે તમારી કલ્પનાને વેગ આપી શકો છો. તમારી કલ્પનાને રંગ આપવા માટે તમારી પાસે લિપ પેન્સિલ, નેઈલ પોલિશ, કોસ્મેટિક પેન્સિલ, મેંદી જેવા જાતજાતના વિકલ્પ હાજર છે.
પગના વાળ દૂર કરી પગ સુંદર બનાવ્યા પછી હવે જરા માથાના વાળની માવજત પર પણ એક નજર ફેરવી લઈએ...
* શેમ્પૂનો વધુ પડતો ઉપયોગ કેશ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. રોજ વાળ ધોવા કરતા એકાંતરે દિવસે વાળ ધોવાની આદત વધુ સારી છે અને તમારે રોજ કેશ ધોવા જ હોય તો શેમ્પૂમાં પાણી ભેળવી વાળ ધૂઓ. આ કારણે શેમ્પૂમાં રહેલા રસાયણોની અસરથી બચી શકાશે.
* સપ્તાહમાં એક દિવસ વાળને ડીપ-કંડિશનિંગ કરો. આ કારણે વાળની કુમાશ અને ચમક વધશે. સૂકા વાળમાં કંડિશનર વડે માલિશ કર્યાં પછી તેને ડિફ્યુઝરથી પાંચ મિનિટ સુધી ડ્રાઈ કરો. ત્યાર પછી તેને બરાબર ધોઈ નાખો.
* ભીના વાળ પર બ્રશ ફેરવવાને બદલે પહોળા દાંત ધરાવતી કાંસકી વાપરો.
* સાધારણ ખરબચડા બ્રશ (બ્રિસ્ટલ બ્રશ) વડે રોજ વાળ ઓળવાથી વાળના પ્રાકૃતિક તેલો મૂળમાંથી વાળના છેડા સુધી પહોંચી શકશે જેને કારણે કેશની ચમક વધશે.
* બહાર જતી વખતે પ્રદૂષણ અને તડકાથી વાળ બચાવવા માટે વાળને સ્કાર્ફથી ઢાંકી દો.
- અમિતા